ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા)

January, 2010

ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા) (જ. 25 ઑગસ્ટ 1972, ધિરાણા, હિમાચલ પ્રદેશ) : ભારતના કુસ્તીબાજ. તે હિમાચલ પ્રદેશના ધિરાણા ગામના વતની છે. માતા-પિતા અને સાત ભાઈબહેનોનો પરિવાર. કુટુંબના સભ્યો મજૂરી કરીને ભરણપોષણ કરતા. બે ટંક ખાવાના પણ સાંસા. બે ઓરડાના મકાનમાં નવ જણનો સમાવેશ કરવો પડતો. શિક્ષણ નહિવત્, પણ ખલીની ઊંચાઈ અને દેહયષ્ટિએ પડછંદ. ઊંચાઈ સાત ફૂટ ત્રણ ઇંચ. તેને કારણે નસીબે તેમને સાથ આપ્યો. એક વાર પંજાબ પોલીસના જિલ્લા સુપરિન્ટેન્ડન્ટ ભુલ્લર હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરતા હતા તે દરમિયાન ખલીના ગામથી પસાર થતા હતા ત્યારે પથ્થર તોડવાના કામમાં વ્યસ્ત ખલી પર તેમની નજર પડી અને તેની શરીરયષ્ટિ જોઈને તેમણે ખલીને પંજાબ પોલીસ દળમાં જોડાવાની ઑફર કરી જે ખલીએ તરત જ સ્વીકારી. પોલીસખાતાની તાલીમ પૂર્ણ થયા બાદ તેને ઉપનિરીક્ષકનું પદ બહાલ કરવામાં આવ્યું.

ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા)

જોગાનુજોગ સમયાંતરે જલંધરની પોલીસ અકાદમી ખાતેની બાસ્કેટ બૉલની ટીમમાં ખલીનો સમાવેશ કરવામાં આવ્યો. પોલીસ-દળમાં દાખલ થયા પછી ખલીએ શરીરસૌષ્ઠવની માવજત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડાક સમય પછી સખત વ્યાયામ કરીને તેમણે કુસ્તીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ખલીને કારણે પંજાબ પોલીસની કુસ્તીની ટીમે ઘણી સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો, જેમાં આંતરરાજ્ય સ્પર્ધાઓનો પણ સમાવેશ થયો હતો. પાશ્ચાત્ય શૈલીની કુસ્તીની રીતસરની તાલીમ લેવા માટે તેમને કૅલિફૉર્નિયા જવાની તક સાંપડી જે માટે તેમને વર્લ્ડ રેસલિંગ ઇન્સ્ટિટ્યૂટ (WWI) દ્વારા આમંત્રણ મળ્યું હતું. ત્યાં તેમને ઑલ પ્રો-રેસલિંગ બૂટ કૅમ્પ નામની સંસ્થામાં પ્રવેશ મળ્યો. રોજની પ્રૅક્ટિસ દરમિયાન ખલી કરતાં બીજા તાલીમાર્થીઓ પાછળ પડતા. 1996માં તેમણે પ્રથમ વાર અમેરિકાની ઑલ પ્રો-રેસલિંગ સ્પર્ધામાં ભાગ લીધો. તેમનું કૌશલ્ય અને તેમનો દેખાવ ધ્યાનમાં લઈને અમેરિકાના કુસ્તીસમીક્ષકોએ ખલીને ‘જાયન્ટ સિંગ’ નામ આપ્યું. અમેરિકાના સમગ્ર કુસ્તીક્ષેત્રમાં તેમનું નામ ગુંજતું થયું. 1997-98માં તેમણે ભારતનો સર્વોચ્ચ ‘મિસ્ટર ઇન્ડિયા’ ખિતાબ હાંસલ કર્યો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કુસ્તી-સ્પર્ધાઓમાં ભાગ લેવાનો તેમણે નિર્ધાર કર્યો. તે માટે તેમને જાણીતા તાલીમશિક્ષકોની સક્રિય સહાય પ્રાપ્ત થઈ. ટૉની જોન્સ જેવા પ્રશિક્ષક અને કુસ્તીબાજ પાસેથી તેમને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સમયાંતરે તેમણે પાશ્ચાત્ય કુસ્તીપટુઓની શૈલીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું અને તેના આધારે તેમની પોતાની કુસ્તી રમવાની શૈલીમાં ફેરફાર કર્યા. કમનસીબે, 28 મે 2001ના રોજ તેઓ ટૉની જોન્સ સાથે પ્રૅક્ટિસ કરતા હતા તે દરમિયાન તેમણે જેન્સને ‘ફ્લૅપ જૅક’ લગાવ્યો તેમાં ઇજાગ્રસ્ત થવાથી ટૉનીનું અવસાન થયું. તેના કારણે ડરી ગયેલા ખલી અમેરિકા છોડીને ઑગસ્ટ, 2001માં જાપાન જતા રહેલા, જ્યાં ત્યારબાદ પણ તેમણે કુસ્તીની પ્રો-રેસલિંગ પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી હતી. મે, 2008માં તેઓ ભારત પાછા આવ્યા, જ્યાં તેમના પરિવારે અને પ્રશંસકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

દિવસ દરમિયાન તેમના ખોરાકમાં પરોઠા, માંસ,  દૂધ અને સૂકા મેવાનો સમાવેશ કરવામાં આવે છે.

અમેરિકાના નિવાસ દરમિયાન (2005) હૉલિવુડની કેટલીક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. તદ્દન અભણ હોવાને કારણે તેમનાં પત્ની હરવિંદર કૌર પરદેશમાં તેમના દુભાષિયા તરીકે તેમને સહાય કરે છે.

તેઓ ‘ધ ગ્રેટ ખલી’ ઉપનામથી કુસ્તીની દુનિયામાં જાણીતા બન્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે