ચક્રવર્તી, અમિય (જ. 10 એપ્રિલ 1901, શ્રીરામપુર; અ. 12 જૂન 1986, શાંતિનિકેતન) : આધુનિકતાવાદી પ્રસિદ્ધ બંગાળી કવિ. પિતા દ્વિજેશચંદ્ર અંગ્રેજી સાથે એમ.એ. થયેલા અને કાયદાશાસ્ત્રના સ્નાતક. એ સમયના ગૌરીપુર રાજ્યના દીવાન હતા. માતા અનિંદિતાદેવી સ્ત્રીસ્વાતંત્ર્યનાં હિમાયતી હતાં. ‘આગમની’ નામે એમનો નિબંધસંગ્રહ પ્રગટ થયો હતો.

અમિય ચક્રવર્તી

અમિયનું બાળપણ ગૌરીપુરમાં વીતેલું. ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનો પ્રભાવ એમના ચિત્ત પર ર્દઢ રીતે છવાયેલો હતો. ત્યાંથી 14 વર્ષની ઉંમરે ‘ઘરે બાહિરે’ નવલકથા વિશે પોતાનો અભિપ્રાય દર્શાવતો પત્ર રવીન્દ્રનાથને લખેલો. મોટા ભાઈ અરુણે સત્તર વર્ષની વયે કરેલી આત્મહત્યાથી સમગ્ર પરિવાર પર શોકની ઘેરી છાયા છવાતાં માતા જગન્નાથપુરી જઈને રહ્યાં. ત્યાંના સાગરનું સૌંદર્ય અમિયની કવિતામાં ઉલ્લેખાયું છે. ભાઈના મૃત્યુની ઘટનાથી બાળપણનો ચંચળ અને રમતિયાળ કિશોર ગંભીર અને મિતભાષી બને છે.

કૉલકાતાની હૅર સ્કૂલમાં અભ્યાસ માટે દાખલ થયા. ત્યાં મામાઓના સાન્નિધ્યમાં સાહિત્યરુચિ વિકસી. કાવ્યલેખનની શરૂઆત થઈ. તેમાં રવીન્દ્રનાથનો પ્રભાવ સ્પષ્ટ હતો. 1917માં પ્રમથ ચૌધરી રવીન્દ્રનાથ પાસે અમિયને શાંતિનિકેતન લઈ ગયા. ત્યારથી કવિવરનું એમને આકર્ષણ રહ્યું.

અંગ્રેજી સાથે ફિલૉસૉફી, વનસ્પતિશાસ્ત્ર અને જીવશાસ્ત્ર વિષયો લઈને ઑનર્સ સાથે બી.એ. થયા. 1922માં શાંતિનિકેતનમાં શિક્ષણ અને સંશોધનનું કાર્ય સ્વીકાર્યું. 1926થી રવીન્દ્રનાથના અંગતમંત્રી તરીકેની કામગીરી શરૂ કરી. 1927માં પટના યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. થયા. તે જ વર્ષે ડેનમાર્કનાં હિઑર્ડિસ સિગો સાથે લગ્ન કર્યું. દીનબંધુ ઍન્ડ્રૂઝે કન્યાદાન કરેલું અને રવીન્દ્રનાથે સિગોનું નામ હૈમન્તી રાખ્યું. 1930માં બર્મિગહામની વુડબ્રુક કૉલેજમાં અમિય ભારતીય ધર્મ અને સંસ્કૃતિના અધ્યાપક બન્યા. રવીન્દ્રનાથ સાથે જર્મની, ડેનમાર્ક, રશિયા અને અમેરિકાનો પ્રવાસ કરી શાંતિનિકેતન પાછા આવ્યા. 1932માં મધ્યપૂર્વ અને ઈરાનના પ્રવાસે ગયા. 1933માં સંશોધન સારુ ઑક્સફર્ડ ગયા અને ત્યાં ટૉમસ હાર્ડી પર વિવેચન લખી પીએચ.ડી. થયા. 1937થી 1940 સુધી લાહોરની એક કૉલેજમાં અધ્યાપન કર્યું. તે દરમિયાન ભારતના ધર્મ-આંદોલન પર સંશોધન સારુ ઑક્સફર્ડની સિનિયર રિસર્ચ ફેલોશિપ મળી. તે મેળવનાર અમિય પ્રથમ એશિયાવાસી હતા. 1940થી 1948 સુધી કલકત્તા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. ગાંધીજીની માનવતાથી આકર્ષાઈને રાષ્ટ્રીય પ્રશ્નોમાં તે સક્રિય બન્યા અને નોઆખલી અને બિહારમાં ગાંધીજી સાથે પદયાત્રામાં જોડાયેલા. અમિય અમેરિકન સરકારના વિયેટનામ પરના આક્રમણ વિરુદ્ધના આંદોલનમાં પણ જોડાયેલા.

1948થી તેઓ અમેરિકાવાસી બન્યા. ત્યાંની અનેક કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સાહિત્ય, ધર્મ, ફિલૉસૉફી વગેરે વિષયોનું શિક્ષણકાર્ય જીવનના અંત સુધી કરેલું. તેમાં હાર્વર્ડ, યેલ, કૅન્સાસ, બૉસ્ટન અને ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટી મુખ્ય છે. ઉપરાંત ઑસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટી અને ભારતની વિશ્વભારતી યુનિવર્સિટીના પણ મુલાકાતી અધ્યાપક હતા. છેલ્લે શાંતિનિકેતનમાં પોતાનું ઘર ‘રાન્કા’ (એટલે આનંદ) બાંધેલું અને ત્યાં જ દેહ છોડેલો.

દેશવિદેશના સતત પ્રવાસે તેમની સર્જક-પ્રતિભા સમૃદ્ધ બનેલી અને ગાંધીજી, આઇન્સ્ટાઇન, પાસ્તરનાક જેવી વિભૂતિઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા. એ સર્વનું પ્રતિબિંબ એમનાં કવિતા, પત્રો, નિબંધો વગેરેમાં જોવા મળે છે.

અમિયના 14 જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. ‘કવિતાવલી’ 1924-25માં પ્રકાશિત થયેલો એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. અન્ય કાવ્યસંગ્રહોમાં ‘ખસડા (1938), ‘એકમુઠો’ (1939), ‘માટીર દેયાલ’ (1942), ‘અભિજ્ઞાન વસંત’ (1943), ‘પારાપાર’ (1953), ‘પાલાબદલ’ (1955), ‘ઘરે ફેરાર દિન’ (1961), ‘હારાનો આર્કિડ’ (1966), ‘અનિ:શેષ’ (1976) વગેરે મુખ્ય છે. ‘ચલો યાઈ’ અને ‘સામ્પ્રતિક’ એમનાં ગદ્ય પુસ્તકો છે. વિજ્ઞાન અને ભૌતિક ચેતના દ્વારા વિશ્વનાં સઘળાં રહસ્યો ઉકેલી શકાતાં નથી તેવો ભાવ ‘માટીર દેયાલ’માં સ્પષ્ટ છે. વિશ્વના પ્રવાસ પછી લખેલ ‘ઘરે ફેરાર દિન’માં ધ્યાન અને વિજ્ઞાનના સમન્વયની વાત ઊપસી આવે છે.

અમિયનાં અંગ્રેજી પુસ્તકો ‘ડિનેટસ ઍન્ડ ધ પોસ્ટ વૉર એઇજ ઇન પોએટ્રી’ (1938), ‘મૉડર્ન ટેન્ડન્સિઝ ઇન ઇંગ્લિશ લિટરેચર’ (1942), ‘મહાત્મા ગાંધી ઍન્ડ ધી મૉડર્ન વર્લ્ડ’ (1942), ‘મૉડર્ન હ્યૂમૅનિઝમ’ – ઍન ઇન્ડિયન પર્સ્પેક્ટિવ’ (1968) ને ‘વર્લ્ડ રિલિજિયન્સ’ (1972) વગેરે મુખ્ય છે. ઉપરાંત અમિયે બંગાળીમાંથી ફ્રેન્ચ અને અંગ્રેજીમાં અનુવાદો પણ કરેલા છે.

દેશવિદેશની સંસ્થાઓએ અમિયને ફેલોશિપ, પુરસ્કાર અને સન્માન આપેલાં, જેમાં 1950–51માં રૉકફેલર ફાઉન્ડેશન ગ્રાન્ટ; 1951માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડીઝ’ના ફેલો; 1961માં આલ્બર્ટ શ્વાઇત્ઝર પદક, 1962માં કૅનેડિયન નૅશનલ કમિશન તરફથી ઍવૉર્ડ; 1963માં વિશ્વભારતી તરફથી દેશિકોત્તમ (ડી.લિટ.)ની ઉપાધિ; 1964માં ‘ચલો યાઈ’ માટે યુનેસ્કોનો પુરસ્કાર; 1964માં ‘ઘરે ફેરાર દિન’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીનું પારિતોષિક; 1967માં આંતરરાષ્ટ્રીય શાંતિ માટેના પ્રયાસોને વાટુમલ ફાઉન્ડેશન પુરસ્કાર; 1970માં અમેરિકાની નૅશનલ જોગ્રૉફિક સોસાયટીના સલાહકાર સભ્ય; 1970માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ઇલકાબ, 1972માં અમેરિકામાં વિશિષ્ટ શિક્ષણવિદ્ તરીકે સન્માન; 1978માં ફ્રેન્ડ્ઝ યુનિવર્સિટી કૉલેજના ટ્રસ્ટી નિમાયા અને 1975માં અમેરિકામાં વસતા ભારતીયોમાં વિશિષ્ટ નાગરિક તરીકે સન્માન ઇત્યાદિ નોંધપાત્ર છે.

ચન્દ્રકાન્ત મહેતા