ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના ગોળ ભાગને તેણે દૂર સુધી ગબડતો જોયો હશે. આવી કોઈ ઘટના ઉપરથી માનવીને ચક્ર બનાવવાની પ્રેરણા મળી હશે. નૂતન પાષાણયુગ(neolithic period)માં લગભગ 5000થી 6000 વર્ષ પૂર્વે ચક્રની શોધ થઈ હશે તેમ માનવામાં આવે છે. જોકે પુરાતત્ત્વવિદ્યાનું તેને સમર્થન નથી. વાહનવ્યવહારમાં વપરાતું ચક્ર કુંભારના ચાકડા ઉપરથી શોધાયું હતું અથવા તેની સાથે જ અસ્તિત્વમાં આવ્યું હોવાનો સંભવ છે. ચક્રની શોધ ક્યાં થઈ તે વિશે પણ મતમતાંતરો પ્રવર્તે છે; પરંતુ સિંધુ, નાઈલ, યૂફ્રેટીઝ, ટાઇગ્રિસ, યૅન્ગત્સી કિઍન્ગ અને વૅન્ગ હો નદીના તટે વિકાસ પામેલ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ચક્રનું અસ્તિત્વ હતું તેમ માનવામાં આવે છે. ચક્રને ગરગડી, ગિયર, ટર્બાઇન તથા રોલર બેરિંગ વગેરેનું પુરોગામી ગણવામાં આવે છે. ઇતિહાસવિદોનું એમ પણ માનવું છે કે ચક્રનો સર્વપ્રથમ ઉપયોગ માટીનાં ગોળ વાસણ ઘડવા માટે કુંભારના ચાકડા તરીકે થયો હશે. તેની સાથે જ અથવા ત્યારબાદ તેનો ઉપયોગ વાહનવ્યવહારમાં થયો હશે. જોકે શરૂઆતમાં વાહનવ્યવહાર માટેનું ચક્ર અને તેની લાંબી ધરી એક જ ભાગમાં લાકડાના એક જ ટુકડામાંથી બનાવવામાં આવ્યાં હશે. ત્યારબાદ ચક્ર અને ધરી જુદાં જુદાં બનાવવામાં આવ્યાં હશે. મોટા વ્યાસવાળાં ચક્ર લાકડાના ત્રણ અલગ અલગ ટુકડાને ધાતુના ચાપડા વડે જોડીને બનાવવામાં આવતાં હશે.

લગભગ 4000 વર્ષ પૂર્વે ભારત, સીરિયા અને ઇજિપ્તમાં રથમાં વપરાતાં લાકડાના આરાવાળાં ચક્ર (spoked wheel) અસ્તિત્વમાં આવ્યાં. ચક્રના વિકાસના પછીના તબક્કામાં આરાવાળા લાકડાના ચક્રની ધાર ઉપર લોખંડની વાટ ગરમ કરીને બેસાડવામાં આવતી હતી. ઠંડી થયા બાદ તેનું સંકોચન થતાં તે લાકડાની બહારની ધાર ઉપર ચુસ્ત રીતે બેસી જતી હતી. તેના કારણે પૈડું લાંબો સમય કામ આપતું થયું. આગળ જતાં ચક્રમાં લાકડાની જગ્યાએ લોખંડનો પણ ઉપયોગ થવા માંડ્યો. ચક્રનો ઉપયોગ શરૂઆતમાં વાહનવ્યવહાર પૂરતો સીમિત હતો; પાછળથી બીજાં ક્ષેત્રોમાં પણ તેનો વ્યાપ થયો. નીચેની સપાટીએથી પાણી ઉપરની સપાટીએ લઈ જવા વપરાતા શરૂઆતના રેંટ (water-wheel) જેવા સાધનમાં પણ ચક્રનો ઉપયોગ થતો હતો. મધ્યયુગમાં શક્તિના સ્રોત ગણાતાં પ્રાણીઓ, પાણી અને પવનનો ઉપયોગ કરીને જરૂરી શક્તિ મેળવવામાં ચક્રનો સંપૂર્ણ ફાળો હતો. પવનચક્કી જેવા ઉદાહરણથી તે સમજી શકાય છે.

ચક્ર

અંકુશિત ચક્રીય ગતિની ક્ષમતાને કારણે, ચક્ર યંત્રોની ડિઝાઇનમાં પ્રભુત્વ ભોગવે છે. ઔદ્યોગિક ક્રાંતિ વખતે જુદાં જુદાં યંત્રોનો વિકાસ ચક્ર વિના શક્ય બન્યો ન હોત. ચક્ર વિનાની માનવસંસ્કૃતિની કલ્પના થઈ શકે તેમ નથી. તેની શોધ પછી ચક્ર વાહનવ્યવહાર, યંત્રો, વિદ્યુત અને અન્ય ઊર્જાનું ઉત્પાદન કરતાં યંત્રો, પવનચક્કી ઉપરાંત લગભગ દરેક ક્ષેત્રનો અંતર્ગત ભાગ થઈ ગયેલ છે. ફરી શકે તેવા (moving) ભાગ ધરાવતા યંત્રમાં ચક્ર ન હોય તેવું ભાગ્યે જ બને છે.

હરેશ જયંતીલાલ જાની