ખનિજસ્વરૂપો : સ્ફટિકીકરણ દરમિયાન અનુકૂળ સંજોગો મળે તો કુદરતી ખનિજ, સ્ફટિકનું જે ચોક્કસ ભૌમિતિક સ્વરૂપ ધારણ કરે છે તે. ખનિજને ઓળખવામાં તેનો ઉપયોગ થાય છે. ખનિજ-સ્ફટિકના સ્વરૂપને સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ દ્વારા વર્ણવી શકાય :
પૂર્ણ સ્ફટિકમયતા : વિકસિત સ્ફટિકરચના ધરાવતાં ખનિજોને પૂર્ણ સ્ફટિકમય ખનિજો કહે છે; દા.ત., કુદરતમાં મળી આવતાં કૅલ્સાઇટ, ફ્લોરાઇટ વગેરે.
અપૂર્ણ સ્ફટિકમયતા : જ્યારે સ્ફટિક ઓછો વિકસિત હોય અર્થાત્ તે પૂર્ણપણે સ્ફટિકમયતા ન પામેલો હોય ત્યારે તેને અપૂર્ણ સ્ફટિકમય કહે છે.
અંશત: સ્ફટિકમયતા : ખનિજમાં સ્ફટિકરચનાના ફક્ત અંશ જ દેખાય ત્યારે તેને અંશત: સ્ફટિકમય કહે છે.
અસ્ફટિકમયતા (amorphous) : સ્ફટિકલક્ષણોનો સંપૂર્ણ અભાવ હોય તેવાં ખનિજો સામાન્ય રીતે દળદાર જથ્થાના સ્વરૂપે જોવા મળે છે, તેમને અસ્ફટિકમય કહેવાય છે.
કેટલાંક ખનિજો સ્ફટિક-સ્વરૂપથી અલગ પડતાં સ્વરૂપો પણ ધરાવે છે, જે ખનિજોની આંતરિક આણ્વિક રચના પર અવલંબિત હોતાં નથી.
વિશિષ્ટ આકારો પર આધારિત કેટલાંક ખનિજસ્વરૂપો નીચે પ્રમાણે વર્ણવી શકાય. આવાં લાક્ષણિક સ્વરૂપો પરથી ખનિજોની પરખ સહેલાઈથી થઈ શકે છે :
1. કાંકરીમય કે ગઠ્ઠામય : ગોળાકાર, લંબગોળાકાર કે અનિયમિત છૂટીછવાઈ કાંકરી કે ગાંઠસ્વરૂપે મળતાં ખનિજો; દા.ત., ફ્લિન્ટ.
2. ક્ષીરગ્રંથિમય : દુધાળાં પશુઓના આંચળ જેવું સ્વરૂપ; દા.ત., હીમેટાઇટ, સિલોમિલેન, મૅલેકાઇટ.
3. ગૂંચળાકાર : પાતળા તારના ગૂંચળા જેવું સ્વરૂપ; દા.ત., પ્રાકૃત ચાંદી અને પ્રાકૃત તાંબું.
4. જાળી–આકાર : જાળી આકારની ગૂંથણી ધરાવતાં સ્વરૂપો; દા.ત., અબરખમાં જોવા મળતા રૂટાઇલના રેસા.
5. ઝૂમખાસમ : લખોટી જેવા ગોળાસ્વરૂપે કે દ્રાક્ષના ઝૂમખાવત્ સ્વરૂપે; દા.ત., કૅલ્સિડોની.
6. તંતુમય : પાતળું, કેશમય સ્વરૂપ; દા.ત., મિલેરાઇટ.
7. તારક : તારા આકારમાં ગોઠવાયેલા રેસાનું સ્વરૂપ; દા.ત., ટ્રિડિમાઇટ.
8. દાણાદાર : સ્થૂળ કે સૂક્ષ્મ કણોના સમૂહ સ્વરૂપે; દા.ત., ક્રોમાઇટ, ઑલિવીન.
9. પતરીમય : ચપ્પુ કે છરીના પાના જેવું સ્વરૂપ; દા.ત., કાયનાઇટ.
10. પત્રવત્ : છૂટા પડી શકે તેવા પાતળા પર્ણસ્વરૂપ કે તકતીસ્વરૂપ; દા.ત., અબરખ.
11. પર્ણાકાર : છૂટા પડી શકતા પર્ણ કે તકતીસ્વરૂપે; દા.ત., વૉલેસ્ટોનાઇટ.
12. બદામાકાર : લાવાના ઘનીભવન દરમિયાન વાયુઓ ઊડી જવાથી રચાતાં કોટરોમાં ખનિજો સ્થાન પામે ત્યારે તૈયાર થતું સ્વરૂપ બદામાકાર તરીકે ઓળખાવાય છે; દા.ત., ઝિયોલાઇટ.
13. મૂત્રપિંડ સ્વરૂપ : મૂત્રપિંડ જેવાં ગોળાકાર સ્વરૂપો; દા.ત., હીમેટાઇટના કેટલાક પ્રકારો.
14. મેજ આકાર : પહોળાં સપાટ સ્વરૂપો; દા.ત., અબરખ.
15. રવાદાર : ઝીણાં ગોળાકાર સ્વરૂપો; દા.ત., રવાદાર રેતીખડક.
16. રેસાદાર : રેસાસ્વરૂપે કે દોરીઓની જુદી જુદી ગૂંથણીસ્વરૂપે; દા.ત., ઍસ્બેસ્ટૉસ, ચિરોડીનું સૅટિન-સ્પાર તરીકે ઓળખાતું ખનિજ.
17. વટાણાકાર : મોટાં ગોળાકાર સ્વરૂપો; દા.ત., બૉક્સાઇટ.
18. વિકેન્દ્રિત : સ્ફટિક કે રેસા કેન્દ્રત્યાગી બનતાં જોવા મળતું સ્વરૂપ; દા.ત., ઍક્ટિનોલાઇટ.
19. વીક્ષાકાર : ઔષધીય ગોળીઓ જેવું ચપટું સ્વરૂપ; દા.ત., ગાંઠ આકારે મળતાં ઘણાં ખનિજો.
20. વૃક્ષસમ : છોડની ફેલાયેલી ડાળીઓ જેવું સ્વરૂપ; દા.ત., મૅંગેનીઝ ઑક્સાઇડનાં અમુક સ્વરૂપો.
21. સોયાકાર : પાતળી, લાંબી સોય જેવું સ્વરૂપ; દા.ત., નેટ્રોલાઇટ, ટૂર્મેલિન.
22. સ્તંભાકાર : ઓછીવત્તી બાજુઓવાળા થાંભલા જેવું સ્વરૂપ; દા.ત., બેરિલ.
રાજેશ ધીરજલાલ શાહ