ગયદાસ (સાતમો–આઠમો સૈકો)
January, 2010
ગયદાસ (સાતમો–આઠમો સૈકો) : આયુર્વેદના ટીકાકાર. આયુર્વેદના સર્જરીના ગ્રંથ ‘સુશ્રુત’ના પ્રાચીનતમ ટીકાકારોમાં જેજ્જટ પછી ગયદાસનું નામ આવે છે. ગયદાસે સુશ્રુત ઉપર ‘પંજિકા’ નામની ટીકા લખી છે. સુશ્રુતના ત્રીજા ટીકાકાર ડલ્હણે વારંવાર ગયદાસનો ઉલ્લેખ કરેલ છે. ડલ્હણાચાર્યે પોતે સુશ્રુતની ટીકામાં ગયદાસના પાઠોને મોટા ભાગે સ્વીકાર્યા છે. આ ગયદાસે સુશ્રુતના ટીકાકાર જેજ્જટનો ઉલ્લેખ કર્યો છે. ગયદાસ સુશ્રુતના પ્રાચીનતમ ટીકાકાર જેજ્જટ પછી અને ડલ્હણાચાર્ય પહેલાં ઈ. સ. 7થી 8મા શતકમાં થયા હોવાનો સંભવ ઇતિહાસકારો સ્વીકારે છે. ગયદાસની સુશ્રુતના નિદાનસ્થાનની ‘પંજિકા’ કે ‘ન્યાયચન્દ્રિકા’ નામની ટીકા 1938માં છપાઈ હતી, જે ઘણે સ્થળે ડલ્હણની ટીકા કરતાં વધુ સ્પષ્ટતર અને વિસ્તૃત છે. ગયદાસે સુશ્રુતના ‘શારીરસ્થાન’ની ટીકા પણ લખી હોવાની ઐતિહાસિક નોંધ છે.
બળદેવપ્રસાદ પનારા