ખત્રી, સી. જી. (જન્મ : 4 ઑગસ્ટ 1931, પાટણ (ઉ.ગુ.); અ. 31 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતના વિશ્વવિખ્યાત આંકડાશાસ્ત્રી. આખું નામ ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી. પિતાનો વ્યવસાય પરંપરાગત હાથવણાટનો. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી. તેમણે ભારે પરિશ્રમ અને મુશ્કેલી વેઠી તેમની શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કર્યું હતું. પાટણની માધ્યમિક શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા 1949માં પસાર કરી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ગણિતશાસ્ત્રના વિષય સાથે 1953માં પ્રથમ વર્ગ મેળવી ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી જેમાં સૌથી વધુ ગુણ મળવાના કારણે તેમને શેઠ હરગોવનદાસ લક્ષ્મીચંદ સુવર્ણચંદ્રક એનાયત થયો. તેમના માધ્યમિક શાળાના શિક્ષક જગજીવનરામ માસ્તરના સાથ અને આર્થિક સહકારથી આંકડાશાસ્ત્રના અનુસ્નાતક અભ્યાસ અર્થે મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા અને 1955માં એમ.એસસી.ની પદવી મેળવ્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં આંકડાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. સાથોસાથ સ્વપ્રયત્નથી સંશોધનકાર્ય શરૂ કર્યું અને પ્રા. એન. એમ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ બહુચલીય વિશ્લેષણના વિષય પર મહાનિબંધ તૈયાર કરી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1960માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1962માં ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગમાં રીડર તરીકે જોડાયા અને 1969માં પ્રાધ્યાપક તરીકે બઢતી પામ્યા. એમની સંશોધન પરત્વેની મૌલિક સૂઝથી પ્રભાવિત થઈ અમેરિકાની નૉર્થ કૅરોલિના યુનિવર્સિટીના પ્રા. એસ. એન. રૉયે 1964માં તેમને બહુચલીય વિશ્લેષણના ક્ષેત્રમાં સંશોધન કરવા નિમંત્ર્યા; પરંતુ 1965માં પ્રા. રૉયનું નિધન થતાં સ્વદેશ પરત આવ્યા અને તે જ સંશોધનકાર્ય આગળ ધપાવ્યું. એમની સંશોધનશક્તિને પિછાણી કૉલકાતા-સ્થિત ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન(Indian Statistical Institute – I.S.I.)ના અધ્યક્ષ અને વિખ્યાત આંકડાશાસ્ત્રી પ્રા. સી. આર. રાવે 1967માં I.S.I.ના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમને નિમંત્રણ પાઠવ્યું. I.S.I.ના નામાંકિત આંકડાશાસ્ત્રીઓ સી. આર. રાવ, ડી. બાસુ અને એસ. કે. મિત્રાના સહયોગમાં તેમણે ગાણિતિક આંકડાશાસ્ત્રના વિવિધ પ્રશ્નો પર સંગીન સંશોધનકાર્ય કર્યું. 1967 પછીનાં વર્ષોમાં તેમની સંશોધનશક્તિ પૂર્ણ કળાએ ખીલી ઊઠી અને રાષ્ટ્રીય કક્ષાએ એક અગ્રણી આંકડાશાસ્ત્રી તરીકેનું સ્થાન તેમણે હાંસલ કર્યું. ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર-વિભાગને આંકડાશાસ્ત્રના વિશ્વનકશા પર તેમના કારણે જ માનભર્યું સ્થાન મળ્યું હતું.
તેઓ જે શૈક્ષણિક ઊંચાઈએ પહોંચ્યા તે માટેની કોઈ મૂડી હોય તો તે તેમની મૂળભૂત આંકડાશાસ્ત્રીય અને ગણિતીય પ્રતિભા, ઉત્તમ સંશોધનશક્તિ અને વિષય પરત્વેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા – એ હતી.
મુંબઈ યુનિવર્સિટીના તેમના અનુસ્નાતક અભ્યાસનાં બે વર્ષના સમયગાળા દરમિયાન તેમણે સૈદ્ધાંતિક આંકડાશાસ્ત્ર પરના મોરિસ કેન્ડાલ(Morris Kendall)નાં બન્ને પાઠ્યપુસ્તકોના સ્વાધ્યાયોના લગભગ બધા જ દાખલાઓના ઉકેલ સ્વપ્રયત્ને મેળવ્યા હતા. તેઓ સાચા અર્થમાં ‘આંકડાકીય કોયડાનો ઉકેલ શોધનાર વિદ્વાન’ (‘Problem Solver’) હતા. તેમની આંકડાશાસ્ત્ર વિષયની સમજ એટલી સંગીન હતી કે સંશોધનના કોઈ પણ પ્રશ્નને તેઓ તેના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં નિહાળતા અને તેમની ઈશ્વરદત્ત અંત:-સ્ફુરણા(intuition)થી પ્રશ્નનો ઉકેલ આપી શકતા.
શ્રેણિકોનું ગણિત, બહુચલીય વિશ્લેષણ, ચલોનાં વિતરણોનું લાક્ષણિકીકરણ (characterisation) અને વિચરણ-પૃથક્કરણ માટેનાં સુરેખ અને અસુરેખ (વૃદ્ધિવક્ર) મૉડેલો એમના સંશોધનના પ્રિય વિષયો હતાં, જેમાં તેમણે મૂળભૂત અને પથદર્શી સંશોધન કર્યું હતું. વળી સંખ્યાગણિત અને અર્થમિતિશાસ્ત્ર જેવા વિષયોમાં તેમણે તેમનું સંશોધનબુદ્ધિચાતુર્ય સફળ રીતે અજમાવ્યું હતું.
તેમને American Statistical Association તરફથી ઉત્કૃષ્ટ મૌલિક સંશોધન કરવા બદલ 1970માં ફેલોશિપથી નવાજવામાં આવ્યા. 1971માં તેઓ International Statistical Instituteના ચૂંટાયેલ સભ્ય બન્યા અને 1973માં તેમણે Institute of Mathematical Statisticsના ફેલો તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું. 1980માં તેઓ UGCના રાષ્ટ્રીય અધ્યાપક બન્યા અને 1983માં તેમને Indian National Science Academy તરફથી આંકડાશાસ્ત્ર વિષયમાં ઉત્તમ કોટિનું સંશોધન કરવા બદલ ફેલોશિપનું પદ મળ્યું; જે ભારતમાં ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક હોવાનું સર્વોચ્ચ બહુમાન ગણાય છે. 1985માં લખનૌ ખાતે યોજાયેલ Indian Science Congressની 72મી વાર્ષિક પરિષદમાં આંકડાશાસ્ત્ર વિભાગના પ્રમુખ બન્યા. તેઓ દેશ-વિદેશના ઉત્તમ કક્ષાના સામયિકોના તંત્રીમંડળના સભ્ય હતા. તેમણે નૉર્થ અમેરિકા અને યુરોપની યુનિવર્સિટીઓના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી અને આંકડાશાસ્ત્રની વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમનાં સંશોધનો રજૂ કર્યાં હતાં. દેશ-વિદેશના આંકડાશાસ્ત્રનાં સામયિકોમાં તેમના 200થી વધુ સંશોધન- લેખો પ્રસિદ્ધ થયા છે.
મૌલિકતાની ર્દષ્ટિએ મહત્વના ગણાય તેવા તેમના ગ્રંથોમાં ગુજરાતી ભાષામાં લખાયેલ અને યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની સહાયથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘શ્રેણિકોનું ગણિત’ છે, જે આ વિષય પર લખાયેલા દુનિયાનાં ઉચ્ચ કોટિનાં પુસ્તકોની હરોળમાં આવી શકે તેવું છે. બીજું પુસ્તક તેમણે બહુચલીય વિશ્ર્લેષણ પર કૅનેડાની ટૉરેન્ટો યુનિવર્સિટીના પ્રા. એમ. એસ. શ્રીવાસ્તવ સાથે લખ્યું છે, જેનું શીર્ષક છે : ‘ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટિવેરિયેટ સ્ટેટિસ્ટિકલ’. આ પુસ્તક બહુચલીય વિશ્લેષણના ક્ષેત્રમાં એક મહત્વનો મૌલિક સંદર્ભગ્રંથ તરીકે જાણીતું છે.
ગુજરાતમાં આંકડાશાસ્ત્રનાં અધ્યાપન અને સંશોધનની પરિપાટી વિકસે તે માટે તેમણે 1969માં ગુજરાત સ્ટેટિસ્ટિકલ ઍસોસિયેશનની સ્થાપના કરી અને મંડળના નેજા હેઠળ 1974માં ‘ગુજરાત સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ’ (G.S.R.) નામનું સંશોધન-સામયિક શરૂ કર્યું. તેમના તંત્રીપદે રહી તેમણે GSRને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રદાન કરાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
અમૃતભાઈ વલ્લભભાઈ ગજ્જર