ગળફો : શ્વસન માટેની નળીઓ અને ફેફસાંમાં જમા થયેલા ને ઉધરસ વડે બહાર કઢાતો સ્રાવ (secretion). તંદુરસ્ત વ્યક્તિને ભાગ્યે જ ઉધરસ (ખાંસી) આવે છે. તેઓમાં નીચલા શ્વસનમાર્ગમાં ખૂબ ઓછા પ્રમાણમાં સ્રાવ (પ્રવાહી) ઉત્પન્ન થાય છે, જે પક્ષ્મ(cilia)નાં સ્પંદનો વડે ઉપર તરફ ધકેલાઈને ગળામાં પહોંચે છે, જ્યાંથી પોતાને જાણ ન પડે તેવી રીતે વ્યક્તિ તેને ગળી જાય છે. શ્વસનમાર્ગની નળીઓની અંદરની દીવાલના કોષોની સપાટી પર સૂક્ષ્મ વાળ જેવા પ્રવર્ધો (projections) હોય છે, જે તાલબદ્ધ રીતે આજુબાજુ હાલે છે. તેને પક્ષ્મ કહે છે. જ્યારે શ્વસનમાર્ગમાં વધુ પ્રવાહી ઉત્પન્ન થાય, લોહી ઝમે કે પરુ બને, શ્વસનમાર્ગના પ્રવાહીના ભૌતિક ગુણધર્મો બદલાય (દા. ત., ચીકણું અને ઘટ્ટ બને) અથવા તેને બહાર કાઢવાના માર્ગમાં અવરોધ ઉદભવે ત્યારે શ્વસનમાર્ગમાં સ્રાવ જમા થાય છે તેને પક્ષ્મ વડે દૂર કરી શકાતો નથી અને તેથી તેને ખાંસી વડે બળપૂર્વક દૂર કરાય છે. ખાંસી અને ગળફો દૂર કરવાની ક્રિયા સંરક્ષણાત્મક ક્રિયાઓ છે અને તે શ્વાસમાં આવેલા દૂષિત પદાર્થો, જમા થયેલું પ્રવાહી અને શ્વસનમાર્ગના ચેપને દૂર કરવામાં મદદરૂપ બને છે. દર્દીઓ ખાંસી અને કફોત્સાર (expectoration) અથવા ગળફો દૂર કરવાની પ્રક્રિયાને રોગ કે વિકારનું ચિહ્ન ગણે છે. તબીબી સલાહ લેવા માટે આવતા દર્દીઓનું તે બીજા ક્રમાંકે આવતું રોગસૂચક લક્ષણ છે.
શ્વસનમાર્ગમાં પ્રવાહીનો કેટલો સ્રાવ થાય છે તે જાણમાં નથી. ખાંસી અને કફોત્સાર વડે શ્વસનમાર્ગમાં જમા થયેલું પ્રવાહી નીકળી જાય એટલે શ્વસનક્રિયામાં અવરોધ થતો અટકે છે. બેભાન અવસ્થા, ગળા અને શ્વાસોચ્છવાસના સ્નાયુઓનો લકવો, શ્વાસનળીમાં નળી નાખી હોય તેવી સ્થિતિ (intubation), ખાંસીની ચેતાપ્રક્રિયાનો વિકાર, શ્વાસની નળીઓમાં ગાંઠ કે બાહ્ય પદાર્થથી અવરોધ, ખૂબ જ જાડું ચીકણા પરુવાળું પ્રવાહી વગેરે વિવિધ પરિબળોને કારણે ફેફસાં અને નાની શ્વસનનલિકાઓમાં સ્રાવ જમા થાય છે અને ગળફો બહાર નીકળતો નથી. તેને કારણે ફેફસામાં જે-તે ભાગમાંની હવા શોષાઈ જાય અને નિર્વાતતા (atelectasis) થાય છે કે ફેફસાનો ચેપ લાગે છે.
ગળફાનું પ્રમાણ, પ્રકાર, રુધિરયુક્તતા (blood stained), સમયગાળો વગેરે માહિતીને આધારે રોગનું નિદાન કરી શકાય છે. સતત બે વર્ષ ત્રણ માસ માટે ખાંસી અને ગળફો રહે તો દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ(chronic bronchitis)નું નિદાન કરાય છે. સામાન્ય રીતે કફોત્સારી ખાંસી(productive cough)નું કારણ નીચલા શ્વસનમાર્ગનો ચેપ અથવા અન્ય શોથકારી (inflammatory) વિકારો હોય છે. બ્રૉન્કાઇટિસ અને બ્રૉન્કિઍક્ટેસિસમાં ગળફો ભરાઈ રહે છે અને તેથી વહેલી સવારે ઊઠતી વખતે ખૂબ ખાંસી આવવા સાથે ગળફો પડવાની ક્રિયા થાય છે. ગંધ મારતો ગળફો અજારક જીવાણુ(anaerobic bacteria)નો ચેપ સૂચવે છે. બ્રૉન્કો-એલ્વીઓલર કાર્સિનોમા પ્રકારના ફેફસાના કૅન્સરમાં લાળ જેવો પાતળો, ફીણ અને લોહીવાળો ગળફો પડે છે. ફેફસામાં સોજો આવે (ફુપ્ફુસીય શોથ, pulmonary oedema) ત્યારે પુષ્કળ, ગુલાબી રંગનો, ફીણવાળો ગળફો આવે છે. આવી સ્થિતિ હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતા(acute left ventricular failure, LVF)માં પણ થાય છે. ન્યુમોનિયા(ફુપ્ફુસીય શોથ)ના દર્દીમાં કટાયેલ લોખંડના રંગનો (rusty) ગળફો પડે છે. બ્રૉન્કિઍક્ટેસિસના દર્દીને પુષ્કળ, પરુવાળો, વારંવાર લોહીની ટશરોવાળો (blood streaking), અને ખાસ કરીને પાસું ફેરવતાં કે ઊઠતાં-બેસતાં, ગળફો પડે છે. ખાંસી, ગળફો તથા તે સાથેનાં અન્ય લક્ષણો પણ નિદાન કરવામાં ઉપયોગી છે. દા. ત., દમના દર્દીને સિસકારા (wheezing) થાય છે, ચેપ હોય તો ટાઢ વાય છે અને તાવ આવે છે. હૃદયરોગનો હુમલો હોય તો તેનાં ચિહનો ઉદભવે છે, ગાંઠ કે અન્ય અવરોધો હોય તો વજન ઘટે છે વગેરે.
ગળફામાં લોહી પડે ત્યારે તેને રુધિરોત્સાર (haemoptysis) અથવા રુધિરયુક્ત ગળફો કહે છે. ગળફારૂપે લોહી પડે કે ગળફામાં લોહીની થોડી ટશરો દેખાય તેવી બંને સ્થિતિમાં તેને રુધિરોત્સાર જ કહે છે. આવા દર્દીની સંપૂર્ણ તપાસ આવશ્યક ગણાય છે. ગળફામાં આવતું લોહી પ્રાણવાયુયુક્ત હોય છે અને તેથી સંપૂર્ણપણે લાલ હોય છે. લોહીની ઊલટી થાય તો જઠરમાંથી અડધું બચેલું લોહી આવે છે. તે કૉફીના જેવું છીંકણી રંગનું હોય છે. તેને રુધિરવમન (haemetemesis) કહે છે. લોહીવાળો ગળફો અને લોહીવાળી ઊલટીને એકબીજાથી અલગ પાડવાં જરૂરી ગણાય છે.
ક્રૉનિક બ્રૉન્કાઇટિસના દર્દીમાં સમયાંતરે ઝાંખો લોહી રંગનો ગળફો આવે છે. ન્યુમોનિયા અને ફુપ્ફુસીય શોથમાં આવતો ગળફો પણ રુધિરયુક્ત હોય છે. લોહીયુક્ત ગળફાનાં મુખ્ય કારણો ક્ષય, કૅન્સર અને બ્રૉન્કિઍક્ટેસિસ છે. ત્યારપછીનું મહત્વનું કારણ ક્રૉનિક બ્રૉન્કાઇટિસ છે. અન્ય કારણોમાં ફેફસાંની ધમનીમાં લોહીના ગઠ્ઠાનું જામવું, હૃદયના દ્વિદલ (mitral) વાલ્વનું સંકીર્ણન (stenosis), ફેફસાંમાં ધમની અને શિરા વચ્ચે જોડાણ, ગુડપાશ્ચરનું સંલક્ષણ વગેરે હોય છે. 5 %થી 15 % કિસ્સામાં કોઈ કારણ જાણી શકાતું નથી. નિદાનલક્ષી તપાસ અને કસોટીઓમાં નાકની પાછળ આવેલા ગળાની તપાસ, શ્વાસનળી અને શ્વસનનલિકાઓની અંત:દર્શક વડે તપાસ (bronchoscopy), છાતીનું એક્સ-રે ચિત્રણ, ગળફામાં ક્ષયના જીવાણુનું નિર્દેશન, જરૂર પડ્યે છાતીનું સીએટી સ્કૅન અને અન્ય લોહીની કસોટીઓ કરવામાં આવે છે.
સારવાર : ગળફો ઉત્પન્ન કરતા રોગ કે વિકારની સારવાર કરવામાં આવે છે. ચીકણા અને બહાર કાઢવામાં મુશ્કેલ ગળફાને છૂટો પાડવા પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવાનું સૂચવાય છે. વિવિધ કફોત્સારી દ્રવ્યો(expectorants)ની ખાસ ઉપયોગિતા સાબિત થયેલી નથી. બ્રોહમોક્ઝિન અને કાર્બોસિસ્ટિન જેવાં કફને પાતળો કરતાં દ્રવ્યોનો ઉપયોગ ઘણી વખત લાભકારક રહે છે. યોગ્ય સંજોગોમાં બેન્ઝોઇનનો નાસ ફળદાયી રહે છે. વિવિધ પ્રકારનાં ઔષધોની વાતબિન્દુ-ચિકિત્સા (aerosol therapy) ખાસ ફાયદાકારક ગણાતી નથી. દર્દીને ચોક્કસ સ્થિતિ(આડા પડવું, ઊંધા થવું, બેસવું વગેરે)માં મૂકીને ખાંસી ખવડાવવાથી, કફ જમા થયો હોય ત્યાં ધીમે અને હળવેથી થબકારવાથી (percussion) અને અન્ય શારીરિક વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) વડે ગળફો કાઢવામાં સુગમતા રહે છે. આ પ્રકારની ચિકિત્સા ફેફસાંમાં ગૂમડું હોય, બ્રૉન્કિઍક્ટેસિસ થયો હોય કે છાતી કે પેટના ઉપલા ભાગમાં શસ્ત્રક્રિયા કરી હોય તો ખાસ ઉપયોગી રહે છે.
ગળફામાં પડતું લોહી સામાન્ય રીતે આપોઆપ બંધ થાય છે. શ્વસનમાર્ગને ચોખ્ખો રાખવો જરૂરી છે અને તેથી જરૂર પડ્યે શ્વાસનળીમાં નળી મૂકીને ચૂસક યંત્ર(suction)ની મદદ લેવાય છે અને દર્દીને ઘેન કરે તેવી દવા અપાતી નથી. તેની ચિંતા અને અજંપો શમે તે માટે મંદ પ્રશાંતકો (mild tranquillizers) અપાય છે. પુષ્કળ લોહી પડે તો નસ વાટે લોહી અપાય છે અને સારવાર માટે છાતીના નિષ્ણાતની મદદ લેવી જરૂરી બને છે. લોહી પડતું બંધ થાય ત્યારપછી તેના કારણની જાણ મેળવવા તપાસ કરાય છે અને તેને અનુરૂપ સારવાર અપાય છે. શ્વસનમાર્ગમાંથી આવતું લોહી લોહીના કોઈ વિકારને કારણે નથી તે જાણી લેવાય છે. ક્યારેક સંકટ સમયની શસ્ત્રક્રિયા(emergency surgery)ની જરૂર પડે છે.
શિલીન નં. શુક્લ