અરળુમરળુ (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ કવિ ડી. આર. બેન્દ્રેનો કાવ્યસંગ્રહ. તેને માટે એમને સાહિત્ય અકાદમીનો 1958નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ‘સૂર્યપાન’, ‘હરિદયાસમુદ્ર’, ‘મુક્તકાંતા’, ‘ચૈત્યાલય’ અને ‘જીવનલહરી’ – એ પાંચ કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલી 273 રચનાઓનો આ સંગ્રહ છે. કવિની કાવ્યધારાએ રંગદર્શી ઊર્મિકવિતામાંથી આધ્યાત્મિક દિશામાં કેવો વળાંક લીધો તેનો તબક્કાવાર પરિચય આ સંગ્રહમાં મળે છે. 1944થી 1956નો ગાળો, સોલાપુરનિવાસ દરમિયાન જ્યેષ્ઠ તેમજ કનિષ્ઠ સંતાનોનાં અવસાન થતાં, તેમને માટે કસોટીકાળ બની રહેલો. તેને પરિણામે કવિએ અંતર્યાત્રા શરૂ કરી. એમની ઈશ્વરશ્રદ્ધા બળવત્તર થતી ગઈ. પ્રાચીન મહર્ષિઓ અને દ્રષ્ટાઓના સાહિત્યમાં તેઓ ખૂબ ઊંડા ઊતર્યા. શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, રમણ મહર્ષિ, શ્રીઅરવિંદ વગેરેના સાહિત્ય પર એમણે મનન કર્યું, તેમાંથી એમના આધ્યાત્મિક માનસનું ઘડતર થયું.
આ સંગ્રહની કવિતામાં બેન્દ્રે ભાવકને અનંતમાં વિહાર કરાવે છે. શરીરને મન સાથે, ઐહિકનો પારલૌકિક સાથે, સ્થૂલને સૂક્ષ્મ સાથે અને વૈયક્તિક સંવેદનાને સામાજિક સંવેદના સાથે જોડે તેવી પદાવલીનો તેમાં સહજ વિનિયોગ થયેલો છે. બેન્દ્રેનો અભિગમ આદર્શ સૌંદર્યને નજર સામે રાખીને કાવ્યનું ઉપાદાન બનાવવાનો દેખાય છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા કન્નડ પ્રજાની લોકોક્તિઓ, ભાવોર્મિઓ તથા બધી લાક્ષણિક અનુભૂતિને તેમણે કાવ્યમાં અવતારી છે. તેમાંથી કવિપ્રતિભાના વિકાસક્રમનો પણ સહજ રીતે ખ્યાલ આવે છે. 1957 પછીની બેન્દ્રેની કવિતામાં અગમને ગમ્ય અને પરને સ્વકીય બનાવવાનો પ્રયત્ન દેખાય છે. એ રીતે તેમની કવિતામાં અગમની વાણી સહૃદયને સંભળાય છે. એમને માટે કાવ્યસર્જન એક રીતે જગતમાં જે વિસંવાદિતા છે તેમાંથી સંવાદિતા, જે કાઠિન્ય છે તેમાંથી મૃદુતા અને જે અસંગતિ છે તેમાંથી સંગતિની શોધયાત્રા બની રહે છે. આ સંદર્ભમાં બેન્દ્રેની કવિતાને કેટલાકે સાંપ્રતયુગની લાક્ષણિક ભક્તિકવિતા કહી છે.
ચન્દ્રકાન્ત મહેતા