ખેતમજૂરો : આખા વર્ષ દરમિયાનની કુલ આવકમાંથી અડધા ઉપરાંતની આવક, બીજાના ખેતરમાં શ્રમ કરીને ખેતીમાંથી વેતન તરીકે પ્રાપ્ત કરનારા. 1951માં ભારતમાં થયેલ વસ્તીગણતરીના અહેવાલમાં ખેડૂતની વ્યાખ્યા મુજબ ખેતઉત્પાદનની પ્રક્રિયાને લગતા અગત્યના નિર્ણયો જેને લેવા પડે છે તે ખેડૂત. આમ ખેડૂત એ કૃષિક્ષેત્રનો નિયોજક હોય છે જે ખેતઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમો તથા અનિશ્ચિતતાની જવાબદારી પોતે વહન કરે છે; પરંતુ ખેતી સાથે સંકળાયેલો જે વર્ગ આવા નિર્ણયો લેતો નથી, પણ પોતાનો શ્રમ વેચી, મહદંશે વેતન દ્વારા આજીવિકા મેળવે છે તે ખેતમજૂર ગણાય.
ભારતમાં ખેતમજૂર તરીકે કુટુંબના નાનામોટા બધા સભ્યો એક એકમ તરીકે કાર્ય કરતા હોય છે જેના બદલામાં તેમને સામૂહિક વળતર ચૂકવાતું હોય છે. તેમનું જીવનધોરણ અન્ય ખેડૂતો કરતાં ખૂબ નીચું હોય છે અને તેમનામાં ભૌગોલિક તથા વ્યવસાયલક્ષી ગતિશીલતાનો સદંતર અભાવ હોય છે. વ્યાપક નિરક્ષરતા, તકનીકી તાલીમનો અભાવ, મોસમી રોજગારી અને સંગઠનનો અભાવ એ ખેતમજૂરોનાં અન્ય લક્ષણો છે. ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ખેતમજૂરો જોવા મળે છે : (1) ખેતીમાં છૂટક કામ કરતા ખેતમજૂરો, (2) ખેતીની મોસમ પૂરતું કામ કરતા ખેતમજૂરો તથા (3) આખા વર્ષ માટેના કરારથી કામ કરતા ખેતમજૂરો. ભારતમાં વેઠપ્રથાનું અત્યંત વરવું સ્વરૂપ ખેતમજૂરોમાં જોવા મળે છે. 1976ના વેઠપ્રથા-નાબૂદી કાયદાની ધારી અસર થઈ નથી. ભીષણ ગરીબી, અતિશય બેકારી, અલ્પવિકાસ તથા અતિવસ્તી જેવી ભારતની સમસ્યાઓનું પ્રગટ સ્વરૂપ ખેતમજૂરોના રોજિંદા જીવનમાં તથા આર્થિક વિટંબણાઓમાં છતું થાય છે.
સ્વાધીનતા પછી ભારત સરકારે ખેતમજૂરોની સ્થિતિની તપાસ કરવા સારુ બે તપાસપંચોની નિમણૂક કરી હતી : 1950-51 તથા 1956-57. બીજા તપાસપંચ મુજબ ભારતમાં 1950-51માં ખેતમજૂરોનાં 179 લાખ કુટુંબો હતાં. 1956-57માં તેમની સંખ્યા 163 લાખ કુટુંબો જેટલી થઈ હતી. આ 163 લાખ કુટુંબોમાં 57 % સંપૂર્ણ રીતે જમીનવિહોણાં હતાં. 163 લાખ કુટુંબોમાંથી 83 % અસ્થાયી (casual) ખેતમજૂરો હતા જેમને રોજિંદા વેતન પર કામચલાઉ ધોરણે રાખવામાં આવતા હતા તથા બાકીનાં 17 % કુટુંબો નિશ્ચિત સમયના કરાર હેઠળ રોજગાર મેળવતાં હતાં. 1950-51થી 1956-57ના ગાળા દરમિયાન નિશ્ચિત સમયના કરાર હેઠળ કામ કરતા ખેતમજૂરોનાં કુટુંબોનું પ્રમાણથી 10 %થી વધીને 26.6 % જેટલું થયું હતું. 1956-57ના અરસામાં ભારતમાં ખેતમજૂરોની કુલ સંખ્યા 330 લાખ હતી, જેમાં 180 લાખ પુરુષમજૂરો, 120 લાખ સ્ત્રીમજૂરો તથા 30 લાખ બાળમજૂરો હતા. 1950-51માં તેમની સંખ્યા અનુક્રમે 190 લાખ, 140 લાખ તથા 20 લાખ હતી. 1956-57માં અસ્થાયી પુરુષ ખેતમજૂરોને વર્ષ દરમિયાન 197 દિવસ, સ્ત્રીમજૂરને 141 દિવસ તથા બાળમજૂરને 204 દિવસ રોજગારી મળતી હતી. 1950-51માં ખેતમજૂરના કુટુંબની વાર્ષિક સરેરાશ આવક રૂ. 447 હતી જે 1956-57માં રૂ. 437 થઈ. તે જ અરસામાં તેમના કુટુંબનું સરેરાશ કદ 4.3ને બદલે 4.4 જેટલું થયું. 1956-57માં તેમના સરેરાશ કુટુંબનો વાર્ષિક સરેરાશ ખર્ચ રૂ. 617 હતો. આવક અને ખર્ચ વચ્ચેનો આ તફાવત દૂર કરવા જૂની બચતોનો ઉપાડ, મિલકતનું વેચાણ તથા નવું દેવું કરવામાં આવતું. બીજા તપાસપંચે નોંધ્યું છે તે મુજબ ખેતમજૂરો અને ખાસ કરીને જમીનવિહોણા મજૂરો મહદંશે પછાત કોમોમાંથી આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે