ખરીદવેરો (purchase tax) : પરોક્ષ કરવેરાનો એક પ્રકાર. તે વેચાણપાત્ર વસ્તુની જથ્થાબંધ કિંમતોને આધારે આકારવામાં આવે છે. જુદી જુદી વસ્તુઓ પર તે જુદા જુદા દરે લાદવામાં આવે છે. વસ્તુના મૂલ્યની રકમ પર ખરીદવેરાના દર મુખ્યત્વે ટકાવારીના ધોરણે નિર્ધારિત કરવામાં આવે છે.

ખરીદવેરો એ પરોક્ષવેરો હોવાથી તે હ્રીયમાન (regressive) હોય છે, કારણ કે વસ્તુના ખરીદનારની કરપાત્રતા કે કરદાનક્ષમતાનો વિચાર કર્યા વિના તે બધા જ ખરીદનારાને સમાન ધોરણે ચૂકવવો પડે છે અને તેથી તવંગર અને ગરીબ વર્ગના ખરીદનારા પર કરનું નાણાકીય ભારણ સરખું પડતું હોવાથી ગરીબ વર્ગ પર તેનું વાસ્તવિક કે સાપેક્ષ ભારણ વધારે પડે છે. ખરીદવેરો એ વસ્તુ પરનો કર હોવાથી જેટલી વાર વસ્તુનું વેચાણ થાય છે તેટલી વાર નવા ખરીદનાર પર તેનું વિવર્તન (shifting) એટલે કે ભારણની ફેરબદલી કરી શકાય છે. ખરીદવેરાનો કરસંપાત (incidence) એટલે કે પ્રત્યક્ષ નાણાકીય બોજ વસ્તુના અંતિમ ખરીદનાર પર એટલે કે ઉપભોક્તા પર પડે છે.

ભારતમાં ખરીદવેરા નામથી કોઈ વેરો આકારવામાં આવતો નથી; પરંતુ વેચાણવેરો (sales tax) એ પણ વસ્તુ પરનો પરોક્ષ વેરો હોવાથી અને તેનું ભારણ કરવિવર્તનની પ્રક્રિયા દ્વારા ખરીદનાર પર પડતું હોવાથી વ્યવહારમાં વેચાણવેરો એ ખરીદવેરો બની જાય છે. વસ્તુની મૂળ કિંમતમાં ખરીદવેરાની રકમનો ઉમેરો થતાં તેના ભાવમાં વધારો થવાની સંભાવના ઊભી થાય છે અને તેટલે અંશે ખરીદવેરો ફુગાવાને ઉત્તેજન આપે તેવો કર છે.

1973માં ઇંગ્લૅન્ડમાં મૂલ્યવૃદ્ધિ-કર દાખલ થતાં ત્યાં ખરીદવેરો રદ કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે