ગંગો (પૂર્વના) : ઇન્દ્રવર્મા પહેલાએ કલિંગ પ્રદેશમાં ઈ. સ. 496માં સ્થાપેલ ગંગ વંશના શાસકો.
આ નવા વંશની રાજધાની કલિંગનગર(ગંજામ જિલ્લામાં આવેલા મુખલિંગમ્)માં હતી. આ વંશના ઇષ્ટદેવ ગંજામ જિલ્લામાં આવેલા મહેન્દ્રગિરિના શિખર ઉપરના ગોકર્ણેશ્વર મહાદેવ હતા. આ નવા રાજવંશનો સ્થાપક ઇન્દ્રવર્મા પહેલો (ઈ. સ. 496–536) હતો. પાછળથી એના રાજ્યાભિષેકના વર્ષ(ઈ. સ. 496)થી ‘ગંગ સંવત’ પ્રચલિત કરવામાં આવેલો. એના પછી મહાસામંત વર્ષ (ઈ. સ. 560–575), હસ્તિવર્મા (ઈ. સ. 575–583) અને ઇન્દ્રવર્મા (ઈ. સ. 583–587) સત્તા પર આવેલા. ઇન્દ્રવર્મા બીજા(ઉર્ફે રાજસિંહ)ના પુત્ર ઇન્દ્રવર્મા ત્રીજાએ વિષ્ણુકુંડી વંશના રાજવી ઇન્દ્રવર્મા ઉપર વિજય મેળવ્યો હતો એમ કહેવાય છે. પણ એ શંકાસ્પદ છે. એના પછી એના પુત્ર દાનાર્ણવનો પુત્ર ઇન્દ્રવર્મા ચોથો સત્તા પર આવ્યો. તેણે ઈ. સ. 650 સુધી રાજ્ય કર્યું હતું. ઇન્દ્રવર્મા ચોથાના પુત્ર ગુણાર્ણવના ઘણું કરી પુત્ર દેવેન્દ્રવર્માના ઉત્કીર્ણ લેખો ઈ. સ. 679થી 691ના મળ્યા છે. એના પછી એનો પુત્ર અનંતવર્મા (ઈ. સ. 700–717) અને એના ઉત્તરાધિકારી તરીકે એનો પુત્ર નંદવર્મા સત્તાધીશ બન્યો હતો. અનંત-વર્માના બીજા પુત્ર દેવેન્દ્રવર્મા બીજાનાં દાનશાસન ઈ. સ. 747-50નાં પ્રાપ્ત થયાં છે. જાણવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કલિંગનગરથી થોડે દૂર શ્વેતકનગરમાં ગંગ વંશની વધુ શાખા પણ સત્તા ધરાવતી હતી.
કે. કા. શાસ્ત્રી