અરણ્ય ફસલ (1970) : મનોરંજન દાસ (જ. 25-7-1921) રચિત ઍબ્સર્ડ પ્રકારનું, આધુનિક ઊડિયા નાટક. આધુનિક માનવનું મનોદર્શન કરાવતું આ ઍબ્સર્ડ નાટક અનેક વાર સફળતાપૂર્વક ભજવાયું છે. નાટક પ્રતીકાત્મક છે. આદિ માનવ ભદ્રતાની ખોજમાં, અરણ્યથી દૂર ને દૂર ચાલ્યો ગયો અને આજે અણુયુગમાં માનવ આત્માભિવ્યક્તિ માટે પુન: અરણ્ય તરફ જઈ રહ્યો છે, એનું નિરૂપણ અહીં છે. માનવમનને અરણ્યનું પ્રતીક આપ્યું છે. ચિન્તા એ અરણ્યની ફસલ છે. જીવનમાં ચાલી રહેલી છલના તથા અસંગતિઓનું યથાર્થ ચિત્રણ તેમાં થયેલું છે. એનો નાયક સંગ્રામ વારંવાર આત્મહત્યા કરે છે, પણ મરતો નથી. તેવું જ નાયિકા બિનીનું પણ છે. અંતમાં બિનીનું વ્યક્તિત્વ મરે છે અને એની પૂર્વે એના આદર્શોનું મૃત્યુ થતું દર્શાવાયું છે.

જાનકીવલ્લભ મોહન્તી