ગળી (ultramarine) (અકાર્બનિક)
January, 2010
ગળી (ultramarine) (અકાર્બનિક) : સલ્ફરયુક્ત ઍલ્યુમિનોસિલિકેટ ધરાવતો વાદળી રંગનો વર્ણક. મધ્યયુગમાં જળયુક્ત (hydrated) લાજવર્દ(lapis lazuli)ને ખાંડીને તે મેળવવામાં આવતો. એશિયામાંથી વહાણો દ્વારા તે લાવવામાં આવતો હોવાથી તેનું અંગ્રેજી નામ અલ્ટ્રામરિન (beyond the sea) પડ્યું છે. તૈલ-ચિત્રો (oil paintings) માટે તે ખાસ પસંદ કરવામાં આવતો, પણ તે મોંઘો પડતો. તેનો રંગ પોલિસલ્ફાઇડ આયનને લીધે છે. હવે સરખા પ્રમાણમાં લીધેલા સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ સલ્ફેટ, કેઓલિન (સફેદ માટી, kaolin, china clay), સલ્ફર અને થોડા પ્રમાણમાં રેતી (silica, SiO2) અને રોઝિન (rosin) કે ડામર(pitch)માંથી કૃત્રિમ રીતે તેનું ઉત્પાદન કરવામાં આવે છે. મિશ્રણને 750° સે. તાપમાન સુધી ગરમ કરી બંધ ભઠ્ઠીમાં તેને ઠંડું પડવા દેવામાં આવે છે. તેની ઝાંય ઘટકોના પ્રમાણ મુજબ લીલાશ પડતા ભૂરાથી લાલાશ પડતા ભૂરા રંગની હોય છે. આ વર્ણકની બનાવટ 1826માં ગિમેટ અને ગ્મેલિને એકબીજાથી સ્વતંત્ર રીતે શોધી હતી.
ગળીમાં ઍલ્યુમિનિયમ, ઑક્સિજન, સિલિકન, સોડિયમ અને સલ્ફર હોય છે, પણ તેનું ચોક્કસ બંધારણ નક્કી નથી થઈ શક્યું; પરંતુ સંન્નિકટ (approximate) સૂત્ર Na8[(AlSiO4)6]S2 અથવા Na7Al6Si6O24S3 માનવામાં આવે છે. તે પેઇન્ટ્સ, લેકર્સ અને સુશોભન માટેના પદાર્થોમાં વપરાય છે. તેનો તેજસ્વી (brilliant) ભૂરો રંગ હવા તથા પ્રકાશ પ્રત્યે સ્થાયી છે; પરંતુ ઍસિડ મંદ હોય તો પણ તેની હાજરીમાં ગળી વિઘટન પામે છે. પ્રક્ષાલકો (detergents) અને કૃત્રિમ ચમકકારકો (brightners) વપરાશમાં આવ્યાં તે પહેલાં ધોયેલાં કપડાંને ભૂરી ઝાંય આપવા ગળીનો ઉપયોગ થતો. પાણીમાં લોહના ક્ષારોને કારણે સફેદ કપડું પીળાશ પકડે છે. ગળી આ પીળાશને દબાવી દઈને કાપડને સફેદ ચમક આપે છે.
જ. પો. ત્રિવેદી