ખડ્ડા, મુહમ્મદ

January, 2010

ખડ્ડા, મુહમ્મદ (Khadda, Muhammad) (જ. 14 માર્ચ 1930, મોસ્તાગનેમ, અલ્જિરિયા; અ. 4 મે 1991, મોસ્તાગનેમ, અલ્જિરિયા) : આધુનિક અલ્જિરિયન ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત ખડ્ડાએ યુવાવયે પૅરિસ જઈ યુરોપના અત્યાધુનિક કલાપ્રવાહોને નજીકથી પિછાણ્યા. કુફી અને અન્ય અરબી લિપિઓની અક્ષર-આકૃતિઓને તેમણે સુશોભનાત્મક અભિગમથી ચિત્રોમાં અંકિત કરી, જેમાં અક્ષર કે શબ્દના અર્થ અભિપ્રેત હોય નહિ. આ રીતે સર્જેલાં ચિત્રોનું તેમણે પૅરિસમાં પ્રદર્શન કર્યું; જેને હકારાત્મક આવકાર મળ્યો. 1960માં તેઓ અલ્જિરિયા પાછા આવ્યા તથા અલ્જિરિયા, મોરોક્કો અને લિબિયાની આરબ સંસ્કૃતિની ચાકળાકામ, ભરતગૂંથણ, વણાટકામ, ગાય-છાણનાં લીંપણ આદિ લોકકલાનાં કાર્યોનો અભ્યાસ કરી તેમાંથી પ્રેરણા મેળવી મૌલિક આધુનિક ચિત્રો ચિત્રિત કર્યાં.

અમિતાભ મડિયા