ક્વૉશિયોરકર : પ્રોટીન તથા શક્તિદાયક (ઊર્જાદાબક) આહારની ઊણપથી થતો રોગ. સિસિલી વિલિયમ્સ નામના નિષ્ણાતે 1933માં આફ્રિકાના ઘાના(ગોલ્ડ કોસ્ટ)માં આ રોગનું વર્ણન કર્યું. ક્વૉશિયોરકર શબ્દ ત્યાંની ‘ગા’ ભાષામાંથી ઊતરી આવ્યો છે. પ્રથમ બાળક પછી બીજું અવતરવાનું હોય તે અગાઉ સ્તન્યપાન એકાએક બંધ કરવું પડે અથવા બંધ કરાવવામાં આવે તેનાથી થતા પ્રોટીનના અભાવને લીધે થતો રોગ એટલે ક્વૉશિયોરકર. આ રોગને આર્થિક રીતે પછાત ઘણા દેશોમાં ઊણપજન્ય રોગ (deficiency disease) તરીકે વર્ણવવામાં આવ્યો છે તેમજ તેને જુદાં જુદાં નામ પણ આપવામાં આવ્યાં છે. પ્રચલિત નામાભિધાન પ્રમાણે આ રોગને જુદી જુદી રીતે વર્ણવવામાં આવે છે. બહુધા હાલની સામાન્યત: સ્વીકૃત પરિભાષા પ્રમાણે આ રોગને પ્રોટીન-ઊર્જા-કુપોષણ(protein calorie malnutrition અથવા protein energy malnutrition) કહે છે.
આ રોગ શરૂઆતથી જ પૂરા વેગથી લાગુ પડેલ હોય તો તેને જુદા જુદા માપદંડ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે; દા.ત., ગ્રેડ-1, ગ્રેડ-2 વગેરે. બાળકનાં વજન, ઊંચાઈ તથા તેના હાથના ઘેરાવા (mid arm circumference) પ્રમાણે શારીરિક વર્ગીકરણ નિર્ધારિત કરવામાં આવે છે.
લક્ષણો : આ રોગનાં લક્ષણો જુદાં જુદાં પરિબળો ઉપર આધારિત હોય છે; જેમ કે, ઊણપનો સમયગાળો, ઊણપનું પ્રમાણ, બાળકની ઉંમર તથા તેના આનુષંગિક રોગો તથા વિકૃતિઓ; દા.ત., વિટામિન, ક્ષાર વગેરેની ક્ષતિઓ, પૂરક આહાર તથા તેની ક્ષમતા, માબાપની શૈક્ષણિક લાયકાત વગેરે.
મંદ સ્વરૂપ : રોગનું આ પ્રકારનું સ્વરૂપ અતિસામાન્ય છે અને સામાન્યત: 9 માસથી 20 વર્ષની ઉંમર સુધી જોવા મળે છે. તેનાથી સર્વપ્રથમ બાળકના શારીરિક વિકાસને અસર થાય છે. તેને વૃદ્ધિ-નિષ્ફળતા (growth failure) કહે છે. ઊંચાઈ વધતી અટકે, વજન વધતું અટકે કે ઓછું થતું જાય વગેરે લક્ષણો જોવા મળે છે. આવાં બાળકોને ચેપ જલદી લાગી જાય છે અને તેને પરિણામે આ રોગને વેગ મળે છે. કુપોષણ અને ચેપ બંને એકબીજાનાં પૂરક છે અને એકબીજાની તીવ્રતા વધારે છે.
તીવ્ર સ્વરૂપ : મંદ સ્વરૂપ આગળ વધે તો પછી પૂર્ણ સ્વરૂપે ક્વૉશિયોરકર દેખા દે છે. તેમાં કેટલાંક સામાન્ય ચિહનો જોવા મળે છે; જેમ કે, શારીરિક વિકાસ અટકી જવો, સોજા આવવા, ભૂખ ન લાગવી, અપચો થવો, ઝાડા-ઊલટી થવાં વગેરે. શરીરના કોઈ પણ ભાગ પર સોજો આવે છે : પગ-હાથ, મોં અથવા આખા શરીર ઉપર સોજા આવે છે. સોજાની સાથે સાથે શરીરના સ્નાયુઓનો પણ વિકાસ અટકતાં તે ક્ષીણ (atrophied) થતા જાય છે જેથી બાળક નબળું પડતું જાય છે. આ સાથે ચામડી તથા વાળમાં ફેરફાર થવા માંડે છે. સોજા આવવાથી ચામડી ફાટે છે અને ત્યાંથી પ્રવાહી ઝરે છે. ક્યારેક ચામડીમાં શુષ્કતા (dryness) ઊભી થતાં વિકૃતિઓ પેદા થાય છે. આ સાથે મોંમાં, જીભ પર તથા હોઠના ખૂણામાં ચાંદાં પડે છે. ઘણી વખત પાંડુતા (anaemia) અને માનસિક ફેરફારો પણ થાય છે. બાળક કાં તો સુસ્ત-શાંત પડ્યું રહે છે અથવા વારંવાર કારણ વગર કજિયા કરે છે. સારવારને કારણે બાળક પોતાની રમતમાં રસ લેતું થાય, હસતું થાય ત્યારે તે ઉપચારની સફળતાના એક અગત્યના સીમાચિહન તરીકે તેનો રોગ મટી રહ્યો છે એમ મનાય છે. રોગપ્રતિકારક શક્તિ (immunity) ઘણી જ નબળી થાય છે અને તેથી વારંવાર ચેપ લાગી જાય છે. તેને કારણે વારંવાર કફ, શરદી, ઝાડા-ઊલટી વગેરે થાય છે.
નિદાન : નિદાન માટે બાળકના રોગનો વિકાસ, સંજોગો, ખોરાક વગેરેની ઝીણવટભરી તપાસ કરાય છે. આ ઉપરાંત નિદાનલક્ષી કસોટીઓ વડે પાંડુતા, વિટામિનોની ઊણપ, કૃમિ વગેરે હોય તો તે જાણી શકાય છે. આ માટે ઝીણવટભર્યું વિશ્લેષણ અને શારીરિક તપાસ વધુ અગત્યનાં છે.
સારવાર : આ પ્રકારના રોગવાળાં બાળકોનાં ઘાતક પરિબળોમાં વિવિધ પ્રકારના ચેપ અને ઝાડા-ઊલટી મુખ્ય છે. સારવારનો આધાર બાળકને આ રોગ કઈ કક્ષામાં છે તેમજ તેની સાથે બીજાં કયાં પરિબળો કામ કરી રહ્યાં છે તેના ઉપર રહેલો છે. રોગ ખૂબ જ વધી ગયો હોય તો બાળક્ધો હૉસ્પિટલમાં દાખલ કરવું જરૂરી બને છે અને જે દ્રવ્યની ઊણપ હોય તેની સારવાર ખૂબ જ અગત્યની બને છે; એમાં પ્રોટીનનો પૂરક આહાર તો ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. દૂધનો પાઉડર, પૂરક વિટામિનો, જરૂરિયાત મુજબનાં ઍન્ટિબાયૉટિક ઔષધો વગેરે જરૂરી ગણાય છે.
યોગ્ય સારવારથી સંપૂર્ણ આરામ થતાં આશરે બેથી ચાર અઠવાડિયાંનો સમય લાગે છે. લાંબા સમયથી બાળક આ રોગનો ભોગ બન્યું હોય તો વિકાસ અને વૃદ્ધિમાં કાયમી ક્ષતિ ઉદભવે છે અને માનસિક સ્તર નીચો રહેવાનો સંભવ રહે છે.
શિલીન નં. શુક્લ
મહેન્દ્ર પટેલ