ખન્ના, કૃષ્ણ (જ. 5 જુલાઈ 1925, લ્યાલપુર, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં અભ્યાસ કરીને અંગ્રેજી સાહિત્યની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બૅંકમાં ક્લાર્કની નોકરી કરી. ચિત્રકલાની સાધના કરવા 1961માં આ નોકરી છોડી દીધી. રૉકફેલર ફેલોશિપ મળતાં તેઓ 1962માં વૉશિન્ગ્ટન ડી.સી. ગયા અને ત્યાંની અમેરિકન યુનિવર્સિટીમાં ‘આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ’ તરીકે ત્રણ વરસ રહી તેમણે ચિત્રો ચીતર્યાં. 1965માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમીના ઍવૉર્ડ વડે તેમને નવાજવામાં આવ્યા.
તેમણે ન્યૂયૉર્ક, મુંબઈ, દિલ્હી, લંડન, ટોકિયો, સાઓ પોલો વગેરે શહેરોમાં પોતાનાં મૌલિક ચિત્રોનાં અનેક પ્રદર્શનો કર્યાં છે. એમણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કલા વિશે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. તેમનાં મૌલિક ચિત્રોમાં અભિવ્યક્તિવાદી શૈલીમાં સામાન્ય માનવીની વ્યથા અને લાચારીને મુખરિત રીતે રજૂ કરી છે.
1962માં રોકફેલર ફેલોશીપ, 1990માં પદ્મશ્રી અને 2011માં પદ્મભૂષણથી સન્માનિત થયા છે.
અમિતાભ મડિયા