ખિલનમર્ગ : કાશ્મીર પ્રદેશનું વિખ્યાત પર્યટનસ્થળ. ભૌ. સ્થાન આશરે 39° 03’ ઉ.અ. અને 74° 23’ પૂ.રે. શ્રીનગરથી પશ્ચિમે 52 કિમી. તથા ગુલમર્ગથી 6 કિમી.ના અંતરે રાજ્યના બારામુલા જિલ્લામાં તે આવેલું છે. દરિયાની સપાટીથી 3,200 મીટર ઊંચાઈ પર તે વસેલું છે. ગુલમર્ગની ઊંચાઈ કરતાં આ પર્યટનકેન્દ્રની ઊંચાઈ આશરે 610 મીટર વધુ છે. શ્રીનગરથી તંગમર્ગ સુધીનો આશરે 40 કિમી. લાંબો રસ્તો પાકો છે જેના પર વાહનોની હેરફેર સરળતાથી થાય છે. તે પછીનો રસ્તો ઊબડખાબડ છે. ત્યાંનું નિસર્ગસૌંદર્ય અદભુત છે. તેનો પરિસર રંગબેરંગી ફૂલોથી સતત આચ્છાદિત છે. આસપાસના વિસ્તારમાં ઝરણાં વહેતાં હોવાથી ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યમાં વિશેષ રમણીયતા દેખાય છે. ઉત્તર તરફ નંગા પર્વત તથા હરમુખ પર્વત અને વુલર સરોવર આવેલાં છે. બરફ પરની વિવિધ રમતો માટે આ સ્થળનો વિકાસ કરવામાં આવેલો છે. દેશ-વિદેશના સહેલાણીઓ આ સ્થળે જોવા મળે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે