ચતુરંગ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો પ્રાચીન ગાયનપ્રકાર. સોમેશ્વર દ્વારા લિખિત ‘માનસોલ્લાસ’ અથવા ‘અભિલાષિતાર્થ-ચિંતામણિ’(1127)માં તેનો ‘ચતુર્મુખ’ નામથી ઉલ્લેખ છે. આ ગાયનપ્રકારમાં અસ્તાઈ અને અંતરા એ બે વિભાગ ધ્રુપદ ગાયનપ્રકારની જેમ બંદિસ્ત કરેલા, રાગદારીમાં ઢાળેલા હોય છે, ત્રીજો વિભાગ ‘સા, રે, ગ, મ’ ઇત્યાદિ સ્વરનામોથી ગૂંથેલો હોય છે તથા છેલ્લા એટલે કે ચોથા વિભાગમાં તબલાં કે પખવાજ જેવાં તાલવાદ્યોના બોલ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. વૈવિધ્ય તેનું મુખ્ય લક્ષણ હોવા છતાં આ ગાયનપ્રકારમાં વિસ્તારને બહુ અવકાશ હોતો નથી.

બારમી સદીથી આ ગાયનપ્રકાર પ્રચલિત થયો હતો. હવે તે લુપ્તપ્રાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે