ગલગંડ (આયુર્વેદોક્ત – કંઠરોગ) (Goitre) : આયુર્વેદના રોગ-નિદાનના ખાસ ગ્રંથ ‘માધવ નિદાન’માં ગળાની આસપાસ થતા રોગોમાં ગલગંડ, ગંડમાળા (કંઠમાળા), અપચી તથા અર્બુદ રોગો-(ગાંઠ – tumour)નું વર્ણન એક જ પ્રકરણમાં આપેલ છે.
તેમાં ગળા (ગ્રીવા) ઉપર અને નીચલા જડબાની નીચે ગળાના આગલા ભાગે અજમેરી બોરથી માંડીને સફરજન જેવડી મોટી, પોચા સોજાવાળી, ઊપસેલી ગાંઠ થાય છે, તેને ‘ગલગંડ’ કહે છે. હિન્દીમાં તેને गिल्हड, गलगंड કે घेघा અને અંગ્રેજીમાં તેને Simple Goitre કહે છે. આધુનિક વિજ્ઞાન મુજબ કંઠમાં રહેલ ‘અવટુકા ગ્રંથિ’ કે Thyroid Gland જ્યારે વધે છે, ત્યારે આ ‘ગલગંડ’ કે Goitre (ગોઇટર) રોગ થાય છે. જ્યારે આયુર્વેદ વિજ્ઞાન મુજબ વાયુ, કફદોષ તથા મેદધાતુ ગળા અને ગરદનની મન્યાનાડીમાં વિકૃતિ પામીને ‘ગલગંડ’ રોગ ઉત્પન્ન કરે છે.
ગલગંડ રોગમાં ગળાના આગલા ભાગે નાની કે મોટી દડબ કે પોચી ગાંઠ થાય છે. આ રોગને કારણે શ્વાસનળી પર દબાણ થતાં શ્વાસકષ્ટ થાય છે. જો અન્નનળી ઉપર તે ગાંઠનું દબાણ થાય તો ખોરાક ગળવામાં તકલીફ પડે છે. સ્વરયંત્ર ઉપર જો દબાણ થાય તો અવાજમાં ફેરફાર (વિકૃત) થાય છે. ગાંઠ ઉપર શિરાઓ (ભૂરી) ઊપસી આવે છે તેમજ કદીક ભ્રમ (ચક્કર) થાય છે. આ રોગ મારક નથી. મેદદોષથી શરીરમાં ગમે તે જગ્યાએ નાનીમોટી ગાંઠો થાય છે, તેને ‘ગલગંડ’ નથી કહેવાતો. ગંડમાળા કે કંઠમાળા આથી જરા જુદું દર્દ છે.
આયુર્વેદ વિજ્ઞાનના મતે ‘ગલગંડ’ ત્રણ પ્રકારનો થાય છે : (1) વાતદોષજ, (2) કફદોષજ અને (3) મેદદોષજ. તે દરેકનાં લક્ષણો જોઈએ :
(1) વાતજ ગલગંડ : તેમાં ગળાની ગાંઠમાં સોય ભોંકાવા જેવી (તોદ) પીડા થાય છે, ગાંઠ કાળી કે ભૂરી શિરાઓથી વ્યાપી જાય છે. આમાં ગાંઠ શ્યામ કે ગુલાબી રંગની, સ્પર્શમાં ખરબચડી, પાકરહિત અને ધીરે ધીરે વધનાર હોય છે. રોગીનું મુખ તૂરું અને તાળવું તથા ગળું સૂકું રહે છે.
(2) કફજ ગલગંડ : આ પ્રકારમાં કંઠની ગાંઠ (ગડ) ખસે નહિ તેવી, ત્વચાના રંગની, ભારે, વધુ ખૂજલીવાળી, સ્પર્શે ઠંડી તથા કદમાં ખૂબ મોટી હોય છે. તે બહુ ધીમે (મંદ ગતિથી) વધે છે. તેમાં પીડા સાવ નજીવી કે મંદ હોય છે. દર્દીના મુખનો સ્વાદ મીઠો અને તાળવું તથા ગળું ચીકણું રહે છે.
(3) મેદજ ગલગંડ : આ પ્રકારની ગાંઠ ચરબી(fat)દોષથી થાય છે. તે સ્પર્શે ચીકણી, સુંવાળી, ભૂખરા રંગની, દુર્ગંધવાળી હોય છે. તેને ખંજવાળતાં તેમાં પીડા થાય છે. તેનું મૂળ પાતળું હોઈ તે તુંબીની જેમ કંઠમાં લટકીને રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ મુજબ તે કદમાં વધે છે કે ઘટે છે. દર્દીનું મુખ ચીકણું રહે છે. દર્દી બોલે ત્યારે મુખમાં કફદોષથી થતા અવાજ જેવો ગદગદ્ કે અસ્પષ્ટ અવાજ થાય છે.
જે ગલગંડ રોગમાં દર્દી ભારે મુશ્કેલીથી શ્વાસ લેતો હોય, જે ગાંઠથી શરીર સાવ શિથિલ (ઢીલું-નરમ) પડી ગયું હોય તથા જે ગાંઠ 1 વર્ષથી વધુ જૂની હોય તથા જેમાં દર્દી અરુચિ, ક્ષીણતા અને સ્વરભેદથી યુક્ત હોય તે અસાધ્ય કહેવાય છે.
(1) દેવદાર અને ઇન્દ્રવરણાનાં મૂળનો લેપ કરવાથી કફજ-મેદજ ગલગંડ મટે છે. (2) ખાખરાનાં મૂળનું ચૂર્ણ ચોખાના ઓસામણ સાથે વાટીને લેપ કરવાથી સર્વ જાતનાં ગલગંડ મટે છે. (3) શેવાળને બાળી તેની ભસ્મ કરી, ગોમૂત્રમાં ઉકાળી, ગાળીને પીવી. તે સાથે રોજ કોદરાનો ભાત તથા છાશ ખાવાથી ગલગંડ અને કંઠમાળ મટે છે. (4) કાંચનારની છાલનો ઉકાળો કરી, તેમાં સૂંઠનું ચૂર્ણ તથા મધ મેળવી પીવાથી ગલગંડ તથા કંઠમાળ મટે છે. (5) ધોળી ગરણીનાં મૂળનું ચૂર્ણ તેમાં ઘી તથા ગોળ મેળવી પીવાથી વાયુનું ગલગંડ મટે છે. (6) વાયવરણાની છાલનો કે વરુણાદિ ક્વાથ અને કાંચનાર ગૂગળની 2-2 ગોળી રોજ લેવાથી ગલગંડ મટે છે. (7) મંડૂર ભસ્મ રોજ મધ સાથે ચાટવાથી અથવા પુનર્નવાદિ મંડૂર વટી અને કાંચનાર ગૂગળની 2-2 ગોળી વરુણાદિ કે કાંચનાર ક્વાથ સાથે બે વાર લેવાથી ગલગંડ મટે છે. (8) સરસવ, સરગવાનાં બી, શણનાં બી, જવ, અળસી તથા મૂળાનાં બી સમભાગે લઈ બનાવેલ ચૂર્ણ ખાટી છાશમાં વાટી, તેને ગરમ કરી, તેનો લેપ કરવાથી ગલગંડ, ગાંઠો અને કંઠમાળ મટે છે. (9) ભારંગીનાં મૂળ, સાટોડીનાં મૂળ અને સૂંઠના ચૂર્ણને ચોખાના ઓસામણ સાથે વાટીને, તેનો લેપ કરવાથી ગલગંડ તથા કંઠમાળ મટે છે. (10) દોષઘ્ન લેપ પાણીમાં ઉકાળીને રોજ તેનો ગાંઠ ઉપર લેપ કરવાથી અને કાંચનાર ગૂગળ તથા આરોગ્યવર્ધિની વટી 2-2 ગોળી સવાર-સાંજ લેવાથી ગલગંડ મટે છે. (11) અમરકંદ(માલાકંદ)નું 3થી 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે રોજ બે વાર ચટાડવું તથા તે ચૂર્ણ ગોમૂત્ર સાથે વાટી લેપ કરવાથી ગલગંડ અકસીર રીતે મટે છે.
બળદેવપ્રસાદ પનારા