ગવ્વાસી (મુલ્લાં) : સોળમી સદીનો ગોલકોંડા રાજ્યનો દરબારી કવિ. સોળમી શતાબ્દીના આરંભમાં દક્ષિણ ભારતમાં બહમની શાસનના પતનમાંથી જે પાંચ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમાં ગોલકોંડા (કુતુબશાહી) અને બિજાપુર (આદિલશાહી) રાજ્યોએ સાહિત્યકળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ગોલકોંડાના શાસકો મોહંમદ કુલી કુતુબશાહ, મોહંમદ કુતુબશાહ તેમજ અબ્દુલ્લા કુતુબશાહ પોતે સારા કવિઓ હતા, એટલું જ નહિ પણ ‘દખ્ખની ઉર્દૂ’ના વિકાસમાં આ રાજવીઓએ ભારે રસ લઈ પોતાના દરબારને અન્ય કવિઓ અને વિદ્વાનો માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બનાવ્યું હતું.

મુલ્લાં ગવ્વાસી એક એવા કવિ હતા, જેમણે ઉપર્યુક્ત ત્રણે રાજાઓનો જમાનો જોયો હતો અને પ્રશંસા પામ્યા હતા. અબ્દુલ્લા કુતુબશાહે તો તેમને રાજકવિનું બિરુદ પણ અર્પણ કર્યું હતું. દખ્ખની ઉર્દૂ સાહિત્યમાં ગવ્વાસીની રચનાઓ અને વિશેષ કરીને તેમણે રચેલ મસનવી કાવ્યોનું ભારે મહત્વ છે. ‘મેના સતવન્તી’, ‘સૈફુલ મુલૂક – વ બદીઉલ જમાલ’ તથા ‘તૂતીનામા’ તેમનાં મસનવી કાવ્યો છે. તેમની શૈલીમાં શબ્દાલંકાર અને ચિત્રાત્મકતા ધ્યાન ખેંચે છે.

ગવ્વાસીએ મસનવીઓ ઉપરાંત કસીદા, મરસિયા અને ગઝલ વગેરેમાં પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. ગવ્વાસીની આ કાવ્યધારાએ ગોલકોંડા રાજ્યમાં કવિતાની એક નવી પરંપરા ઊભી કરી; એના સમકાલીન મહાન કવિ મુલ્લાં વજહીને પણ તેમની ઈર્ષ્યા થવા લાગી હતી.

ગવ્વાસી અબ્દુલ્લા કુતુબશાહના દરબારમાં એટલા તો પ્રિયપાત્ર બની ચૂક્યા હતા કે અબ્દુલ્લાએ એક વખત તેમને પોતાના એલચી બનાવીને બિજાપુર મોકલ્યા હતા, જ્યાં ગવ્વાસીએ ભારે ચાહના પ્રાપ્ત કરી હતી.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા