ગદગ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાનું પ્રાચીન નગર. મહાભારતકાળના જનમેજયે આ નગર બંધાવ્યું હોવાનું મનાય છે. ગદગ 15° 25’ ઉ. અ. તથા 75° 38’ પૂ. રે. પર આવેલું છે. મુંબઈથી અગ્નિ દિશામાં લગભગ 482 કિમી. દૂર છે. તે ગુંટકલ-હૂબલી રેલવે પરનું જંક્શન છે. આ નગર દશમી શતાબ્દી(ઈ. સ.)થી ચૌદમી શતાબ્દીના આરંભ સુધી ચાલુક્ય, કલચુરી અને હોયસળ રાજાઓના આધિપત્ય નીચે હતું. ઈ.સ.ની ચૌદમી શતાબ્દીથી સોળમી શતાબ્દીના મધ્ય સુધી આ નગર વિજયનગર સામ્રાજ્યનો ભાગ હતું. તે પછી મુઘલોએ તેના પર અધિકાર જમાવ્યો. 1818માં તે અંગ્રેજો પાસે ગયું.
આ નગરમાંથી આઠમી-નવમી સદીના અનેક (અંદાજે 34 જેટલા) શિલાલેખ મળ્યા છે. પ્રાચીન મંદિરોના અવશેષો છે જે કલાના ઉત્તમ નમૂનારૂપ છે. મંદિરોમાં ખાસ કરીને ત્રંબકેશ્વરનું મંદિર અને વિષ્ણુમંદિર વિશેષ જોવાલાયક ગણાય છે. ત્યાં બે મહાવિદ્યાલયો છે. નગરની વસ્તી 11,45,522 જેટલી (2022) છે.
ગિરીશ ભટ્ટ