ક્ષેત્રફળમાપક (planimeter) : આકૃતિનું ક્ષેત્રફળ માપવા માટેનું સાધન. એમ્સ્લરનું ક્ષેત્રફળમાપક આનું એક રૂપ છે. તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધાતુના બે સળિયા AB અને BC, B બિંદુ આગળ મિજાગરા વડે જોડેલા છે. A બિંદુ આગળનો તીક્ષ્ણ ભાગ આલેખન માટેના પાટિયામાં નાખવામાં આવે છે. BC સળિયાને B આગળ પૈડું હોય છે જેનું સમતલ સળિયા BCને લંબ છે. જે આકૃતિનું ક્ષેત્રફળ માપવું હોય તેની પરિસીમા(boundary) ઉપર C આગળના ચિત્રક(tracer)ને ચલાવવામાં આવે છે. AB ત્રિજ્યાના વર્તુળના ચાપ ઉપર મિજાગરું પાછળ અને આગળ ચાલે છે અને તેના મૂળ સ્થાને પાછું આવે છે. તેથી આકૃતિનું ક્ષેત્રફળ BC સળિયા વડે આલેખાતું ક્ષેત્રફળ છે. પૈડું ગબડતું હોય તે દરમિયાન પૈડા વડે કપાતું અંતર અને BCની લંબાઈ 1ના ગુણાકાર વડે આ ક્ષેત્રફળનું માપ મળે છે : આમ તેનું મૂલ્ય 1 x 2π nr છે; અહીં r = પૈડાની ત્રિજ્યા અને n તેના પરિભ્રમણની સંખ્યા છે. પૈડા સાથે જોડવામાં આવેલ એક ચંદા (dial) ઉપર ક્ષેત્રફળ નોંધાય છે.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ