ચતુર્થ જીવયુગ (Quaternary period) : કૅનોઝોઇક મહાયુગનો ઉત્તરાર્ધ કાળ. ભૂસ્તરીય કાળક્રમમાં તે તૃતીય (tertiary) જીવયુગ પછી શરૂ થતો હોઈ તેને ચતુર્થ જીવયુગ નામ આપવામાં આવ્યું છે. આ કાળને શરૂ થયે હજી તો વધુમાં વધુ 20 ± લાખ વર્ષ અને છેલ્લા સંશોધન મુજબ 16 ± લાખ વર્ષ જેટલો સમય વીત્યો હશે; તેથી ભૂસ્તરીય કાળસંદર્ભમાં તો તે હમણાં જ શરૂ થયેલો ગણાય છે. તે બે વિભાગોમાં વહેંચાતો હોવા છતાં બંને વચ્ચેની સીમા સુસ્પષ્ટ નથી. તેનો પ્રથમ કાલખંડ ‘પ્લાયસ્ટોસીન’ કહેવાય છે, જે ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તેલી હિમજન્ય પરિસ્થિતિના પ્રારંભથી તેમજ માનવઉત્પત્તિ-ઉત્ક્રાંતિ-પ્રગતિકાળ દ્વારા લાક્ષણિક રીતે જુદો પાડી શકાય છે; દ્વિતીય કાલખંડ ‘અર્વાચીન’ કહેવાય છે, જે છેલ્લાં 12,000 ± વર્ષથી શરૂ થયેલો છે અને છેલ્લા હિમકાળના પ્રતિક્રમણ દ્વારા પ્લાયસ્ટોસીનથી જુદો પાડી શકાય છે.

પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન આંતરે આંતરે પ્રવર્તેલા ચાર (કે પાંચ) હિમયુગો અને ત્રણ (કે ચાર) આંતરહિમયુગોની ઘસારાજન્ય તેમજ નિક્ષેપજન્ય ક્રિયાઓને પરિણામે વિશાળ સરોવરો અને ખીણપ્રદેશોની રચના થઈ છે. પૃથ્વીના અમુક વિસ્તારોમાં તો તે આબોહવા તેમજ જીવન માટે કાબૂ ધરાવતાં પરિબળો તરીકે અગત્યનાં બની રહ્યાં છે. પ્લાયસ્ટોસીન હિમયુગોની અસરથી તત્કાલીન મહાસાગરજળ વધુ ઠંડાં થઈ ગયેલાં અને પવનોની કાર્યશીલતામાં વૃદ્ધિ થયેલી. પ્રાણીઓને સ્થળાંતર કરવાની ફરજ પડેલી. જે સ્થળાંતર ન કરી શક્યાં તે નષ્ટ થયાં, કેટલાંક વિલોપ પામી ગયાં; એ જ રીતે કેટલુંક વનસ્પતિજીવન પણ નષ્ટપ્રાય થઈ ગયેલું.

પોપડાના સંદર્ભમાં જોતાં, દુનિયાના ઘણા ભાગોમાં જ્વાળામુખી-પ્રક્રિયા પ્રવર્તી રહી. કેટલાક નિષ્ણાતો જણાવે છે કે જ્વાળામુખીજન્ય રજ વિપુલ પ્રમાણમાં વાતાવરણમાં પથરાવાથી સૂર્યવિકિરણની અસર ઓછી થઈ ગઈ, ઉનાળાના તાપમાનમાં ઘટાડો થયો, હિમવર્ષાનું પ્રમાણ વધતું ગયું અને હિમજન્ય બરફ જામતો ગયો; બીજા કેટલાક નિષ્ણાતો પૃથ્વીની સ્થિતિમાં થયેલા ફેરફારોને હિમજન્ય બરફ થવાનું કારણ ગણાવે છે. કારણો જે ઘટાવાય તે, મધ્ય-તૃતીય જીવયુગના માયોસીન કાળથી થતા રહેલા ભૂમિઉત્થાનની અસરને બિલકુલ નકારી કાઢી શકાય તેમ નથી. પ્લાયસ્ટોસીન સમય દરમિયાન, ઉત્તર યુરોપ, સાઇબીરિયા, ઉત્તર અમેરિકા, ઍન્ટાર્કિટકામાં અને હિમાલય, આલ્પ્સ વગેરે જેવી ઉન્નત ગિરિમાળાઓમાં મોટા પાયા પર હિમચાદરોનો વિકાસ થતો રહ્યો. સમગ્ર હિમકાળ દરમિયાન વખતોવખત ગરમ-હૂંફાળા સંજોગો પણ પ્રવર્તતા રહેલા, જેમાં અનેક વાર હિમનદીઓ પીછેહઠ પણ કરતી રહી (આવા સમયગાળાને આંતરહિમકાળ તરીકે ઓળખાવવામાં આવે છે). દરેક હિમકાળ દરમિયાન સમુદ્રસપાટી ઘટતી ગઈ, જ્યારે આંતરહિમકાળ દરમિયાન તે વધતી રહી, જેના પુરાવા ડૂબેલાં જંગલો (submerged forests), દરિયાકિનારા પર ખડકાયેલા રેતાળ નિક્ષેપ ઢગલાઓ (raised beaches) આપી રહે છે. હિમનદીઓની વૃદ્ધિ અને પીછેહઠને આધારે પ્લાયસ્ટોસીનને 4 કે 5 હિમકાળ અને 3 કે 4 આંતરહિમકાળમાં વહેંચી શકાય છે. હિમકાળ દરમિયાન, સમુદ્રસપાટીમાં આજની અપેક્ષાએ 100 મીટર જેટલો ઘટાડો થયો હતો. તેને પરિણામે ભૂમિવિસ્તાર ઘણા મોટા પાયા પર વધ્યો હતો. ઉત્તર યુરોપનો સમગ્ર ભાગ, ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્ર ઠરી જવાથી સળંગ ભૂમિભાગ બની ગયેલો. હિમાલયની હિમનદીઓથી આજે છે તે કરતાં હિમકાળ વખતે ઘણો મોટો વિસ્તાર આવરી લેવાયો હતો; જોકે આજે પણ તે પૈકીની કેટલીક તો દુનિયાની વિશાળ હિમનદીઓ ગણાય છે. મધ્ય હિમાલયની 1500થી 3500 મીટરની ઊંચાઈવાળી ગિરિમાળાઓમાં ધવલધરમાંથી નીકળતી હિમનદીઓ તળેટી સુધી પ્રસરેલી છે, જેનો બાહ્યપ્રવાહ પ્રથમ હિમકાળ વખતે બિયાસની ખીણમાં 700 મીટરની ઊંચાઈવાળી આજની સપાટી સુધી વિસ્તરીને આવેલો.

પ્લાયસ્ટોસીન વખતના દરિયાઈ પ્રાણીઅવશેષોમાં આજે દરિયામાં અસ્તિત્વ ધરાવતાં જીવંત પ્રાણીઓ કરતાં ઓછો તફાવત જોવા મળે છે. વિલુપ્ત જીવનસ્વરૂપો જૂજ છે, જે હતાં તેમાંથી માત્ર પ્રકારભેદે થયેલાં છે.

પ્લાયોસીન(તૃતીય જીવયુગનો છેલ્લો કાલખંડ)ની માફક જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પ્લાયસ્ટોસીન કાળમાં પણ ભૂમિસંજોગોની સ્થિતિ પ્રવર્તમાન રહી; જોકે ખંભાત-અમદાવાદ-થર વિસ્તાર તેમજ કચ્છનો રણપ્રદેશ દરિયા હેઠળ હતો, જે ત્યારપછીથી ક્રમે ક્રમે શુષ્ક-અર્ધશુષ્ક ભૂમિસંજોગોમાં ફેરવાતો રહ્યો છે. તૃતીય જીવયુગના મધ્યકાળથી શરૂ થયેલું હિમાલયનું ઉત્થાન ચાલુ જ હતું; ઘણુંબધું પાણી હિમક્રિયા(બે લાખ વર્ષ અગાઉ)ની મહત્તમ અસર હતી ત્યારે પર્વતોમાં હિમાચ્છાદન સ્વરૂપે પકડાયેલું રહેલું, જેથી સામાન્ય સમુદ્રસપાટી ઠીક ઠીક નીચી ગયેલી. બંગાળમાં પહોંચતી નદીઓએ તેમના વહેણના માર્ગોને આજની સપાટી છે તે કરતાં વધુ નીચે તરફ કોતરી કાઢેલા. પરંતુ જેમ જેમ હિમનદીઓ પીગળતી ગઈ તેમ તેમ તેમાંથી વહી જતો હિમાલયમાંનો વિશાળ જળજથ્થો સમુદ્રસપાટીને ક્રમશ: ઊંચી લાવવામાં કારણભૂત બન્યો.

પ્લાયોસીનની જેમ જ, પ્લાયસ્ટોસીનનો પ્રારંભ પણ મહાકાય સસ્તન પ્રાણીઓનો કાળ હતો. તત્કાલીન હાથીઓને તેમના પૂર્વજોની માફક ટૂંકા દાંત હતા. તેમના દંતશૂળ નીચેની તરફ વિકાસ પામતા ગયા અને ઉત્ક્રાંતિની કક્ષામાં વધુ વિકસિત થવા માટે આગળ તરફ વળ્યા. દસ લાખ વર્ષથી ઓછા કાળગાળામાં તેમની ઘણી ઝડપી ઉત્ક્રાંતિ થઈ ગઈ, તે આખીયે દુનિયામાં ફેલાઈ ગયા અને પછી આ કાળખંડના અંતિમ ચરણમાં અતિશય ઠંડીને કારણે વિલુપ્ત થતા ગયા; છેવટે આજે જોવા મળતા આફ્રિકી (Loxodonta africana) અને એશિયાઈ (Elephas maximus) હાથી જેવા માત્ર બે જ પ્રકારો ટકી શક્યા છે. હાથીઓની વિલુપ્ત જાતિઓનું કદ ભારતીય હાથી જેવડું જ હતું, તફાવત માત્ર એટલો જ હતો કે અતિશય ઠંડીની સામે પ્રતિકાર રૂપે તેમના શરીર પર લાંબા, જાડા, કથ્થાઈ વાળનું ઊની આવરણ હતું. વાળ, ચામડી અને સુકાઈ ગયેલા લોહી સહિત તેમનાં થીજી ગયેલાં આખાં ને આખાં શરીર સાઇબીરિયા અને અલાસ્કાના બરફમાંથી મળી આવેલાં છે, જે તે વખતના તેમના અસ્તિત્વનો ખાતરીબંધ પુરાવો પૂરો પાડે છે.

પ્લાયસ્ટોસીન કાળમાં માનવ અને મૅમથ સમકાલીન હતા તે પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓની દીવાલો પર એ વખતના મનુષ્યોએ દોરેલાં મૅમથ – એલિફસ પ્રિમિજીનિયસનાં ચિત્રો પરથી જણાઈ આવે છે; હાથીદાંત પર મૅમથનાં ચિત્રો અને કોતરકામ પણ મળી આવે છે. એશિયાઈ હાથી શરૂઆતના મૅમથમાંથી ઊતરી આવેલ હોવાનું ગણાય છે. તેના દંતશૂળ નીચેની તરફના ઝોકવાળા છે અને ઘટતા જતા જણાય છે, દાઢો ઊંચી અને પહોળી છે, છેલ્લી દાઢો પર નહિ નહિ તો 24 સળવાળી આડીઅવળી તકતીઓ છે.

નિમ્ન પ્લાયસ્ટોસીન વયની, શિવાલિક રચનાની ઊર્ધ્વતમ કક્ષાના ગુરુગોળાશ્મ કોંગ્લૉમરેટ ખડકમાં અર્વાચીન બળદ, ઊંટ અને ઘોડાના અવશેષ આજ સુધીમાં પ્રથમવાર મળી આવેલા છે, જ્યારે સ્ટેગોડૉન પૈકી સ્ટેગોડૉન ગણેશ, રાઇનૉસિરસ, હિપોપોટેમસ, સિવાથેરિયમ, જરખ અને બિલાડી, અગાઉનાં પ્રાણીઓ પૈકી ટકી શકેલાં પ્રાણીઓના અવશેષો પણ મળ્યા છે. ઊંટ તો પૂર્વમાંથી સ્થળાંતરિત થયેલું મનાય છે. રાઇનૉસિરસ, હિપોપૉટેમસ, સાબર, બળદ, ડુક્કર ઇત્યાદિ વિલુપ્ત ઉપજાતિઓ સહિત એલિફસ એન્ટિક્વસ (હાથી) અને ઇક્વસ નમાડિકસ(ઘોડો)ના પ્રાણી-અવશેષો નર્મદાખીણના મધ્ય પ્લાયસ્ટોસીન સમયના કાંપમાંથી મળી આવેલા છે.

સિવાથેરિયમ (વાગોળનારાં અને જાડી ચામડીવાળાં પ્રાણીઓની વચ્ચેનું પ્રાણી, જે આજે હયાત નથી.) માત્ર નિમ્ન પ્લાયસ્ટોસીન પૂરતું મર્યાદિત હતું અને તેણે હિમકાળ દરમિયાન મધ્ય આફ્રિકા તરફ સ્થળાંતર કરેલું જણાય છે અને પછી ટકી ન શકવાથી વિલુપ્ત થઈ ગયેલું છે. ભારતમાં જિરાફ વર્ગનાં પ્રાણીઓ પ્લાયોસીન કાળમાં અસંખ્ય હતાં પણ તે નિમ્ન પ્લાયસ્ટોસીનમાં તદ્દન ઓછાં થઈ જાય છે અને પછી વિલુપ્ત બની જાય છે. જિરાફના વિલુપ્ત થતા જતા પ્રાણીઅવશેષો ગ્રીસ, હંગેરી, ઈરાન, પાકિસ્તાન, ભારત અને ચીનમાંથી મળી આવેલા છે. આ બાબત બતાવે છે કે આ પ્રાણીઓ ઉપર્યુક્ત વિસ્તારોમાં હતાં. હવે આ વર્ગ આફ્રિકા પૂરતો જ મર્યાદિત બની ગયો છે, જે તે વખતે ત્યાં સ્થળાંતર કરી ગયો હોવો જોઈએ. ગાય જાતિનાં (bovidae) પ્રાણીઓ મધ્ય એશિયાની પેદાશ જણાય છે. અમેરિકન પ્રાચીન પ્રાણીવિદ્યાશાસ્ત્રીઓના મત મુજબ, ભારતના માયોસીનથી પ્લાયસ્ટોસીન કાળગાળાના ખડકોમાંથી પ્રાણીઅવશેષ તરીકે મળી આવેલો ઘોડો (hipparion) અમેરિકાથી સ્થળાંતરિત થયેલો છે; પરંતુ એવો પણ દાવો કરવામાં આવે છે કે હિપારિઓન અને ઇક્વસ પ્રકારના ઘોડા ઉત્તર અમેરિકામાં જ્યારથી મળે છે તે અગાઉ ભારત અને પાકિસ્તાનમાં અલગ અલગ રીતે જોવા મળેલા છે. અને તેથી તે અમેરિકામાંથી સ્થળાંતરિત થયેલા છે એમ કહેવું ઉચિત નથી. સૂંઢવાળો પ્રાણીવર્ગ મૂળભૂત રીતે આફ્રિકામાં ઉત્પન્ન થયો હોવા વિશે કોઈ શંકા નથી; પરંતુ સ્ટેગોડૉન અને એલિફસ પ્રકારના હાથીની જાતિઓ તો ભારતમાં જ ઉત્પન્ન થયેલી મુલકી પેદાશ છે.

ઉત્તર ભારતના શિવાલિક વિસ્તારમાંથી મળી આવેલા વાનર જાતિના 80 ઉપરાંત નમૂના પરથી કહી શકાય કે તેમના વિતરણનું મૂળ કેન્દ્ર ઉત્તર ભારતથી દૂર હોઈ શકે નહિ; શક્ય છે કે તે ઇજિપ્ત-અરબસ્તાન મારફતે અહીં આવ્યા હોય !

હિમયુગોની અસરને કારણે, અગાઉના તૃતીય જીવયુગના કાળમાં અસ્તિત્વ ધરાવતાં મહાકાય પ્રાણીઓ વિલુપ્ત થતાં જઈ અશ્ય થઈ ગયાં. ખરીવાળાં પ્રાણીઓનો માત્ર પાંચમો ભાગ ટકી શક્યો છે. બળદ અને ભેંસ જેવા પ્રાણીપ્રકારો આઠમાંથી બે જ જોવા મળે છે. આમ સમગ્ર પ્લાયસ્ટોસીન કાળમાં પ્રવર્તેલા હિમસંજોગોને જ વિશાળ પાયા પરના વિલોપ માટે જવાબદાર ગણી શકાય.

તૃતીય જીવયુગના કાળમાં હિમાલયના ક્રમશ: ઊર્ધ્વગમનને કારણે વિરૂપક બળોની અસર હેઠળ હિમાલય અને વિંધ્ય હારમાળાની વચ્ચેનો સમગ્ર વિસ્તાર સિંધુ-ગંગા-બ્રહ્મપુત્રના વિશાળ સંરચનાત્મક ગર્તમાં ફેરવાઈ ગયો; ચતુર્થ જીવયુગ દરમિયાન હિમાલયમાંથી ઝડપથી આવતા ગયેલા વિપુલ કાંપનિક્ષેપોથી તે ભરાઈ ગયો છે અને આજે દેખાતું વિશાળ મેદાન અસ્તિત્વમાં આવેલું છે. રાજસ્થાનનું રણ પણ અર્વાચીન સમયની જ પેદાશ છે.

ગિરીશભાઈ પંડ્યા