ગલગ્રંથિ
January, 2010
ગલગ્રંથિ (thyroid gland)
ગળાના આગળના ભાગમાં સ્વરપેટીની નીચે આવેલી અંત:સ્રાવી ગ્રંથિ (endocrine gland). તે પતંગિયાના આકારની હોય છે. તેને બે ખંડો (lobes) હોય છે અને તે સ્વરપેટીની નીચે અને શ્વાસનળીની બંને બાજુએ આવેલા છે. તે બંને ખંડો એકબીજા સાથે સેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. સેતુ શ્વાસનળીની આગળ આવેલો છે (આકૃતિ 1). ક્યારેક ગલગ્રંથિ-સેતુની ઉપર ત્રિપાર્શ્વી (pyramidal) ખંડ આવેલો હોય છે. 15 વર્ષ કે તેથી મોટી ઉંમરે ગલગ્રંથિનું વજન 15થી 25 ગ્રામ હોય છે અને તેને પુષ્કળ પ્રમાણમાં લોહી પહોંચાડવામાં આવે છે. (18થી 120 મિલી./મિનિટ) ગલગ્રંથિમાં થાયરૉક્સિન (T4), ટ્રાઇ-આયોડોથાયરોનિન (T3) તથા કૅલ્સિટોનિન એમ ત્રણ અંત:સ્રાવો (hormones) ઉત્પન્ન થાય છે.

આકૃતિ 1 : ગલગ્રંથિનું શરીરમાં સ્થાન. (અ) ગળામાં ગલગ્રંથિનું સ્થાન, (આ) નાના બાળકની ગલગ્રંથિ તથા વક્ષસ્થગ્રંથિ (thymus), (ઇ) ગલગ્રંથિનું ગળામાં સ્થાન – આગળનો દેખાવ, (ઉ) ગલગ્રંથિનું ગળામાં સ્થાન પાછળનો દેખાવ. નોંધ : (1) મગજ, (2) અધશ્ચેતક, (3) પીયૂષિકાગ્રંથિ, (4) ગલગ્રંથિ, (5) પરાગલગ્રંથિ, (6) શ્વાસનળી, (7) વક્ષસ્થ (thymus), (8) ફેફસું, (9) હૃદય, (10) ગળાનો સ્નાયુ, (11) સ્વરપેટીનું કાસ્થિ, (12) પિરામિડલ ખંડ, (13) પાર્શ્વ (lateral) ખંડ, (14) ગલગ્રંથિની ધમની, (15) ગલગ્રંથિની શિરા, (16) ગળાની ધોરી નસ, (17) સબક્લૅવિયન ધમની, (18) પાંસળી, (19) વક્ષાસ્થિનો મેન્યુબ્રિયન નામનો ભાગ, (20) ઉરોદરપટલ (diaphragm), (21) અન્નનળીનો પાછળનો ભાગ.
પ્રાગ્ગર્ભવિદ્યા (embryology) : ગલગ્રંથિ મધ્યરેખા પર આવેલા કંઠ અથવા ગ્રસની(pharynx)ના કોષો અને ચોથા બ્રૅન્કિયલ પાઉચની આદિપેશી(primitive tissue)માંથી વિકસે છે. કંઠના તળિયાના ગલગ્રંથિ બનાવતા કોષો નીચે તરફ ખસે છે ત્યારે તે ગલગ્રંથિ-જિહવાનલિકા (thyroglossal duct) બનાવે છે જે જન્મ સમયે બંધ થઈ જાય છે. કંઠના મધ્યરેખાકીય (median) કોષોમાંથી ગલગ્રંથિના કોષો ઉત્પન્ન થાય છે, જે થાયરૉક્સિન (T4) અને ટ્રાઇ-આયોડોથાયરોનિન (T3) નામના ગલગ્રંથિના અંત:સ્રાવોનું ઉત્પાદન કરે છે. ગલગ્રંથિની બહારની બાજુ (lateral) આવેલો આદિ ગલકોષદળ (thyroid anlagen) મધ્યરેખા તરફ ખસે છે અને તેમાંથી ‘C’ કોષો અથવા પરાપુટિકા (parafollicular) કોષો બને છે, જે કૅલ્સિટોનિન નામનો અંત:સ્રાવ બનાવે છે. ‘C’ કોષો ગલગ્રંથિની દેહધાર્મિક (physiologic) પ્રક્રિયાઓમાં ભાગ લેતા નથી. 10થી 12 અઠવાડિયાંના ગર્ભશિશુમાં ગલગ્રંથિ કાર્યરત બને છે અને તેથી 10મા કે 11મા અઠવાડિયે T4 અંત:સ્રાવ ઉત્પન્ન થવા માંડે છે.
પેશીરચનાવિદ્યા (histology) : ગલગ્રંથિના ખંડોમાં પ્રવાહી ભરેલાં પડીકાં જેવી ગોળાના આકારની ગલગ્રંથિ પુટિકાઓ (thyroid follicles) આવેલી હોય છે. પુટિકાઓની દીવાલના કોષો ફક્ત એક સ્તર (layer) બનાવે છે અને તેમને પુટિકાકીય કોષો અથવા પુટિકાકોષો (follicular cells) કહે છે. પુટિકાનું બહારનું આવરણ તલીય કલા (basement membrane) બનાવે છે. પુટિકાના પોલાણમાં કલિલ (colloid) પ્રવાહી આવેલું છે. ગલગ્રંથિના પુટિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા T4 અને T3 અંત:સ્રાવોને થાયરોગ્લૉબ્યુલિન નામના પ્રોટીન સાથે જોડીને કલિલમાં સંગ્રહવામાં આવે છે. પુટિકાના જે કોષો પુટિકાના પોલાણની દીવાલરૂપ હોય છે તેમને પુટિકાકોષો કહે છે તથા જે કોષો પુટિકાના પોલાણની દીવાલ નથી બનાવતા તેમને પરાપુટિકાકોષો અથવા ‘C’ કોષો કહે છે. પુટિકાકોષો અંત:સ્રાવો બનાવે છે માટે તેમને પ્રધાનકોષો પણ કહે છે. સક્રિય પુટિકાકોષો સ્તંભ-આકાર(columnar)ના હોય છે. જે કોષો અંત:સ્રાવ ઉત્પન્ન કરતા નથી તે ચોખંડા અથવા સમઘન આકાર(cuboidal)ના હોય છે.
ગલગ્રંથિના અંત:સ્રાવો અને આયોડિનનો ચયાપચય : ગલગ્રંથિના મુખ્ય બે અંત:સ્રાવો હોય છે : T4 અને T3, T4ના વજનનો 65 % ભાગ આયોડિનનો બનેલો હોય છે. પૃથ્વીના ઉપલા પડમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય છે તેથી ગલગ્રંથિના કોષો આયોડિનનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટ પ્રક્રિયાઓ ધરાવે છે. જુદા જુદા સ્થળે આહારમાં આયોડિનનું પ્રમાણ અલગ અલગ હોય છે. તે 24 કલાકમાં 20 માઇક્રોગ્રામથી માંડીને 700 માઇક્રોગ્રામ જેટલું હોય છે. માનવશરીરને દિવસના 150થી 300 માઇક્રોગ્રામ આયોડિનની જરૂર પડે છે. જ્યાં જરૂર કરતાં ઓછું આયોડિન મળે છે તેવા વિસ્તારોમાં ગલગ્રંથિની વૃદ્ધિ થાય છે અને તેને વસ્તીસ્થાયી ગલગંડ(endemic goitre)નો વિકાર કહે છે. આ વિસ્તારોમાં રહેતા લોકોના ગળાના આગળના અને નીચેના ભાગમાં ગલગ્રંથિ મોટી થઈને ગાંઠ (ગલગંડ) બનાવે છે. ખોરાક દ્વારા કોઈ પણ પ્રકારે આવેલું આયોડિન આંતરડામાં આયોડાઇડ(I–)ના રૂપમાં ફેરવાય છે અને 30 મિનિટમાં લોહીમાં પ્રવેશે છે. તેમાંથી જરૂરિયાત મુજબનું (5થી 30 %) આયોડિન 24 કલાકમાં ગલગ્રંથિમાં જમા થાય છે. ગલગ્રંથિમાં આયોડિનની જમા થવાની ક્રિયાને આયોડિન અધિગ્રહણ (uptake) કહે છે. લોહીમાં I–નું પ્રમાણ ઓછું હોય છે જ્યારે પુટિકાકોષોમાં તેનું પ્રમાણ 20થી 40ગણું વધુ હોય છે. આમ પુટિકાકોષોની આયોડિન અધિગ્રહણની ક્ષમતા ઘણી વધુ હોય છે. પુટિકાકોષોમાં તેને ઑક્સિડાઇઝ કરીને થાયરોગ્લૉબ્યુલિન નામના પ્રોટીન અણુ સાથે જોડવામાં આવે છે. તેથી ગલગ્રંથિમાં તે I–નાં રૂપોમાં બહુ ઓછું હોય છે. આયોડિનને કોષોમાં સંગૃહીત કરવાની પદ્ધતિને આયોડિનનું અવયવીકરણ (organification) કહે છે. થાયરોગ્લૉબ્યુલિનનો અણુભાર (molecular weight) 6,60,000 છે અને તેમાં 25 % જેટલું ટાયરોસીન હોય છે. તે આયોડિન સાથે સંયોજાઈને મૉનો-આયોડો-ટાયરોસીન (MIT – Mono-Iodo-Tyrosine) અને ડાય-આયોડો-ટાયરોસીન (DIT) બનાવે છે. DITના બે અણુ એકબીજા સાથે જોડાય ત્યારે 3, 5, 3’, 5’-ટેટ્રા-આયોડો-L-થાયરોનિન (થાયરૉક્સિન, T4) બને છે અને એક MIT અને એક DITના જોડાણથી 3, 5, 3´- ટ્રાઇ-આયોડો-L-થાયરોનિન (T3) બને છે (આકૃતિ 2). તેથી થાયરોગ્લૉબ્યુલિનના પૂર્ણ આયોડાઇઝ્ડ અણુમાં MITના 6થી 7,

આકૃતિ 2 : MIT, DIT, T4, T3, વિપરીત T3નું બંધારણ
DITના 3થી 5, T4ના 3થી 4 અને T3ના 0.2થી 0.3 રાસાયણિક શેષ (residues) હોય છે. જોડાણની આ પ્રક્રિયાને યુગ્મન (coupling) કહે છે અને તે માટે થાયરૉઇડ પૅરૉક્સિડેઝ નામનો ઉત્સેચક (enzyme) જરૂરી ગણાય છે. થાયોયૂરિયા જૂથનાં દ્રવ્યો આયોડિનના અવયવીકરણ અને તેનાં સંયોજનના યુગ્મનની પ્રક્રિયાઓને અવરોધે છે. તેને અવદાબન (inhibition) કહે છે. તેથી ગલગ્રંથિનું કાર્ય વધી જાય ત્યારે તે દવારૂપે વપરાય છે. કોષની ટોચ પાસે થાયરોગ્લૉબ્યુલિનમાં આયોડિન ઉમેરાય છે અને ત્યાં અંત:સ્રાવો બને છે. આવા થાયરોગ્લૉબ્યુલિનનો અણુભાર વધુ હોવાથી તે કોષના આવરણરૂપ કોષપટલ(cell membrane)માંથી પસાર થઈ શકતો નથી. તેથી થાયરોગ્લૉબ્યુલિનવાળું કોષતરલ (cytoplasm) છૂટું પડીને પુટિકાના પોલાણમાં કલિલ રૂપે જમા થાય છે. તેને બહિ:ષ્કોષીકરણ (exocytosis) કહે છે. આમ કલિલમાં T4 અને T3 અંત:સ્રાવો જમા થાય છે. કલિલમાંના થાયરોગ્લૉબ્યુલિનના મોટા અણુઓને નત્રલવિઘટક ઉત્સેચકો નાના નાના ઘટકોમાં ફેરવે છે, જે લોહીમાં પ્રવેશી શકે છે. તે સમયે થોડા પ્રમાણમાં T4માંથી T3 બને છે. તેને અપ-આયોડિનીકરણ (de-iodination) કહે છે. MIT અને DITનું અપ-આયોડિનીકરણ પણ થાય છે જેથી આયોડિન અને ટાયરોસીનનો ફરી ફરીને ઉપયોગ થઈ શકે.
લોહીમાં પ્રવેશેલા અંત:સ્રાવો : લોહીમાં પ્રવેશતા અંત:સ્રાવોમાં T4 અને T3નો ગુણોત્તર 15 : 1 હોય છે. લોહીમાં T4 અને T3 અંત:સ્રાવો મુખ્યત્વે પ્રોટીનના અણુ સાથે જોડાયેલા હોય છે અને તે અનુક્રમે 0.02 % (T4) 0.3 % (T3) જેટલા જ મુક્ત રૂપે હોય છે. મુક્ત અંત:સ્રાવો શરીરના કોષોમાં જેટલા પ્રમાણમાં પ્રવેશે તેટલા પ્રમાણમાં પ્રોટીનબદ્ધ (protein bound) અંત:સ્રાવો મુક્ત થાય છે. આમ મુક્ત અંત:સ્રાવોનું પ્રમાણ જાળવવા માટે નિશ્ચિત નિયમન કરનારી પદ્ધતિ અસ્તિત્વમાં છે. T4 અને T3નું લોહીમાં વહન કરાવતાં પ્રોટીન 3 પ્રકારનાં છે. થાયરૉક્સિન-બંધનકારી (thyroxin binding) ગ્લૉબ્યુલિન (TBG, 75 %), ટ્રાન્સથાયરેટીન અથવા પ્રિઆલ્બ્યુમિન અને આલ્બ્યુમિન. TBGનું ઉત્પાદન યકૃત(liver)માં થાય છે. તે 20 માઇક્રોગ્રામ/ડેસિલિટર પ્લાઝમા જેટલું T4 હોય ત્યારે તેની સાથે 1 : 1ના પ્રમાણમાં જોડાય છે. TBGનું પ્રમાણ જુદા જુદા વિકારોમાં વધે અથવા ઘટે છે (સારણી 1). TBGનું પ્રમાણ વધારે કે ઓછું હોય તો કુલ T4 અને T3નું લોહીનું પ્રમાણ અનુક્રમે વધારે કે ઓછું થાય છે; પરંતુ મુક્ત T4 અને T3નું પ્રમાણ બદલાતું ન હોવાથી થાઇરૉઇડનો કોઈ વિકાર થતો નથી. દા. ત., સગર્ભાવસ્થામાં TBG તથા કુલ T4 અને T3નું પ્રમાણ વધે છે; પરંતુ મુક્ત T4 અને T3નું પ્રમાણ સામાન્ય રહેતું હોવાથી થાયરૉઇડનો કોઈ વિકાર થતો નથી. મુક્ત અને કુલ T4 અને T3નું પ્રમાણ દર્શાવવા નીચે જણાવેલું સમીકરણ ઉપયોગી છે.
મુક્ત T4 અથવા
વળી સેલિસિલેટ્સ અને ફેનિટોઇન જેવાં ઔષધો TBG સાથે જોડાય છે અને તેથી પ્રોટીનબદ્ધ T4 અને T3નું પ્રમાણ ઘટે છે. આ માહિતીનો ઉપયોગ થાયરૉઇડ અંત:સ્રાવોના લોહીમાંના પ્રમાણના અર્થઘટનમાં કરવામાં આવે છે.
T4 અને T3 અંત:સ્રાવોનો ચયાપચય : રોજ 80 માઇક્રોગ્રામ જેટલું T4 બને છે. તેમાંથી 30 %થી 40 % T4નું યકૃત, મૂત્રપિંડ, કેન્દ્રીય ચેતાતંત્ર, પીયૂષિકા (pituitary) ગ્રંથિ, છીંકણી રંગની મેદપેશી તથા ઓર(placenta)માં અપ-આયોડિનીકરણ થાય છે અને T3 બને છે. 80 % T3 આ રીતે બને છે. T4 કરતાં T3 3થી 4 ગણું વધુ કાર્યક્ષમ (potent) હોય છે. T4ની છેલ્લી રિંગમાંથી આયોડિન દૂર થાય છે ત્યારે કાર્યક્ષમ T3 બને છે પરંતુ બીજા 40 % T4ની પહેલી રિંગમાંથી આયોડિન દૂર થાય છે અને તેથી વિપરીત T3 (reverse T3) બને છે જે કાર્યક્ષમ હોતું નથી. બાકીનું T4 (20–30 %) પિત્તમાર્ગ દ્વારા આંતરડામાં આવે છે અને ગ્લુકુરોનાઇડ સાથે સંયોજાઈને મળ દ્વારા બહાર નીકળી જાય છે. T3 અને વિપરીત T3માંથી MIT અને DIT બને છે. T4માંથી T3 થવાની પ્રક્રિયા ભૂખમરો, તીવ્ર માંદગી, યકૃતનો મહત્વનો રોગ તથા ગ્લુકોકૉર્ટિકોઇડ અને અન્ય કેટલીક દવાઓથી ઘટે છે.
સારણી 1 : લોહીમાં TBGના પ્રમાણમાં થતો ફેરફાર
1. વધેલું પ્રમાણ : | |
સગર્ભાવસ્થા | |
ગર્ભનિરોધક ગોળીઓ | |
યકૃત(liver)ના રોગો જેવા કે યકૃતશોથ (hepatitis) અને | |
યકૃતકાઠિન્ય (cirrhosis) | |
જન્મજાત ખામી | |
ઉગ્ર અને વારંવાર થતાં પોરફાયરિયાના હુમલા | |
હેરોઇન, મેથાડોન અને ક્લોફાઇબ્રેટનું સેવન | |
2. ઘટેલું પ્રમાણ : | |
પ્રોટીનનું કુપોષણ, યકૃતની નિષ્ફળતા, લાંબી માંદગી | |
અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) | |
જન્મજાત લિંગસૂત્રીય ખામી | |
L ઍસ્પારજીનેઝ, એન્ડ્રોજન અને ગ્લુકૉર્ટિકોઇડનું સેવન |

આકૃતિ 3 : ગલગ્રંથિ અંત:સ્રાવોનું કોષમાં કાર્ય : (1) T3 અંત:સ્રાવ, (2) T4 અંત:સ્રાવ, (3) સ્વીકારક, (4) કોષાંત:કરણ(internalization)ની ક્રિયા, (5) જનીનમાંનો DNA, (6) સ્વીકારક, (7) RNA પૉલિમરેઝ નામનો ઉત્સેચક, (8) પૂર્વ-mRNA, (9) m RNA, (10) સંશ્લેષિત પ્રોટીન, (11) પ્રતિભાવ
ગલગ્રંથિના અંત:સ્રાવો કોષના કોષકેન્દ્રમાં આવેલા ન્યૂક્લિઇક ઍસિડ (ડી.એન.એ.) સાથે જોડાઈને પ્રોટીન-સંશ્લેષણને અસર કરે છે (આકૃતિ 3). તે ઉપરાંત કોષપટલ (cell membrane) અને કણાભસૂત્રો (mitochondria) પર પણ તેમની સીધી અસર હોય છે. કોષકેન્દ્રમાં T4ના સ્વીકારક (receptor) તરીકે C-erb-A નામના કૅન્સરજનીન(oncogene)ના જનીની દ્રવ્ય(gene product)ને ઓળખી કાઢવામાં આવેલો છે.
T4 અને T3 અંત:સ્રાવોનું ઉત્પાદન અને સ્રાવ : લોહીમાંના ગલગ્રંથિના અંત:સ્રાવોના પ્રમાણ(રુધિરસપાટી)ના નિયમન માટે નકારાત્મક પ્રતિપોષી તંત્ર (negative feed back system) અસ્તિત્વમાં છે. મગજનો અધશ્ચેતક (hypothalamus) નામનો વિસ્તાર ગલગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવના વિમોચક અંત:સ્રાવ-(thyrotropin releasing hormone, TRH)નું ઉત્પાદન કરે છે, જે પીયૂષિકા (pituitary) ગ્રંથિ દ્વારા ગલગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવ(thyroid stimulating hormone, TSH)નું ઉત્પાદન અને રુધિરપ્રવેશ વધારે છે. લોહીમાં TSHનું પ્રમાણ વધે ત્યારે ગલગ્રંથિના અંત:સ્રાવો(T4 અને T3)નું ઉત્પાદન અને લોહીમાં તેમનો પ્રવેશ વધે છે. યકૃત, મૂત્રપિંડ અને પીયૂષિકા ગ્રંથિમાં T4નું T3માં રૂપાંતર થાય છે, જે TSHના રુધિરપ્રવેશને ઘટાડે છે. તેવી જ રીતે અધશ્ચેતકનો સોમેટોસ્ટેટિન નામનો અંત:સ્રાવ પણ TSHના રુધિરપ્રવેશને ઘટાડે છે (આકૃતિ 4). ઠંડું વાતાવરણ, ઊંચાઈવાળી જગ્યાએ વસવાટ તથા સગર્ભાવસ્થામાં શરીરની ઊર્જા(શક્તિ)ની જરૂરિયાત વધે છે અને તેથી T4 અને T3નું પ્રમાણ વધે છે. ઇસ્ટ્રોજન, ઍન્ડ્રોજનનું પ્રમાણ વધે અથવા મોટી ઉંમર થાય ત્યારે T4 અને T3નું પ્રમાણ ઘટે છે.

આકૃતિ 4 : અધશ્ચેતક-પીયૂષિકા ગલગ્રંથિનું પ્રતિપોષી નિયમન, (+) ઉત્તેજન, (-) અવદાબન
ગલગ્રંથિના અંત:સ્રાવોનું કાર્ય : ગલગ્રંથિના અંત:સ્રાવો(T4 અને T3)નું મુખ્ય કાર્ય કોષોમાં થતા ચયાપચય(metabolism)નું નિયમન કરવાનું છે. વળી તે શરીરની વૃદ્ધિ અને તેના વિકાસમાં અને ચેતાતંત્રના કાર્યમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેઓ શરીરના લગભગ બધા જ કોષોમાં કાર્બોદિત પદાર્થો (carbohydrates) અને મેદ (ચરબી) દ્રવ્યોનો અપચય (catabolism) વધારે છે અને તેથી ઊર્જાનું ઉત્પાદન થાય છે. તે પ્રોટીનના સંશ્લેષણ(synthesis)નો દર વધારે છે. ઊર્જાનું ઉત્પાદન વધે છે તેથી મૂળભૂત ચયાપચયી દર (basal metabolic rate – BMR) પણ વધે છે. તેને કારણે શરીરનું તાપમાન પણ વધે છે. આ પ્રક્રિયાને કૅલરીજનક અથવા ઊર્જાંકકારી (calorigenic) અસર કહે છે. તે પીયૂષિકા ગ્રંથિના વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) સાથે કાર્ય કરીને શરીરની તથા ખાસ કરીને ચેતાતંત્ર(nervous system)ની વૃદ્ધિ કરે છે. જો ગર્ભશિશુમાં તેની ઊણપ થાય તો જન્મ લેતા શિશુના ચેતાકોષો નાના અને ઓછી સંખ્યામાં બને છે, તેમના અક્ષતંતુ પરનું માયેલિન (શ્વેતાવરણ) ખામીયુક્ત હોય છે અને તેને પરિણામે માનસિક વિકાસ ઓછો થાય છે. તેને માનસિક મંદતા (mental retardation) કહે છે. બાળપણમાં T4 અને T3ની ઊણપ હોય તો વામનતા (dwarfism) અને અવયવોનો અપૂરતો વિકાસ જોવા મળે છે. T4 અને T3 અંત:સ્રાવો ચેતાતંત્રની પ્રતિક્રિયાશીલતા (reactivity) વધારે છે. તે હૃદયનાં સંકોચનોનું જોર અને દર વધારે છે, લોહીનું દબાણ વધારે છે અને લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. વળી તેને કારણે જઠર અને આંતરડાનું ચલન (mobility) વધે છે. તેમનું પ્રમાણ અતિશય વધે તો માનસિક નિર્બળતા (nervousness) આવે છે.
ગલગ્રંથિના પરાપુટિકા કોષો અલ્પ-કૅલ્શિયમકારી અંત:સ્રાવ (calcitonin)નું ઉત્પાદન કરે છે. લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે ત્યારે કૅલ્સિટોનિનનો સ્રાવ થાય છે અને તે હાડકામાં કૅલ્શિયમને જમા કરે છે તેથી લોહીમાં કૅલ્શિયમ તથા ફૉસ્ફરસનું પ્રમાણ ઘટે છે.
ગલગ્રંથિના વિકારો : ગલગ્રંથિના વિકારો મુખ્યત્વે 2 પ્રકારના છે : (1) તેના કદમાં વધારો થાય અને ગાંઠ જેવું બને અથવા તેમાં કોઈ ગંડિકા (nodule) ઉદભવે તથા (2) તેના કાર્યમાં વધઘટ થાય. આખી ગલગ્રંથિ મોટી થાય ત્યારે બનતી ગાંઠને ગલગંડ (goitre) કહે છે અને તે સમયે ગલગ્રંથિના કાર્યમાં અન્ય કોઈ વિક્ષેપ કે વિષમતા થઈ પણ હોય અને ન પણ થઈ હોય. ગલગ્રંથિના અંત:સ્રાવોનું લોહીમાં પ્રમાણ વધે તો તેને ગલગ્રંથિવિષતા (thyrotoxicosis) અથવા અતિગલગ્રંથિતા (hyperthyroidism) કહે છે. તેનું મુખ્ય કારણ ગ્રેવ્ઝ(Graves)નો રોગ છે. જો ગલગ્રંથિના અંત:સ્રાવોનું પ્રમાણ ઘટે તો તેને અલ્પગલગ્રંથિતા (hypothyroidism) કહે છે અને તેને કારણે શ્લેષ્મિક શોફ(myxoedema)નો વિકાર થાય છે, જેમાં શ્લેષ્મ (mucus) જેવું ઘટ્ટ પ્રવાહી ચામડી નીચે જમા થાય છે અને સોજો આવે છે. કેટલાક રોગોમાં અને ખાસ કરીને તીવ્ર મનોવિકારી માંદગી કે સગર્ભાવસ્થાના અતિવમન(hyperemesis gravidarum)ના વિકારમાં ગલગ્રંથિની કાર્યશીલતામાં ફેરફાર થાય છે. સારણી 2માં વિવિધ ઔષધોથી થતી ગલગ્રંથિની ક્રિયાશીલતા પરની અસર દર્શાવી છે.
નિદાન અને કસોટીઓ : સ્ત્રીઓમાં ગલગ્રંથિના વિકારોનું ઘણું ઊંચું (5 %થી 10 %) પ્રમાણ હોય છે. ડોકને સહેજ સીધી રાખીને પાણીનો ઘૂંટડો ભરવામાં આવે ત્યારે જો ગલગ્રંથિ મોટી થયેલી હોય તો તે ઉપર-નીચે ખસતી જોઈ શકાય છે. ડોકના આગળના અને નીચલા વચ્ચેના ભાગમાં શ્વાસનળી આવેલી છે. તેની આગળ અને ક્રિકૉઇડ કાર્ટિલેજની નીચે આવેલા ગલગ્રંથિના સેતુને તથા તેની બંને બાજુએ આવેલા ગલગ્રંથિના ખંડોને સ્પર્શીને તેમના કદમાં વધારો કે તેમાં ઉદભવેલી ગંડિકાને પારખી શકાય છે. અતિગલગ્રંથિતા કે અલ્પગલગ્રંથિતાના વિકારો થયા હોય તો તેનાં લક્ષણો અને ચિહનો દ્વારા તેમને વિશે માહિતી મળે છે. ક્યારેક ગલગ્રંથિની વિષમતાઓ ખૂબ શરૂઆતની સ્થિતિમાં હોય અથવા મંદ પ્રકારની હોય તો ફક્ત નિદાન કસોટીઓ વડે જ ચોક્કસ નિર્ણય પર આવી શકાય છે.
સારણી 2 : ગલગ્રંથિની ક્રિયાશીલતા કે કસોટીઓ પર વિવિધ ઔષધોની અસર
ઔષધ | અસર | |
1. | ડોપામિન, L-ડોપા, કૉર્ટિકોસ્ટીરૉઇડનો અતિરેક | TSHનો સ્રાવ ઘટે |
2. | આયોડાઇડ, લિથિયમ કાર્બોનેટ, ફિનાયલ
બ્યુટેઝોન, સલ્ફોનાયલ યૂરિયા |
T4, T3ના ઉત્પાદન
અને સ્રાવમાં ઘટાડો |
3. | સેલિસિલેટ, ફેનિટોઇન, ફ્યુરોસેમાઇડ | TBG સાથે
જોડાણમાં ઘટાડો |
4. | પ્રોપાયલ થાયોયુરેસિલ, પ્રોપ્રેનોલોલ, ગ્લુકોકૉર્ટિ-
કોઇડનો અતિરેક, એમિઓડેરોન, આયોપેનોઇક ઍસિડ, આઇપોડિયીક ઍસિડ |
T4માંથી T3
પરિવર્તનમાં ઘટાડો |
રેડિયોઇમ્યુનોએસે(RIA)ની મદદથી T4, T3 અને TSHનું લોહીમાંનું પ્રમાણ જાણી શકાય છે. TBGની વધઘટને કારણે જો T4 અને T3ના પ્રમાણમાં ફેરફાર થયો હોય તો દર્દીના પારગલિત (dialyzed) સીરમમાંના મુક્ત T4 અને T3નું પ્રમાણ RIA કસોટી દ્વારા જાણી અથવા ગણી શકાય છે. કોલસો (charcoal) કે રેઝિનની મદદથી થાયરૉઇડ હૉર્મોન બાઇન્ડિંગ રેશિયો (THBR) શોધી કાઢીને સૂત્ર(formula)ની મદદથી મુક્ત-T4 અંક (free-T4 index) ગણી કાઢવામાં આવે છે. મુક્ત-T4 અંક સામાન્ય રીતે મુક્ત-T4ના લોહીમાંના પ્રમાણનો સૂચક હોય છે. મુક્ત-T4નું પ્રમાણ જાણવા માટે વ્યાપારી ધોરણે કસોટી સંપુટ (test-kits) ઉપલબ્ધ હોય છે. ગલગ્રંથિની વિષમતાના નિદાન માટે સારામાં સારી પ્રાથમિક કસોટી (screening test) મુક્ત-T4 અંક છે (સારણી 3).
દવાને કારણે T4નું T3માં રૂપાંતરણ ઘટે કે અલ્પગલગ્રંથિતા થાય તો T3નું લોહીનું પ્રમાણ ગલગ્રંથિની ક્રિયાશીલતા દર્શાવતું નથી. તેથી મુક્ત-T4 અંક મોટા ભાગના કિસ્સામાં ઉપયોગી નિદાન-કસોટી છે. અતિગલગ્રંથિતાના બહુ જ થોડા કિસ્સામાં T4નું પ્રમાણ સામાન્ય હોય છે અને T3નું પ્રમાણ વધે છે. તેને T3-ગલગ્રંથિવિષતા (T3-thyrotoxicosis) કહે છે. લોહીમાં TBGનું સામાન્ય પ્રમાણ 1.5 મિલીગ્રામ/ડેસિલિટર છે. નિદાન-કસોટી રૂપે TBG અને ટ્રાન્સથાયરેપ્ટીનનું લોહીમાંનું પ્રમાણ જાણવામાં આવતું નથી. 24 કલાકમાં થતું વિકિરણશીલ આયોડિનનું અધિગ્રહણ(radioactive iodine uptake) પણ ફક્ત અલ્પોગ્ર ગલગ્રંથિશોધ(subacute thyroiditis)ના નિદાનમાં ઉપયોગી હોય છે. ગ્રેવ્ઝના રોગમાં આયોડિન અધિગ્રહણ વધે છે, જ્યારે ગલગ્રંથિશોથમાં તે ઘટે છે. બંને વિકારોમાં અતિગલગ્રંથિતા થાય છે. TSHની સામાન્ય સીરમ સપાટી (serum level) 0.5થી 5.0 માઇક્રોયુનિટ/મિ.લિટર છે. તે અલ્પગલગ્રંથિતાના દર્દીમાં વધે છે અને જ્યારે સ્વાયત્ત (autonomous) અતિગલગ્રંથિતા થાય છે ત્યારે તે ઘટે છે. અગાઉ TSHના ઘટેલા પ્રમાણને દર્શાવવા TSH-ઉત્તેજન કસોટી (TSH- stimulation test) કરવી પડતી હતી, જેમાં TRHના ઇન્જેક્શન પછી TSHનું પ્રમાણ વધે છે કે નહિ તે દર્શાવાતું હતું. આ કસોટી માટે TRHને સતત નસ વાટે આપીને TSHની વધતી સાંદ્રતાનો આલેખ કરાય છે માટે તેને TRH ઇન્ફ્યુઝન કસોટી પણ કહે છે.
સારણી 3 : ગલગ્રંથિના અંત:સ્રાવોનું લોહીમાં પ્રમાણ (રુધિરસપાટી)
પરિમાણ | T4 | T3 |
લોહીમાં પ્રમાણ
(માઇક્રોગ્રામ/ડેસિલિટર) કુલ મુક્ત |
8.0 1.6 |
0.14 0.4 |
મુક્ત અંત:સ્રાવના ટકા | 0.02 | 0.3 |
અર્ધકાર્યકાળ (half-life) | 7 દિવસ | 1 દિવસ |
ઉત્પાદન દર
(માઇક્રોગ્રામ/દિવસ) |
80 |
33 |
ગલગ્રંથિ દ્વારા ઉત્પાદન (70) | 100 | 20 |
ચયાપચયી કાર્યક્ષમતા | 0.3 | 1.0 |
સામાન્ય TBG હોય તો | 8.0 (5-11) | 0.14 (.08–0.22) |
વધુ TBG હોય તો | 12.0 (8-20) | 0.19 (.12–.32) |
ઓછું TBG હોય તો | 2.0 (21-5) | 0.06 (.02–0.1) |
નવજાત શિશુ (ગર્ભનાળ) | 11 (8-15) | 0.048 (.02–.08) |
6 અઠવાડિયાંનું શિશુ | 10 (7-4) | 0.163(.12–.22) |
અતિગલગ્રંથિતા | 21 (8–35) | 0.48(.2–1.6) |
અલ્પગલગ્રંથિતા | 2 (2–25) | 0.02 (0.0–0.15) |
નોંધ : કૌંસમાં આપેલા આંકડા મૂલ્યગાળો (range) દર્શાવે છે. |
હવે TSH માટે ઇમ્યુનોમેટ્રિક એસે (પ્રતિરક્ષાલક્ષી માપક આમાપન, IMA) કરી શકાય છે અને તેના વડે TSHનું પ્રમાણ ઘટ્યું હોય તો તે જાણી શકાય છે. તેને કારણે TSH-IMAની કસોટી મુક્ત-T4 અંકની કસોટીની માફક પ્રારંભિક નિદાન (screening) કસોટી તરીકે વાપરી શકાશે એમ મનાય છે અને તે TRH ઇન્ફ્યુઝન કસોટીના સ્થાને ઉપયોગમાં લેવાશે એવું મનાય છે. મંદ અલ્પગલગ્રંથિતામાં TSH પ્રમાણ વધીને 10થી 20 માઇક્રોયુનિટ/મિ.લિટર થાય છે અને નિદાનશીલ અલ્પગલગ્રંથિતામાં એ 20 માઇક્રોયુનિટ/મિ.લિટરથી વધુ હોય છે. અધશ્ચેતક અથવા પીયૂષિકા ગ્રંથિના વિકારથી થતી અલ્પગલગ્રંથિતામાં તેનું પ્રમાણ વધતું નથી.

આકૃતિ 5 : વિવિધ વિકારોમાં TRH–ઇન્ફ્યુઝન કસોટીનાં પરિણામ. (અ) સામાન્ય વ્યક્તિમાં TRHના ઇન્ફ્યુઝન પછી TSHના લોહીના પ્રમાણમાં થતો ફેરફાર, (આ) અતિગલગ્રંથિતાના દર્દીમાં જોવા મળતો ફેરફાર, (ઇ) ગલગ્રંથિના પોતાના વિકારથી થતી અલ્પગલગ્રંથિતા તથા (ઉ) અધશ્ચેતક અને પીયૂષિકા ગ્રંથિના વિકારથી થતી અલ્પગલગ્રંથિતા
લોહીમાં T4, T3, TSH, TRH વગેરેની ક્રિયાશીલતા દર્શાવતી ઉપર જણાવેલી કસોટીઓ ઉપરાંત વ્યક્તિઓનો મૂળભૂત ચયાપચયી દર (basal metabolic rate, BMR) અને ઘૂંટી પાસેના સ્નાયુબંધની પરાવર્તી ક્રિયા (ankle jerk) દર્શાવતી કસોટી પણ ગલગ્રંથિના વિકારોના નિદાનમાં ઉપયોગી હોય છે. અતિગલગ્રંથિતાના વિકારમાં BMR 5 %થી વધુ વધે છે અને ઘૂંટી-સ્નાયુબંધના સ્નાયુનું શિથિલન (relaxation) ઝડપી બને છે. અલ્પગલગ્રંથિતાના વિકારમાં BMR 15 % વધુ પ્રમાણમાં ઘટે છે અને સ્નાયુ શિથિલન ધીમું થાય છે. BMRની કસોટીને સ્થાને T4, T3 અને TSHની સીધી કસોટીઓ વધુ પ્રચલિત બની છે. સ્નાયુનું શિથિલન જાણવા માટે ગતિમાપક (kineto-meter) જેવા યંત્રનો ભાગ્યે જ ઉપયોગ કરાય છે. શિથિલનના ઘટેલા દરનું સહેલાઈથી અવલોકન કરી શકાય છે; પરંતુ તેનો દર વધે તો તે નરી આંખે નોંધવું મુશ્કેલ હોય છે.
ગલગ્રંથિનું કદ મોટું થયું હોય, તેમાં ગંડિકા થઈ હોય, છાતીની અંદરના ઉપલા ભાગમાં ગલગ્રંથિ હોય અથવા ગલગ્રંથિના આયોડિન અધિગ્રહણ અંગે માહિતી જોઈતી હોય તો ગલગ્રંથિનું વિકિરણ-ચિત્રણ (isotope scan) મેળવાય છે. તે માટે યુવાનોમાં મહદ્ અંશે 123I વપરાય છે કેમ કે તે મોંઘું હોવા છતાં તેની ઓછી માત્રાની જરૂર પડે છે. (7.5 mrads/m. curie), જ્યારે 131Iની માત્રા વધુ હોય છે (800 mrad/m. curie). 99mTcO4– (પરટેક્નેટ) નામનો વિકિરણશીલ આયન પણ વપરાય છે. તે અવયવીકૃત થતો હોતો નથી અને તેથી તેનું ચિત્રણ 30 મિનિટમાં લઈ લેવાય છે. ગલગ્રંથિમાંની ગંડિકા ઘન (solid) કે પ્રવાહી ભરેલી કોથળી જેવી કોષ્ઠીય (cystic) છે કે નહિ તે જોવા માટે ગલગ્રંથિનું અલ્ટ્રાસાઉન્ડ ચિત્રણ કરાય છે. તે 1થી 3 મિલીમીટર જેવડી ગંડિકાનું નિર્દેશન કરે છે. વિકિરણશીલ આયોડિનનું અધિગ્રહણ કરતી ગંડિકા કે કોષ્ઠીય ગંડિકામાં સામાન્ય રીતે કૅન્સર હોતું નથી.
ગંડિકામાં કૅન્સર થયું છે કે નહિ તે દર્શાવવા માટે મહત્વની તપાસ જીવપેશીપરીક્ષણ (biopsy) અથવા કોષવિદ્યાલક્ષી (cytologic) તપાસ કરાય છે. તે માટે પાતળી સોય વડે ગંડિકાના કોષોને અભિશોષીને તપાસ કરાય છે (fine needle aspiration cytology, FNAC) અથવા વિમ-સિલ્વરમૅનની છેદક-સોય (cutting needle) વડે પેશીનો ટુકડો લઈને પેશીપરીક્ષણ (biopsy) કરાય છે.

આકૃતિ 6 : ગલગ્રંથિના વિકારોમાં : (અ) સામાન્ય કદની ગલગ્રંથિ, (આ) ગલગ્રંથિના કદમાં ઘટાડો, (ઇ) અથવા વધારો.

આકૃતિ 7 : સામાન્ય ગલગ્રંથિ અને વિકારગ્રસ્ત ગલગ્રંથિની સૂક્ષ્મ રચના. (અ) સામાન્ય સૂક્ષ્મ રચના, (આ) અલ્પગલગ્રંથિતા, (ઇ) ગ્રેવ્ઝનો રોગ, (ઉ) કલિલ-ગલગંડ, (એ અને ઐ) હાશિમોટો ગલગ્રંથિશોથ. (1) કલિલ, (2) સ્તંભાકાર પુટિકા કોષોનો સ્તર, (1 અને 2) પુટિકા, (3) પરાપુટિકા કોષો, (4) નાની અને છૂટીછવાઈ પુટિકા, (5) લસિકા કોષો, (6) પુટિકાની અંદર વૃદ્ધિ, (7) ઘણી પુટિકાઓ, (8) નાની કોષ્ઠ બનાવતી ઘટ્ટ કલિલવાળી પુટિકા, (9) ચપટા પુટિકા કોષો, (10) બીજાંકુર કેન્દ્ર
સ્વકોષઘ્ની વિકારો(autoimmune disorders)માં ગલગ્રંથિશોથ થાય છે. તેના નિદાન માટે થાયરૉઇડ માઇક્રોસોમલ ઍન્ટિબૉડી, થાયરોગ્લૉબ્યુલિન ઍન્ટિબૉડી અને TSH-રિસેપ્ટર ઍન્ટિબૉડીનું લોહીમાંનું પ્રમાણ જાણી લેવામાં આવે છે. ગલગ્રંથિના કૅન્સરને શસ્ત્રક્રિયા વડે દૂર કર્યા પછી ફરીથી જો તે ઉદભવે તો થાયરોગ્લૉબ્યુલિનનું લોહીમાંનું પ્રમાણ ઘણી વખત વધે છે. મેડ્યુલરી કાર્સિનોમા નામના કૅન્સરના દર્દીના લોહીમાં કૅલ્સિટોનિનનું પ્રમાણ નિદાનસૂચક રૂપે વધે છે.
(1) અતિગલગ્રંથિતા (hyperthyroidism) : ગલગ્રંથિના અંત:સ્રાવોનું લોહીમાં પ્રમાણ વધે ત્યારે ચયાપચયનો દર વધે છે અને તેને કારણે ઉદભવતા વિકારને અતિગલગ્રંથિતા કહે છે. ચયાપચયી દર ઉપરાંત હૃદય, ચેતાતંત્ર અને આંતરડાના કાર્યમાં પણ વિષમતા ઉત્પન્ન થાય છે. તેનાં મુખ્ય કારણો સારણી 4માં દર્શાવ્યાં છે, જેમાં ગ્રેવ્ઝનો રોગ મુખ્ય કારણ છે (85 %). અન્ય મહત્વનાં કારણો રૂપે વિષતાકારી ગંડિકાયુક્ત ગલગંડ (toxic nodular goitre) અને અલ્પોગ્ર ગલગ્રંથિશોથ (subacute thyroiditis) હોય છે.
સારણી 4 : અતિગલગ્રંથિતા (hyperthyroidism) કરતા મહત્વના વિકારો
1. | ગ્રેવ્ઝનો રોગ |
2. | વિષતાકારી બહુગંડિકાયુક્ત ગલગંડ (toxic multinodular
goitre, પ્લમરનો રોગ) |
3. | વિષતાકારી ગ્રંથિ-અર્બુદ (toxic adenoma) |
4. | આયોડાઇડપ્રેરિત અતિગલગ્રંથિતા |
5. | અલ્પોગ્ર ગલગ્રંથિશોથ (subacute thyroiditis) |
6. | ઔષધજન્ય અતિગલગ્રંથિતા |
7. | નવજાત શિશુની અતિગલગ્રંથિતા (માતાને ગ્રેવ્ઝનો રોગ) |
8. | વધુ TSH ઉત્પન્ન કરતી પીયૂષિકા (pituitary) ગ્રંથિની ગાંઠ કે
અતિકાર્યશીલ ગ્રંથિ |
9. | કોરિયોકાર્સિનોમા તથા હાયડેટિડીફૉર્મ મોલ |
10. | ગલગ્રંથિનું અતિકાર્યશીલ કૅન્સર |

આકૃતિ 8 : ગલગ્રંથિના વિકારો : (અ) અલ્પગલગ્રંથિતાજન્ય વામનતા (cretinism), (આ) અલ્પગલગ્રંથિતાજન્ય શ્લેષ્મિક શોફ (myxoedema), (ઇ) અતિગલગ્રંથિતા
1835માં રૉબર્ટ ગ્રેવ્ઝે અને 1840માં ડૉન બેઝડોવે કરેલા વર્ણનને આધારે અતિગલગ્રંથિતા, ગલગ્રંથિની વૃદ્ધિ તથા આંખનો ડોળો બહારની બાજુ ખસવાને કારણે જેમાં આંખ મોટી થયેલી જોવા મળે છે તેવા આ વિકારને ગ્રેવ્ઝનો રોગ કે યુરોપમાં બેઝડોવનો રોગ કહે છે. આયોડિનની ઊણપ હોય એવા દર્દીને આયોડિન (jod) આપ્યા પછી જો અતિગલગ્રંથિતા થાય તો તેને જોડબેઝડોવનો રોગ કહે છે.
ગ્રેવ્ઝના રોગનું કારણ નિશ્ચિત નથી પરંતુ તેને સ્વકોષઘ્ની (autoimmune) વિકાર મનાય છે. ગલગ્રંથિ પોતે તેના સ્રાવોનું ઘણું ઉત્પાદન કરે છે અને TSHનું પ્રમાણ ઘટી ગયેલું હોય છે. TSHને બદલે એક પ્રકારનો ગામા-ગ્લૉબ્યુલિન ગલગ્રંથિનું ઉત્તેજન કરે છે. આ ઉપરાંત બી-લસિકાકોષો(lymphocytes) TSHના સ્વીકારકો સામે કાર્યરત પ્રતિદ્રવ્યો બનાવે છે (80–90 %). તેને ‘TRAb’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. TRAbનું વધુ પ્રમાણ હોય તેવા દર્દીમાં નેત્રરોગ અને ચામડીના વિકાર વધુ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે થાયરોગ્લૉબ્યુલિન (Tg અને પ્રતિ–Tg (antiTg)) પ્રતિદ્રવ્યોના સંકુલ (Tg–anti-Tg complex) આંખના બહારના સ્નાયુઓ જોડે જોડાઈને આંખની મોટી ફાડ થવાનો વિકાર કરે છે.
ગ્રેવ્ઝનો રોગ 1.9 % સ્ત્રીઓમાં અને 0.2 % પુરુષોમાં જોવા મળે છે. જીવનના ત્રીજા અને ચોથા દાયકામાં તે સૌથી વધુ જોવા મળે છે. તે અમુક પ્રમાણમાં કૌટુંબિક રોગ છે. કૉકેશિયન પ્રજામાં HLA-B 8, જાપાનીઓમાં HLA-B 35 અને ચીનીઓમાં HLA-B 467 પ્રકારના માનવ શ્વેતકોષી પ્રતિજન (human leucocyte antigen, HLA) ધરાવતી વ્યક્તિઓમાં ગ્રેવ્ઝનો રોગ થવાની સંભાવના વધુ હોય છે. ગલગ્રંથિના પુટિકાકોષોની અતિવૃદ્ધિ થાય છે તથા તેમાં લસિકા કોષોનો ભરાવો થાય છે. જો આયોડિન વડે સારવાર ન કરાઈ હોય તો બહુ જ થોડું કલિલ રહે છે, પરંતુ આયોડિન અપાયું હોય તો પુષ્કળ પ્રમાણમાં અધિગૃહીત આયોડિનને કારણે સારું એવું કલિલ પણ હોય છે. આયોડિનની સારવાર ન કરાવી હોય તેવા દર્દીની ગલગ્રંથિમાં નસો ખૂબ પ્રમાણમાં વિકસે છે અને પહોળી થાય છે, જ્યારે આયોડિન અપાયા પછી ગ્રંથિમાંની નસો (વાહિનીઓ) ઘટે છે અને ઓછી પહોળી થાય છે. આંખનાં પોપચાં વધુ પ્રમાણમાં ખૂલે છે અને તેથી આંખનો ડોળો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આંખના સ્નાયુનો સોજો આવે છે અને તેમાં લોહીના શ્વેત કોષોનો ભરાવો થાય છે તેથી બંને આંખ બહારની બાજુ ખસે છે. તેને બહિર્નેત્રતા (exophthalmos) કહે છે. આંખના ડોળામાં કોઈ વિકાર થતો નથી. નેત્રકલા(conjunctiva)માં સોજો આવે છે અને લસિકા કોષોનો ભરાવો થાય છે. તેને નેત્રકલાશોફ (chemosis) કહે છે. ક્યારેક પાછળથી આંખને ઉપર તરફ ફેરવી શકાતી નથી.
ગ્રેવ્ઝના રોગવાળી વ્યક્તિ મોટે ભાગે 20–25 વર્ષની યુવતી હોય છે. નિર્બળ મનની (nervous) અને વ્યગ્ર (anxious) બને છે તથા સતત હલનચલન કરે છે અને ઝડપથી બોલે છે. તે તેના ઉશ્કેરાટ, તેનાથી ઉદભવતા થાક, હૃદયના ઝડપથી થતા ધબકારાની સભાનતા (palpitations) અને ગરમીની અસહ્યતા (heat intolerance) અંગે ફરિયાદ કરે છે. તેની ભૂખ વધે છે પરંતુ વજન ઘટે છે. તેના આંતરડાંનું ચલન વધે છે અને તેથી ઝાડા થાય છે. તેનામાં અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોમાં અતિશય લાગણીશીલતા જોવા મળે છે. ગળામાં ગલગ્રંથિનો સોજો થઈ આવે છે જેની ઘણી વખત દર્દીને ખબર હોતી નથી. દર્દીનો ઋતુસ્રાવ ઘટે છે કે બંધ થાય છે. ક્યારેક ખૂજલી અને શીળસ જોવા મળે છે તથા 5 % દર્દીમાં સ્તનનો વિકાસ થાય છે તથા ક્યારેક પોટૅશિયમ ઘટવાથી ક્યારેક સમયાંતરિત લકવો (periodic paralysis) થાય છે. અતિગલગ્રંથિતાનો યુવાન દર્દી ઉશ્કેરાયેલો હોય છે, જ્યારે વૃદ્ધ દર્દી ખિન્ન (depressed) હોય છે. તેનામાં એટ્રિયલ ફિબ્રિલેશન કે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા જેવી હૃદયના ધબકારામાં ઝડપી-અતાલતા (tachyarrhythmia) જોવા મળે છે. ક્યારેક હૃદયની રુધિરભારિત નિષ્ફળતા(congestive cardiac failure)ના રૂપે આ રોગ દેખા દે છે.
ગ્રેવ્ઝના દર્દીની ચામડી લીસી અને ગરમ હોય છે અને ક્યારેક તેના પગના નળાની આગળ સોજો આવે છે. તેને અગ્રનળાશોફ (pretibial myxodermia) કહે છે. વ્યક્તિને કંપન (tremors) થાય છે તથા તેના હાથપગના નજીકના સ્નાયુની નિર્બળતા આવે છે.
લોહીમાં T4 કે મુક્ત-T4 અંકનો વધારો તથા TSHનું ઘટેલું પ્રમાણ મુખ્ય નિદાનલક્ષી કસોટીઓ છે. ગ્રેવ્ઝના દર્દીમાં T3/T4નું ગુણોત્તર- પ્રમાણ વધે છે. T3-ગલગ્રંથિવિષતા(T3 thyrotoxicosis)માં T3 વધે છે; પરંતુ T4 વધતું નથી.
સારવાર : 10 %થી 50 % દર્દીઓમાં માનસિક અને શારીરિક આરામ તથા દવા વડે સારવારની સાથે સાથે વિકાર શમે છે. દવાઓ મૂળ વિકાર પર અસર કરતી નથી, પરંતુ તે ગલગ્રંથિની વધેલી ક્રિયાશીલતાને ઘટાડે છે. દવાઓ 12થી 18 મહિના માટે આપ્યા પછી બંધ કરવામાં આવે ત્યારે 20 %થી 50 % દર્દીઓમાં લાંબા ગાળા (થોડા મહિનાથી થોડાં વર્ષો) માટે રોગનું શમન થાય છે. પ્રતિગલગ્રંથિ ઔષધો (antithyroid drugs) ગલગ્રંથિમાંના આયોડિનના પ્રમાણને ઘટાડે છે અને તેથી આહારમાં આયોડિનનું પ્રમાણ વધારે હોય તો કદાચ રોગ વહેલો ઊથલો મારે છે. લાંબા ગાળાનું રોગશમન થાય તો 20–30 વર્ષ પછી અલ્પગલગ્રંથિતા થાય છે. ગ્રેવ્ઝનું મૂળ કારણ જાણમાં નથી અને તેથી તેને કાયમી રીતે મટાડી શકાય એવી સ્થિતિ નથી.
અતિગલગ્રંથિતાની સ્થિતિમાંથી સમગલગ્રંથિતા(euthyroi-dism)ની સ્થિતિ ઉદભવે તે માટે પ્રતિગલગ્રંથિ ઔષધો, બીટા-એડ્રિનર્જિક ઔષધો તથા અન્ય દવાઓ વપરાય છે. પ્રતિગલગ્રંથિ ઔષધોમાં મુખ્ય જૂથ થાયોયુરેસિલનાં સંયોજનનું છે; દા. ત., પ્રોપાયલ-થાયોયુરેસિલ અને મેથિમેઝોલ. તે આયોડિનનું અધિગ્રહણ (uptake) ઘટાડે છે. કાર્બિમેઝોલ નામની દવા શરીરમાં મેથિમેઝોલમાં રૂપાંતરિત થઈને કાર્યશીલ બને છે. મેથિમેઝોલ સૌથી વધુ કાર્યક્ષમ દવા છે. જો T4નું પ્રમાણ ઘણું ઘટે તો TSHનું પ્રમાણ વધે અને તેથી ગલગ્રંથિ મોટી થાય છે અને તેમાં ગલગંડ (goitre) વિકસે છે. તેથી આ દવાઓને ગલગંડકારી (goitrogenic) દવાઓ પણ કહે છે. આ અસ્વીકાર્ય આડઅસર છે. આ ઉપરાંત ક્યારેક ચામડી પર સ્ફોટ, યકૃત(liver)ના કોષોને ઈજા, નસોનો શોથ (vasculitis) અને જીવનને જોખમી કણિકાકોષ-અલ્પતા (granulo-cytopenia) થાય છે. લોહીમાંના શ્વેતકોષો બાહ્ય જીવાણુ સામે લડીને શરીરને રક્ષણ આપે છે. જ્યારે શ્વેતકોષોમાંના કણિકાકોષો (granulocytes) ઘટી જાય તો કણિકાકોષ-અલ્પતા થાય છે અને તેને કારણે વ્યાપક ચેપ લાગવાનો ભય ઉદભવે છે. દવા કાયમ માટે બંધ કરાય છે. સારવારથી આ વિકાર શમે છે. આયોડાઇડ પણ ટૂંકા ગાળા માટે; પરંતુ ઝડપથી અતિગલગ્રંથિતાને કાબૂમાં આણે છે. બીટા બ્લોકર દવાઓ (દા. ત., પ્રોપ્રેનોલોલ) વડે હૃદયના ધબકારાને ઘટાડી શકાય છે. લિથિયમ, આયોપેનોઇક ઍસિડ અને આયપોડેટ પણ ઉપયોગી દવાઓ છે.
લાંબા સમયની રાહત માટે 3 પદ્ધતિઓ ઉપલબ્ધ છે : (1) પ્રતિગલગ્રંથિ ઔષધોને 6થી 18 મહિના માટે આપવાં, (2) ગલગ્રંથિની શસ્ત્રક્રિયા તથા (3) વિકિરણશીલ આયોડિન વડે સારવાર. એ ત્રણમાંથી એક પણ સારવારપદ્ધતિ આદર્શ નથી. જો ગલગંડ (goitre) ન હોય તો ઔષધો અપાય છે અને ગલગંડ કે ગલગ્રંથિમાં ગંડિતા હોય તો શસ્ત્રક્રિયા ઉપયોગી છે. વિકિરણશીલ આયોડિન ખૂબ અસરકારક અને આડઅસર રહિત સારવારપદ્ધતિ છે. ગલગ્રંથિનો થોડોક ભાગ કાપીને કાઢી નાખવાની શસ્ત્રક્રિયાને અપૂર્ણ-ગલગ્રંથિ ઉચ્છેદન (subtotal thyroidectomy) કહે છે. તેના પછી ભાગ્યે જ અતિગલગ્રંથિતા થાય છે; પરંતુ 50 %–60 % દર્દીઓમાં અલ્પગલગ્રંથિતા ઉદભવે છે. સામાન્ય રીતે શસ્ત્રક્રિયા પહેલાં પ્રતિગલગ્રંથિ ઔષધો વડે 1–2 મહિના માટે અતિગલગ્રંથિતાને કાબૂમાં લેવામાં આવે છે અને 6–7 દિવસ માટે આયોડિન અપાય છે જેથી ગલગ્રંથિમાંની લોહીની નસોની વિપુલતા ઘટે. ક્યારેક પ્રોપ્રેનોલોલ અને આયોડાઇડ આપીને પણ શસ્ત્રક્રિયાની પૂર્વતૈયારી કરાય છે. શસ્ત્રક્રિયાને કારણે ક્યારેક ડોકમાં લોહી વહે, સ્વરપેટીની ચેતાને ઈજા થાય તો અવાજ બેસી જાય અને સ્વરરજ્જુ(vocal cord)નો લકવો થાય કે પરાગલગ્રંથિ(parathyroid gland)ને ઈજા થાય તો તેની ઊણપ સર્જાય છે.
વિકિરણશીલ આયોડિનની સારવાર માટે 131I અપાય છે. તેની મુખ્ય આડઅસર અલ્પગલગ્રંથિતા છે જે પહેલા વર્ષે 10 % દર્દીમાં થાય છે અને ત્યારપછી તેમાં 20 વર્ષ સુધી દર વર્ષે બીજા 5 % દર્દીઓ ઉમેરાતા જાય એવું જોવા મળે છે. જોકે તેનાથી કૅન્સર થતું નથી. ગર્ભધારણ થઈ શકે તેવી ઉંમરે આ સારવારને કેટલાક નિષ્ણાતો જોખમી ગણે છે. સગર્ભાવસ્થામાં કે નજીકના ભવિષ્યમાં (6 મહિનામાં) ગર્ભધારણની શક્યતા હોય તો આ સારવાર આપી શકાતી નથી. થોડા દિવસ થાયોયુરેસિલ આપ્યા પછી 80થી 90μCi અથવા 6000થી 7000 rads જેટલી માત્રા થાય એટલા પ્રમાણમાં મોં વાટે 131I અપાય છે. તેને કારણે પાછળથી વિકિરણજન્ય ગલગ્રંથિશોથ (radiation thyroiditis)ની વિપરીત અસરો જોવા ન મળે. ફરીથી વિકિરણશીલ આયોડિનની સારવાર આપતાં પહેલાં 6 મહિના રાહ જોવામાં આવે છે.
સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રેવ્ઝના રોગનું જોર ખૂબ હોય છે જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં તે ઘટે છે. સગર્ભા સ્ત્રી અતિગલગ્રંથિતાને સારી રીતે સહી શકે છે; પરંતુ તેનાથી ગર્ભપાતનો ભય વધે છે. પ્રતિગલગ્રંથિ ઔષધો ગર્ભશિશુના લોહીમાં પ્રવેશી શકે છે. વિકિરણશીલ આયોડિન ગર્ભશિશુને નુકસાન કરી શકે માટે આવા દર્દીઓને ખૂબ ઓછી માત્રામાં પ્રોપાયલ-થાયોયુરેસિલ અપાય છે અને જરૂર પડ્યે બીજા ત્રિમાસિક ગાળામાં શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. આયોડાઇડ લાંબા ગાળા સુધી અપાય તો ગર્ભશિશુમાં અલ્પગલગ્રંથિતા થાય છે. સ્તન્યપાન કરાવતી માતાને પ્રોપાયલ-થાયોયુરેસિલની ઓછી માત્રા વડે સારવાર અપાય છે.
ચેપ કે તણાવના સંજોગોમાં અતિગલગ્રંથિતાનો વિકાર તીવ્ર બને છે. તેને તીવ્ર અતિગલગ્રંથિતા (thyroid storm) કહે છે. દર્દીને તાવ આવે છે, પેટમાં દુખે છે, લવારી (delirium) કરે છે અને ક્યારેક તે પાગલ (psychotic) થાય છે. તે સમયે નસ વાટે પ્રવાહી, થાયોયુરેસિલ અને આયોડાઇડ, કૉર્ટિકોસ્ટીરૉઇડ, પ્રોપ્રેનોલોલ, ઑક્સિજન અને જરૂર પડ્યે ડિજીટાલિસ અપાય છે. અતિગલગ્રંથિતાની સારવાર સાથે ઘણી વખત નેત્રરોગ (ophthalmopathy) શમે છે. તેની સારવાર માટે કૃત્રિમ અશ્રુ, રક્ષણાત્મક ગૉગલ્સ, પ્રેડ્નીસોલેન, મૂત્રવર્ધકો (diuretics) અને ક્યારેક નિષ્ણાત નેત્રચિકિત્સક અને શસ્ત્રક્રિયાવિદની જરૂર પડે છે. પીયૂષિકા ગ્રંથિના વિકારથી થતી અતિગલગ્રંથિતાના ઉપચારમાં પીયૂષિકા ગ્રંથિ પર શસ્ત્રક્રિયા કે વિકિરણ ચિકિત્સા (radiotherapy) અપાય છે જ્યારે ગલગ્રંથિના કૅન્સરમાં ઉદભવતા વિકારને વિકિરણશીલ 131I વડે કાબૂમાં લેવાય છે.
(2) અલ્પગલગ્રંથિતા (hypothyroidism) : ગલગ્રંથિના અંત:સ્રાવો(T4 અને T3)ની ઊણપથી થતા વિકારને અલ્પગલગ્રંથિતા કહે છે. તેને કારણે પુખ્ત વયની વ્યક્તિની ચામડી નીચે જલગ્રાહી (hygroscopic) મ્યુકોપૉલિસેકેરાઇડ દ્રવ્ય જમા થાય છે. તેનાથી સોજા આવે છે. સોજા કરતું પ્રવાહી શ્લેષ્મ (mucus) જેવું હોવાથી આ પ્રકારના સોજાવાળા વિકારને શ્લેષ્મિક શોફ (myxoedema) કહે છે. ગર્ભશિશુને અલ્પગલગ્રંથિતા થાય તો જન્મ સમયે ક્રેટિનિઝમનો વિકાર ઉદભવે છે.
અલ્પગલગ્રંથિતા થવાનાં ઘણાં કારણો છે. 95 % કિસ્સામાં ગલગ્રંથિનું પોતાનું કાર્ય વિષમ (અલ્પ) થાય છે. તેને પ્રારંભિક (primary) અલ્પગલગ્રંથિતા કહે છે. તેનાં મુખ્ય બે કારણો હાશિમોટોનો ગલગ્રંથિશોથ (Hashimoto’s thyroiditis) અને કોઈ દેખીતા કારણ વગર થતો મિક્ઝિડીમા(શ્લેષ્મિક શોફ)નો વિકાર. મિક્ઝિડીમાને હાશિમોટોના રોગનો એક પ્રકાર મનાય છે. આ ઉપરાંત 131I, શસ્ત્રક્રિયા, અન્ય કારણોસર ડોકના ભાગમાં અપાયેલાં વિકિરણો (radiations), ક્યારેક અલ્પોગ્ર ગલગ્રંથિશોથ થયા પછીની સ્થિતિ વગેરેમાં પ્રારંભિક અલ્પગલગ્રંથિતા થાય છે. પર્વતીય પ્રદેશોમાં પાણીમાં આયોડિન ઓછું હોય છે. (25 માઇક્રોગ્રામ 24 કલાકે કે તેથી ઓછું) તથા કેટલાક પ્રદેશોમાં ગલગંડકારી દ્રવ્યો (goitrogens) હોય છે. આવાં સ્થળોએ વસ્તીસ્થાયી ગલગંડ (endemic goitre) થાય છે. ક્યારેક આયોડિનના અતિરેક (excess), લિથિયમ, કાર્બોનેટ, પેરાએમીનોસેલિસિલિક ઍસિડ, થાયોયુરેસિલ જૂથ, સલ્ફોનેમાઇડ્ઝ, ફિનાયલ બ્યુટેઝોન વગેરે ઔષધો પણ ગલગંડ કરે છે. ગલગ્રંથિનું કાર્ય રોગ, પ્રક્રિયા કે દવાથી ઘટે તો તે ઉપાર્જિત (acquired) પ્રકારનો વિકાર ગણાય છે. ક્યારેક ગર્ભશિશુ(foetus)માં ગલગ્રંથિના ઉત્સેચકોની ખામી ઉદભવે, ગલગ્રંથિ વિકસે જ નહિ કે વિષમ પ્રકારે વિકસે, અન્યત્ર વિકસે અથવા માતા આયોડાઇડ કે પ્રતિગલગ્રંથિ દવાઓ લે તો જન્મેલાં બાળકોમાં જન્મજાત (congenital) અલ્પગલગ્રંથિતા થાય છે. જો અધશ્ચેતક (hypothalamus) કે પીયૂષિકા (pituitary) ગ્રંથિમાં ગાંઠ થાય, તેને શસ્ત્રક્રિયા કે વિકિરણથી ઈજા પહોંચે કે અન્ય વિષમતાઓ થાય તો ગલગ્રંથિનું કાર્ય ઘટે છે. આને દ્વૈતીયીક (secondary) અથવા પાછળથી થતી અલ્પગલગ્રંથિતા કહે છે.
પુખ્તવયે અલ્પગલગ્રંથિતાનો દર ઘણો ઊંચો હોય છે. સ્ત્રીઓમાં 1.4 % અને પુરુષોમાં 0.1 %. મુખ્યત્વે હાશિમોટો પ્રકારના સ્વકોષઘ્ની વિકાર(autoimmune disorder)ને કારણે 40 વર્ષથી વધુ વયની સ્ત્રીઓમાં તે ઉદભવે છે. અમેરિકા અને પશ્ચિમી યુરોપમાં દર 4000 બાળકોમાંથી એકને જન્મજાત અલ્પગલગ્રંથિતા હોય છે. ગલગ્રંથિના કોષોનું કાર્ય ઘટે છે; પરંતુ તેમની સંખ્યા વધે છે અને તે મોટા થાય છે (અતિવૃદ્ધિ અને અતિવિકસન). ગલગ્રંથિશોથ હોય તો તેના કારણે લસિકા કોષો(lymphocytes)નો ભરાવો જોવા મળે છે. ગલગ્રંથિને ઈજા થઈ હોય કે પીયૂષિકા ગ્રંથિ કે અધશ્ચેતકનો વિકાર હોય તો ગ્રંથિ નાની હોય છે. ચામડી નીચે સ્નાયુઓમાં તથા સંધાનપેશીમાં શ્લેષ્મ જેવું મ્યુકોસૅકેરાઇડ (શ્લેષ્મશર્કરા) પ્રકારનું દ્રવ્ય જમા થાય છે. ફેફસાં તથા હૃદયની આસપાસ ક્યારેક પ્રવાહી જમા થાય છે.
અલ્પગલગ્રંથિતાના દર્દીને અશક્તિ તથા થાક લાગે છે, તેની ચામડી સુક્કી અને બરછટ (coarse) બને છે, હાથપગ અને મોં પર સોજા આવે છે, ઠંડી સહન થતી નથી અને પરસેવો ઘટે છે, અવાજ ઘેરો થાય છે અને બેસી જાય છે, ભૂખ ઘટે છે પરંતુ 10 કિલોગ્રામ જેટલું વજન વધે છે, યાદશક્તિ ઘટે છે, સાંભળવામાં તકલીફ પડે છે, સાંધા દુખે છે, હાથપગ પર ઝણઝણાટી થાય છે, કબજિયાત રહે છે તથા સ્નાયુઓમાં ખેંચાણ (cramps) અનુભવાય છે. દર્દીને સૂઈ રહેવું ગમે છે. દર્દીનો મનોવ્યાપાર એટલો બધો ઘટે છે કે ક્યારેક તેની સ્થિતિને ‘મિઝિડીમા મૅડનેસ’ કહે છે. વિવિધ પ્રકારના ઋતુસ્રાવના વિકારો થાય છે જેમાં અતિઋતુસ્રાવતા (menorrhagia) મુખ્ય છે. ગર્ભધારણ થઈ શકે છે; પરંતુ સગર્ભાવસ્થામાં ગલગ્રંથિના અંત:સ્રાવોની જરૂરિયાત વધતી હોવાથી તેની ઊણપ વિશેષ વર્તાય છે. બાળકો અને કુમારાવસ્થા(adolescence)માં વૃદ્ધિને કારણે સાપેક્ષ ઊણપ (relative deficiency) ઉદભવે તો ગલગંડ પણ થઈ આવે છે. સામાન્ય રીતે તે સ્ત્રીઓમાં યૌવનારંભ(puberty)ના સમયે જોવા મળે છે.
અલ્પગલગ્રંથિતાના દર્દીના હૃદયના ધબકારાનો દર ઘટે છે, તેના શરીરનું તાપમાન ઘટે છે, હાથપગ અને આંખોની આસપાસ તથા મોં પર ફૂલેલા અને દબાવી ન શકાય તેવા (non-pitting) સોજા થાય છે, શરીર અને માથાના વાળ ઘટે છે, કૅરોટીન ભરાવાને કારણે શરીર પીળું લાગે છે, લોહીનું ઉપલું દબાણ ઘટે છે અને નીચેનું દબાણ વધે છે અને તેથી રુધિરાભિસરણમાં પરિઘીય (peripheral) અવરોધ વધે છે. ગલગંડ કરતો વિકાર ન હોય તો ગલગ્રંથિ નાની થઈ જાય છે, હૃદયના ધબકારા ધીમા અને જાણે દૂરથી આવતા હોય એવા થઈ જાય છે. એક્સ-રે ચિત્રમાં હૃદયનો પડછાયો મોટો થાય છે, ક્યારેક હૃદયની આસપાસ પ્રવાહી ભરાય છે અને તે હૃદય પર દબાણ પણ કરે છે. (temponode), નાના મગજના વિકારમાં શરીરનું અસંતુલન (ataxia) થાય છે તથા સ્નાયુબંધલક્ષી પરાવર્તી ક્રિયાઓ(tendon reflexes)નું શિથિલન ધીમું થાય છે. આ ઉપરાંત હૃદય દ્વારા ધકેલાતા લોહીનું પ્રમાણ ઘટે, મૂત્ર ઘટે, શરીરમાં સોડિયમ ઘટે, જઠર અને આંતરડાની ગતિ ઘટે, હૃદયના ધબકારાની નિયમિતતા ઘટે અને જ્યારે મગજમાંના શ્વસનકેન્દ્રનું કાર્ય ઘટે ત્યારે શરીરમાં કાર્બન ડાયૉક્સાઇડનો ભરાવો થાય છે અને દર્દી બેભાન થાય છે. તેને અલ્પગલગ્રંથિતાજન્ય ગાઢબેભાન-અવસ્થા (myxoedema coma) કહે છે. તે જીવનને જોખમી સ્થિતિ હોય છે.
લોહીમાં T4 અને T3નું ઘટેલું પ્રમાણ તથા TSHનું વધેલું પ્રમાણ પ્રારંભિક અલ્પગલગ્રંથિતાનું નિદાન સૂચવે છે. ફક્ત TSHનું પ્રમાણ વધે તે પણ નિદાનસૂચક ગણાય છે. જો પીયૂષિકા ગ્રંથિનો વિકાર હોય તો TSH-IMA અથવા TRH-ઉત્તેજન કસોટી ઉપયોગી રહે છે. T3 ઘણી વખતે સામાન્ય પ્રમાણમાં હોય છે તેથી તેનું લોહીમાંનું પ્રમાણ નિદાનસૂચક ગણાતું નથી. મુક્ત-T4 અંકમાં થતો ઘટાડો નિદાનસૂચક હોય છે. જો પીયૂષિકા ગ્રંથિ કે અધશ્ચેતકના વિકારને કારણે અલ્પગલગ્રંથિતા થઈ હોય તો ગલગ્રંથિ અંત:સ્રાવ વડે સારવાર કરવાથી અધિવૃક્ક (adrenal) ગ્રંથિની જોખમી ઊણપ ઉદભવે છે માટે અલ્પગલગ્રંથિતા પ્રારંભિક છે કે દ્વૈતીયીક તે નિશ્ચિત કરવું જરૂરી ગણાય છે. આ ઉપરાંત લોહીમાં કોલેસ્ટેરૉલ, ટ્રાઇગ્લિસેરાઇડ્ઝ, ક્રીએટિન ફૉસ્ફોકાઇનેઝ (CPK), લૅક્ટિક ડીહાઇડ્રોજીનેઝ (LDH) વગેરે દ્રવ્યોનું પ્રમાણ પણ વધે છે. પશ્ચિમી દેશોમાં ‘પર્નિશિયસ ઍનીમિયા’ અને હાશિમોટોનો રોગ 3 %થી 6 % દર્દીઓમાં એકસાથે હોય છે તેથી વિટામિન B12નું લોહીમાંનું પ્રમાણ જોવું જરૂરી ગણાય છે. ક્યારેક અન્ય સ્વકોષઘ્ની વિકારો પણ સાથે થાય છે. નિદાન કરતી વખતે સોજા કરતા અન્ય વિકારોથી તેને અલગ પાડવામાં આવે છે.
ગલગ્રંથિના અંત:સ્રાવને સારવાર રૂપે મોં વાટે નિયમિત રીતે આપવાથી અલ્પગલગ્રંથિતાના બધા જ વિકારો શમે છે. તે માટે લિવો-થાયરૉક્સિન (100 માઇક્રોગ્રામ T4/65 મિ.ગ્રા.), ડેસિકેટેડ થાયરૉઇડ (55થી 63 માઇક્રોગ્રામ T4/65 મિ.ગ્રા.) તથા 12થી 16 માઇક્રોગ્રામ T3/65 મિ.ગ્રા.) અને લિવો-ટ્રાયઆયોડોથાયરોનિન(25 માઇક્રોગ્રામ T3/65 મિ.ગ્રા.)ના સ્વરૂપે અંત:સ્રાવોની ગોળીઓ ઉપલબ્ધ છે. સૌથી વધુ લિવો-થાયરૉક્સિન (T4) વપરાશમાં છે. તેની સારવારથી T4નું લોહીમાંનું પ્રમાણ સામાન્ય થાય છે અને T3 તથા TSHનું પ્રમાણ પણ સામાન્ય થાય તેવી નેમ હોય છે. અંત:સ્રાવોની માત્રા વધી જાય તો હૃદયના કાર્યને તે અસર કરે છે. સામાન્ય રીતે 1.8 માઇક્રોગ્રામ/ કિગ્રા.(દર્દીનું વજન)ની માત્રામાં T4 અથવા લિવો-થાયરૉક્સિનની જરૂર પડે છે. મધ્યમ તીવ્રતાવાળી અલ્પગલગ્રંથિતાના દર્દીને શરૂઆતમાં અર્ધી માત્રા અપાય છે અને પછી જરૂર પડ્યે ધીમે ધીમે તે વધારાય છે. સારવાર સમયે હૃદયનો દુખાવો કે હૃદયમાં લોહીના પરિભ્રમણલક્ષી વિકાર થાય તો પ્રોપ્રેનોલોલ અપાય છે તથા T4ની માત્રામાં જરૂરી વધારો ખૂબ જ ધીમે અને સાવચેતીપૂર્વક કરાય છે. સામાન્ય રીતે અલ્પગલગ્રંથિતાના દર્દીમાં સરળતાથી શસ્ત્રક્રિયા કરાય છે. છતાં પૂર્વ-આયોજિત શસ્ત્રક્રિયા પહેલાં ગલગ્રંથિનું કાર્ય સામાન્ય બને તે જોવું જોઈએ એમ સૂચવાય છે. અલ્પગલગ્રંથિતાની કોઈ તકલીફ ન હોય તેવા ઉપલાક્ષણિક (subclinical) વિકારમાં જો TSH 10 mU/mlથી વધુ હોય અને મુક્ત-T4 અંક ઓછો હોય તો અંત:સ્રાવ વડે સારવાર કરવા સૂચવાય છે.
તીવ્ર અલ્પગલગ્રંથિને કારણે થતી બેભાનાવસ્થાના દર્દીને લિવો-થાયરૉક્સિન નસ વાટે આપવાનું, દર્દીને ગરમ કપડાં ઓઢાડીને તેની ગરમી સાચવવાનું, શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે જોવાનું, નસ વાટે પ્રવાહી અને ક્ષાર આપવાનું, હાઇડ્રોકૉર્ટિકોસ્ટીરૉઇડ આપવાનું તથા જે ચેપને કારણે ગાઢ બેભાનાવસ્થા (coma) થઈ હોય તેની સારવાર આપવાનું સૂચવાય છે.
(3) ગલગ્રંથિશોથ (thyroiditis) : ગલગ્રંથિના શોથકારી (inflammatory) સોજાવાળા વિકારને ગલગ્રંથિશોથ કહે છે. તે 3 પ્રકારનો છે — ઉગ્ર, અલ્પોગ્ર અને દીર્ઘકાલી.
(3-અ) ઉગ્ર ગલગ્રંથિશોથ(acute thyroiditis)નું કારણ જીવાણુજન્ય (bacterial) ચેપ છે. દર્દીને તાવ આવે છે તથા ગલગ્રંથિ પર દુખાવો, સ્પર્શવેદના (tenderness) અને સોજો થાય છે. આ વિકાર ભાગ્યે જ જોવા મળે છે. ગલગ્રંથિની કાર્યકસોટીઓ સામાન્ય હોય છે, લોહીમાં શ્વેતકોષોની અને ખાસ કરીને તટસ્થ કણિકાકોષો-(neutrophils)ની સંખ્યા વધે છે. ગલગ્રંથિનું વિકિરણચિત્ર (scan) ચેપના સ્થાને ઘટેલું અધિગ્રહણ (up take) દર્શાવે છે, પરંતુ 24 કલાકમાં થતું RIA અધિગ્રહણ સામાન્ય હોય છે. કારણભૂત જીવાણુને પારખવા ગ્રંથિમાંથી સોય વાટે થોડું પ્રવાહી લઈને તેની પ્રયોગશાળામાં કોષવિદ્યાલક્ષી તપાસ કરાય છે અને ત્યારબાદ યોગ્ય ઍન્ટિબાયૉટિક દવા અપાય છે. જો પરુવાળું ગૂમડું થયું હોય તો કાપો મૂકીને પરુ કાઢી લેવાય છે.
(3-આ) અલ્પોગ્ર ગલગ્રંથિશોથ(subacute thyroiditis)ને મહાકોષી ગલગ્રંથિશોથ (giant thyroiditis), અલ્પોગ્ર ચિરશોથ-ગડયુક્ત ગલગ્રંથિશોથ, (subacute granulomatous thyroiditis) કે ડી કર્વેઇન(de Quervain)નો ગલગ્રંથિશોથ પણ કહે છે. એક અન્ય ઉપપ્રકારને અલ્પોગ્ર લસિકાકોષી ગલગ્રંથિશોથ (subacute lymphocytic thyroiditis) કહે છે.
અલ્પોગ્ર ચિરશોથગડયુક્ત ગલગ્રંથિશોથ મુખ્યત્વે સ્ત્રીઓમાં અને જીવનના 3જા અને 4થા દાયકામાં થાય છે. તે જનીનીય વિકાર છે અને HLA-B 35 સાથે સંલગ્ન છે. આ વિકાર ઉદભવે તે પહેલાં થોડાં અઠવાડિયાં વિષાણુજન્ય રોગ થયેલો હોય છે અને તેથી વિવિધ વિષાણુ સામેનાં પ્રતિદ્રવ્યોનું પ્રમાણ પણ વધેલું હોય છે. જોકે ગલગ્રંથિમાં વિષાણુને કારણે ચેપ લાગેલો હોતો નથી. આમ તેનું મૂળ કારણ જાણમાં નથી. દર્દીની ગલગ્રંથિમાં લસિકાકોષો (lymphocytes), કણિકાકોષો (granulocytes) અને મહાકોષો(giant cells)નો ભરાવો થાય છે અને તેથી ગ્રંથિની સંરચનાનો નાશ થાય છે. પાછળથી તંતુતા વિકસે છે. વિકાર શમે ત્યારે મૂળ સામાન્ય સંરચના પુન:સ્થાપિત થાય છે. દર્દીને વિકારના સમયે ગલગ્રંથિના કદમાં 2થી 3 ગણો વધારો અને દુખાવો થાય છે. સાથે સાથે ઠંડી લાગવી, તાવ આવવો, થાક લાગવો, ડોક અને કાનમાં દુખાવો થવો, ખોરાક ગળવામાં તકલીફ થવી અને અતિગલગ્રંથિતાનાં લક્ષણ થવાં વગેરે તકલીફો થાય છે. ગ્રંથિને સ્પર્શ કરવાથી દુખાવો થાય છે. 2 મહિનાના ગાળામાં વિકાર શમે છે. લોહીમાં શ્વેતકોષોનો વધારો, રક્તકોષ ઠારણ દર(erythrocyte sedimentation rate, ESR)નો વધારો, મુક્ત-T4 અંકનો વધારો તથા RIA-અધિગ્રહણમાં ઘટાડો વગેરે નિદાનસૂચક છે. પ્રતિગલગ્રંથિ પ્રતિદ્રવ્યો ઓછાં હોય છે; પરંતુ થાયરોગ્લૉબ્યુલિન વધુ હોય છે. આ એક જાતે મટતી બીમારી છે માટે સારવાર જે તે લક્ષણને અનુરૂપ હોય છે. જરૂર પડ્યે પ્રેડ્નીસોલોન અપાય છે. ક્યારેક પાછળથી અલ્પગલગ્રંથિતા થાય છે. માટે દર્દીને નિયમિત તપાસ કરાવવાનું સૂચવાય છે.
અલ્પોગ્ર લસિકાકોષીય ગલગ્રંથિતા(subacute lymphocytic thyroiditis)ને પીડારહિત (painless), લસિકાકોષીય અલાક્ષણિક અલ્પોગ્ર (atypical subacute) ગલગ્રંથિશોથ અથવા અતિગલગ્રંથિશોથ (hyperthyroiditis) કે આપોઆપ શમતી અતિગલગ્રંથિતાવાળો લસિકાકોષીય ગલગ્રંથિશોથ એમ વિવિધ નામે ઓળખાવવામાં આવે છે. તેનાં મુખ્ય ચિહનો આપોઆપ શમતી અતિગલગ્રંથિતા, દુખાવા વગરનો ગલગ્રંથિનો સોજો અને ગલગ્રંથિમાં લસિકાકોષોનો ભરાવો થવો તે છે. તેનું કારણ જાણમાં નથી; પરંતુ તે હાશિમોટોના રોગ જેવાં લક્ષણો ધરાવે છે માટે તે સ્વકોષઘ્ની (autoimmune) રોગ હોવાનું મનાય છે. તેનું પ્રમાણ વધી રહ્યું છે અને હાલ અતિગલગ્રંથિતા 5 %થી 20 % દર્દીને આ વિકાર હોય છે. તે મોટે ભાગે યુવાન કે વૃદ્ધ સ્ત્રીઓમાં જોવા મળે છે. લસિકાકોષોના ભરાવાને કારણે ગ્રંથિની સંરચના નાશ પામે છે. તેમાં મહાકોષો ભાગ્યે જ જોવા મળે છે. તેવી રીતે હાશિમોટોના રોગમાં જોવા મળતું બીજાંકુર કેન્દ્ર (germinal centre) પણ ક્યારેક જોવા મળે છે. સૌપ્રથમ 3 મહિના માટે અતિગલગ્રંથિતાનો ઉગ્ર તબક્કો જોવા મળે છે; પરંતુ તે સમયે નેત્રરોગ કે પગના નીચલા ભાગમાં સોજો જોવા મળતો નથી. તે શમે ત્યારે થોડા સમય માટે અલ્પગલગ્રંથિતા થાય છે. તેની સારવારની જરૂર પડે છે. છેલ્લે સમગલગ્રંથિતા(euthyroid)ની સ્થિતિ ઉદભવે છે. પ્રસૂતિ પછી કેટલાક મહિને આ વિકાર થવાની સંભાવના નોંધવામાં આવેલી છે. વધુ T3, T4 અને ઓછું RIA-અધિગ્રહણ તથા લોહીમાં શ્વેતકોષોની સામાન્ય સંખ્યા અને સામાન્ય ESR નિદાનસૂચક છે. ગલગ્રંથિ સામેનાં પ્રતિદ્રવ્યોનું પ્રમાણ નીચું હોય છે; પરંતુ પ્રસૂતિ પછીના વિકારમાં તે વધુ હોય છે. સોય વડે પ્રવાહી લઈને કોષવિદ્યાલક્ષી તપાસ કરવાથી નિદાન નિશ્ચિત કરી શકાય છે. સારવાર લક્ષણોને અનુરૂપ હોય છે. જરૂર પડ્યે બીટા-બોકર્સ અને પ્રેડ્નીસોલોન અપાય છે. અલ્પગલગ્રંથિતાની સારવાર 3થી 6 મહિના માટે જરૂરી બને છે. અતિગલગ્રંથિતા સામાન્ય રીતે શમે છે; પરંતુ લાંબે ગાળે ક્યારેક અલ્પગલગ્રંથિતા થતી હોવાને કારણે દર્દીએ નિયમિત તપાસ કરાવવી જરૂરી ગણાય છે.
(3-ઇ) દીર્ઘકાલી ગલગ્રંથિશોથ(chronic thyroiditis)ના 2 પ્રકાર છે : હાશિમોટો ગલગ્રંથિશોથ અને રિડેલનો ગલગ્રંથિશોથ. રિડેલના ગલગ્રંથિશોથને રિડેલનો ગલગંડ (Riedel’s struma) પણ કહે છે. તે એક સ્વકોષઘ્ની (autoimmune) રોગ છે. તે ગ્રેવ્ઝના રોગ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેને દીર્ઘકાલી લસિકાકોષીય ગલગ્રંથિશોથ અથવા લસિકાકોષી અર્બુદ-સમ ગલગંડ (lymphadenoid goitre) પણ કહે છે. શરીરનું પ્રતિરક્ષાતંત્ર (immune system) બાહ્ય પદાર્થોને ઓળખીને તેમનો કોષો કે રસાયણો વડે નાશ કરવાનું કાર્ય કરે છે. આમ તે એક સુરક્ષા પ્રણાલી છે. જ્યારે તેમાં કોઈ વિકાર ઉદભવે અને તે શરીરના પોતાના જ કોષોનો નાશ કરે ત્યારે તેને સ્વકોષઘ્ની વિકાર (autoimmune disorder) કહે છે. હાશિમોટોના ગલગ્રંથિવાળા દર્દીમાં ગલગ્રંથિના કોષોમાંના સૂક્ષ્મકાય(microsome)ના ‘થાયરૉઇડ પેરૉક્સિડેઝ’ સામે, થાયોગ્લૉબ્યુલિન સામે તથા કલિલના પ્રતિજન (antigen) સામે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. આ પ્રતિદ્રવ્યો આ રોગનું કારણ કે પરિણામ છે તે નિશ્ચિત થયું નથી. સંવેદિત (sensitized) લસિકાકોષો વડે આ રોગને બીજા પ્રાણીના શરીરમાં પ્રવેશ આપી શકાય છે માટે ગલગ્રંથિની સંરચનાનો થતો નાશ કોષજન્ય (cell mediated) છે એમ મનાય છે. હાશિમોટોના ગલગ્રંથિશોથ સાથે ક્યારેક અન્ય સ્વકોષઘ્ની રોગો જેવા કે જોગ્રેનનું સંલક્ષણ (Sjogrens´ syndrome), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus), સ્વકોષઘ્ની અલ્પ ગઠનકોષીય રુધિરસ્ફોટ (idiopathic thrombocytopenic purpura) અને પ્રણાશી પાંડુતા (pernicious anaemia) થાય છે અને તેથી તે સ્વકોષઘ્ની રોગ હોવાની સંભાવના વધુ ગણાય છે. ક્યારેક અન્ય અંત:સ્રાવી ગ્રંથિઓ (endocrine glands) પણ અસરગ્રસ્ત હોય છે. પુરુષો કરતાં તે સ્ત્રીઓમાં 4થી 5 ગણો વધુ જોવા મળે છે. તે મોટી ઉંમરે વધુ જોવા મળે છે. વળી યુવાન સ્ત્રીઓના ગલગંડનું તે મુખ્ય કારણ પણ હોય છે.
ગલગ્રંથિ સામાન્ય કદની હોય છે અથવા તંતુતાને કારણે 4થી 5 ગણી મોટી થાય છે. તેમાં લસિકા કોષો, પ્લાઝમા કોષો અને તંતુઓનો ભરાવો થાય છે. ઘણી વખત તેમાં બીજાંકુર કેન્દ્ર (germinal centre) વિકસે છે. ઘણી વખત હાશિમોટોનો ગલગ્રંથિશોથ અને ગલગ્રંથિના લિમ્ફોમા(લસિકાર્બુદ)ને એકબીજાથી અલગ પાડવા અઘરા પડે છે. બે પ્રકારના વિકારો જોવા મળે છે. ક્ષીણ (atrophied) અથવા સામાન્ય કદની ગલગ્રંથિવાળા દર્દીમાં અલ્પગલગ્રંથિતા થાય છે, જ્યારે મોટી ગલગ્રંથિવાળા દર્દીમાં અતિગલગ્રંથિતા જોવા મળે છે. ક્યારેક આવી ગ્રંથિ અથવા તેનો કોઈ એક ભાગ ગંડિકા (nodule) રૂપે મોટો થાય છે. ઘણી વખત દર્દીના કુટુંબમાં ગ્રેવ્ઝનો રોગ, હાશિમોટોનો ગલગ્રંથિશોથ કે અન્ય સ્વકોષઘ્ની રોગ થયેલો જોવા મળે છે. મોટા ભાગના દર્દીમાં મુક્ત-T4 અંક ઘટે છે અને TSH વધે છે. 95 % દર્દીમાં TMAb અને 55 %થી 60 % દર્દીમાં TgAb પ્રકારનાં પ્રતિદ્રવ્યો હોય છે. RIA-અધિગ્રહણ વધુ, ઓછું કે સામાન્ય હોય છે. સોય વડે પ્રવાહી લઈને તેની કોષવિદ્યાલક્ષી તપાસ કરવાથી નિદાન કરી શકાય છે. ગલગ્રંથિની કાર્યસ્થિતિ પ્રમાણે સારવાર કરાય છે. સામાન્ય રીતે TSH વધેલું હોય છે અને તેથી ગલગંડ બને અને શ્ર્વસનમાર્ગમાં અવરોધ કરે તે અટકાવી શકાય. તે માટે ગલગ્રંથિના અંત:સ્રાવો વડે સારવાર શરૂ કરાય છે. જો અવરોધજન્ય તકલીફો થાય તો શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. ક્યારેક તેમાં લિમ્ફોમા નામનું કૅન્સર ઉદભવે છે. તેથી કઠણ ગાંઠમાં શંકા પડે તો સોય વડે પ્રવાહીમાં કોષો મેળવીને તેની તપાસ કરાય છે. યુવાન દર્દીમાં ગલગ્રંથિ નાની થાય છે જ્યારે મોટી ઉંમરે તેવું થતું નથી. ક્યારેક અતિગલગ્રંથિતા થાય તો તેને હાશિમોટો-વિષતા (Hashi-toxicosis) કહે છે. તે સમયે ગ્રેવ્ઝના રોગની સારવાર અપાય છે. જરૂર પડ્યે ગલગ્રંથિ અંત:સ્રાવો વડે સારવાર તથા નિયમિત તપાસ વડે સારવારનું પરિણામ સારું આવે છે.
રિડેલનો ગલગંડીય ગલગ્રંથિશોથ ક્યારેક જ થાય છે અને તેમાં કાઠિન્યકારી તંતુતા (sclerosing fibrous infiltration) થાય છે. તેથી ગલગ્રંથિ કૅન્સર જેવી કઠણ બને છે. રોગનો વ્યાપ વધે એટલે ડોકના સ્નાયુઓ અને શ્વાસનળી અસરગ્રસ્ત થાય છે અને તેમાં પણ તંતુઓ ઉદભવે છે. અલ્પગલગ્રંથિતા થાય છે. આ દર્દીઓને ઘણી વખત પેટના પોલાણની પાછળ અને પિત્તની નલિકાઓમાં પણ તંતુકાઠિન્ય (sclerosis) થાય છે. શ્ર્વાસનળીમાં અવરોધ થાય તો શસ્ત્રક્રિયા કરાય છે. કેટલાક દર્દીઓમાં કૉર્ટિકોસ્ટીરૉઇડ ઉપયોગી રહે છે.
(4) ગલગ્રંથિમાં ગાંઠ : ગલગ્રંથિમાં 2 પ્રકારની ગાંઠ ઉદભવે છે : સૌમ્ય (benign) અને મારક (malignant) અથવા કૅન્સર. ગલગ્રંથિમાં ઉદભવતી સાદી એકમાત્ર ગાંઠને ગંડિકા (nodule) કહે છે. ગલગ્રંથિ આખી મોટી થાય તો તેને ગલગંડ (goitre) કહે છે. દા. ત., બહુગંડિકાકારી ગલગંડ (multinodular goitre). ગલગ્રંથિની ગંડિકાઓ અને ગલગંડ સૌમ્ય પ્રકારની ગાંઠો બનાવે છે. ગલગ્રંથિમાં ઉદભવતી ગાંઠો તેના ગ્રંથિકારી (glandular) કોષોમાં ઉદભવે છે. તે સૌમ્ય હોય તો તેમને ગ્રંથિઅર્બુદ (adenoma) કહે છે અને કૅન્સરની ગાંઠ હોય તો તેમને કર્કાર્બુદ (carcinoma) કહે છે.
એકાકી (solitary) ગંડિકા : તેનું કારણ જાણમાં નથી. વિકિરણન (rediation) અને TSHની હાજરી તેને માટેનાં મુખ્ય પરિબળો ગણાય છે. વિકિરણનથી સૌમ્ય અને કૅન્સર એમ બંને પ્રકારની ગાંઠ થાય છે. 5 વર્ષથી નીચેનાં જે બાળકોએ અન્ય રોગ માટે 300થી 400 રેડ્ઝ જેટલું વિકિરણન લીધું હતું તેમાંથી 6 %ને 10થી 20 વર્ષ બાદ ગલગ્રંથિનું કૅન્સર થયેલું નોંધાયેલું છે. તેઓમાં સૌમ્ય ગંડિકાનું પ્રમાણ 18 %થી 24 % જેટલું હતું. એકલા TSHનું અધિક પ્રમાણ કૅન્સર કરતું નથી, પુખ્તવયની 1 %થી 3 % વ્યક્તિઓમાં ગલગ્રંથિમાં ગંડિકા થાય છે. સ્ત્રીઓમાં પુરુષો કરતાં બમણું પ્રમાણ હોય છે. જોકે આ પ્રમાણ સાચું ગણાતું નથી. કેમ કે શબપરીક્ષણ (autopsy) વખતે અતિસ્પષ્ટ ચિત્રણ(high resolution)વાળી અલ્ટ્રાસૉનોગ્રાફી વડે તપાસ કરતાં ગલગ્રંથિની એકાકી ગંડિકાનું પ્રમાણ 40 %થી 50 % નોંધાયું છે. જેઓમાં એકાકી ગંડિકા થાય તેમાંથી 3 %થી 4 %ને કૅન્સર થયેલું હોય છે. જોકે વધુ સારી તપાસપદ્ધતિ વડે વધુ કૅન્સર શોધી શકાય છે.
સૌમ્ય ગાંઠોમાં સૌથી વધુ પુટિકાકીય ગ્રંથિઅર્બુદ (follicular adenoma) હોય છે. તેની સૂક્ષ્મથી 10 સેમી. કદની ગાંઠ થાય છે અને તેમાં સામાન્ય દેખાતા કોષો પુટિકા આકારે ગોઠવાયેલા હોય છે. પુટિકાઓ નાની અને થોડા કલિલવાળી અથવા મોટી અને પુષ્કળ કલિલવાળી હોય છે. મોટી પુટિકાવાળી ગાંઠને ગુરુ પુટિકાકીય (macro-follicular) ગ્રંથિઅર્બુદ અને નાની પુટિકાવાળી ગાંઠને સૂક્ષ્મ પુટિકાકીય (microfollicular) ગ્રંથિઅર્બુદ અથવા ગર્ભશિશુકીય (foetal) ગ્રંથિઅર્બુદ કહે છે. જો કોષોની પરિપક્વતા ઓછી હોય અને ખૂબ જ ઓછું કલિલ હોય તો તેને પ્રાગ્ગર્ભીય (embryonal) ગ્રંથિઅર્બુદ કહે છે. જો ગાંઠમાં ઑક્સિફિલ કોષો હોય તો તેને હર્થલ (Hurthle) કોષીય ગ્રંથિઅર્બુદ કહે છે. આ બધી વિવિધ સૂક્ષ્મ સંરચનાઓની ગાંઠનાં લક્ષણો એકસરખાં જ છે. જો ગાંઠમાં ઘણા જ કોષો હોય તો તેમને પુટિકાકીય કૅન્સર(follicular carcinoma)થી અલગ પાડવું મુશ્કેલ બને છે. તેઓ TSHના ઉત્તેજન તરફ સામાન્ય પ્રતિભાવ આપે છે; પરંતુ તેમનું આયોડિન અધિગ્રહણ ઓછું હોય છે અને તેથી વિકિરણ ચિત્રણમાં તે અક્રિયાશીલ (nonfunctioning) અથવા શીત (cold) ગંડિકારૂપે જોવા મળે છે. 90 %થી 95 % ગંડિકાઓમાં, ગલગ્રંથિના અંત:સ્રાવોનું વધારાનું ઉત્પાદન જોવા મળતું નથી અને તેથી ગળામાં અકાર્યશીલ ગાંઠરૂપે જોવા મળે છે. તેની જાણ પણ અચાનક અને એમ જ થાય છે. 1 સેમી.થી મોટી ગાંઠને સ્પર્શીને શોધી શકાય છે; પરંતુ દર્દી સામાન્ય રીતે 5થી 10 સેમી.ની ગાંઠ થાય ત્યારે ફરિયાદ કરે છે. સોય વડે પેશીપરીક્ષણ (biopsy) કરવાથી નિદાન કરી શકાય છે. જો તેમાં અપક્ષીણતા (degeneration) થાય તો તે પ્રવાહી ભરેલી કોષ્ઠ (કોથળી) જેવી બને છે અને અલ્ટ્રાસૉનોગ્રાફીમાં કોષ્ઠ (cyst) રૂપે જોવા મળે છે. ક્યારેક કાર્યશીલ ગાંઠ થયેલી હોય તો સાથે સાથે અતિગલગ્રંથિતાનો વિકાર પણ જોવા મળે છે. તે સમયે T4 તથા T3 વધે છે અને TSH-IMA તથા TRH ઉત્તેજિત TSHનું પ્રમાણ ઓછું હોય છે. વિકિરણ ચિત્રણમાં તે ક્રિયાશીલ અથવા ઉષ્ણ (hot) ગંડિકારૂપે જોવા મળે છે. જો અતિગલગ્રંથિતા થઈ હોય તો તેને ઉષ્ણ ગંડિકા કહે છે અને જો અતિગલગ્રંથિતા ન થઈ હોય તો તેને અલ્પોષ્ણ (warm) ગંડિકા કહે છે. સામાન્ય રીતે ક્રિયાશીલ ગંડિકામાં કૅન્સર હોતું નથી. સક્રિય ગંડિકા હોય તો ગલગ્રંથિની ક્રિયાસ્થિતિ પ્રમાણે સારવાર અપાય છે. અતિગલગ્રંથિતા થઈ હોય તો શસ્ત્રક્રિયા કે 131I વડે સારવાર કરાય છે. શરૂઆતમાં વિકારને કાબૂમાં લેવા પ્રતિગલગ્રંથિ ઔષધો અપાય છે.
અક્રિયાશીલ અથવા શીત ગંડિકામાં કૅન્સર હોવાની સંભાવનાને કારણે તેનાં નિદાન અને સારવારને મહત્વ અપાય છે. વળી સારવાર અંગે વિવિધ મતો પણ પ્રચલિત છે. સામાન્ય રીતે વિકિરણ ચિત્રણ, સોય વડે પેશી-પરીક્ષણ, અલ્ટ્રા-સૉનોગ્રાફી અને અંત:સ્રાવોની રુધિરસપાટીની જાણકારી માટેની કસોટીઓ કરાય છે. ક્રિયાશીલ (ઉષ્ણ કે અલ્પોષ્ણ) ગંડિકા હોય તો સારવાર ગલગ્રંથિની ક્રિયાસ્થિતિ પર આધાર રાખે છે. અતિગલગ્રંથિતાવાળા દર્દીમાં 131I કે શસ્ત્રક્રિયા ઉપયોગી છે. અલ્પગલગ્રંથિતાવાળાને ગલગ્રંથિ અંત:સ્રાવ આપીને TSHનું અવદાબન કરાય છે અને સમગલગ્રંથિતા(euthyroid)વાળા દર્દીની નિયમિત તપાસ કરવાનું સૂચવાય છે. જો અક્રિયાશીલ (શીત) ઘન ગંડિકા હોય તો તેમાં કૅન્સર છે કે નહિ તે જાણી લેવામાં આવે છે. કૅન્સર હોય કે તેની સંભાવના લાગે તો શસ્ત્રક્રિયા કરાય છે. જો કૅન્સર ન હોય તો ઘન અક્રિયાશીલ (શીત) ગંડિકાની સારવાર કરવા T4 આપીને TSHનું અવદાબન કરાય છે. અક્રિયાશીલ (શીત) કોષ્ઠીય (cystic) ગંડિકાના પ્રવાહીને સોય વડે કાઢીને તેના કોષોનો અભ્યાસ કરાય છે. જો આવી ગંડિકામાં સામાન્ય કોષો હોય તો ગલગ્રંથિ અંત:સ્રાવો વડે TSHનું અવદાબન કરાય છે. જો તેમાં પુષ્કળ કોષો હોય તો 131I કે શસ્ત્રક્રિયા વડે સારવાર અપાય છે અને કૅન્સર હોય કે તેની સંભાવના હોય તો શસ્ત્રક્રિયા કરાય છે.
(5) ગલગંડ (goitre) : આખી ગલગ્રંથિનું કદ વધે તો તેને ગલગંડ કહે છે. તે બે પ્રકારના છે : વ્યક્તિગત કે ક્વચિત્-સંભાવ્ય (sporadic) અને વસ્તીસ્થાયી (endemic). વ્યક્તિગત કિસ્સામાં અલગ અલગ કારણે થતા ગલગંડને ક્વચિત્-સંભાવ્ય ગલગંડ કહે છે. વસ્તીનો મોટો ભાગ જ્યારે ગલગંડથી પીડાય ત્યારે તેને વસ્તીસ્થાયી ગલગંડ કહે છે. મોટે ભાગે તે આયોડિનની ઊણપને કારણે થાય. TSHનું લોહીમાં પ્રમાણ વધે ત્યારે ગલગ્રંથિ મોટી થાય છે. જ્યારે આયોડિનની ઊણપ હોય ત્યારે T4 અંત:સ્રાવ ઘટે છે. તેવી જ રીતે T4 અંત:સ્રાવનું સંશ્લેષણ ઘટે ત્યારે પણ T4નું લોહીમાંનું પ્રમાણ ઘટે છે. T4ની ઘટેલી સપાટી TSHનું ઉત્પાદન વધારે છે. તેઓનું T3નું પ્રમાણ સામાન્ય હોય છે. આમ T4માં ઘટાડો, TSHમાં વધારો, ગલગ્રંથિના કદમાં વધારો અને T3નું સામાન્ય પ્રમાણ હોય છે અને તે ગલગ્રંથિનું કાર્ય સામાન્ય (સમગલગ્રંથિતા) હોય છે. TSHના વધેલા પ્રમાણને કારણે ગલગ્રંથિના કોષોનું અતિવિકસન (hyperplasia) થાય છે, પુટિકાઓ મોટી થાય છે અને તેનું અધિચ્છદ નાનું થાય છે. કેટલાક વિસ્તારોમાં પુટિકા મોટી થાય છે અને તેથી આસપાસના વિસ્તારો દબાઈને ક્ષીણ બને છે અને તેમાં તંતુઓ વિકસે છે. તેને પરિણામે ઘણી ગંડિકાઓ બને છે. જો આયોડિનની ઊણપ હોય તો થાયરોગ્લૉબ્યુલિનનો ભરાવો થાય છે.
(5-અ) વ્યક્તિગત કે ક્વચિત્–સંભાવ્ય ગલગંડ (sporadic goitre) : 5 % વસ્તીમાં તે જોવા મળે છે અને તેમાંની 75 % સ્ત્રીઓ હોય છે. મોટે ભાગે તેઓમાં ગલગ્રંથિના અંત:સ્રાવ બનાવતા કોઈ એક ઉત્સેચકની થોડી કે સુસ્પષ્ટ ખામી થયેલી હોય છે. ઉત્સેચકની જન્મજાત (congenital) ખામીને કારણે થતો ગલગંડ જન્મજાત ગલગંડ કહેવાય છે. તેને ક્વચિત્-સંભાવ્ય ગલગ્રંથીય વામનતા (sporadic cretinism) કહે છે. તેમાં શિશુ(infant)ને અલ્પગલગ્રંથિતાને કારણે મિક્ઝિડીમા થાય છે. તે ઉપરાંત તેની શારીરિક વૃદ્ધિ અટકે છે. મગજની મંદતા (retardation) થાય છે તથા અલ્પગલગ્રંથિતાનાં વિવિધ લક્ષણો ઉદભવે છે. આયોડિનના ચયાપચય અને ગલગ્રંથિના અંત:સ્રાવોના સંશ્લેષણમાં વિવિધ 7 પ્રકારની પ્રક્રિયાઓમાં ખામી નોંધવામાં આવી છે : (1) આયોડિનનું લોહીમાં વહન (transport), (2) આયોડિનનું અવયવીકરણ, (3) થાયરોગ્લૉબ્યુલિનનું સંશ્લેષણ, (4) આયોડિન સ્વીકારકનું કાર્ય, (5) MIT અને DIT વચ્ચેના આંતર સંબંધો, (6) થાયોગ્લૉબ્યુલિનનું વિઘટન તથા (7) અપઆયોડિનીકરણ. આયોડિનના અવયવીકરણની પ્રક્રિયામાં ઉદભવતી ખામીને કારણે સૌથી વધુ વખત ગલગ્રંથીય વામનતા (cretinism) થાય છે. આ પ્રકારની ખામી સાથે ચેતાકીય બહેરાશ (nerve deafness) થાય તો તેને પેન્ડ્રેડનું સંલક્ષણ કહે છે. દર્દીમાં મુક્ત-T4 અંક ઘટે છે, TSH વધે છે અને જો 3 મહિનાની ઉંમર પહેલાં સારવાર શરૂ થાય તો થાયરૉક્સિન આપવાથી ગલગંડ ઘટે છે. સમગલગ્રંથિતા થાય છે, મસ્તિષ્કી મંદતા ઘટે છે અથવા થતી અટકે છે.
મોટી ઉંમરે જોવા મળતા બહુગંડિકી ગલગંડ(multinodular goitre)માં પણ ઉત્સેચકોની થોડી ઊણપ હોય છે એવું મનાય છે. જોકે તે સાબિત થયેલું નથી. લોહીમાંના T4નું થોડું ઘટેલું પ્રમાણ અને TSHમાં થતો થોડો વધારો આ પ્રકારની ખામી હોવાનું સૂચવે છે. જોકે મોટા ભાગના દર્દીઓમાં ગલગ્રંથિનું કાર્ય સામાન્ય હોય છે. મોટી થતી ગલગ્રંથિ ક્યારેક શ્વાસનળી કે અન્નનળી પર દબાણ કરીને અવરોધ કરે છે. ઘણી વખત દર્દીની તકલીફ ખૂબ ઓછી હોય તો તે શ્વાસની કે ખોરાક ગળવાની તકલીફની ફરિયાદ કરતા નથી. ગલગંડ વિકસીને ઘણી વખત છાતીમાં વક્ષાસ્થિ(sternum)ની પાછળ મોટો થાય છે. તે સમયે તે હૃદયમાં પ્રવેશતી મોટી નસોને દબાવે છે અને તેને કારણે મોં સૂજી જાય છે. ગલગંડ છાતીની અંદર પણ વિકસ્યો છે તે દર્શાવવા વિકિરણચિત્રણ (isotope scan) તથા જરૂર પડ્યે છાતી અને અન્નનળીનાં એક્સ-રે-ચિત્રણો તેમજ સીએટી સ્કેનની મદદ લેવાય છે. તેઓને પાછળથી અતિગલગ્રંથિતા થાય છે, તેને પ્લમરનો રોગ કહે છે. બહુગંડિકી ગલગંડના દર્દીને આયોડિન આપવાથી પણ અતિગલગ્રંથિતા થાય છે.
આ વિકારને હાશિમોટો તથા ગ્રેવ્ઝના રોગથી અલગ પાડવો જરૂરી ગણાય છે. સારવારનું આયોજન વ્યક્તિગત તકલીફોને અનુરૂપ હોય છે. અતિગલગ્રંથિતા થઈ હોય તો વિકિરણશીલ આયોડિન (131I) ઉપયોગી છે. જરૂર પડ્યે તે પહેલાં થાયોયુરેસિલ ઔષધો અથવા વિકિરણ સારવાર આપવાનું સૂચવાય છે. અલ્પગલગ્રંથિતા હોય તો થાયરૉક્સિન અપાય છે. શ્વાસનળી, અન્નનળી કે સ્વરપેટીની ચેતા પર દબાણ થતું હોય તો શસ્ત્રક્રિયા ઉપયોગી છે. ભૂતકાળમાં ડોકના ભાગ પર વિકિરણ વડે સારવાર કરાઈ હોય અથવા અવરોધકારી લક્ષણો જોવા મળતાં હોય તો સોય વડે ગલગ્રંથિના કોષો મેળવીને તેની સૂક્ષ્મદર્શી તપાસ કરવી જરૂરી ગણાય છે કેમકે તે રીતે ગલગ્રંથિનું કૅન્સર વિકસ્યું છે કે નહિ તે જાણી શકાય છે. જો દર્દીને થયેલો ગલગંડ ગલગ્રંથિના અંત:સ્રાવોના કોઈ વિકાર વગર ઉદભવ્યો હોય તો મોટે ભાગે શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી.
(5–આ) વસ્તીસ્થાયી ગલગંડ (endemic goitre) : કોઈ ચોક્કસ વસ્તીમાં જ્યારે ઘણી વ્યક્તિઓમાં ગલગંડનો વિકાર થાય ત્યારે તેને વસ્તીસ્થાયી ગલગંડ કહે છે. વળી ગલગ્રંથિના વિકારનું સૌથી મોટું કારણ આયોડિનની ઊણપ છે. ખાવાના મીઠામાં આયોડિન ઉમેરવાથી તેને થતો નિવારી શકાય છે. હિમાલય અને ઍન્ડીઝ પર્વતીય વિસ્તારો, મધ્ય આફ્રિકા, ન્યૂ ગિની અને ઇન્ડોનેશિયામાં આયોડિનની ઊણપને કારણે વસ્તીસ્થાયી ગલગંડ થાય છે. કેટલેક સ્થળે આહારના પદાર્થોમાં આયોડિન આપીને તથા કેટલેક સ્થળે આયોડિનનાં તૈલી ઇન્જેક્શન આપીને તેની ઊણપનું પ્રમાણ ઘટાડાયું છે. મધ્ય આફ્રિકામાં આહારમાં તથા કોલમ્બિયા તથા ચિલીમાં પાણીમાં રહેલાં ગલગંડકારી (goitrogenic) દ્રવ્યો ગલગંડ કરે છે. આયોડિનની સતત ઊણપથી T4નું ઉત્પાદન ઘટે છે અને તેથી TSHનું પ્રમાણ સતત ઊંચું રહે છે. TSHની રુધિરસપાટી ઘણી વખતે વધીને 100 માઇક્રોયુનિટ/મિલીલિટર રહે છે. તેને કારણે ગલગ્રંથિનું સતત ઉત્તેજન થાય છે. તેથી ગલગ્રંથિના કોષોનું અતિવિકસન અને અતિવૃદ્ધિ થાય છે અને તે મોટી થાય છે અને ક્યારેક તેનું વજન વધીને 1થી 5 કિગ્રા. જેટલું થઈ જાય છે. આવા વિસ્તારમાં જન્મેલાં શિશુઓમાં જન્મજાત અલ્પગલગ્રંથિતા થાય છે. ઍન્ડીઝ અને ન્યૂ ગિનીમાં વિશિષ્ટ પ્રકારની વસ્તીસ્થાયી ગલગંડીય વામનતા (endemic cretinism) થાય છે. તેમાં કેટલાય દર્દી ઠીંગણા કે મગજના અલ્પવિકાસવાળા હોવાને બદલે તેમના બંને પગ લકવાગ્રસ્ત થઈને અકડાઈ ગયા હોય છે (spastic diplegia) અને તેમની આંખો ત્રાંસી હોય છે અને તેમને બહેરાશ આવેલી હોય છે. કદાચ આયોડિનની ઊણપને કારણે ગર્ભમાં ચેતાતંત્રનો યોગ્ય વિકાસ નહિ થયો હોય એમ મનાય છે. આ વિકારને થતો અટકાવવા આયોડિનને આહારપૂરક (food additive) તરીકે અથવા તૈલી ઇન્જેક્શન રૂપે આપવાનું સૂચવાય છે. તેમાં ગ્રેવ્ઝ(બેઝડોવ)ના રોગના લક્ષણરહિત દર્દીમાં જોડબેઝડોવ પ્રક્રિયા થવાથી અતિગલગ્રંથિતા થઈ જવાનો ભય રહેલો છે.
(6) ગલગ્રંથિગંડિકા (thyroid nodule) : ગળાના આગળના ભાગમાં આવેલી ગલગ્રંથિ(thyroid gland)માં ગંડિકા થવી તે. તે પુખ્ત વયની 3 %થી 4 % વ્યક્તિઓમાં ગલગ્રંથિના બેમાંથી ગમે તે એક ખંડ(lobe)માં જોવા મળે છે. તેની યોગ્ય સારવાર માટે ત્રણ મુદ્દાઓ મહત્વના ગણાય છે – (1) સાચું નિદાન, (2) શસ્ત્રક્રિયા કરવા માટેનો શ્રેષ્ઠ સમય તથા (3) યોગ્ય શસ્ત્રક્રિયા કરવાની આવડત.
ગલગ્રંથિમાં થતી ગંડિકાઓ બે પ્રકારની હોય છે – (ક) સૌમ્ય અને (ખ) કૅન્સરજન્ય. તેનું નિદાન જરૂરી છે કેમકે સૌમ્ય ગંડિકા માટે ઘણી વખત શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી, જ્યારે કૅન્સરજન્ય ગંડિકાને શસ્ત્રક્રિયા વડે દૂર કરવી પડે છે.
લક્ષણો અને ચિહનો : સામાન્ય રીતે તે લાંબા સમયના પીડારહિત સૂજેલા ભાગરૂપે જોવા મળે છે. ક્યારેક તેમાં લોહી ઝમે તો તેના કદમાં વધારો થાય છે અથવા તેમાં દુખાવો થાય છે. કેટલાક દર્દીઓ ત્યારે જ તેને વિશે સભાન બને છે. તેના પ્રકારો સારણી 5માં દર્શાવ્યા છે.
સારણી 5 : ગલગ્રંથિગંડિકાના પ્રકારો
(અ) | સૌમ્ય
ગંડિકાઓ |
ગ્રંથિ-અર્બુદ (adenoma),
સ્થાનિક હાશિમોટો ગલગ્રંથિશોથ (thyroiditis), કોષ્ઠ (cyst), સૌમ્ય હર્થલસેલ ગાંઠ |
(આ) | કૅન્સરજન્ય
ગંડિકાઓ |
પુટિકાકારી કૅન્સર (follicular carcinoma),
અંકુરકારી કૅન્સર (papillary carcinoma), મજ્જામય કૅન્સર (medullary carcinoma), લસિકાર્બુદ (lymphoma), સ્થાનાંતરિત (metastatic) કૅન્સર, હર્થલસેલ કૅન્સર |
નિદાનલક્ષી કસોટીઓ : સારવારની શરૂઆત કરતાં પહેલાં ગલગ્રંથિની કાર્યક્ષમતાની કસોટીઓ રૂપે ગલગ્રંથિના અંત:સ્રાવો-(hormones)નું પ્રમાણ જાણવામાં આવે છે. તે ગલગ્રંથિના T3 અને T4 પ્રકારના અંત:સ્રાવો તથા પીયૂષિકા (pituitary) ગ્રંથિના ગલગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવ(thyroid stimulating hormone, TSH)નું લોહીમાંનું પ્રમાણ જાણી લેવામાં આવે છે. ગલગ્રંથિની સંરચનામાં ઉદભવેલી વિકૃતિ જાણવા માટે વિકિરણશીલ (radio-active) આયોડિન (I131) વડે વિકિરણ-ચિત્રણ (isotope scan) લેવામાં આવે છે. ગલગ્રંથિના જે ભાગમાં વિકિરણશીલ આયોડિન લેવાયેલું ન હોય તેને શીતગંડિકા (cold nodule) કહે છે અને જો તે વધુ પ્રમાણમાં આયોડિન ગ્રહણ કરે તો તેને ઉષ્ણગંડિકા (hot nodule) કહે છે. શીતગંડિકા ઘણી વખત કૅન્સરજન્ય હોય છે, પરંતુ વિકિરણ-ચિત્રણ વડે કૅન્સરના હોવા કે ન હોવાનું નિદાન કરી શકાતું નથી. તેની મદદથી નજરે ન જોઈ શકાતી નાની ગંડિકાઓ શોધી શકાય છે. ત્રીજી મહત્વની તપાસ સૉનોગ્રાફી (અશ્રાવ્ય ધ્વનિચિત્રણ) છે. તેની મદદથી ઘન અથવા પાણી ભરેલી કોષ્ઠ(cyst)વાળી ગંડિકાઓ એકબીજીથી અલગ પાડી શકાય છે. ઘન ગંડિકાઓમાં કૅન્સરનું પ્રમાણ વધુ હોય છે. સૉનોગ્રાફી વડે ગંડિકાના કદમાં થતા ફેરફારને નોંધી શકાય છે.
થાયરૉઇડમાં થતી ગંડિકાના કોષોને પાતળી સોય વડે શોષીને તપાસ માટે મોકલવામાં આવે છે. તેને તનુસૂચિ અભિશોષી કોષવિદ્યા(fine needle aspiration cytology, FNAC) કહે છે. તેની મદદથી ગંડિકા કૅન્સરજન્ય કે કૅન્સરરહિત છે તે જાણી શકાય છે. મોટી ગંડિકામાં જીવપેશીપરીક્ષણ (biopsy) કરાય છે.
સારવાર : સારવારના સિદ્ધાંતો સારણી 6માં દર્શાવ્યા છે. શરૂઆતની કસોટીઓ કરીને ઘન / કોષ્ઠીય કે શીત / ઉષ્ણ ગંડિકાનું નિદાન કરાય છે. 3 સેમી.થી નાની ગંડિકાનું FNAC વડે અને તેથી મોટી ગંડિકાનું બાયૉપ્સી વડે નિદાન કરાય છે. સૌમ્ય ગંડિકા હોય તો થાયરૉઇડના અંત:સ્રાવ (થાયરૉક્સિન) વડે સારવાર કરીને 6 મહિના સુધી ધ્યાન રખાય છે. જો ગંડિકા બેસી ન જાય તો તેની ફરીથી બાયૉપ્સી કરાય છે. શંકાસ્પદ કે કૅન્સરજન્ય ગંડિકાને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. 25 વર્ષથી ઓછી ઉંમરની કે 60 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં જો એક જ ગંડિકા હોય અથવા કોષ્ઠમાંનું પ્રવાહી દૂર કર્યા પછી જો નાની ગંડિકા રહી ગઈ હોય તો તેમાં કૅન્સરની સંભાવના રહે છે. તેથી આવી ગંડિકાઓ માટે શસ્ત્રક્રિયા કરાય છે. શંકાસ્પદ ગંડિકાને દૂર કરવા અર્ધગલગ્રંથિ-ઉચ્છેદન (hemi-thyroidectomy) કરાય છે; પરંતુ કૅન્સરજન્ય ગંડિકાના દર્દીની આખી ગલગ્રંથિને દૂર કરાય છે (થાયરૉઇડ કૅન્સરની સારવાર માટે જુઓ ‘કૅન્સર, ગલગ્રંથિ’). થાયરૉઇડના કૅન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા, આયોડિન I131 વડે કરાતી વિકિરણન ચિકિત્સા તથા ઔષધચિકિત્સા ઉપયોગી છે. હર્થલસેલ કૅન્સરમાં શસ્ત્રક્રિયા જરૂરી ગણાય છે. મેડ્યુલરી કૅન્સર ઘણી વખતે બંને ખંડોમાં હોય છે અને 80 % કિસ્સામાં તે કૌટુંબિક રોગ છે. તેની સારવારમાં પણ થાયરૉઇડ ગ્રંથિ પૂરેપૂરી કાઢી નંખાય છે. થાયરૉઇડના કૅન્સરની શસ્ત્રક્રિયાને કારણે ક્યારેક સ્વરપેટીનો લકવો થાય છે તથા પૅરાથાયરૉઇડ ગ્રંથિ પણ દૂર થતી હોવાથી કૅલ્શિયમના ચયાપચયનો વિકાર પણ થાય છે.
સારણી 6 : ગલગ્રંથિ–ગંડિકાની સારવારની સરિતસારણી (flow chart)
શિલીન નં. શુક્લ
ભરત ત્રિવેદી
શકુંતલા વિ. શાહ
વિલાસ પટેલ