ક્વેલ્યાર, પેરેસ દે જેવિયર (Cuellar, Perez de Javier) (જ. 19 જાન્યુઆરી 1920, લીમા, પેરુ; અ. 4 માર્ચ 2020 લીમા, પેરુ) : કુશળ મુત્સદ્દી તથા રાષ્ટ્રસંઘના મહામંત્રી (1982). લીમાના કૅથલિક વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ. કાયદાશાસ્ત્રમાં પદવી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. 1940માં પેરુના વિદેશ ખાતામાં તથા 1944માં રાજદ્વારી સેવામાં દાખલ થયા. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, બોલિવિયા તથા બ્રાઝિલ ખાતેની પોતાના દેશની એલચી કચેરીઓમાં જુદા જુદા હોદ્દા પર કામ કર્યા પછી 1961માં સ્વદેશ પાછા ફર્યા. 1964-66 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે તથા 1969-71 દરમિયાન રશિયા તથા પોલૅન્ડ ખાતે એલચી તરીકે સેવા આપી. રશિયામાં પેરુના તેઓ પ્રથમ એલચી હતા. 1971-75 દરમિયાન રાષ્ટ્રસંઘની મધ્યસ્થ કચેરીમાં પોતાના દેશના કાયમી પ્રતિનિધિ તરીકે તેમણે કામ કર્યું. 1974માં સર્જાયેલ સાઇપ્રસ કટોકટીના ગાળામાં તેઓ
રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના અધ્યક્ષ હતા. 1975-77 દરમિયાન તેમણે સાઇપ્રસ ખાતે રાષ્ટ્રસંઘના ખાસ પ્રતિનિધિ તરીકે સેવા આપી. 1977-79 દરમિયાન વેનેઝુએલા ખાતે એલચી તરીકે રહ્યા. 1979-81 દરમિયાન રાષ્ટ્રસંઘના ખાસ રાજદ્વારી કામકાજના અન્ડર સેક્રેટરી-જનરલના પદ પર રહ્યા. અફઘાનિસ્તાન ખાતે રાષ્ટ્રસંઘના ખાસ પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી. જાન્યુઆરી, 1982માં ઑસ્ટ્રિયાના કૂર્ત વૅલ્ધાઇમના અનુગામી તરીકે રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે નિમાયા. 1986માં પાંચ વર્ષની બીજી મુદત માટે મહામંત્રી તરીકે તેમની પસંદગી થઈ. રાષ્ટ્રસંઘનો આ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરનાર દક્ષિણ અમેરિકાના દેશોમાંના તેઓ પ્રથમ રાજદ્વારી મુત્સદ્દી છે. રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ વિશ્વશાંતિ તથા જુદા જુદા દેશો વચ્ચેની તકરારો દરમિયાન વાટાઘાટો દ્વારા સમજૂતી સાધવા માટેનો વિશ્વમાં એકમાત્ર મંચ છે તેવી શ્રદ્ધા તેઓ ધરાવે છે. 1982માં ઇંગ્લૅન્ડ તથા આર્જેન્ટિના વચ્ચે ફૉકલૅન્ડ ટાપુઓ અંગે થયેલા યુદ્ધમાં તથા અફઘાનિસ્તાનની કટોકટી, નામિબિયાની સ્વાધીનતાનો પ્રશ્ન, ગિયાના અને વેનેઝુએલા વચ્ચે સરહદ અંગેનો વિવાદ તથા ખાડી યુદ્ધ (1990-91) દરમિયાન શાંતિપૂર્ણ સમાધાન માટે મધ્યસ્થી તરીકે તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. નિરાશ્રિતોના પુનર્વાસ તથા માનવ-અધિકારોના રક્ષણમાં તેઓ વિશેષ રુચિ ધરાવે છે.
દક્ષિણ અમેરિકાના દેશોના તથા સ્પેનના સાહિત્યના તેઓ જાણકાર છે. તેમણે ‘મૅન્યુઅલ ઑવ્ ડિપ્લોમૅટિક લૉ’ નામનો ગ્રંથ લખ્યો છે (1964).
બાળકૃષ્ણ માધવરાવ મૂળે