ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે :
વિભાગ |
વજન (કિગ્રા.) |
વ્યાસ (મિ. મીટર) |
પુરુષો |
2.0 |
219થી 221 |
સ્ત્રીઓ |
1.0 |
180થી 182 |
જુનિયર |
1.5 |
195થી 197 |
ચક્ર ફેંકનાર ખેલાડી 2.5 મીટર વ્યાસના દોરેલા કૂંડાળામાં રહીને ચક્રને એક હાથની હથેળીમાં (under hand) રાખી, વેગ મેળવવા માટે હાથને ઝુલાવી તથા શરીરને ઘુમાવીને ચક્રને શક્ય તેટલે દૂર ફેંકે છે. ચક્ર ફેંકતી વખતે કે ફેંક્યા બાદ ખેલાડીનો પગ કે શરીરનો કોઈ પણ ભાગ કૂંડાળાની બહાર જમીનને અડકે તો તે તક નિષ્ફળ ગણાય. ચક્ર કૂંડાળાની મધ્યમાંથી 45 અંશના ખૂણે લંબાવેલી બે બાજુ-રેખાઓની અંદર પડે તો જ તે અંતરનું માપ લેવાય. અંતરનું માપ લેતી વખતે ચક્રનો જમીનને પ્રથમ સ્પર્શ થયો હોય ત્યાંથી દોરી અથવા માપપટ્ટી કૂંડાળાના મધ્યબિંદુ સુધી લંબાવી કૂંડાળાની અંદરની કિનારી સુધીનું માપ લેવામાં આવે છે.
ચક્રફેંકમાં પુરુષ વિભાગમાં જર્મનીના જરગેન શુલ્ટે 1986માં 74.04 મીટરનો વિશ્વઆંક નોંધાવ્યો છે, જ્યારે સ્ત્રી વિભાગમાં ટીસીએચનાં ઝડેન્કા સિલ્વાહાએ 1984માં 74.56 મીટરનો અને 1988માં ગ્રેબિયલ રિશે 76.81 મી.નો વિશ્વઆંક નોંધાવ્યો છે.
ચિનુભાઈ શાહ