ખગોલીય વેધશાળા
ખગોલીય વેધ લેવા માટેનું સ્થળ. સંસ્કૃત શબ્દ ‘વેધ’ विध् ધાતુ ઉપરથી બનેલો છે. विध् એટલે વીંધવું. અહીં ર્દષ્ટિ વડે ખગોલીય જ્યોતિને વીંધવામાં, અર્થાત્, તેનું અવલોકન લેવામાં આવે છે. ગ્રહો, તારા, સૂર્ય-ચંદ્ર વગેરે આકાશીય પિંડોની ગતિ, સમય વગેરેને લગતા નિરીક્ષણ જેવું કામ. જ્યાં આ પ્રકારનું કામ થતું હોય અને જ્યાં ખાસ પ્રકારનાં યાંત્રિક સાધનોની મદદથી આવાં નિરીક્ષણોની નોંધો લેવાતી હોય તેવું સ્થાન. આવા વિશિષ્ટ ઉદ્દેશથી બનાવેલી ઇમારત (યા સંરચના) તે વેધશાળા.
આધુનિક વેધશાળા સંખ્યાબંધ ઉપકરણો ધરાવતી હોય છે, જે પૈકી ટેલિસ્કોપ, પ્રકાશમાપક (ફોટોમીટર, photometer), વર્ણવિશ્લેષક (spectrograph) ફોટોગ્રાફીની પ્લેટ વગેરે મુખ્ય છે. સામાન્ય રીતે પ્રકાશીય દૂરબીન(optical telescope)ની સાથે પારરક્ત દૂરબીન (infrared telescope) પણ હોય, તો વળી કોઈ વેધશાળા રેડિયો-ટેલિસ્કોપ પણ ધરાવતી હોય. માત્ર રેડિયો-ટેલિસ્કોપ જ ધરાવતી હોય તેવી વેધશાળાને રેડિયો-ઑબ્ઝર્વેટરી કહે છે.
ખગોલીય વેધશાળાઓમાં માત્ર ર્દશ્ય-પ્રકાશ નહિ પણ પારરક્ત અને એક્સ-કિરણો તથા રેડિયો-તરંગોને ઝીલનારાં દૂરબીનો પણ હવે ઉપયોગમાં લેવાય છે. પારરક્ત તરંગપટલના બધા જ તરંગો પૃથ્વી પર આવતા નથી અને એક્સ-કિરણો તેમજ ગામા કિરણો બિલકુલ આવતાં નથી, કારણ કે તે વાતાવરણમાં શોષાઈ જાય છે. તેથી આ તરંગો ઝીલીને એની વિગતો પૃથ્વી પર મોકલનારાં દૂરબીનો કે ઉપકરણો હવે તો અંતરીક્ષમાં – ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલાં છે.
વાતાવરણના અવરોધથી પર થઈને ખગોલીય પિંડોનું નિરીક્ષણ થઈ શકે તે માટે અંતરીક્ષ વેધશાળાઓ (space observatories) અસ્તિત્વમાં આવી છે. નિરીક્ષણનો આરંભ સાઉન્ડિંગ રૉકેટ અને બલૂનથી થયો હતો અને અત્યંત ઊંચે ઉડ્ડયન કરી શકે તેવા જેટ પ્લેનથી તે કૃત્રિમ ઉપગ્રહ અને અંતરીક્ષયાન સુધી વિસ્તરેલો છે.
ઑપ્ટિકલ ઑબ્ઝર્વેટરી, રેડિયો-ઑબ્ઝર્વેટરી અને સ્પેસ(અંતરીક્ષ)- ઑબ્ઝર્વેટરી એવી ત્રણ પ્રકારની વેધશાળાઓ અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત, કેટલીક વેધશાળાઓ માત્ર અમુક ચોક્કસ ઉદ્દેશથી જ બનાવેલી હોય છે; જેમ કે, સૂર્યનો અભ્યાસ કરતી વેધશાળા વિશિષ્ટ પ્રકારના ટેલિસ્કોપ તથા કિરીટ-ચિત્રક (coronagraph) જેવાં ઉપકરણોથી સુસજ્જ હોય છે. આવી વેધશાળાને ‘સૌર વેધશાળા’ (solar observatory) કહે છે. વળી, બ્રહ્માંડમાંથી અને ખાસ કરીને સૂર્યમાંથી વછૂટતા યા સુપરનૉવા જેવી ઘટનાને કારણે ધોધ રૂપે ઉત્સર્જિત થતા ન્યૂટ્રિનો નામના મૂળભૂત કણોને ઝડપી લેવા માટે ખાસ જાતની યુક્તિઓ વડે સજ્જ એવી વેધશાળાઓ પણ છે. આ વેધશાળાઓ પૃથ્વીની સપાટી કે પર્વત પર નહિ, પરંતુ સમુદ્રની સપાટીથી ઘણી નીચે, ભૂગર્ભમાં આવેલી હોય છે.
ક્યારેક વેધશાળા એકથી વધુ ભાગમાં વહેંચાયેલી હોય છે. તેનું નિરીક્ષણમથક કોઈક અનુકૂળ સ્થળે હોય, જ્યારે વહીવટી યા સંચાલનમથક વસ્તીમાં હોય. આવા વહીવટી કેન્દ્રને પણ ઘણી વાર વેધશાળા કહે છે.
પ્રાગ્–ઐતિહાસિક કાળની વેધશાળા : ખગોળવિદ્યા ઘણી પ્રાચીન છે અને વેધશાળાનું પગેરું છેક પ્રાચીન સંસ્કૃતિઓ સુધી જાય છે. લંડનથી પશ્ચિમે 130 કિમી.ના અંતરે વિરાટ વર્તુળાકારમાં મોટા મોટા પથ્થરોવાળી સંરચના જોવા મળે છે, જે સ્ટોનહેન્જ કહેવાય છે. યુરોપમાં વાયવ્ય ખૂણે અથવા બ્રિટની(વાયવ્ય ફ્રાન્સ)માં પણ આને મળતી સંરચનાઓ જોવા મળે છે. આ સંરચના કોણે બાંધી, ક્યારે બાંધી અને કેમ બાંધી તે અંગે કશું નિશ્ચિત નથી; પરંતુ ઈ. પૂર્વે બીજી સહસ્રાબ્દીમાં બંધાઈ હોવાનું માનવામાં આવે છે. ઋતુઓના નિર્ધારણમાં કે પછી સૂર્યોદય અને સૂર્યાસ્ત તથા ચંદ્રોદય અને ચંદ્રાસ્તનાં ક્ષિતિજબિંદુઓ નોંધવા અને સંભવત: ગ્રહણોની આગાહી કરવા વગેરે માટે તે બંધાઈ હોવાનું માનવામાં આવે છે.
પ્રાચીન મિસરવાસીઓ નાઈલ નદીમાં આવતાં પૂરની આગાહી વ્યાધના ઉદયથી કરતા હતા અને આ રીતે વર્ષગણના કરવામાં આવતી હતી. કેટલાક સંશોધકો પિરામિડોની રચના, એમની નિશ્ચિત દિશામાં બાંધણી, ધ્રુવના તારા સાથેનું (તત્કાલીન ધ્રુવ તારા સાથેનું) એમનું સંધાન વગેરે પરથી એમને ખગોલીય વેધશાળા હોવાનું માને છે; પરંતુ પિરામિડો વેધશાળા હોવાનો મત સર્વસ્વીકૃત નથી.
ખગોલીય પ્રવૃત્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલી આવી બીજી પ્રાચીન પ્રજા બૅબિલોનની હતી. ઈ. પૂ. 750થી તે છેક ઈ. સ. 100 સુધીના ગાળામાં એમણે કરેલી વ્યવસ્થિત ખગોળનોંધો આજે જોવા મળે છે. બૅબિલોન યા ખાલ્ડિયાના વેધકારોએ તારાની સૂચિ તૈયાર કરી હતી; જેને આજે 12 રાશિઓનાં નામથી ઓળખીએ છીએ તેવા ક્રાંતિવૃત્તને બાર ભાગમાં વહેંચ્યો હતો. આ બધું સૂચવે છે કે ખગોલીય વેધશાળાઓ ત્યારે બની હોવી જોઈએ. આ પ્રજા નિરીક્ષણો માટે કયાં ઉપકરણો પ્રયોજતી હશે તે અંગે બહુ આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ પ્રાપ્ત નોંધ પરથી એવું તારવી શકાય કે ગ્રહણના સમયની ચોક્કસ નોંધ માટે તેમજ અન્ય ખગોલીય ઘટનાના સમયમાપન માટે આ પ્રજા, જલઘડી વાપરતી હોવી જોઈએ. વળી નિરીક્ષણમાં સારી એવી ચોકસાઈ પણ જોવા મળે છે. ઈ. પૂર્વે પહેલી સદીમાં થઈ ગયેલા સિસિલીના ડાયોડોરસ નામના ઇતિહાસકારે નોંધ્યા મુજબ પ્રાચીન બૅબિલોનના ખગોળશાસ્ત્રીઓ પોતાનાં નિરીક્ષણો માટે 90 મીટર ઊંચાઈની ઝિગરૅત તરીકે ઓળખાતી ઊંચી ઇમારતોનો ઉપયોગ કરતા હતા.

આકૃતિ 1 : કોરિયાની વેધશાળા : દુનિયાની હયાત જૂનામાં જૂની ખગોલીય વેધશાળા. આ વેધશાળાના કદનો ખ્યાલ સાથેના માનવીના કદ પરથી આવશે. એમાં ઉત્તરે બારી દેખાય છે, તે કદાચ સદોદિત તારાઓ(cricumpolae stars)ના નિરીક્ષણ માટેની છે. આસપાસની ઝાડી કે વૃક્ષો જોવામાં વચ્ચે ન આવે એટલે વેધશાળાની ઊંચાઈ સારી એવી રખાતી હતી. આ વેધશાળાની ઉપર નિરીક્ષણ માટે સપાટ અગાસી જેવી રચના હતી. આ વેધશાળા 9.14 મીટર (30 ફૂટ) ઊંચી છે.
પ્રાચીનકાળની વેધશાળાઓ : આ બધી ઇમારતો આજે હયાત નથી, પરંતુ કોરિયાના અગ્નિખૂણે બાટલી આકારની એક 9 મીટર ઊંચાઈની ઇમારત જોવા મળે છે. આ ઇમારત ઈ. સ. 640ના અરસામાં બનેલી હોવાનું મનાય છે. દુનિયાની આ જૂનામાં જૂની હયાત વેધશાળા માનવામાં આવે છે.
પ્રાચીન ગ્રીકો દ્વારા સંભવત: સૌ પહેલી પ્રમુખ વેધશાળા સ્થાપવાનું માન હિપાર્કસ(ઈ. પૂ. 190-120)ને ફાળે જાય છે. ઈ. પૂ. 150ની આસપાસ ર્હોડેસ ખાતે એણે એક વેધશાળા સ્થાપી હતી. તેમાં એણે કયાં ઉપકરણો પ્રયોજેલાં તે અંગે કોઈ માહિતી સાંપડતી નથી. પરંતુ તે પછી એટલે કે ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયેલા ટૉલેમી(ઈ. સ. 139-161)એ પોતાના ‘અલમાજેસ્ટ’ નામના ગ્રંથમાં હિપાર્કસે અવલોકનો માટે પ્રયોજેલાં કેટલાંક ઉપકરણોનો ઉલ્લેખ કરેલો છે.
ટૉલેમીએ પોતે ઍલેક્ઝાન્ડ્રિયામાં એક મોટી વેધશાળાની સ્થાપના કરી, જે ઈ. સ. 100 પછીના થોડા સમયગાળામાં જ બની હોવાનું મનાય છે. આ વેધશાળા વલય-યંત્ર યા વલયાભ-ગોલ (armillary sphere), ઉન્નતાંશ દંડ(gnanon), વૃત્તપાદ (quadrant) અને જલઘડી વગેરે જેવાં સંખ્યાબંધ ઉપકરણો ધરાવતી હતી. આ ઉપકરણોની મદદથી ટૉલેમીએ હજાર કરતાં પણ વધુ તારાનાં સ્થાન વિકળા સુધીની સૂક્ષ્મતાથી માપ્યાં હતાં.
ટૉલેમી ગ્રીસ દેશનો સૌથી છેલ્લો મહાન ખગોળશાસ્ત્રી હતો કારણ કે એ પછી પશ્ચિમી દુનિયામાં ખગોળની પ્રગતિ લગભગ સ્થગિત થઈ ગઈ. તે પછી છેક 700 વર્ષ બાદ આરબોએ આ વિદ્યાને પુનર્જીવિત કરી; પરંતુ જ્યારે ગ્રીકોની ખગોળ-આરાધના મંદ પડી ગઈ હતી યા સ્થગિત થઈ ગઈ હતી ત્યારે ભારતમાં તેની આરાધના સતત ચાલુ રહી હતી, પણ તે કાળની એક પણ ખગોલીય ઇમારત આજે જોવા મળતી નથી. હકીકતે, વેધશાળાની આધુનિક વ્યાખ્યામાં બંધ બેસે તેવી એક પણ ઇમારત ઈ. પૂર્વે 750 પહેલાંના સમયગાળામાં દુનિયાના કોઈ પણ ભાગમાં જોવા મળતી નથી.
ચીનની વાત કરીએ તો ઈ. પૂ. 200ની આસપાસ ત્યાં વિભિન્ન રાજ્યો એકત્રિત થઈને એક રાજસત્તા હેઠળ આવ્યાં. તે પહેલાં ચીનમાં વેધશાળા હોવી જોઈએ, પરંતુ આ અંગે ઝાઝી માહિતી મળતી નથી. તે કાળમાં એટલે કે ઈ. પૂ. 500થી ચીનનાં વિભિન્ન રાજ્યોમાં ખગોળશાસ્ત્રીઓની સત્તાવાર નિમણૂકો થતી હતી. વળી, ઈ. પૂ. 300ની આસપાસના બહુ ઝીણવટથી બનાવેલા તારા-નકશા પણ ચીનમાં જોવા મળે છે, જે સૂચવે છે કે ઈસુ પૂર્વેની સદીઓમાં ચીનમાં ખગોળપ્રવૃત્તિ માટે આવશ્યક એવી વેધશાળાઓ હોવી જોઈએ. બરાબર ક્યારે આવી વેધશાળાઓની સ્થાપના થઈ હશે તે તો કહી શકાતું નથી પરંતુ એટલું તો નિશ્ચિત છે કે ઈ. પૂ. 200ના અગાઉના ઠીકઠીક કાળ પહેલાં ચીનમાં વેધશાળાઓ હતી.
ઈ. પૂ. 200 પછીના કાળમાં આવી એક શાહી વેધશાળા ચીનમાં હોવાની સાબિતી મળી છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ ફલિતજ્યોતિષનો હતો. આરંભમાં અહીં છાયા-યંત્રો (sun-dial), શંકુ, જલઘડીઓ અને દર્શ-નલિકાઓ (sighting-tubes) જેવાં ઉપકરણો હતાં. પાછળથી, ઈ. પૂ. 50ની આસપાસ અહીં સૌપ્રથમ સ્થિર વિષુવવૃત્તીય વલય (fixed equatorial ring) અને ઈ. પૂ. 100ની આસપાસ વલય-યંત્ર જેવાં ખગોલીય યંત્રો ગોઠવવામાં આવ્યાં હતાં.
ચીનની શૈલીની આવી વેધશાળાઓ પાછલી સદીઓમાં – ખાસ કરીને ઈ. સ. 600 પછીની સદીઓમાં જાપાન અને કોરિયા જેવા નજદીકના પાડોશી દેશોમાં બાંધવામાં આવી હતી.
મધ્યકાલીન યુગની વેધશાળાઓ : ચીનની કદાચ સૌથી પ્રખ્યાત વેધશાળા અગિયારમી સદીમાં થઈ ગયેલા સુ-સુંગ નામના ખગોળશાસ્ત્રીની છે. આ વેધશાળાની સ્થાપના 1090ની આસપાસ કરવામાં આવેલી હતી. તેમાં એક ભવ્ય જલઘડી અને યાંત્રિક વલય-યંત્ર તથા અવકાશી ગોલક (celestial globe) જેવાં ઉપકરણો હતાં.
આજે તો આ વેધશાળાના કોઈ સગડ કે અવશેષ મળતા નથી, પરંતુ ઈ. સ. 1276માં ગાઓચેંગ (હેનાન) ખાતે સ્થાપવામાં આવેલી મૉંગોલ વેધશાળા હજુ આજે પણ અકબંધ હાલતમાં જોવા મળે છે. આ વેધશાળામાં 12 મીટર ઊંચાઈનો એક વિરાટ શંકુ ઉપરાંત જલ-ઘડી અને સંભવત: વલય-યંત્ર જેવાં ઉપકરણો હતાં.
સોળમી સદીમાં ચીનમાં ખ્રિસ્તી ધર્મના જેઝ્યુઇટ સંપ્રદાયના અનુયાયીઓના આગમન સાથે ચીનની પરંપરાગત ખગોલીય લાક્ષણિકતાઓનો અંત આવ્યો. શાહી વેધશાળાઓમાં આ સંપ્રદાયના ખગોળશાસ્ત્રીઓની નિમણૂકો થવા માંડી અને એમના જ દ્વારા ચીનમાં 1630માં ટેલિસ્કોપ જેવા ઉપકરણનું પ્રથમ આગમન થયું.
આરબ ખગોળશાસ્ત્રીઓ દ્વારા આકાશનું અવલોકન નવમી સદીના આરંભે થયું અને એમાં ઝડપી વેગ આવ્યો. આવી ઇસ્લામી દુનિયાની પ્રથમ નોંધપાત્ર વેધશાળા સન 829માં અસ્તિત્વમાં આવી. બગદાદના ખલીફ અલ્-મામુને આ વેધશાળા સ્થાપી હતી. તેમાં અનેક પ્રકારનાં યંત્રો અને ઉપકરણોની જોગવાઈ કરેલી હતી, પરંતુ તેમાંનાં મોટા ભાગનાં ઉપકરણો પ્રાચીન ગ્રીક ઉપકરણોને આધારે તૈયાર કરવામાં આવેલાં હતાં. આરબ જગતમાં એક સદી સુધી આ વેધશાળા ખગોલીય પ્રવૃત્તિનું મુખ્ય મથક બની રહી હતી.
તે પછીની બે સદીઓ દરમિયાન કેટલીક મહત્વની ઇસ્લામિક વેધશાળાઓની સ્થાપના થઈ. આ પૈકી અલ્-બત્તાનીએ રક્કા ખાતે ઈ. સ. 887માં સ્થાપેલી વેધશાળા, અલ્-સૂફીએ શીરાઝ ખાતે આશરે ઈ. સ. 965માં સ્થાપેલી વેધશાળા, ઇબ્ન યૂનુસ દ્વારા કૅરો ખાતે અંદાજે ઈ. સ. 990માં સ્થાપાયેલી વેધશાળા અને ગઝના ખાતે અંદાજે ઈ. સ. 990માં અલ્-બિરૂનીએ સ્થાપેલી વેધશાળા નોંધપાત્ર ગણી શકાય. કાળે કરી આ વેધશાળામાં કેટલાંક નવાં ઉપકરણો પણ બનાવાયાં, તો કેટલાંક પુરાણાં નવેસરથી સંસ્કારાયાં. અવકાશી પિંડોના કોણ માપવા માટેનાં સાધનો આનું ઉદાહરણ છે. અહીં બનેલાં આવાં ઉપકરણો ટૉલેમીનાં ઉપકરણો કરતાં વધુ ચડિયાતાં હતાં.
મરઘા – હાલના ઈરાન – ખાતેની ઇસ્લામિક વેધશાળા 1259માં બાંધવામાં આવેલી હતી. તેમાં વપરાતાં ઉપકરણોની યાદી આજે પણ જોવા મળે છે; એટલું જ નહિ, એ પૈકીનાં કેટલાંક ઉપકરણો હજુ આજે પણ સંગ્રહસ્થાનોમાં સુરક્ષિત જોવા મળે છે. આ વેધશાળામાં 15 જેટલા કાયમી ખગોળશાસ્ત્રીઓ હતા અને તેના વિશાળ પુસ્તકાલયમાં 4 લાખથી પણ વધુ ગ્રંથો હતા !
મોટામાં મોટી છેલ્લી ઇસ્લામી વેધશાળા તૈમૂર લંગના પૌત્ર ઉલુઘ બેગે પોતાની રાજધાની સમરકંદમાં ઈ. સ. 1420માં સ્થાપી હતી. આવા વિદ્યાવ્યાસંગી રાજાનો તેના જ દીકરા અને સગાંએ ભેગાં મળી રાજ્યલોભને કારણે ઈ. સ. 1449માં વધ કર્યો; એટલું જ નહિ, પરંતુ ઉત્તમ કોટિની એની વેધશાળાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ ખંડિત અને દટાઈ ગયેલી વેધશાળા પાછળથી ઈ. સ. 1908માં સોવિયેત પુરાવિદ વાસિલી વ્યત્કિન દ્વારા પુન: શોધી કાઢવામાં આવી હતી; તેની જરૂરી મરામત કરીને પુન:સ્થાપના કરવામાં આવેલી છે. આ વેધશાળાનાં કેટલાંક ઉપકરણો બચી જવા પામ્યાં છે.
ઉલુઘ બેગ પછી આરબોની ખગોળપ્રવૃત્તિ મંદ પડી ગઈ અને કાલાંતરે એ સાવ સ્થગિત થઈ ગઈ. લગભગ એ જ અરસામાં એટલે કે ઈ. સ. પંદરમી સદી પછી પશ્ચિમના દેશોમાં – ખાસ કરીને યુરોપમાં ‘અંધકાર યુગ’ના અંત સાથે ખગોળશાસ્ત્રનું પુનરુત્થાન થવા લાગ્યું.
ઈ. સ. 1471ના આરંભે જર્મનીના રેગિઓમોન્ટેનસ ઉર્ફે યોહાન્ન મૂલર (1436-1476) અને બર્નહાર્ડ વૉલ્ધેર નામના એના શિષ્યે મૂલરના ઘરમાં જ એક ઓરડામાંથી સૂક્ષ્મ અવલોકનો કર્યાં. આ ઓરડાને વેધશાળાનો દરજ્જો આપી શકાય કે કેમ તે સવાલ છે, પરંતુ ન્યૂરેનબર્ગ ખાતેના આ સ્થળેથી જ ઈ. સ. 1472માં એક ધૂમકેતુનું અવલોકન કરવામાં આવ્યું જે પાછળથી હેલીના ધૂમકેતુ તરીકે જાણીતો બન્યો છે.
પુનરુત્થાન પછીના કાળમાં યુરોપની પહેલી મુખ્ય વેધશાળા ટાયકો બ્રાહી દ્વારા યુરેનિબૉર્ગ (ડેન્માર્ક) ખાતે ઈ. સ. 1576માં સ્થાપવામાં આવી હતી. ડેન્માર્કના રાજા ફ્રેડરિકે આ માટે નાણાંની તથા અન્ય સગવડોની જોગવાઈ કરી આપી. આ વેધશાળામાં વિવિધ પ્રકારનાં વૃત્તપાદ, ષષ્ટાંશક યંત્ર (sextant) અને વલય-યંત્રો આવેલાં હતાં. ધાતુનાં યંત્રોથી સુસજ્જિત યુરોપની આ પ્રથમ વેધશાળા હતી. યોહાન્નીસ કૅપ્લરે આ વેધશાળામાં જોડાઈને વેધશાળાનાં ઉપલબ્ધ યંત્રોની મદદથી એક હજાર તારાની ઉત્તમ સારણી તૈયાર કરી, જેના આધારે પાછળથી તેણે પોતાના નામ સાથે સંકળાયેલા ગ્રહ-ગતિના નિયમોની શોધ કરી હતી.
ટાયકોના કાળમાં ટેલિસ્કોપની શોધ થઈ ન હતી. પહેલું ટેલિસ્કોપ ટાયકોના મૃત્યુ પછી આશરે આઠેક વર્ષ બાદ ખગોળશાસ્ત્રમાં પ્રયોજાયું. તેમ છતાંય ટાયકોએ લીધેલા વેધ ઘણા દસકા સુધી આધારભૂત મનાતા રહ્યા.
ભારતમાં જયપુરના રાજા સવાઈ જયસિંહ (દ્વિતીય) પણ ઉલુઘ બેગની જેમ ખગોળપ્રેમી હતા. એમણે ઉલુઘ બેગની સારણીઓ મેળવી અને એનું ઊંડું અધ્યયન કર્યું. આખરે, અઢારમી સદીના આરંભિક દસકામાં, જયસિંહે ઉલુઘ બેગની સમરકંદની વેધશાળાઓનો આધાર લઈને જયપુર, દિલ્હી, ઉજ્જૈન, મથુરા અને વારાણસી વગેરે સ્થળોએ ‘જંતરમંતર’ તરીકે ઓળખાતી નરી આંખે નિરીક્ષણ કરતી ઓપન ઍર વેધશાળાઓ સ્થાપી. તેમાં ધાતુ તથા ચણતરથી બનાવેલાં મોટાં મોટાં યંત્રો હતાં અને એમાંનાં કેટલાંક આજે પણ સારી સ્થિતિમાં છે. સમ્રાટ યંત્ર, જયપ્રકાશ યંત્ર, રામ યંત્ર, મિશ્ર યંત્ર, નાડીવલય યંત્ર, રાશિવલય યંત્ર, ખગોલ યંત્ર (astro lab) વગેરે જુદા જુદા કામ માટેનાં વિરાટ યંત્રોનું નિર્માણ જયસિંહે કરાવ્યું હતું. ભારતીય જનતા જે આજે ‘વેધશાળા’ શબ્દથી પરિચિત છે તેનું શ્રેય જયસિંહને ફાળે જાય છે.
જયસિંહ (1686-1743) પછી સમગ્ર દુનિયામાં નૂતન ખગોળ-પદ્ધતિનો ફેલાવો થઈ ગયો અને ટેલિસ્કોપની શોધ થયા પછી, સત્તરમી સદીના પૂર્વાર્ધમાં આધુનિક કહેવાય તેવી વેધશાળાઓ સ્થપાવા લાગી.
આવી એક વેધશાળા હોલૅન્ડમાં લાઇડન ખાતે મુખ્યત્વે એક વિરાટ વૃત્તપાદને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવી. એવી બીજી નોંધપાત્ર ‘રાઉન્ડ ટાવર’ વેધશાળા કૉપનહેગન ખાતે ઈ. સ. 1637માં સ્થપાઈ. આ વેધશાળા સ્થાપવા પાછળ ડેનિશ ખગોળવેત્તા લૉન્ગોમૉન્ટેનસની પ્રેરણા હતી. પોલૅન્ડમાં હેવેલિયસે પોતાના ઘરના છાપરા પર ઈ. સ. 1641માં વેધશાળા બનાવી અને એને વર્તક દૂરબીન(refractor)થી સુસજ્જ કરી.
યુરોપમાંની આધુનિક પ્રકારની ઐતિહાસિક વેધશાળાઓ : એ પછી ફ્રાન્સમાં પૅરિસ ખાતે ઈ. સ. 1667થી 1671 દરમિયાન પૅરિસ ઑબ્ઝર્વેટરી બાંધવામાં આવી. ફ્રાન્સના તત્કાલીન રાજાએ સ્થાપેલી આ વેધશાળા દુનિયાની આધુનિક વેધશાળાઓમાં સૌથી જૂની હયાત વેધશાળા છે જેને પાછળથી રેડિયો-ટેલિસ્કોપ વગેરે જેવાં ઉપકરણોથી પણ સુસજ્જ કરવામાં આવી છે.
તે પછી ઇંગ્લૅન્ડમાં રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી ઈ. સ. 1675થી કામ કરતી થઈ, જેની સ્થાપના તત્કાલીન રાજા ચાર્લ્સે (દ્વિતીય) કરી હતી. પાછળથી દુનિયાની ખગોલીય પ્રવૃત્તિનું તે મુખ્ય મથક બની રહી. ઈ. સ. 1839માં રશિયામાં લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ) ખાતે પુલકોવો ઑબ્ઝર્વેટરી શરૂ થઈ, જેનો મૂળ આરંભ તો ઈ. સ. 1718માં થયો હતો.
તે પછીના ગાળામાં તો ઘણે સ્થળે ઘણી વેધશાળાઓ અસ્તિત્વમાં આવી. ખાનગી રાહે પણ કેટલીક બની. તેમાં Johann Schröter(1745-1816) નામના જર્મન ખગોળશાસ્ત્રી દ્વારા સ્થપાયેલી વેધશાળા નોંધપાત્ર કહી શકાય. આ વેધશાળાનો ઈ. સ. 1814માં ફ્રાન્સના લશ્કર દ્વારા નાશ કરવામાં આવ્યો. વિલિયમ હર્ષલે ઈ. સ. 1789માં 122 સેમી.નું એક વિરાટ પરાવર્તક યા દર્પણ (reflector) બનાવ્યું. તેવી જ રીતે, ત્રીજા અર્લ ઑવ્ રૉસ (1800-1867) દ્વારા બનાવાયેલું 183 સેમી.નું પરાવર્તક તે કાળનું મોટામાં મોટું દૂરબીન હતું. તેની વેધશાળાનું બાંધકામ ઈ. સ. 1845માં પૂર્ણ થયું. આ ટેલિસ્કોપને પથ્થરો વડે બનેલી બે મોટી દીવાલો વચ્ચે મૂકવામાં આવેલું હતું. આ વેધશાળા આયર્લૅન્ડમાં હતી અને ઘણી રીતે વિલક્ષણ હતી.
અર્વાચીન મોટી વેધશાળાઓ : પ્રારંભે મોટાં વર્તક દૂરબીનો અને પાછળથી મોટાં આધુનિક પ્રકારનાં પરાવર્તક દૂરબીનોના આગમનને પરિણામે એમના સ્થાપન માટે મોટા કદની વેધશાળાઓની જરૂર ઊભી થઈ. આ માટે ધનાઢ્ય વ્યક્તિઓ, સંસ્થાઓ કે સરકાર મદદે આવી.
અમેરિકાએ આમાં પહેલ કરી. લૉવેલ ઑબ્ઝર્વેટરી (ઍરિઝોના), લીક ઑબ્ઝર્વેટરી (કૅલિફૉર્નિયા) અને યર્કિઝ ઑબ્ઝર્વેટરી (વિસ્કૉન્સિન) જેવી મોટી વેધશાળાઓ ઈ. સ. 1900 પહેલાં અસ્તિત્વમાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઓએ પણ વેધશાળાના નિર્માણ કે વિકાસમાં સક્રિય રસ લીધો હતો. તેનું જાણીતું ઉદાહરણ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી છે. ઈ. સ. 1839માં તેણે હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીની સ્થાપના કરી.
પછી ઈ. સ. 1904થી 1910 સુધીમાં માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરી બાંધવામાં આવી જેમાં 152 સેમી. અને ઈ. સ. 1917માં 254 સેમી.ના પરાવર્તકોનું સ્થાપન કરવામાં આવ્યું. 1948માં હેલ પરાવર્તક તરીકે ઓળખાતું 508 સેમી.નું વિરાટ ટેલિસ્કોપ માઉન્ટ પાલોમર (કૅલિફૉર્નિયા) ખાતે ગોઠવવામાં આવ્યું.
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની સરખામણીમાં દક્ષિણ ગોળાર્ધમાં મોટી કાયમી વેધશાળાઓ પ્રમાણમાં મોડી સ્થપાઈ. આવી નોંધપાત્ર વેધશાળા દક્ષિણ આફ્રિકાની કેપ ઑબ્ઝર્વેટરી કહી શકાય. એ 1813માં સ્થાપવામાં આવેલી. પાછળથી એ જ સદીમાં દક્ષિણ આફ્રિકામાં અન્યત્ર તથા ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ અમેરિકામાં દક્ષિણીય આકાશી નિરીક્ષણ માટેની વેધશાળાઓ સ્થપાવા માંડી.
રશિયાની કૉકેસસ પર્વતમાળામાં માઉન્ટ પાસ્તુખોવ ખાતે 2,070 મીટરની ઊંચાઈએ રશિયાએ 1976માં 600 સેમી.નું દર્પણ-દૂરબીન બાંધ્યું છે. આ ટેલિસ્કોપનું સ્થાપન વિષુવવૃત્તીય (equatorial mounting) નહિ, પરંતુ ઉદ્દિગંશક (altazimuth-mounting) પ્રકારનું છે અને તેના વડે છેક 25મા વર્ગ સુધીના નિસ્તેજ પિંડને જોઈ શકાય છે. આ વેધશાળા સ્પેશિયલ ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી (SAO) અથવા ‘Bolshoi Teleskop Azimutalny’ (BTA) અથવા ‘Zelenchukskaya Astrophysical Observatory નામે ઓળખાય છે. આ વેધશાળા ર્દશ્ય ઉપરાંત, રેડિયો-ટેલિસ્કોપ પણ ધરાવે છે.
અખંડ દર્પણ ધરાવતું આ ટેલિસ્કોપ દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ છે, પરંતુ તે ધાર્યું પરિણામ આપી શક્યું નથી. એનું એક મુખ્ય કારણ આ ટેલિસ્કોપ જે વેધશાળામાં મુકાયું તેની જગ્યા ખોટે સ્થળે પસંદ કરાઈ તે છે.
હવામાન–પરીક્ષણો દ્વારા વેધશાળા–સ્થળની પસંદગી : ક્લાઇમેટો- લૉજિકલ રિસર્ચ એટલે કે અવકાશી અને હવામાન-સંશોધન કરવા માટેના અનુકૂળ પર્યાવરણની ખોજ કરવી જરૂરી છે. રશિયાના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને વર્ષો સુધી આવું સંશોધન ચાલુ રાખી, કૉકેસસમાં સ્તાવરોપોલ ખાતે આ વેધશાળા બાંધી હતી, પણ તેમાં તેઓ થાપ ખાઈ ગયા કારણ કે વેધશાળા બંધાઈ ગયા પછી સ્તાવરોપોલથી પણ વધુ સારી – આદર્શ ગણાય તેવી જગ્યા તેમને મળી આવી હતી, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આ કારણે આધુનિક વેધશાળાનું યોગ્ય સ્થળ નિર્ધારિત કરવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે :
(1) પસંદગીનું સ્થળ મોટાં શહેરથી પૂરતું દૂર આવેલું હોવું જોઈએ જેથી શહેરમાંની રોશનીનો પ્રકીર્ણ પ્રકાશ (scattered-light) વેધશાળાના સ્થળે રાતના સમયે ર્દશ્ય આકાશની કાળાશમાં ઘટાડો કરે નહિ.
(2) તે સ્થળે રાત્રિના મોટા ભાગમાં આકાશ ધુમ્મસ કે વાદળાં વગરનું રહેતું હોય.
(3) આકાશમાં ધૂળનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ જેથી આકાશની પારદર્શકતામાં નહિવત્ ઘટાડો થાય.
(4) વાતાવરણની ક્ષુબ્ધતા(turbulance)ને કારણે તારકો ટમટમતા દેખાય છે; તે બને તેટલું ઓછું હોવું જોઈએ. [સૈદ્ધાન્તિક રીતે ટેલિસ્કોપનો અરીસો જેમ મોટો તેમ ખગોલીય પિંડનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ અને સુરેખ મળે. એટલે કે ટેલિસ્કોપની વિભેદનક્ષમતા અરીસાના વ્યાસ સાથે વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં વાતાવરણીય ક્ષુબ્ધતાને કારણે વિભેદનક્ષમતાનું મૂલ્ય 1 વિકળાથી ઓછું થતું નથી.]
(5) જે વેધશાળામાંથી ઇન્ફ્રા-રેડ અને સબમિલિમીટર તરંગલંબાઈનાં વિકિરણોમાં ખગોલીય પિંડનાં અવલોકન લેવાનાં હોય તેના સ્થળની પસંદગીમાં, વાતાવરણમાંની પાણીની વરાળ ખૂબ ઓછી હોવી જરૂરી છે. વાતાવરણીય હવાના કુલ દબાણ (પારાના 760 મિમી. સ્તંભ) સામે વાતાવરણમાંની વર્ષણક્ષમ આર્દ્રતા 1થી 2 મિમી. કરતાં વધારે હોવી જોઈએ નહિ.
મોટા ટેલિસ્કોપવાળી વેધશાળા સ્થાપતાં પહેલાં તે માટેનાં સૂચિત સ્થળોનો વ્યવસ્થિત અભ્યાસ કેટલાંક વર્ષો સુધી કરવામાં આવે છે. તે પછી જ તે માટેના યોગ્ય સ્થળની પસંદગી અંગેનો નિર્ણય કરવામાં આવે છે.
અર્વાચીન કાળની વિખ્યાત વેધશાળાઓ : તાજેતરનાં વર્ષોમાં દક્ષિણ અમેરિકા ખાતે ચિલીમાંની ઍન્ડીઝ પર્વતમાળામાં એવાં કેટલાંય સ્થળોની જાણ થઈ છે, જે ખગોલીય વેધશાળા માટેના આદર્શ સ્થળની કક્ષામાં આવી શકે. સ્વાભાવિક રીતે જ તાજેતરમાં ત્યાં અનેક મોટી વેધશાળાઓ સ્થપાઈ રહી છે.
આનું ઉત્તમ ઉદાહરણ યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી (ESO) છે. ઈ. સ. 1962માં ‘યુરોપિયન રિસર્ચ ઑર્ગેનાઇઝેશન’ની સ્થાપના થઈ, જેનો ઉદ્દેશ યુરોપના દેશોના ખગોળશાસ્ત્રીઓને મોટી આધુનિક વેધશાળાઓનો લાભ મળે અને ખગોળમાં એકમેકનાં સહકાર અને ઉત્તેજન મળી રહે તે હતો. આ ઉદ્દેશથી બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ એમ આઠેક દેશોએ ભેગા મળીને યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરીની સ્થાપના કરી. તેનું મુખ્ય મથક જર્મનીમાં ગાર્ચિગમાં આવેલું છે અને નિરીક્ષણમથક ચિલીમાં લા સિલા ખાતે આવેલું છે, જે લા સિલા ઑબ્ઝર્વેટરી તરીકે ઓળખાય છે. આ વેધશાળા આશરે 2,400 મીટરની ઊંચાઈએ આવેલી છે. આ વેધશાળા 3.6 મીટરનું તથા 15 મીટરનું સ્વીડિશ/ઈએસઓ સબમિલીમીટર ટેલિસ્કોપ ધરાવવા ઉપરાંત, ન્યૂ ટેક્નૉલૉજી ટેલિસ્કોપ (NTT) પણ ધરાવે છે, જે ઈ. સ. 1990થી કામ કરતું થયું છે. તેના નામ પ્રમાણે જ, આ ટેલિસ્કોપમાં અદ્યતન શોધ અને ટેક્નૉલૉજી આમેજ કરવામાં આવેલાં છે.
હાલ ESO ચિલી ખાતે 2,700 મીટરની ઊંચાઈએ આવેલા સેરો પરાનલ નામના સ્થળે એક નવી જ વેધશાળાના નિર્માણમાં વ્યસ્ત છે. અહીં એક ઘણું મોટું નવીન પ્રકારનું ટેલિસ્કોપ મુકાશે. આ સ્થળે વરસાદ કે બરફવર્ષા ભાગ્યે જ થાય છે અને આકાશી નિરીક્ષણ માટે અત્યાર સુધીનું દુનિયાનું કદાચ વધુમાં વધુ અનુકૂળ સ્થળ જણાયું છે.
નવીન પેઢીની વેધશાળાઓ : એક સદી પહેલાં સંશોધનનાં ઘણાં ક્ષેત્રોમાં જેમ મનુષ્યની આંખનું સ્થાન ફોટોગ્રાફીએ લીધું હતું તેમ હવે ફોટોગ્રાફીનું સ્થાન ઇલેક્ટ્રૉનિક યુક્તિઓ અને ઉપકરણોએ લીધું છે. આને કારણે પરંપરાગત વેધશાળાઓની ડિઝાઇન તેમજ અન્ય અનેક બાબતોમાં પણ ફેરફાર થવા માંડ્યા છે.
આવો એક મહત્વનો ફેરફાર રિમોટ કંટ્રોલનો કહી શકાય. ખગોળશાસ્ત્રીને રાત્રિની ઠંડીમાં, વેધશાળામાં ગુંબજની નીચે એકલાઅટૂલા, ટેલિસ્કોપની સામે બેસી રહેવાની હવે જરૂર ન રહી. અરે ! વેધશાળામાં એની હાજરી પણ જરૂરી રહી નથી. એક દેશમાં રહીને બીજા દેશમાં આવેલી વેધશાળાનાં યંત્રોનું સંચાલન પણ હવે શક્ય બન્યું છે. કેનેરી દ્વીપો અને બ્રિટન વચ્ચે વહેંચાયેલી ગ્રિનિચ વેધશાળા આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. બ્રિટનમાં બેઠેલા ખગોળશાસ્ત્રી માત્ર અમુક ચાંપો દબાવીને કેનેરી દ્વીપો પરના ટેલિસ્કોપનું સફળતાથી સંચાલન કરી શકે છે ! આવું બીજું ઉદાહરણ આગળ જેની વાત કરી તે, ESOના NTT ટેલિસ્કોપનું છે. ચિલીમાં આવેલા આ NTTનું સંચાલન ESOના જર્મનીમાં આવેલા મુખ્ય મથકેથી દૂર બેસીને પણ કરી શકાય છે. તેને માટે કૃત્રિમ ઉપગ્રહની મદદ લેવામાં આવી છે. આવી રિમોટ કંટ્રોલવાળી વેધશાળા ભવિષ્યમાં ચંદ્ર ઉપર પણ સ્થાપવાનાં સ્વપ્નાં, ખગોળશાસ્ત્રીઓ સેવતા થયા છે.
રિમોટ કંટ્રોલના જેવો બીજો મહત્વનો વિકાસ દર્પણ ટેલિસ્કોપના દર્પણની ડિઝાઇનમાં થયેલો છે. કમ્પ્યૂટર-સંચાલિત આવા ટેલિસ્કોપમાં એક સળંગ દર્પણને બદલે એકસરખા આકાર અને કદનાં એકથી વધુ દર્પણોની તરકીબભરી ગોઠવણીથી એનો સંયુક્ત વ્યાસ વધારી દેવામાં આવે છે. આવું એક ટેલિસ્કોપ મોનાકી વેધશાળા (હવાઈ ટાપુ) ખાતે આવેલું છે, જે W. M. Keck Foundationની આર્થિક સહાય મેળવીને તૈયાર કરવામાં આવેલું હોઈ, કેક ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે. એનો 10 મીટર વ્યાસનો અરીસો કુલ 36 જેટલા એકસરખા ષટ્કોણાકૃતિ (hexagonal) ખંડો વડે બનેલો છે. આ બધા અરીસાઓથી છેલ્લે મળતું એક પ્રતિબિંબ ઘણું જ સ્પષ્ટ-સુરેખ (sharp) હોય છે. ઈ. સ. 1991માં કામ કરતું થયેલું આ ટેલિસ્કોપ હાલમાં દુનિયાનું સૌથી મોટું પ્રકાશીય ટેલિસ્કોપ છે.
ભારતમાંની આધુનિક પ્રકારની વેધશાળાઓ : સત્તરમી સદીના પૂર્વાર્ધમાં ભારતમાં ટેલિસ્કોપ આવ્યું હોવાનું માનવામાં આવે છે. થૉમસ રો નામના કોઈ યુરોપિયને મોગલ સમ્રાટ જહાંગીર(1605-1627)ને આવું એક ટેલિસ્કોપ ભેટ આપ્યું હતું. કોઈ યુરોપિયન તરફથી મુઘલ સમ્રાટને અપાયેલું આ સર્વપ્રથમ ટેલિસ્કોપ હતું. જોકે ખગોળના નિરીક્ષણ માટે ભારતની ધરતી પર ટેલિસ્કોપનો ઉપયોગ તો સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયો. આવો ઉપયોગ પહેલવહેલો કરનાર ફ્રાન્સનો એક પાદરી હતો, જેનું નામ ફાધર રિચો (1633-1693) હતું. રિચોએ ઈ. સ. 1689માં પોંડિચેરીમાંથી ખગોલીય નિરીક્ષણો માટે ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આમ ગૅલિલિયોએ ઈ. સ. 1609માં ટેલિસ્કોપના કરેલા વ્યાપક ઉપયોગ બાદ ભારતમાં અંદાજે 80 વર્ષ પછી ટેલિસ્કોપનો ઉપયોગ, ખગોળ-નિરીક્ષણોમાં થયો હતો.

આકૃતિ 2 : મદ્રાસ વેધશાળા; 1792માં સ્થાપવામાં આવેલી ભારતની આધુનિક પ્રથમ ખગોલીય વેધશાળા
ભારતમાં આધુનિક કહી શકાય તેવી પહેલી વેધશાળા મદ્રાસના નૂનગંબક્કમ્ ખાતે માઇકેલ ટૉપિંગ (1747-1796) દ્વારા સ્થાપવામાં આવી હતી. ઈ. સ. 1792માં સ્થાપવામાં આવેલી આ વેધશાળા મદ્રાસ ઑબ્ઝર્વેટરી તરીકે ઓળખાતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલી હતી.
ત્યાર બાદ કલકત્તા વેધશાળા (1825); રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનૌ (1835); ત્રાવણકોરના રાજાની વેધશાળા, ત્રિવેન્દ્રમ (1837); પૂના વેધશાળા (1842); સેન્ટ ઝેવિયર્સ કૉલેજની વેધશાળા, કલકત્તા (1875); મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પૂના(1882); હેનેસી અને હેઈગ વેધશાળાઓ, દહેરાદૂન જે અનુક્રમે 1884માં અને 1886માં બંધાઈ. અને કૉલકાતામાં આવેલી પ્રેસિડેન્સી કૉલેજની વેધશાળા (1900) તથા હૈદરાબાદ ખાતેની નિઝામિયા ઑબ્ઝર્વેટરી (1908) નોંધપાત્ર ગણી શકાય.
ભારતમાં મોટાં દૂરબીનો ધરાવતી નીચેની ચાર વેધશાળાઓ આવેલી છે :
(1) તમિલનાડુના જોલાર પેટ્ટાઈ નજીદીક આવેલી કાવલૂર વેધશાળા, જ્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રો-ફિઝિક્સનું 2.34 મીટરનું એક તથા 1 મીટરનું એક, એમ કુલ બે મોટાં ટેલિસ્કોપ આવેલાં છે. 2.34 મીટરનું ટેલિસ્કોપ ‘વેણુ બાપુ ટેલિસ્કોપ’ નામે ઓળખાય છે. આ ટેલિસ્કોપ 1985થી કાર્ય કરતું થયું છે.
(2) આંધ્ર પ્રદેશના જાપાલ અને રંગાપુર ગામ ખાતે આવેલી જાપાલ-રંગાપુર વેધશાળા. અહીં ઓસ્માનિયા યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝ ઇન ઍસ્ટ્રૉનૉમી દ્વારા 1.2 મીટરનું ટેલિસ્કોપ ગોઠવેલું છે.
(3) રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુના ગુરુશિખર ઉપર અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (PRL) દ્વારા 1.2 મીટરનું ટેલિસ્કોપ આવેલું છે, જે ખાસ કરીને ઇન્ફ્રા-રેડ અવલોકનો માટે ઉપયોગી થઈ પડે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
(4) ઉત્તર પ્રદેશના નૈનિતાલમાં મનોરા પીક ખાતે ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી આવેલી છે જ્યાં 1 મીટરનું ટેલિસ્કોપ આવેલું છે.
ઉપરાંત સૌર વેધશાળા તરીકે ઉદયપુર ખાતે સ્થપાયેલ ઉદયપુર સોલર ઑબ્ઝર્વેટરીનો પણ અહીંયાં ઉલ્લેખ કરવો જોઈએ.
રેડિયો–વેધશાળાઓ : પ્રકાશીય વેધશાળાઓની સાથે રેડિયો- વેધશાળાઓ પણ વિકાસ પામતી ગઈ. 1931માં અમેરિકાના કાર્લ જૉસ્કીએ રેડિયો-ખગોળશાસ્ત્રનો પાયો નાખ્યો અને પાછળથી 1940માં અમેરિકાના જ ગ્રોટ રૉબર નામના સંશોધકે 9.5 મીટરની ડિશવાળું સુધારેલું સૌપ્રથમ રેડિયો-ટેલિસ્કોપ બનાવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તો રેડિયો-તરંગો ઝીલતાં નવાં નવાં ટેલિસ્કોપો નવી નવી ડિઝાઇનોમાં બનતાં ગયાં જેને પરિણામે આવી અનેક રેડિયો-વેધશાળાઓ અસ્તિત્વમાં આવવા લાગી છે. આમાં પહેલ ઑસ્ટ્રેલિયાથી થઈ અને પછી તો ઇંગ્લૅન્ડ, હોલૅન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા અનેક દેશો પણ રેડિયો ઑબ્ઝર્વેટરી બનાવવાની હોડમાં લાગ્યા. ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રો-ફિઝિક્સ અને બૅંગલૂરુના રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી ગૌરીબિદનુર રેડિયો ટેલિસ્કોપ કાર્યરત છે. મુંબઈના તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા ઊટી ખાતે રેડિયો-ટેલિસ્કોપનું સંચાલન થાય છે. અમદાવાદની PRL સંસ્થા અમદાવાદ પાસેના થલતેજ તથા રાજકોટ અને સૂરત ખાતે આવી પ્રવૃત્તિ સંભાળે છે. ઓસ્માનિયા યુનિવર્સિટી, જાપાલ-રંગાપુર વેધશાળા ખાતે આવી સુવિધા ધરાવે છે. હાલમાં પુણે નજદીક નારાયણગાંવ પાસે એક અત્યંત વિશાળ રેડિયો-ટેલિસ્કોપ તૈયાર કરવામાં આવ્યું છે, જે દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ છે.
અંતરીક્ષ વેધશાળાઓ : 1957માં ‘સ્પુટનિક’ નામના કૃત્રિમ ઉપગ્રહથી અંતરીક્ષ યુગનાં મંડાણ થયાં અને એ પછી લગભગ પાંચેક વર્ષ બાદ અંતરીક્ષ વેધશાળાઓ આકાશમાં તરતી કરવામાં આવી. આવી સૌપ્રથમ વેધશાળા 7 માર્ચ, 1962ના રોજ અમેરિકાએ પ્રક્ષેપિત કરી. આ વેધશાળાને ‘ઑર્બિટિંગ સોલર ઑબ્ઝર્વેટરી’(OSO) ભ્રમણ કરતી સૂર્ય-વેધશાળા એવું નામ આપવામાં આવ્યું. એ પછી તો આ શ્રેણીના બીજા ઉપગ્રહો પણ તરતા મુકાયા. બીજો આવો ઉપગ્રહ બ્રિટનનો હતો અને એ અમેરિકાએ પ્રક્ષેપિત કરી આપ્યો 28 (યા અમુક સંદર્ભો અનુસાર 26) એપ્રિલ, 1962ના રોજ, જે ‘એરિયલ-1’ તરીકે ઓળખાય છે. ‘OSO’ અને એરિયલ શ્રેણીના અનેક ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવેલા છે.
આવી જ બીજી ઉપગ્રહ-વેધશાળા શ્રેણી ‘ઑર્બિટિંગ ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી’ (OAO) છે. આ શ્રેણીમાં અમેરિકાએ ચારેક ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા છે, જે પૈકી ત્રીજો એટલે કે ‘OAO-B’(1972) નિષ્ફળ ગયો, પણ બાકીના સફળ રહ્યા છે. ‘OAO-1’ ઉપગ્રહ 1966માં, ‘OAO-2’ ઉપગ્રહ 1968માં અને ‘OAO-3’ ઉપગ્રહ 1972માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. આ પૈકી ‘OAO-3’ ઉપગ્રહ ‘કૉપરનિકસ’ તરીકે પણ ઓળખાય છે. આ બધા વિવિધ ખગોલીય ઉપકરણોથી સુસજ્જ હતા. ત્યાર બાદ અમેરિકાએ જ આવા સંખ્યાબંધ ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા, જે પૈકી ‘ઑર્બિટિંગ જિયૉફિઝિકલ ઉપગ્રહ’(OGO)ની શ્રેણી જાણીતી છે. ‘OGO-1’ ઉપગ્રહ 1964માં, જ્યારે આ શ્રેણીનો છેલ્લો ‘OGO-6’ 1969માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.
1970માં પ્રક્ષેપિત કરવામાં આવેલો ‘ઉહુરુ’ નામનો ઉપગ્રહ પણ આવી જ અંતરીક્ષ વેધશાળા હતો.
રશિયાએ પણ અંતરીક્ષ વેધશાળાની ગરજ સારતા આવા સંખ્યાબંધ ઉપગ્રહો તરતા કર્યા છે.
High Energy Astronomy Observatory (HEAO) શ્રેણીમાં ત્રણ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા : ‘HEAO’ 1977માં, ‘HEAO-2’ (આઇન્સ્ટાઇન ઑબ્ઝર્વેટરી) 1978માં અને ‘HEAO-3’ 1979માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. 1978માં પ્રક્ષેપિત કરાયેલો ‘International Ultraviolet Explorer’ ઉપગ્રહ પણ આવી અંતરીક્ષ વેધશાળા જ હતી.
25 એપ્રિલ, 1990ના રોજ અમેરિકાના સ્પેસ શટલ દ્વારા ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ (HST) પ્રક્ષેપિત કરાયું. આટલું મોટું ટેલિસ્કોપ પહેલી જ વાર અંતરીક્ષમાં તરતું કરવામાં આવ્યું. તેના દર્પણનો વ્યાસ 2.4 મીટર છે.
ઉપગ્રહો કે અંતરીક્ષયાનો ઉપરાંત જેટ પ્લેનમાં પણ આવી વેધશાળાઓ બનાવવામાં આવે છે. આવો પ્રથમ પ્રયોગ 1965માં થયો હતો. ‘કુયુઇપર ઍરબૉર્ન ઑબ્ઝર્વેટરી’ (KAO) એ આવી એક અત્યંત જાણીતી જેટ પ્લેન-વેધશાળા છે. તેમાં ખગોળશાસ્ત્રી હાજર રહીને જાતે જ નિરીક્ષણ કરી શકે છે. ‘નાસા’ની આ વેધશાળા દ્વારા જ માર્ચ, 1977માં સૌપ્રથમ વાર યુરેનસ ગ્રહની આસપાસ વલયો હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું.
આમ, ખગોલીય વેધશાળાનો વિકાસ અને ઇતિહાસ, ખગોળશાસ્ત્રનો પણ વિકાસ દર્શાવે છે.
સારણી 1 : વિશ્વભરમાં આવેલા મોટા પ્રકાશીય ટેલિસ્કોપની યાદી
(ડિસેમ્બર 1989 સુધીની)
ક્રમાંક | ટેલિસ્કોપ/સંસ્થા | સ્થળ | વ્યાસ
મીટરમાં |
વર્ષ
રચના |
અરીસાની
(composition) |
1 | સોવિયેત
સ્પેશિયલ ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝ. : BTA (મોટું આલ્ટાઝિમથ ટેલિ.) |
કૉકેસસ,
રશિયા |
6.0 | 1976 | પાયરેક્સ |
2 | પાલોમર
ઑબ્ઝ. : હેઈલ ટેલિસ્કોપ |
પાલોમર
માઉન્ટ, કૅલિફૉર્નિયા |
5.0 | 1948 | પાયરેક્સ |
3 | વ્હિપલ
ઑબ્ઝ. : મલ્ટિપલ મિરર ટેલિ. |
માઉન્ટ
હૉપ્કિન્સ; ઍરિઝોના |
4.6 | 1949 | સંગલિત
(fused) સિલિકા |
4 | રૉક દ લો
મ્યુશાકો ઑબ્ઝ. : હર્ષલ ટેલિ. (યુ.કે.) |
કેનેરી દ્વીપ
સ્પેન |
4.2 | 1975 | Cer – Vit |
5 | સેરો-ટોલિયો-
ઇન્ટર અમેરિકન ઑબ્ઝ. |
સેરો ટોલ,
ચિલી |
4.0 | 1975 | Cer – Vit |
6 | ઍંગ્લો-
ઑસ્ટ્રેલિયન ટેલિસ્કોપ (AAT) |
સાઇડિંગ
સ્પ્રિંગ, ઑસ્ટ્રેલિયા |
3.9 | 1975 | Cer – Vit |
7 | કિટ પીક
નૅશનલ ઑબ્ઝ. : મેયોલ રિફલેક્ટર |
કિટ પીક
ઍરિઝોના |
3.8 | 1974 | સંગલિત
ક્વાટર્ઝ |
8 | યુનાઇટેડ
કિંગ્ડમ ઇન્ફ્રારેડ ટેલિ. (UKIRT) |
મૌના કી,
હવાઈ |
3.8 | 1979 | Cer – Vit |
9 | યુરોપિયન
સધર્ન ઑબ્ઝર્વેટરી (ESO) |
લાસિલા,
ચિલી |
3.6 | 1976 | સંગલિત |
10 | કૅનેડા-ફ્રાન્સ-
હવાઈ ટેલિ. (CFHT) |
મૌના કી,
હવાઈ |
3.6 | 1979 | Cer – Vit |
11 | જર્મન-સ્પૅનિશ
ઍસ્ટ્રૉનૉમિકલ સેન્ટર |
કાલાર આલ્ટો,
સ્પેન |
3.5 | 1983 | ઝેરોડર |
12 | નાસા ઇન્ફ્રારેડ
ટેલિસ્કોપ ફેસિલિટી(IRTF) |
મૌના કી,
હવાઈ |
3.0 | 1979 | Cer – Vit |
13 | લિક
ઑબ્ઝર્વેટરી : શેઇન ટેલિસ્કોપ |
માઉન્ટ
હૅમિલ્ટન, કૅલિફૉર્નિયા |
3.0 | 1959 | પાયરેક્સ |
14 | મૅકડોનાલ્ડ
ઑબ્ઝર્વેટરી |
માઉન્ટ લૉક,
ટૅક્સાસ |
2.7 | 1968 | સંગલિત
સિલિકા |
15 | ક્રિમિયન
ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝ. : શેઇન ટેલિ. |
ક્રિમિયા,
રશિયા |
2.6 | 1976 | પાયરેક્સ |
16 | બ્યૂરાકાન
ઑબ્ઝર્વેટરી |
આર્મિનિયા,
રશિયા |
2.6 | 1976 | પાયરેક્સ |
17 | લા કૉમ્પાનાસ
ઑબ્ઝ. : ઇરીન દ્યુ પોં. ટેલિ. |
સેરૉ લા
કૉમ્પાનાસ, ચિલી |
2.5 | 1977 | સંગલિત
સિલિકા |
18 | રૉક દ લો
મ્યુશાકો ઑબ્ઝ. : આઇઝેક ન્યૂટન ટેલિસ્કોપ |
કેનેરી દ્વીપ
સ્પેન |
2.5 | 1982 | ઝેરોડર |
19 | માઉન્ટ વિલ્સન
ઑબ્ઝ. : હૂકર ટેલિ. |
માઉન્ટ
વિલ્સન, કૅલિફૉર્નિયા |
2.5 | 1917 | કાચની
પ્લેટ |
20 | સ્પેસ
ટેલિસ્કોપ (ST) |
પૃથ્વીની કક્ષા | 2.4 | 1985 | U.L.E.
Honey Comb |
21 | વાયોમિંગ
ઇન્ફ્રારેડ ઑબ્ઝ. |
જેમ પર્વત,
વાયોમિંગ |
2.3 | 1977 | Cer – Vit |
22 | વેણુ બાપુ
ટેલિસ્કોપ |
કાવાલૂર,
ભારત |
2.3 | 1985 | ઝેરોડર |
23 | સ્ટુઅર્ડ ઑબ્ઝ. | કિટપીક,
ઍરિઝોના |
2.3 | 1969 | સંગલિત
ક્વાર્ટ્ઝ |
24 | માઉન્ટ
સ્ટ્રોમલો અને સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝ. |
સાઇડિંગ
સ્પ્રિંગ, ઑસ્ટ્રેલિયા |
2.2 | 1983 | Cer – Vit |
25 | હવાઈ
યુનિવર્સિટી |
મૌના કી,
હવાઈ |
2.2 | 1970 | સંગલિત
સિલિકા |
26 | જર્મન-સ્પૅનિશ
ઍસ્ટ્રૉનૉમિકલ સૅન્ટર |
કાલાર આલ્ટો,
સ્પેન |
2.2 | 1979 | ઝેરોડર |
આ ઉપરાંત બીજા કેટલાક રેડિયો ટેલિસ્કોપની સ્થાપના થઈ છે જેની વિગતો નીચે મુજબ છે :
આફ્રિકા | ||||||
નામ | સ્થળ | નોંધ | ||||
હાર્ટ RAO
રેડિયો ટેલિ. |
જોહનિસબર્ગ,
દ. આફ્રિકા |
26 મી. ડિશ | પ્રથમ 15મી પ્રોટોટાઇપ
ટેલિ. માટે પણ આ સ્થળ. |
|||
કારૂઍરે
ટેલિ. (KAT) |
કાર્નેવૉર્ન
દ. આફ્રિકા |
25 મી. ટેલિ.
એવા 20 |
2009 માટે આયોજિત. | |||
એન્ટાર્ક્ટિકા
ડિગ્રી ઍન્ગ્યુલર સ્કેલ ઇન્ટરફૅરો- મીટર (DASI) |
એમ્યુન્ડસેન-સ્કૉટ દ. ધ્રુવ સ્ટેશન |
13–ઘટક ઇન્ટરફૅરોમીટર |
કૉસ્મિક માઇક્રોવેવ બેક- ગ્રાઉન્ડમાં વિષમદિગ્ધ- ર્મિતાનું માપન કરે છે. |
|||
સાઉથપોલ ટેલિ.
(SPT) |
એમ્યુન્ડસેન-સ્કૉટ
સાઉથ પોલ સ્ટેશન |
10 મી. માઇ-
ક્રોવેવ ટેલિ. |
વૃંદો(ક્લસ્ટર્સ)નું અવલોકન
કરે છે. |
|||
એશિયા | ||||||
ડીલિન્ઘા
13.7 મી. |
ડીલિન્ઘા,
કીન્ઘાઈ, ચીન |
ડિશનો વ્યાસ
13.7 મી. આવૃત્તિ 85 = 115 GHz |
પર્પલ માઉન્ટેન ઑબ્ઝ.
વડે સંચાલિત. |
|||
જાયન્ટ મીટરવેવ
રેડિયો-ટેલિ. |
પુણે, ભારત | 45 મી. વાયર
ડિશવાળા 45 |
મીટરવેવ લેન્થે મોટામાં
મોટો ટેલિ. NCEA દ્વારા સંચાલિત. |
|||
નોબિયામા રેડિયો
ઑબ્ઝ. |
નાગાનો પ્રીકેચર
જાપાન |
45 મી. એકલ
ડિશ ટેલિ. 16 મી. વાળા 6 ટેલિ. |
નૅશનલ ઍસ્ટ્રૉનૉમિકલ
ઑબ્ઝ. ઑવ્ જાપાન (NAOJ) વડે સંચાલિત. |
|||
ઊટ્ટી રેડિયો
ટેલિ. (ORT) |
ઊટ્ટી, ભારત | 530 મી.
લાંબો 30 મી. પહોળો |
326.5 MHz આવૃત્તિ
કાર્ય કરે છે. |
|||
સેશાન | શાંઘાઈ, ચીન | 25 મી. | શાંઘાઈ ઍસ્ટ્રૉનૉમિકલ
ઑબ્ઝ. વડે સંચાલિત |
|||
ગૌરીબિદનૌર
રેડિયો ઑબ્ઝ. |
ગૌરીબિદનૌર,
ભારત |
40–150
MHz આવૃત્તિ માટે કાર્ય કરે છે. |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્
એસ્ટ્રૉફિઝિક્સ દ્વારા સંચાલિત. |
|||
ઑસ્ટ્રેલિયા | ||||||
ઑસ્ટ્રેલિયા ટેલિ. | નરાબ્રી | 6 x 22 મી.
ડિશ ઍરે |
ઑસ્ટ્રેલિયા ટેલિ. નૅશનલ
ફેસિલિટી – (ATNF) દ્વારા સંચાલિત. |
|||
કૉમ્પેક્ટ ઍરે | સાઉથવેલ્સ | |||||
મોલોન્ગ્લો ઑબ્ઝ.
સિન્થિસિસ ટેલિ. (MOST) |
મોલોન્ગ્લો
કૅનબેરા નજીક (ACT) |
800 મી.
લંબાઈ |
843 MHz એ કાર્ય કરે
છે. |
|||
મોપ્રા રેડિયો
ટેલિ. |
મોપ્રા. ઑબ્ઝ.
ન્યૂ સાઉથ વેલ્સ |
22 મી. ડિશ | ATNF દ્વારા સંચાલિત.
(ઑસ્ટ્રેલિયા ટેલિ. નૅશનલ ફેસિલિટી) |
|||
પાકર્સ રેડિયો
ટેલિ. |
પાકર્સ ઑબ્ઝ.
પાકર્સ ન્યૂ સાઉથ વેલ્સ |
64 મી. ટેલિ. | દક્ષિણ ગોળાર્ધમાં બીજા
નંબરનો મોટામાં મોટો ધૂમતો ટેલિ. ATNF વડે સંચાલિત. |
|||
માઉન્ટ પ્લેઝંટ
રેડિયો ઑબ્ઝ. |
હોબાર્ટ
ટાસ્માનિયા |
26 મી. ટેલિ. | ટાસ્માનિયા યુનિ. દ્વારા
સંચાલિત. |
|||
કેડુના રેડિયો
ઑબ્ઝ. |
કેડુના, સાઉથ
ઑસ્ટ્રેલિયા |
30 મી. ટેલિ. | ટાસ્માનિયા યુનિ. દ્વારા
સંચાલિત. |
|||
ASKAP | પશ્ચિમ
ઑસ્ટ્રેલિયાનો મીડ-વેસ્ટ વિસ્તાર |
30-40
ઍન્ટેના દરેક 2 મી. |
1.4 GHz એ કાર્ય કરે
છે. ATNF દ્વારા સંચાલિત. |
|||
યુરોપ | ||||||
આર્કમિનિટ
માઇક્રોકેલ્વિન ઇમેજર |
મુલાર્ડ રેડિયો
ઍસ્ટ્રૉનોમી ઑબ્ઝ., કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ |
|||||
ડવીંજેલો
(CAMRAS) |
ડવીંજેલો,
નેધરલૅન્ડ્ઝ |
25 મી.
ઘૂમતી ડિશ |
અગાઉ ASTRON વડે
સંચાલિત, અત્યારે CAMRAS દ્વારા પુન:સ્થાપિત. |
|||
ઇફેલ્સબર્ગ | બોન નજીક
(જર્મની) |
100 મી. ડિશ | મૅક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ
ઑવ્ ઍસ્ટ્રૉનોમી દ્વારા સંચાલિત. |
|||
યુરોપિયન VLBI
નેટવર્ક (EVN) |
યુરોપમાં વિતરિત
અને ચીન, દ. આફ્રિકા, યુ.એસ. તેના સભ્યો છે. |
VLBI
ઍરે |
VLBI માટે યુરોપિયન
કન્સોર્શિયમ દ્વારા સંચાલિત. |
|||
IRAM-30 મી. | પિકોવેલેટા,
ગ્રેનેડા, સ્પેન |
30 મી. ડિશ | IRAM દ્વારા સંચાલિત
1–3 mm વચ્ચે કાર્ય કરે છે. |
|||
લૉવેલ ટેલિ. | જોડ્રેલ બૅંક
ઑબ્ઝ. ચેશાયર, ઇંગ્લૅન્ડ |
76 મી. ડિશ | ||||
RT-70
(P-2500) |
સેન્ટર ફૉર
ડીપ સ્પેસ કમ્યુનિકેશન ઇવ્પેટોરિયા ક્રિમિયા, યુક્રેન |
RT-70
70 મી. ટેલિ. |
5-300 GHz
વચ્ચે કાર્યશીલ |
|||
RT-70
(P-2500) |
ગૅલેન્કી
રશિયા |
RT-70,
70 મી. ટેલિ. |
5-300 GHz વચ્ચે
કાર્ય કરે છે. |
|||
RT-70
(P-2500) |
પ્લેટોસુફા
ઉઝબેકિસ્તાન |
RT-70, | 5-300 GHz વચ્ચે
કાર્ય કરે છે. |
|||
લોફાર (Low
freq Array) |
નેધરલૅન્ડ્ઝ,
જર્મની |
ડાયપોલ
ઍન્ટેના 103-30 મી. વેવલેન્થ |
ભવિષ્યમાં ગ્રેટ બ્રિટન,
ફ્રાન્સ અને પોલૅન્ડ ખાતે બનશે. |
|||
માર્ક II | જોડ્રેલ બૅંક
ઑબ્ઝ. ચેશાયર, ઇંગ્લૅન્ડ |
25 મી. ડિશ | ||||
MERLIN
(મલ્ટિ ઍલિમેન્ટ રેડિયો-લિન્ક ઇન્ટ- ફેરોમીટર નેટવર્ક |
યુ.કે. | 32 મી. | લૉવેલ અને માર્ક II ટેલિ.-
(જોડ્રેલ બૅંક)નો સમાવેશ થાય છે. |
|||
મૅટ્સાહોવી
રેડિયો ઓબ્ઝ. |
કીલ્માલા
કર્કૉનુમ્મી ફિનલૅન્ડ |
137 મી.
ડિશ |
24 150 GHz વચ્ચે
કાર્ય કરે છે. |
|||
નેન્સી રેડિયો
ટેલિ. (NRT) |
નેન્સી, ફ્રાન્સ | |||||
નૉર્ધન ક્રૉસ | મેડિસિન રેડિયો
ઑબ્ઝ., મેડિસન બોલોગ્ના, ઇટાલી |
32000 મી.2
ઇન્ટરફેરોમીટર |
સિલિન્ડિકલ-પેરેબૉલોઇટ
ઘૂમતો |
|||
પ્લેટાઉ ડી બ્યુર
ઇન્ટરફેરોમીટર |
પ્લેટાઉ ડી બ્યુર
ગ્રીનોબલ, ફ્રાન્સ |
3 ઍન્ટેનાની
ઍરે |
2005 પછી 6 ઍન્ટેના
મિલિમીટર વેવલેન્થ ઉપર કાર્ય કરે છે. |
|||
RATAN-600 | બોલ્શોઇ
ઝેલિનશૂક (રશિયા) |
600 મી.
ડિશ |
610 MHz – 30 GHz
વચ્ચે કાર્ય કરે છે. દુનિયા- નો સૌથી મોટા વ્યાસવાળો વ્યક્તિગત રેડિયો ટેલિ. |
|||
રાઇલ ટેલિ. | મુલાર્ડ રેડિયો
ઑબ્ઝ. કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ |
13 મી. વાળી
8 ડિશ |
આર્કમિનિટ માઇક્રોકેલ્વિન
ઇમેજર તરીકે પણ કાર્ય કરે છે. |
|||
TNA 1500 | કેલિયાસિન,
રશિયા |
64 મી. ઘૂમતી
ડિશ |
5.86 GHz સુધી કાર્ય
કરે છે. |
|||
TNA 1500 | મૅડવેઝી ઓઝેરા
બીયર લેક, રશિયા |
64 મી. ઘૂમતી
ડિશ |
5.86 GHz સુધી કાર્ય
કરે છે. |
|||
ટોરુન RT4
32 મી |
(ટોરુન સેન્ટર
ફૉર ઍસ્ટ્રૉનોમી ટોરુન, પોલૅન્ડ) |
RT4
(34 મી.) |
પૅરાબોલિક ડિશ | |||
ટોરુન RT3
15 મી. |
(ટોરુન સેન્ટર
ફૉર ઍસ્ટ્રૉનોમી ટોરુન, પોલૅન્ડ) |
RT3
(15 મી.) |
ઍન્ટેના | |||
યુક્રેન T-શેપ્ડ
રેડિયો ટેલિ. |
ગ્રેકોવો આર્કિવ
યુક્રેન |
ડેકામીટર તરંગલંબાઈએ
સૌથી મોટો રેડિયો ટેલિ. (વધુમાં વધુ 150,000 મી.2 ક્ષેત્રફળ ઉપર કાર્ય કરે છે.) |
||||
વૅરી સ્મૉલ ઍરે
(VSA) |
ઑબ્ઝર્વેટોરિયો
ડેલ ટીડ, કેનટી આઇલૅન્ડ, સ્પેન |
14 ડિશોની
ઍરે |
યુ. કે.થી સુદૂર નિયંત્રણ | |||
વેસ્ટબોર્ક
સિન્થેસિસ રેડિયો ટેલિ. (WSRT) |
વેસ્ટબોર્ક નેધર-
લૅન્ડ્ઝ |
રેડિયો ટેલિ.ની
ઍરે |
||||
યૅબ્સ RT 40 મી. | ઑબ્ઝર્વેટોરિયો
ઍસ્ટ્રોનૉમિકો નૅશનલ, થેબ્સ, સ્પેન |
40 મી. પૅરા-
બોલિક ટેલિ. |
mm અને cm વેવલેન્થ
માટે ફરી શકે તેવો. |
|||
32 મી | વેન્ટસ્પિલ્સ
ઇન્ટરનૅશનલ રેડિયો ઑબ્ઝ. સેન્ટર, ઇર્બિન, લેટિવિયા |
32 મી. પૅરા-
બોલિક |
સેન્ટિમી. વેવલેન્થ ઍન્ટેના
RT-32 |
|||
32 m VLBI
ડિશ |
મૅડિસિના રેડિયો
ઑબ્ઝ. મેડિસિના બોલોગ્ના, ઇટાલી |
32 મી. રેડિયો
ટેલિ. |
સંપૂર્ણ રીતે ઘૂમી શકે
તેવો |
|||
32 m VLBI
ડિશ |
નોટો રેડિયો ઑબ્ઝ.
નોટો, ઇટાલી |
32 મી. રેડિયો
ડિશ |
300 MHz–86 GHz
ઍસ્ટ્રૉનૉમિક્સ અને જિયૉડેટિક VLBI નેટવર્ક તરીકે કાર્યરત. |
|||
25 મી. ટેલિ. | ઑન્સાલા સ્પેસ
ઑબ્ઝ. ઑન્સાલા, સ્વીડન |
25 મી.
ટેલિ. |
||||
22 મી. ટેલિ | સિમીઝ ઑબ્ઝ.
સિમીઝ, ક્રિમિયા, યુક્રેન |
22 મી. રેડિયો
ટેલિ. |
mm અને cm રેડિયો-
તરંગો માટે ક્રિમિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝ.ના તાબામાં. |
|||
20 મી. ટેલિ. | ઑન્સલા સ્પેસ
ઑબ્ઝ., ઑન્સલા સ્વીડન |
20 m ટેલિ. | ||||
ADU-1000 | ઇવ્પેટોરિયા
ક્રિમિયા, યુક્રેન |
16 m વ્યાસના
8 અરીસાઓ |
1,000 ચોમી.નો સ્ક્વેર | |||
16 m | વેન્ટસ્પિલ્સ ઇન્ટર
નૅશનલ રેડિયો ઍસ્ટ્રૉનોમી સેન્ટર, ઇર્બિન, લેટિવિયા |
16 m વ્યાસનો
ઍન્ટેના |
||||
RT-75
(બૌમાન્સ રેડિયો ટેલિ.) |
મૉસ્કો ઓબ્લાસ્ટ
રશિયા |
7-75 મી.
વ્યાસનો ઍન્ટેના |
અત્યારે એક જ કાર્યરત
છે. |
|||
ઉત્તર અમેરિકા | ||||||
એલન ટેલિ. ઍરે | હત ક્રીક રેડિયો
ઑબ્ઝ., હન ક્રીક, કૅલિફૉર્નિયા, યુ.એસ. |
42, 6 m.
ગ્રેગોરિયન ડિશિઝ સંચાલિત. |
યુનિ. ઑવ્ કૅલિફૉર્નિયા,
બર્કિલે અને SETI ઇન્સ્ટિ. દ્વારા સંયુક્ત રીતે
|
|||
આરસિબો
ઑબ્ઝ. |
આરસિબો
પ્યૂર્ટો રિકો |
વિશ્વનો સૌથી મોટો એકલ
ડિશ-રેડિયો ટેલિ. |
||||
એઆરઓ 12 મી.
રેડિયો-ટેલિ. |
કિટ પીક નૅશનલ
ઑબ્ઝ. ટક્સન, એરિઝોના, યુ.એસ. |
પહેલાં NRAO દ્વારા
ચલાવાયો, અત્યારે તે એરિઝોના યુનિ. ચલાવે છે. |
||||
કાલ્ટેક સબમિલિ-
મીટર ઑબ્ઝ. |
મૌના કી ઑબ્ઝ.
હવાઈ, યુ.એસ. |
10-4 મી.
વ્યાસ |
સબમિલિમીટર વેવલેન્થ
ટેલિ. |
|||
કમ્બાઇન્ડ ઍરે
ફૉર રિસર્ચ ઇન મિલીમીટર વેવ ઍસ્ટ્રૉનૉમી (CARMA) |
ઑવેન્સ વેલી
રેડિયો ઑબ્ઝ. બિગ પાઇન કૅલિફૉર્નિયા યુ.એસ. |
6, 10 m
ઘટકો 9, 6-m ઘટકો |
રેડિયો ઍસ્ટ્રૉનૉમી, લૅબો.
યુનિ કૅલિફૉર્નિયા, બર્કલે; કાલ્ટેક, યુનિ. ઑવ્ મેરી- લૅન્ડ, યુનિ. ઑવ્ ઇલિનૉઈ દ્વારા સંચાલિત. |
|||
ફાઇવ કૉલેજ
રેડિયો ઍસ્ટ્રૉનૉમી ઑબ્ઝ.(FCRAO) |
ઍમ્હર્સ્ટ,
મૅસેચૂસેટ્સ યુ.એસ. |
UMars એમ્હર્સ્ટ દ્વારા
સંચાલિત. |
||||
ગ્રીન બૅન્ક
ઇન્ટરફૅરોમીટર (GBI) |
ગ્રીન બૅન્ક
વેસ્ટ, વર્જિનિયા યુ.એસ. |
ત્રણ 26 m
રેડિયો ટેલિ. |
NARO દ્વારા સંચાલિત. | |||
ગ્રીન બૅન્ક
ટેલિ. (GBI) |
ગ્રીન બૅન્ક
વેસ્ટ, વર્જિનિયા યુ.એસ. |
વિશ્વનો સૌથી મોટો સંપૂર્ણ-
પણે ચલાયમન એકલ- ડિશ રેડિયો ટેલિ. |
||||
હેનીક હટર્ઝ
રેડિયો. ટેલિ. |
માઉન્ટ ગ્રેહામ | 10 m. | યુનિ. દ્વારા સંચાલિત. | |||
સબમિલીમીટર
ટેલિ. (SMT) |
ઍરિઝોના
યુ.એસ. |
સ્ટીવર્ડ ઑબ્ઝ.નો ભાગ | ||||
જેમ્સ કલર્ક
મૅક્સવેલ ટેલિ. |
મૌનાકી ઑબ્ઝ.
હવાઈ, યુ.એસ. |
15 m | સબમિલિમીટર-વેવલેન્થ
ટેલિ. જોઇન્ટ ઍસ્ટ્રૉનૉમી દ્વારા સંચાલિત. |
|||
લાર્જ મિલીમીટર
ટેલિ. (LMT) |
સિયેરા, નીગ્રા
પ્યુબ્લા, મેક્સિકો |
15 m | મિલિમેટ્રિક તરંગલંબાઈઓ
માટે ટેલિ. |
|||
મુરહેડ સ્ટેટ
યુનિ. 21 m |
મુરહેડ કેન્ટકી,
યુ.એસ. |
21 m | ઍકૅડેમિક રિસર્ચ માટે | |||
સોલર મૉનિટર
બે 1.8 મી. ડિશ |
ડૉમિયન રેડિયો
ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝ. પૅન્ટિક્ટન, બ્રિટિશ કૉલંબિયા, કૅનેડા |
પ્રથમ ડિશ એલ્ગોકીન
સાઇટ માટે |
||||
SRI આંતરરાષ્ટ્રીય
ઍન્ટેના સુવિધા |
પાલો, અલ્ટો
કૅલિફૉર્નિયા, યુ.એસ. |
45.7 m
પૅરાબોલિક રિફલેક્ટર |
યુ.એસ. સરકારની માલિકી
SRI વડે તૈયાર કરાયેલ. |
|||
સબમિલિમીટર
ઍરે (SMA) |
મૌના કી ઑબ્ઝ.
હવાઈ, યુ.એસ. |
સ્મિથ્સોનિયન ઍસ્ટ્રોફિઝિ-
કલ ઑબ્ઝ. અને ઇન્સ્ટિ. ઑવ્ ઍસ્ટ્રૉનૉમી અને ઍસ્ટ્રોફિઝિક્સ (તાઇવાન) વડે સંચાલિત. |
||||
સિન્થેસિસ ટેલિ.
7-એલિમૅન્ટ ઇન્ટરફૅરોમીટર |
ડોમિનિયન રેડિયો
ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝ. પૅન્ટિક્ટોન બ્રિટિશ કોલંબિયા, કૅનેડા |
|||||
વૅરી લાર્જ ઍરે
(VLA) |
સોકોરો,
ન્યૂ મેક્સિકો, યુ.એસ. |
27 ડિશની
ઍરે |
NRAOનો ભાગ. | |||
વૅરી લાગ બેઝ
લાઇન ઍરે (VLBA) |
સોકોરો, ન્યૂ
મેક્સિકો, યુ.એસ. (કાર્યકેન્દ્ર) |
10 રે.ટેની
ઍરે પ્રણાલી |
જુદાં જુદાં સ્થળોએ ડિશ
ગોઠવેલી છે. |
|||
26 m એકલ
ડિશ |
ડૉમિનિયન
ઍસ્ટ્રોઝિકિલ ઑબ્ઝ. પૅન્ટિક્ટન બ્રિટિશ કોલંબિયા, કૅનેડા |
અગાઉ BMEWSAN/
FPS–92 ઍન્ટેના |
||||
બે 26 m ડિશ | પ્રિસ્ગાહ્ ઍસ્ટ્રૉ-
નૉમિકલ રિસર્ચ ઇન્સ્ટિ. (PARI) રૉઝમન, નૉર્થ કૅરોલિના, યુ.એસ. |
|||||
દક્ષિણ અમેરિકા | ||||||
ઍટક્મા લાર્જ
મિલિમીટર ઍરે (ALMA) |
લાનો દ્
ચૅગ્નેન્ટર ઑબ્ઝ. ઍટક્મા રણ ચિલી |
54 ડિશ,
12 મી. 12 ડિશ 7 મી. |
સબમિલિમીટર | |||
ઍટક્મા પાથ-
ફાઇન્ડર ઍક્પરી- મેન્ટ (APEX) |
ઍટક્મા રણ
ચિલી |
12 મી. ટેલિ. | ચૅગ્નેન્ટર પ્લેટો | |||
નૉર્થ ઈસ્ટર્ન
સ્પેસ રેડિયો ઑબ્ઝ. |
યુસેબિયો
બ્રાઝિલ |
14, 2 મી.
ટેલિ. |
||||
સ્વીડિશ-ESO
સબમિલીમીટર ટેલિ. (SEST) |
ESO-લા સિલ્લા
ચિલી |
15 m | 2003માં બિનકાર્યરત. | |||
અવકાશ આધારિત | ||||||
હાઇલી ઍડ્વાન્સ્ડ
લેબ. ફૉર કૉમ્યુ- નિકેશન્સ અને ઍસ્ટ્રૉનૉમી (HALCA) |
પૃથ્વીની આસ-
પાસ કક્ષામાં 21,400 કિમી. ઊંચાઈએ (એપોજી) 560 કિમી. ઊંચાઈએ (પૅરિજી) |
|||||
ઝોન્ડ 3 | રેડિયો-ટેલિ.
ધરાવતું રશિયન સ્પેસક્રાફ્ટ |
|||||
સારણી 2 : વિશ્વની રેડિયો ઑબ્ઝર્વેટરીઓ
ક્રમાંક | સ્થળ | સંસ્થા |
1 | આર્સેટ્રી (ફલૉરેન્સ), ઇટાલી | ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી |
2 | ઍરીસિબો, પ્યુર્ટો રિકો | ઍરીસિબો ઑબ્ઝ. કૉર્નેલ
યુનિવર્સિટી. |
3 | બોકમ, જર્મની | રેડિયો ટેલિસ્કોપ સ્ટેશન |
4 | બોલ્ડર, કૉલોરાડો | હાઈ ઍલ્ટિટ્યૂડ ઑબ્ઝ. |
5 | કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ | મુલાર્ડ રેડિયો ઍસ્ટ્રૉનૉમિકલ
ઑબ્ઝ. |
6 | ક્રિમિયા, | રશિયા ક્રિમીમિય એસ્ટ્રૉફિઝિકલ
ઓબ્ઝ. |
7 | ડેલોવર, ઓહાયો | ઓહાયો સ્ટેટ ઑબ્ઝ. |
8 | એશવિલર, પ. જર્મની | સ્ટોકર્ટ (બૉન યુનિ.) |
9 | ગોલ્ડસ્ટોન, કૅલિફૉર્નિયા | જેટ પ્રોપલ્ઝન લૅબ. |
10 | ગ્રીન બૅન્ક, પ. વર્જિનિયા | નૅશનલ રેડિયો ઍસ્ટ્રૉનૉમિકલ
ઑબ્ઝ. |
11 | હારેસ્ટુઆ, નૉર્વે | ઑસ્લો યુનિવર્સિટી ઑબ્ઝ. |
12 | જોડ્રેલ બૅન્ક, ઇંગ્લૅન્ડ | ન્યૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રૉ લૅબ. |
13 | કિટ પીક, ઍરિઝોના | નૅશનલ રેડિયો ઍસ્ટ્રૉલૉજિકલ
ઑબ્ઝ. |
14 | નાનકે, ફ્રાન્સ | રેડિયો ઑબ્ઝ. ઑવ્ નાનકે |
15 | નેડરહોર્સ્ટ ડેન બર્ગ, હૉલેન્ડ | રેડિયો ઍસ્ટ્રોનૉમી ઑબ્ઝ. |
16 | પાકર્સ NSW, ઑસ્ટ્રેલિયા | ઑસ્ટ્રેલિયન નૅશનલ રેડિયો
ઑબ્ઝ. |
17 | પુલકોવો, રશિયા | એસ્ટ્રન ઑબ્ઝ. એકૅડેમી ઑવ્
સાયન્સિઝ |
18 | રિચમંડ હિલ, ઑન્ટારિયો, કૅનેડા | ડૅવિડ ડનલપ ઑબ્ઝ. |
19 | સૅન્ટ માઇકલ, ફ્રાન્સ | નૅશનલ સૅન્ટર ઑવ્
સાયન્ટિફિક રિસર્ચ |
20 | ટોકિયો, જાપાન | ટોકિયો ઑબ્ઝર્વેટરી, મિટાકા |
21 | વૉશિંગ્ટન,
ડી.સી. (યુ.એસ.) |
રેડિયો ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝ.
નૅશનલ લૅબ. |
સુશ્રુત પટેલ
જ્યોતીન્દ્ર ન. દેસાઈ
પ્ર. દી. અંગ્રેજી