અરણી : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ lerodendron multiflorum (Burm. f.) O. Ktze. Syn. C. phlomidis L. (સં. अरणिक, अग्निमन्थ, वातघ्न, હિં. अरनी, अगेथु, गणियारी; મં. ટાકળી, નરવેલ; અં. ટ્યૂબ ફ્લાવર) છે. ઇન્દ્રધનુ, સાગ, સેવન, નગોડ વગેરે તેનાં સહસભ્યો છે.

Agni-mantha

અરણી

સૌ. "Agni-mantha" by Dinesh Valke | CC BY-SA 2.0

વાડમાં ઊગતો નાનો ક્ષુપ. ત્રિકોણાભ (deltoid), સામસામાં, નીચેની સપાટીએ રુવાંટી ધરાવતાં પર્ણો; દ્વિશાખીય, કક્ષીય, ટોચ પર અટકી ગયેલી વૃદ્ધિવાળું સાઇમ (cyme) પુષ્પગુચ્છ. સફેદ અથવા ગુલાબી, સુવાસિત પુષ્પો. બે નાનાં અને બે મોટાં થઈને ચાર પુંકેસર; ગોટલીવાળું ગર્ભયુક્ત (drupe), ચાર કોટરવાળું અષ્ઠિલ ફળ, જેના દરેક કોટરમાં એક એક બીજ હોય છે.

આ વનસ્પતિની ગુજરાતમાં ઘણી જાતો મળે છે : જેવી કે વનજાઈ, અરણી, કરી, ભારંગી, થૉમસન, ચંદ્રકાન્તા રેડ, મારવાડી મોગરો વગેરે.

આયુર્વેદ પ્રમાણે દશમૂલાદિચૂર્ણ બનાવવામાં તે ખાસ ઉપયોગી છે. તે પ્રભાવથી જ્વરઘ્ન અને લેપરૂપે શોથઘ્ન છે.

શોભન વસાણી

સરોજા કોલાપ્પન