ગફ, કૅથલિન (જ. 1925, ઇંગ્લૅન્ડ) : માતૃવંશીય સગાઈવ્યવસ્થા અને વારસાપ્રથા વિશેનાં લખાણોથી જાણીતાં સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. 1950માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું, તેમણે મુખ્યત્વે ભારતમાં તાંજોર અને કેરળમાં નાયર જ્ઞાતિમાં જોવા મળતી માતૃવંશીય કુટુંબવ્યવસ્થાના સંદર્ભમાં 1947–49, 1951–53 અને 1964માં તલસ્પર્શી સંશોધન કર્યું હતું. તેના પરિપાક રૂપે ‘મેટ્રિલિનિયલ ક્ધિાશિપ’ (1961) નામનું મહત્વનું સહસંપાદિત પુસ્તક સાંપડ્યું. તેમણે ભારતીય સામાજિક સંસ્થાઓ વિશે ઘણું સંશોધન કર્યું છે. ઉપરાંત દેશ તથા રાજ્યના પ્રશ્નો, પ્રજાતીય સંબંધો તથા સામાજિક વિજ્ઞાનના નીતિશાસ્ત્ર (ethics) વિશે પણ વિચારો પ્રગટ કર્યા છે. માનવશાસ્ત્રનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે પણ તેમણે પ્રયત્નો કર્યા છે. બ્રિટિશ કોલંબિયામાં બર્નાબીમાં સાઇમન ફ્રેઝર યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રના મદદનીશ પ્રોફેસર તરીકે કામગીરી બજાવી હતી.

અરવિંદ ભટ્ટ