ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર; મુખ્ય કલાકારો : સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, કુલભૂષણ ખરબંદા, રણજિત ચૌધરી, અંજલિ પાયગાંવકર, દિલીપ ધવન, સવિતા બજાજ, સુહાસ ભાલેકર.

ગંદી વસ્તીઓમાં અંધકારભરી, નિકૃષ્ટ જિંદગી વિતાવી રહેલાં માનવીઓના સંસારના બિહામણા સ્વરૂપને આ ફિલ્મ અસરકારક રીતે રજૂ કરે છે. આવો વિષય પ્રથમવાર કોઈ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યો છે.

કથામાં અનેક પાત્રો છે. દરેક પાત્રનો ભૂતકાળ છે તથા વર્તમાનકાળ તો છે જ; પરંતુ દરેકની ભવિષ્યની એક કલ્પના છે. કથાના કેન્દ્રસ્થાને એક વિધવા સ્ત્રી અમ્મા છે. તે સુરક્ષા કાજે પુરુષ માટે તલસે છે. આ વસ્તીમાં એક દિવસ એક અજનબી રખડુ નવયુવાન લુક્કા આવે છે. અમ્મા સાથે તેની આત્મીયતા થાય છે. અમ્માનો એકમાત્ર પુત્ર બેન્વા લુક્કાની સંગતે ચડતાં અમ્મા ચિંતિત બને છે. તેનો પુત્ર ગુનાઇત કૃત્યોમાં ભાગ લે તે તેને પસંદ ન હોવાથી લુક્કા સાથે સંબંધ તોડી નાખે છે. લુક્કાના ચાલ્યા ગયા બાદ અમ્માનો સંબંધ એક ટ્રક-ડ્રાઇવર સાથે થાય છે. તેને નશાની આદત છે. તેને કારણે તેના હાથે એક આદમીની હત્યા થાય છે. પોલીસ તેને પકડવા આવે છે. આ ગંદી વસ્તીને શિક્ષિત સમાજ અપરાધોનું જન્મસ્થળ માને છે અને તેને નષ્ટ કરવાનો નિર્ણય લેવાય છે.

આ ફિલ્મને ત્રીજા વિશ્વની પ્રતિનિધિ ફિલ્મ તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે સ્મિતા પાટિલને શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. 1987માં નવી દિલ્હી ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં આ ફિલ્મ સ્મિતા પાટિલને અંજલિ રૂપે પ્રદર્શિત કરવામાં આવી હતી.

પીયૂષ વ્યાસ