ગઢવી, હેમુ (જ. 8 સપ્ટેમ્બર 1929, ઢાંકણિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 20 ઑગસ્ટ 1965, પડધરી) : સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયક તથા લોકસંગીતનિયોજક. અભણ ખેડૂત પિતા નાનુભા અને માતા બાલુબાનો કિશોર હિંમતદાન ભવાઈ અને પ્રવાસી નાટકમંડળીઓ પ્રત્યે આકર્ષાયેલ. ભણતર અધૂરું મૂકીને તેઓ મામા શંભુદાન ગઢવીની નાટક કંપની પાલિતાણામાં હતી તેમાં જોડાઈને સ્ત્રી-પાઠો કરતા થયા. કંપનીના પ્રવાસો દરમિયાન રાસ, ગરબા, લોકગીતો, દુહા, છંદો ભાવકો સમક્ષ પ્રસ્તુત કરવાના સંસ્કાર પડ્યા; લોકજીવનનો અભ્યાસ થયો. ગુરુ વિદ્યારામ હરિયાણી(મોરબી)એ હેમુને લોકસાહિત્યના વૈવિધ્યનો પરિચય કરાવ્યો. 1956માં આકાશવાણી, રાજકોટમાં તાનપૂરાવાદક તરીકે જોડાયા. સાથોસાથ લોકસંગીતની રજૂઆતની પ્રાયોગિક તાલીમ લીધી. અસંખ્ય જાહેર કાર્યક્રમો તેમણે આપ્યા; એમના બુલંદ સુરીલા અવાજે ગવાયેલાં ગીતોની સંખ્યાબંધ ગ્રામોફોન રેકર્ડ બહાર પડી. આકાશવાણીમાં લોકસંગીતના સહાયક નિર્માતા તરીકે બઢતી થતાં સહકાર્યકર દીનાબહેન ગાંધર્વના સથવારે અનેક લોકસંગીતરૂપકો રચ્યાં – એમાં ‘કવળાં સાસરિયાં’, ‘રાંકનું રતન’, ‘પાતળી પરમાર’, ‘શેણી વિજાણંદ’ વગેરે આજેય લોકપ્રિય છે. ભાવકો સમક્ષ ગેય વાર્તાઓની પ્રસ્તુતિ એમની વિશિષ્ટતા હતી – ‘એક દિન પંચસિંધુને તીર’ તથા ‘વર્ષાવર્ણન’ એમાં નોંધપાત્ર છે.
તત્કાલીન સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીનાં નાટકો ‘શેતલને કાંઠે’ અને ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ની સફળતામાં એમના બુલંદ અવાજ અને અભિનયનો મોટો ફાળો હતો. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ લોકગીતોનાં સંશોધન-સંચય કર્યાં, એને ઢાળ આપવાનું કામ જે ગાયકોએ કર્યું એમાં કવિ દુલા કાગ પછી કાનજી ભૂટા બારોટ અને હેમુ ગઢવી વગેરેનાં નામ આવે. રેડિયો પરની શ્રાવ્ય ભાષાના એ જાદુગર હતા. લોકસંગીતની અવિધિસરની તાલીમમાં પણ તેમણે પ્રદાન કર્યું છે. આ સમર્થ લોકગાયકનું પડધરી ગામે કોળી બહેનોનાં ગીતોનું ધ્વનિમુદ્રણ કરતાં કરતાં જ મૃત્યુ થયું હતું. હેમુના કંઠે ગવાયેલાં ગીતો અને સંગીત-રૂપકોનું ધ્વનિમુદ્રણ ઉપલબ્ધ છે.
હસમુખ બારાડી