ખનિજતેલ (mineral oil), પેટ્રોલિયમ : પૃથ્વીના પોપડાના ખડક-સ્તરોમાંથી અન્ય ખનિજોની જેમ કુદરતી રીતે મળતું તેલ. પેટ્રોલિયમ એ મૂળ ગ્રીક શબ્દો ‘Petra’ (ખડક) અને ‘Olium’ (તેલ) પરથી બનેલો શબ્દ છે. ખનિજતેલ અથવા પેટ્રોલિયમ અમુક જ પ્રકારના ખડકસ્તરોમાં વિશિષ્ટ પ્રકારની રચનાવાળા વિભાગોમાં મળી શકે છે.

ઊર્જા નિર્માણ કરવામાં ખનિજતેલ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. લગભગ દરેક પ્રકારનાં યાંત્રિક વાહનો, રેલવે-એન્જિન, પાણીના પંપ વગેરે ચલાવવામાં પેટ્રોલ, ડીઝલ કે ક્રૂડ ઑઇલ રૂપે તેનો ઉપયોગ થાય છે; તેથી જ તો આધુનિક સમાજનું તે એક અનિવાર્ય ખનિજ ઇંધન થઈ પડ્યું છે. આ ઉપરાંત માનવસમાજની જરૂરિયાતો પૂરી પાડવા માટે અગત્યનાં ઘણાં પેટ્રોરસાયણો માટેનું તે મૂળભૂત દ્રવ્ય બની રહ્યું છે. તેમાંથી બનાવાતી આડપેદાશો પૈકી પીવીસી, એસેટિક ઍસિડ, પૉલિસ્ટાઇરીન, ઇથાઇલ આલ્કોહૉલ, ઍસિટોન, ગ્લાયકોલ, ફીનૉલ, ઇપૉક્સિ રેઝિન, અમુક જાતનાં રબર, ઊંજણતેલ ઇત્યાદિનો સમાવેશ કરી શકાય.

ઇતિહાસ : બૅબિલોન-સિંધુ સંસ્કૃતિ સમયના 5,000 વર્ષ જૂના ઇતિહાસ તરફ ર્દષ્ટિપાત કરતાં જણાય છે કે પ્રાચીન કાળથી જ લોકો પેટ્રોલિયમ વિશે જાણતા હતા. મિસરમાં મમી જાળવી રાખવા માટે મડદાના શરીર પર, તેના ઔષધીય ગુણધર્મને કારણે પેટ્રોલિયમ લગાડી રાખવામાં આવતું. ગ્રીક તત્વવેત્તા હિરોડોટસે ઈ. પૂ. 450માં ઈરાન અને ગ્રીસમાં જમીન પર તેલ પ્રસરેલું જોયાનો ઉલ્લેખ કરેલો છે. એ જ રીતે પ્લિનીએ પણ તેની નોંધ કરેલી છે. ઈ. પૂ. 221માં ચીનાઓએ પેટ્રોલના કૂવા ખોદેલા હોવાનું કહેવાય છે. ચીનાઓ અને જાપાનીઓ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં ઘણા સમય અગાઉ દીવા કરવા માટે ‘રૉકેલ’નો ઉપયોગ કરતા હતા. સિસિલીમાંથી આ જ પ્રકારનું તેલ લાવીને રોમના જૂપિટરના મંદિરમાં રોશની કરવામાં આવતી. પ્રાચીન કાળમાં ડામર પણ વપરાશમાં હતો. મોઝિઝે નાઇલ પાર કરવા તરાપામાં ડામરનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. બૅબલના ટાવર અને નોઆના વહાણના બાંધકામમાં પણ ડામરનો ઉપયોગ કરેલો. ઓગણીસમી સદીના જગપ્રસિદ્ધ મુસાફર માર્કો પોલોએ બાકુ(રશિયા)માંથી તેલ મળતું હોવાની નોંધ કરેલી છે. યુ.એસ.માં 1850 સુધી તો દવા અને ત્યાર બાદ દીવા માટે તે ઉપયોગમાં લેવાતું હતું. મ્યાનમારના યેનાંગયાંગનાં તેલક્ષેત્રોમાંના કેટલાક તેલકૂવા દુનિયામાં જૂનામાં જૂના કૂવા ગણાય છે. 1831માં મેંડલ નામના એક અમેરિકનને ક્ષારયુક્ત ગરમ પાણીના ઝરામાં કરેલાં શારકામોમાંથી તીવ્ર વાસવાળો તૈલી પદાર્થ ઝમતો હોવાનું જોવા મળ્યું હતું. 1833માં ફેરિસ નામના અમેરિકનને આ દ્રવ્યનું આર્થિક મહત્વ સમજાયું હતું; તેમ છતાં 1851 સુધી તો તેલખોજની દિશામાં કોઈ ખાસ પ્રગતિ સધાઈ ન હતી. 1859માં પ્રથમ તેલકૂવો ખોદવાની શરૂઆત થઈ, જેમાંથી ફક્ત 20 મીટરની ઊંડાઈએથી તેલ મળ્યું. વ્યાપારી ધોરણે મેળવાતા તેલની પ્રથમ ખોજ યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં અઢારમી સદીના અંતિમ ચરણમાં થઈ. તેલકૂવા ખોદાતા ગયા. વપરાશ વધતી ગઈ તેમ ખોજ પણ વધતી ગઈ. આમ, સંશોધનોનો સિલસિલો ચાલુ થયો, જે આજે પણ ચાલુ છે.

ભારતમાં આસામની બ્રહ્મપુત્રની ખીણનાં અંતરિયાળ જંગલોમાં જમીનની સપાટી પર તેલસ્રાવ થતો હોવાનું જોવા મળ્યું હોવાથી ખોજ શરૂ તો થયેલી, પરંતુ દુર્ગમ સ્થાનોને કારણે સંનિષ્ઠ પ્રયાસો કરી શકાયા નહિ. ત્યાર બાદ સર્વપ્રથમ શારકામ 1866માં શરૂ થયું અને 1867ની 26 માર્ચે માત્ર 36 મીટરની ઊંડાઈએથી માકુમમાં તેલ મળ્યું. તે પછી તો 1890માં દિગ્બોઈમાં તેલ મળી આવ્યું; નહારકોટિયા અને મોરાનનાં તેલક્ષેત્રો 1953 અને 1956માં મળી આવ્યાં. આમ, ભારતમાં તેલની ખોજનાં પગરણ મંડાયાં અને ક્રમિક વિકાસ થતો ગયો. 1960માં ગુજરાતનાં અંકલેશ્વરમાં અને પછીથી બૉમ્બે હાઈમાં તેમજ ભરૂચના ગાંધારક્ષેત્રમાં તેલ મળી આવ્યુ. તે અગાઉ ભારત માટે આસામ જ તેલપ્રાપ્તિ માટેનો એકમાત્ર પ્રદેશ હતો. આજે તો ભારતની નદીઓના ઘણા ખીણ-પ્રદેશો અને દરિયાકિનારાના તેમજ દૂરતટીય પ્રદેશોમાં વિસ્તૃત ખોજ અને સંશોધનોને પરિણામે સમૃદ્ધ તેલજથ્થા મળી આવેલા છે.

ગુણધર્મો-બંધારણ : પૃથ્વીની સપાટીથી જુદી જુદી ઊંડાઈએ મળી આવતું આ ખનિજતેલ તેની મૂળ સ્થિતિમાં તો સામાન્ય રીતે ચીકણું, ક્યારેક પેટ્રોલ જેવી તો ક્યારેક સડેલાં ઈંડાં જેવી વિશિષ્ટ ગંધવાળું, રંગવિહીનથી માંડીને ભૂરા-લીલા કે ડામર જેવા તદ્દન કાળા રંગનું, ઘટ્ટ કે અર્ધઘટ્ટ પ્રવાહી સ્વરૂપે મળી આવે છે. રાસાયણિક બંધારણમાં તે મુખ્યત્વે મિથેન-નૅફ્થેન શ્રેણીના હાઇડ્રોજન-કાર્બનનાં વિવિધ સંયોજનથી બનેલું હાઇડ્રોકાર્બનનું જટિલ મિશ્રણ છે; ક્વચિત્ તેમાં નજીવા પ્રમાણમાં પ્રાણવાયુ, નાઇટ્રોજન અને ગંધક પણ ભળેલાં હોઈ શકે છે. હાઇડ્રોકાર્બનનાં ભિન્ન ભિન્ન ઘટકસ્વરૂપો તેમના ગુણધર્મોમાં વિવિધતા ધરાવતાં હોઈ કેટલાંક તેલ વધુ પૅરેફિન મીણવાળાં તો કેટલાંક વધુ ડામરવાળાં હોય છે. કુદરતી ખનિજતેલ અશુદ્ધ હોવાથી શુદ્ધીકરણ કારખાનામાં તેમાંથી વિભાગીય નિસ્યંદન દ્વારા મિથેન વાયુ, અન્ય વાયુઓ, ગૅસકાર્બન, ક્રૂડ ઑઇલ, ડીઝલ, કેરોસીન, પેટ્રોલ, પેટ્રોલિયમ જેલી, લૂબ્રિકેશન ઑઇલ, ગ્રીઝ, મીણ, વૅસેલિન તેમજ બીજા કેટલાય પદાર્થો જુદા પાડવામાં આવે છે.

ઉત્પત્તિ અને પ્રાપ્તિસ્થિતિ : પેટ્રોલિયમની ઉત્પત્તિ અંગે ઘણા શક્ય તર્કો અને સિદ્ધાંતો રજૂ થયેલા છે. છેલ્લાં 150 વર્ષના ગાળા દરમિયાન તેની ઉત્પત્તિ વિશે અસંખ્ય સંશોધનલેખો બહાર પડેલા છે. આમ જોતાં તો ઊર્જા પેદા કરતાં તેલ અને કોલસાની ઉત્પત્તિસ્થિતિમાં ઘણું સામ્ય રહેલું છે, પરંતુ તેલ પ્રવાહીસ્વરૂપ હોઈ ખડકોમાં છિદ્રો દ્વારા સ્થાનાંતર કરતું હોવાથી તેની ઉત્પત્તિ વિશે મતમતાંતર પ્રવર્તે છે. સર્વસામાન્ય મત એવો છે કે તેલ નિ:શંકપણે સેન્દ્રિય દ્રવ્યોમાંથી ઉત્પન્ન થયેલું છે; જોકે આ સેન્દ્રિય દ્રવ્ય વનસ્પતિજ છે કે પ્રાણિજ, તે અંગે એકવાક્યતા સધાઈ નથી. તેમ છતાં દુનિયાભરના મોટા ભાગના તેલજથ્થામાંથી મળેલા પ્રાપ્ય પુરાવા તે વનસ્પતિજન્ય હોવાની તરફેણમાં પડે છે (ભારત, મ્યાનમારના તેલજથ્થા આ પ્રકારના છે); કેટલાક પ્રાણીજન્ય હોવાનું પણ કહેવાય છે. ટૂંકમાં, દરિયાઈ નિક્ષેપોમાં સમાવિષ્ટ સેન્દ્રિય દ્રવ્ય તેલઉત્પત્તિના મૂળમાં રહેલું છે. વધુ સમર્થન પામેલો અને સર્વસ્વીકૃત સિદ્ધાંત આ પ્રમાણે રજૂ થયેલો છે : સાગરતળે જામેલા સ્તરોમાં દટાયેલાં સેન્દ્રિય દ્રવ્યો સમય જતાં પ્રાણવાયુ અને નાઇટ્રોજનરહિત બનતાં જઈ વિઘટન પામે છે. તેમાંથી હાઇડ્રોજન-કાર્બનનાં સંયોજનો સાદા તેમજ અટપટા હાઇડ્રોકાર્બન બનાવે છે. છીછરા સમુદ્રમાં નભતું ડાયઍટમ અને લીલ જેવું જીવન દટાય છે ત્યારે સમુદ્રસ્થિત બૅક્ટેરિયા તેને પ્રાણવાયુ-નાઇટ્રોજનરહિત બનાવવામાં મદદરૂપ થાય છે. સેન્દ્રિય દ્રવ્યોમાં રહેલાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું રૂપાંતર કરે છે. આ તમામ પ્રક્રિયાના પરિણામરૂપ તેલટીપાં ઉત્પન્ન થાય છે. સ્તરો ઉપર સ્તરો બંધાતા જતા હોવાથી વધતા જતા દબાણને લીધે ઉત્પન્ન થયેલું ટીપાંસ્વરૂપ પ્રવાહી પેટ્રોલિયમ અને છૂટો પડેલો વાયુ કેશાકર્ષણની ક્રિયાથી ઉપરના સ્તરોમાં પ્રવેશે છે. તેલ બહુધા છિદ્રાળુ સ્તરોમાં સંચય પામેલું મળી આવતું હોવાની બાબત આ ક્રિયાના પુરાવારૂપ બની રહે છે.

આકૃતિ 1-અ : ઊર્ધ્વ-વાંક રચનાવાળા સ્તરોમાં તેલસંચય

આ ઉપરાંત પોપડામાં વિરૂપક બળો કાર્યશીલ બને ત્યારે તેમની અસરને કારણે આવા ખડકસ્તરોનું ઊર્ધ્વીકરણ અને ગેડીકરણ થતાં તેલવાયુ ઉપર તરફ ધસતાં જાય છે. ગેડવાળા ખડકસ્તરોમાં જ્યાં જ્યાં ઊર્ધ્વ-વાંક રચનાઓ હોય અથવા ઘુમ્મટ આકારની રચનાઓ હોય અથવા સ્તરભંગની અવરોધરૂપ આડશ હોય અથવા અસંગતિ- અતિવ્યાપ્તિ હોય એવા ભાગોમાં આ પ્રવાહી અને વાયુ ભરાયેલાં રહે છે અને ત્યાં તે મોટે ભાગે પાણી ઉપર તરતું મળી આવે છે.

દુનિયાભરમાં મળતા તેલના તમામ જથ્થા માત્ર જળકૃત ખડકસ્તરો સાથે જ ઘનિષ્ઠપણે સંકળાયેલા મળે છે; તેમ છતાં બધા જળકૃત ખડકો આ માટે યોગ્ય નીવડતા નથી. ભૂસ્તરોમાં સંચિત તેલનો જથ્થો, રખે કોઈ એમ માને કે એ પાણી ભરેલા તળાવ જેમ હોય ! એ તો ખડકસ્તરોની અંદર રહેલ સૂક્ષ્મ-સ્થૂળ આંતરકણજગાઓમાં અથવા છિદ્રોમાં ભરાઈ રહેલું હોય છે. આ પ્રકારની સ્થિતિ માટે ખડકો ભેદ્ય તેમજ છિદ્રાળુ હોવા અત્યંત જરૂરી છે. રેતી અને રેતીખડકો, ક્યારેક ફાટવાળા ચૂનાખડકો કે ડોલોમાઇટ તેલસંચય માટે યોગ્ય બની રહે છે. ખડક જેમ વધુ છિદ્રાળુ તેમ તેમાં તેલસંગ્રહ વધુ થાય; એ જ રીતે જેમ છિદ્રોનું પરિમાણ મોટું તેમ તેલની ઊપજ વધુ. આ ઉપરાંત, સંચિત તેલજથ્થાને તે સ્તરમાં ટકી રહેવા માટે છિદ્રાળુ ખડકસ્તરની ઉપરનીચે માટીસ્તર કે શેલખડક અથવા અત્યંત ઘનિષ્ઠ ચૂનાખડક કે ડોલોમાઇટનું અભેદ્ય આવરણ હોવું પણ એટલું જ અનિવાર્ય છે, જે તેલને ત્યાંથી અન્યત્ર છટકી જતું અટકાવે છે.

આકૃતિ 1-આ : અસંગતિવાળા સ્તરોમાં તેલસંચય

આકૃતિ 1-ઇ : સ્તરરચનામાં પ્રાપ્ત આકારો મુજબ તેલસંચય. શેલમાં રેતી-ખડકની ફાચર અને વીક્ષાકાર વિભાગ તેમજ શેલમાંથી ફેરવાતો રેતીખડક વિભાગ

ભૂસ્તરીય વિતરણ : ભૂસ્તરીય કાળના સંદર્ભમાં આમ તો ડેવોનિયન અને તેની ઉપરના કાળખંડોના ખડકસ્તરો તેલસંચય માટે અનુકૂળ ગણાતા હોવા છતાં મોટે ભાગે ટર્શિયરી યુગના ઈયોસિન, ઑલિગોસિન અને માયોસિન કાલખંડો વિપુલ તેલરાશિ અને તેલપ્રાપ્તિ માટે સફળ નીવડ્યા છે.

તેલખોજસર્વેક્ષણ : ખડકસ્તરોમાં સંગ્રહાયેલ તેલજથ્થાની ખોજ કરવા માટે સર્વપ્રથમ હવાઈ સર્વેક્ષણ (aerial survey) અને તે પછી અનુકૂળ સંજોગો હોય તો વિશિષ્ટ પ્રકારનાં ભૂભૌતિક સર્વેક્ષણ (geophysical prospecting) કરવામાં આવે છે. આ પૈકી હવાઈ-ચુંબકીય (aeromagnetic), ગુરુત્વચુંબકીય (gravity-magnetic), વિદ્યુત (electrical), વીજચુંબકીય (electromagnetic) અને ખાસ કરીને તો ભૂકંપીય (seismic) સર્વેક્ષણ પદ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે, જેનાથી પોપડાના ખડકસ્તરોના પ્રકારો અને રચનાપ્રકારની માહિતી મેળવી શકાય છે.

આકૃતિ 1-ઈ : સ્તરભંગ રચનાવાળા સ્તરોમાં તેલસંચય

દુનિયાના તેલવાયુ ઉત્પાદનપાત્ર દેશોપ્રદેશો : યુ.એસ. (ટૅક્સાસ, લુઇઝિયાના, કૅલિફૉર્નિયા, ઉત્તર અલાસ્કાના આર્કિટક ઢોળાવો, કેટલાક દૂરતટીય વિસ્તારો તેમજ અન્ય રાજ્યો); કૅનેડાના પૂર્વકિનારાનો વિસ્તાર; કૅરિબિયન સમુદ્રવિસ્તાર; લૅટિન અમેરિકા (મેક્સિકો અને તેનો અખાત, વેનેઝુએલા, આર્જેન્ટિનાનો દૂરતટીય વિસ્તાર); વેસ્ટ ઇન્ડીઝ; અગાઉના રશિયાનો પૂર્વ અને પશ્ચિમ ભાગ; ઉત્તર અને પશ્ચિમ સાઇબીરિયા; કાસ્પિયન સમુદ્રવિસ્તાર; વાયવ્ય યુરોપના કેટલાક ભાગ; મધ્યપૂર્વના મોટા ભાગના દેશો (ઇરાક, ઈરાન, ઈરાનનો અખાત, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, જૉર્ડન, લેબેનૉન); ઉત્તર, પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના દેશો (ઇજિપ્ત, અલ્જિરિયા, મોરોક્કો, લિબિયા, નાઇજિરિયા, ઘાના, સહરા, કાગો, ઍંગોલા વગેરે); ઑસ્ટ્રેલિયા અને ટાસ્માનિયા વચ્ચેની બાસની સામુદ્રધુનીમાંનું ગીપ્સલૅન્ડનું થાળું, વાયવ્ય ઑસ્ટ્રેલિયાનો દૂરતટીય વિસ્તાર, પાપુઆનો ઉત્તરીય દૂરતટીય વિસ્તાર, વાયવ્ય જાવા-ઇન્ડોનેશિયાનો સમુદ્રવિસ્તાર, મલયેશિયા; દક્ષિણ ચીન; કોરિયાનો ઉત્તરીય દૂરતટીય વિસ્તાર; તાઇવાન, જાપાન, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાન તેલ-વાયુના ઉત્પાદનને પાત્ર પ્રદેશો ગણાય છે.

વિશ્વમાં ક્રૂડ ઑઇલનો જથ્થો ઝડપથી ઘટતો જાય છે; માત્ર ઇરાક, ઈરાન અને કુવૈત જ એવા દેશો છે કે જેમની પાસે અનુક્રમે 174 વર્ષ, 93 વર્ષ અને 106 વર્ષ ચાલી શકે એટલો અનામત જથ્થો છે; તેની તુલનામાં ભારત પાસે હવે પછીનાં માત્ર 21 વર્ષ સુધી ચાલે એટલો જ જથ્થો રહ્યો છે, સિવાય કે નવાં ક્ષેત્રો શોધાય. એ જ રીતે અમેરિકા અને ચીન પાસે માત્ર 12 વર્ષ ચાલે એટલો જ જથ્થો છે.

આ સમસ્યાને કારણે હાઇડ્રોજનને ભવિષ્યનું ઇંધન ગણવામાં આવે છે. યુરોપ, જાપાન અને યુ.એસ. હાઇડ્રોજનથી ચાલતી મોટરગાડીઓ બનાવી રહી છે. આંતરડામાં રહેલા ‘એન્ટ્રોબેક્ટર ક્લોસી’ નામના બૅક્ટેરિયામાં હાઇડ્રોજન બનાવવાનો ગુણ છે, જે એક ખાસ જનીનને આભારી છે. આ જનીનને અલગ કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. આ જનીનને ઘાસચારામાં નાખીને હાઇડ્રોજન પેદા કરી શકાશે. હાઇડ્રોજન ભવિષ્યનું ઇંધન ગણાય છે. યુરોપ-જાપાન-યુ.એસ.માં હાઇડ્રોજનથી ચાલતી ગાડી (car) બનવા લાગી છે. ભારતમાં પણ હાઇડ્રોજનને ઇંધન તરીકે ઉપયોગમાં લેવા અંગે વિચારણા થઈ રહી છે.

સારણી (2006ની ઉપલબ્ધ માહિતીને આધારે)

દેશ ભંડાર

(અબજ બૅરલ)

ઉત્પાદન

(અબજ બૅરલ)

કેટલાં વર્ષ

ચાલશે ?

ઇરાક 115 0.66 174
કુવૈત 101.5 0.96 106
યુ.એ.ઈ. 97.8 1.04 97
ઈરાન 137.5 1.48 93
કઝાખિસ્તાન 39.6 0.49 80
વેનેઝુએલા 79.7 1.10 73
સાઉદી અરેબિયા 264.3 4.02 66
લિબિયા 39.1 0.62 63
કતાર 15.2 0.40 38
ભારત 5.9 0.28 21
યુ.એસ. 29.3 2.49 12
ચીન 16.0 1.32 12

દુનિયાભરમાં થતા ખનિજતેલ-ઉત્પાદનમાં રશિયા એક વખતે પોતાની વપરાશના 20 % જેટલું ઉત્પાદન કરતું હતું, પરંતુ તેના વિભાજનથી તેનો આ ક્રમ રહ્યો નથી. યુ.એસ. દુનિયાભરમાં તેલની આયાતમાં પ્રથમ ક્રમે આવે છે.

વિશ્વના કુલ ખનિજતેલ-ઉત્પાદનનું 45.5 % તેલ ચીન, જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા વાપરે છે. આંતરરાષ્ટ્રીય કિંમતો પર તેલ નિકાસ કરતા ઑપેક દેશોનું એકહથ્થું શાસન છે; આ કારણે તેલના ભાવ વધે છે વિશ્વના તમામ દેશો દર વર્ષે 37,671 લાખ ટન ક્રૂડ ઑઇલની વપરાશ કરે છે, તે પૈકી એકલું યુ.એસ 13.3 % વાપરે છે.

દેશ આયાત (લાખ ટનમાં) વપરાશ(લાખ ટનમાં)
અમેરિકા 5,012 9,376
ચીન 1,227 3,086
ભારત 953 1,193
જાપાન 2,089 2,515
દક્ષિણ કોરિયા 1,048

(માહિતી : જૂન, 2006 મુજબ)

ભારત : ભારતમાં મળી આવતા ખનિજતેલ-સંચયજથ્થાને, તેમના ઉદભવ તેમજ પ્રાપ્તિસ્થિતિ માટે કારણભૂત ટર્શિયરી કાળના સંજોગોના સંદર્ભમાં મૂલવતાં, મુખ્યત્વે બે તેલધારક પટ્ટામાં વહેંચી શકાય.

1. વાયવ્યનું કૂંડી આકારનું થાળું : આ થાળામાં બૉમ્બે હાઈ, ખંભાતનો અખાતી વિસ્તાર, દક્ષિણ ગુજરાતનો પશ્ચિમ કંઠારપ્રદેશ, ઉત્તર ગુજરાતના વિસ્તારો, રાજસ્થાનનો પશ્ચિમ ભાગ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ, બલૂચિસ્તાનનો વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે.

2. ઈશાનનું કૂંડી આકારનું થાળું : બહ્મપુત્ર નદીનો ખીણપ્રદેશ, બંગાળના ઉપસાગરનો કંઠારપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, બ્રહ્મદેશ (મ્યાનમાર), ગંગાનો ખીણપ્રદેશ, દક્ષિણ ભારતની મુખ્ય નદીઓનાં થાળાં સહિતનો કંઠારપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે.

આ બંને થાળાંમાંનાં તેલપ્રાપ્તિસ્થાનો બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારો સાથે સંકળાયેલાં ગણી શકાય. અહીં તેલજથ્થો ટર્શિયરી કાળના જળકૃત સ્તરોવાળા સાંકડા પટ્ટામાં સંગ્રહાયેલો છે. અર્થાત્ બાહ્ય દ્વીપકલ્પ અને દ્વીપકલ્પીય વિસ્તારોને જોડતા ટર્શિયરી કાળના સ્તરસમૂહોમાં ખનિજતેલની ઉત્પત્તિ અને સંગ્રહની અનુકૂળતા માટેના રચનાત્મક સંજોગો ઊભા થયેલા છે.

આજનો ખંભાતનો અખાત ટર્શિયરીકાળ દરમિયાન અરવલ્લીની પશ્ચિમે રાજસ્થાનમાંથી પસાર થઈને છેક સિમલા સુધી વિસ્તરેલો હતો, જે ખંભાત તરફ પહોળો અને સિમલા તરફ શિરોભાગ રૂપે પૂરો થતો હતો. એ જ રીતે ઈશાની અખાતનું થાળું બે ફાંટાઓમાં વહેંચાઈને પ્રસરેલું હતું, એક ફાંટો બ્રહ્મપુત્રની ખીણ તરફ અને બીજો ફાંટો આરાકાન યોમાને સમાંતર આક્યાબ તરફ વિસ્તરેલો હતો. ટર્શિયરીથી આજ સુધીના 6.5 કરોડ વર્ષના કાળગાળા દરમિયાન આ બંને થાળાં હિમાલયમાંથી, અરવલ્લીમાંથી, વિંધ્યમાંથી ક્રમશ: ખેંચાઈ આવેલા નદીજન્ય કાંપથી ભરાઈ ગયાં છે, જે આજે મેદાની વિસ્તાર કે ખીણપ્રદેશોને સ્વરૂપે દેખાય છે.

ભારત અને મ્યાનમારના સંદર્ભમાં જોતાં, તેલધારક સ્તરોની મૂળ જમાવટ આ અખાતોમાં થયેલી છે. આજે તો આ અખાતો નદીજન્ય કાંપકાદવથી ક્રમશ: પુરાતા જઈ નામશેષ થઈ ગયા છે. એની જગા નદીખીણોએ લીધેલી છે, જ્યાં ટર્શિયરી યુગના સ્તરોમાં તેલજથ્થાઓનો સંચય થયેલો જોવા મળે છે.

આકૃતિ 2 : ભારતમાં જળકૃત થાળાં

તેલ અને કુદરતી વાયુ પંચ તેમજ ઑઇલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલાં ખોજ-સંશોધનોને આધારે મળી આવેલાં તેલસંચિત જળકૃત થાળાંને પ્રાદેશિક સંદર્ભમાં નીચે મુજબ વહેંચી શકાય (જુઓ  નકશો).

(1) બૉમ્બે હાઈ, (2) ખંભાત-વિસ્તાર, (3) (4) કચ્છ-સૌરાષ્ટ્ર, (5) હિમાલય તળેટી વિભાગ, (6) વિંધ્યપ્રદેશ, (7) ગંગાખીણ, (8) ઉત્તર આસામ છાજલી, (9) બંગાળ, (10) આસામ-આરાકાન ગેડ પટ્ટો, (11) આંદામાન-નિકોબાર, (12) કૃષ્ણા-ગોદાવરી-કાવેરી અને (13) કેરળ-કોંકણપટ્ટી.

ONGC, ઑઇલ ઇન્ડિયા તેમજ અન્ય ખાનગી સંસ્થાઓનું મળીને વર્ષ 2000-2001નું ખનિજતેલનું તથા કુદરતી વાયુનું ઉત્પાદન અનુક્રમે 32.4 મિલિયન ટન તથા 291.1 મિલિયન ટનનું થયેલું.

ભારતીય તેલ-ઉત્પાદનના સંદર્ભમાં આજ સુધીમાં પ્રાપ્ત તેલક્ષેત્રોને નીચે મુજબના મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય :

1. દૂરતટીય તેલક્ષેત્રો પૈકીનાં બૉમ્બે હાઈ, વસઈ અને અન્ય એક ક્ષેત્ર.

2. ઉત્તર ગુજરાતમાંનાં ભૂમિસ્થિત તેલક્ષેત્રો પૈકી ‘અમદાવાદ પ્રોજેક્ટ’ હેઠળ કડી, કલોલ, વિરાજ, વાડુ, વેરા-ગોવિંદપુરા, પલિયડ, લિંબોદ્રા, ઝાલોરા, કરજીસણ, વાવોલ, ઓગણજ, ગમીજ, મિરોલી, ઇન્દ્રોડા, મોટેરા, સાબરમતી, અમદાવાદ, બાકરોલ, વાસણા, સરખેજ, નવાગામ, બાવળા, સાણંદ, ધોળકા, મહુધા, વસો વગેરેનો સમાવેશ કરી શકાય.

આકૃતિ 3 : અમદાવાદ પ્રોજેક્ટના તેલ અને વાયુક્ષેત્રોનાં સ્થળો

3. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખંભાતનું વાયુક્ષેત્ર, અંકલેશ્વર, કોસંબા, દહેજ, ગંધાર, તાપીક્ષેત્ર વગેરે.

4. પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્ર ખીણપ્રદેશમાં આવેલાં દિગ્બોઈ, બદરપુર, લખીમપુર, નહારકોટિયા, મોરાન, હુગરીજાન, રુદ્રસાગર, લકવા, ગુલેકી, તેમજ ત્રિપુરા, નાગાલૅન્ડ, અરુણાચલ, મિઝોરમમાંનાં તેલ-વાયુક્ષેત્રો.

આ ઉપરાંત, ગંગાખીણનો પ્રદેશ, દક્ષિણ ભારતનો પૂર્વ કંઠારપ્રદેશ, જેમાં મુખ્ય નદીઓનાં થાળાં અને ત્રિકોણ-પ્રદેશોના વિસ્તારો ઉત્પાદનને પાત્ર છે.

છેલ્લામાં છેલ્લી 2004ની ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય તેલ-ઉત્પાદનના આંકડા નીચે મુજબ છે :

સમગ્ર વિસ્તાર વાર્ષિક ઉત્પાદન
બૉમ્બે હાઈ

ગુજરાત

આસામ

21-23 મિલિયન ટન

11થી 12 મિલિયન ટન

2થી 2.5 મિલિયન ટન

ખનિજ તેલ-ઉત્પાદન : 2004ની ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય તેલ-ઉત્પાદનના આંકડા નીચે મુજબ છે, જેમાં બૉમ્બે હાઈ, ગુજરાત અને આસામનાં તેલક્ષેત્રોનો સમાવેશ થાય છે :

ક્ષેત્રો વર્ષ

199798

(આંકડા

મિલિયન

ટનમાં)

વર્ષ

9899

વર્ષ

992000

ભૂમિ અંતર્ગત

ક્ષેત્રો

11.5 11.5 11.2
દૂરતટીય ક્ષેત્રો 22.4 21.2 20.7
કુલ 33.9 32.7 31.9
વર્ષ વર્ષ વર્ષ
તેલશુદ્ધીકરણ

કારખાનાંની

પેદાશો

1997-98

 

60.7

98-99

 

64.5

99-2000

 

79.4

* આંકડા મિલિયન (દસ લાખ) ટનમાં

19872001 સુધીના તેલઉત્પાદનની આંકડાકીય માહિતી

1987

1988

1988

1989

1989

1990

1990

1991

1991

1992

2000

2001

(ઉત્પાદન મિલિયન ટનમાં)
તેલ અને કુદરતી

વાયુપંચ

 

30.0

 

30.0

 

31.0

 

29.5

 

28.0

 

8.64

ઑઇલ ઇન્ડિયા 2.5 2.5 2.5 2.5  2.5 3.18
કુલ ઉત્પાદન 32.5 32.5 33.5 32.0 30.5 11.82

બૉમ્બે હાઈ તેમજ ગુજરાતમાંનાં મુખ્ય તેલક્ષેત્રોનો વિસ્તાર અને પ્રતિદિન થયેલ સરેરાશ ઉત્પાદનના આંકડા :

તેલક્ષેત્ર વિસ્તાર

(ચોકિમી.)

અંદાજે પ્રતિદિન

ઉત્પાદન (ટનમાં)

બૉમ્બે હાઈ 150 55,000
ગંધાર 80 2,000
અંકલેશ્વર 65 1,500
કોસંબા 35 250
કલોલ 105 1,000
ઝાલોરા 40 1,400
નવાગામ 50 400
વિરાજ 15 350
દક્ષિણ કડી 40 80
સાણંદ 45 80

અમદાવાદ પ્રોજેક્ટ : આ વિસ્તારમાં તેલ અને વાયુનાં 24 ક્ષેત્રો શોધાયાં છે, તે પૈકી 12 ક્ષેત્રોમાંથી ઉત્પાદન મેળવાઈ રહ્યું છે. અહીંના તેલકૂવામાંના તેલ તેમજ વાયુસમકક્ષ તેલ(oil equivalent of gas)નો કુલ અનામત જથ્થો, પ્રાપ્ય જથ્થો, પ્રાપ્ત જથ્થો અને તે પછીનો પ્રાપ્ય જથ્થો અનુક્રમે નીચે મુજબ છે :

વિગત જથ્થો (તેલ + વાયુસમકક્ષ તેલ)

મિલિયન મેટ્રિક ટન(MMT)માં

કુલ ભૂસ્તરીય સંપત્તિ 283.72
પ્રાપ્ય જથ્થો 85.81
પ્રાપ્ત જથ્થો 22.15
બાકીનો સંભવિત પ્રાપ્ય જથ્થો 63.66

ભારતમાં ઉત્પન્ન થતા તેલ કરતાં દેશની વપરાશ વધુ હોવાથી પરદેશમાંથી આયાત કરાતા તેલ માટે દેશને કરોડો રૂપિયાનું હૂંડિયામણ ખર્ચવું પડે છે.

ભારતમાં કાર્યરત રિફાઇનરીઓ નીચે મુજબ છે : ટ્રૉમ્બે (2) કોયલી, કોચીન, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ્, હલ્દિયા, બરૌની, નૂનમતી, દિગ્બોઈ, બોંગઇગાંવ, મથુરા.

ગિરીશભાઈ પંડ્યા