ક્વીન્સલૅન્ડ : ઑસ્ટ્રેલિયાનું ઈશાન દિશામાં આવેલું ઘટક રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° દ. અ. અને 145 પૂ. રે. તેની વાયવ્યે કાર્પેન્ટેરિયાની ખાડી, ઈશાન અને પૂર્વમાં કૉરલ સમુદ્ર તથા દક્ષિણ પૅસિફિક મહાસાગર, દક્ષિણમાં ન્યૂ સાઉથ વેલ્સ, નૈર્ઋત્યમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા તથા પશ્ચિમમાં નૉર્ધર્ન ટેરિટરી આવેલાં છે. આ રાજ્ય દેશનાં છ ઘટક રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ બીજો ક્રમ તથા વસ્તીની ર્દષ્ટિએ ત્રીજો ક્રમ ધરાવે છે. વિસ્તાર 17,30,650 ચોકિમી. (2005) છે, જે દેશના કુલ વિસ્તારના 22.5% જેટલો છે. વસ્તી : 52,00,000 (2020). તેની ઉત્તર- દક્ષિણ લંબાઈ 2090 કિમી. તથા મહત્તમ પહોળાઈ 1500 કિમી. જેટલી છે. તેના દરિયાકાંઠાની લંબાઈ 5100 કિમી. છે. બ્રિસ્બેન તેનું પાટનગર છે. રાજ્યના અગ્નિ છેડા પર આવેલા આ નગરની વસ્તી 25,36,000 (2024) છે. ભૂપૃષ્ઠ : ક્વીન્સલૅન્ડનું ઘટક રાજ્ય સાત ભૌગોલિક વિભાગોમાં વહેંચાયેલું છે : (1) કેપ યૉર્ક દ્વીપકલ્પ, (2) ગલ્ફ કન્ટ્રી, (3) ઈસ્ટર્ન બેસિન અને રેન્જીસ, (4) ડાર્લિંગ ડાઉન્સ, (5) સેન્ટ્રલ બોલેન્ડ્ઝ, (6) ચૅનલ ક્ધટ્રી (7) બર્કલી ટેબલ લૅન્ડ. રાજ્યના પૂર્વ કિનારાથી થોડેક દૂર ‘ગ્રેટ બેરિયર રીફ’ નામનો વિશાળ પ્રવાળસમૂહ આવેલો છે. ઈસ્ટર્ન બેસિન ઍન્ડ રેન્જીસમાં ‘ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ’ નામની પર્વતમાળા વિસ્તરેલી છે. તેનું સર્વોચ્ચ શિખર માઉન્ટ બર્ટલી, ફેરી (ઊંચાઈ 1611 મીટર) છે. આ હારમાળા જળવિભાજક બની રહી હોવાથી રાજ્યનો જળપરિવાહ વિકેન્દ્રિત બનેલો છે. રાજ્યની પૂર્વ તરફ અબુર્ન હારમાળા, દક્ષિણ તરફ ગ્રે હારમાળા અને વાયવ્ય તરફ સેલ્વિન હારમાળા (સર્વોચ્ચ શિખર માઉન્ટ ઈસા) આવેલી છે. આ રાજ્યમાં વરસાદ પૂરતા પ્રમાણમાં પડતો ન હોવાથી કેટલીક જગ્યાએ કૃત્રિમ જળાશયો ઊભાં કરાયાં છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગીચ જંગલો છે, જેમાં ખૂબ વરસાદ પડે છે. રાજ્યમાં મોટા ભાગનો વરસાદ પૂર્વ તરફના દરિયાકાંઠાના પ્રદેશમાં થાય છે. (1000-1300 મિમી. સરેરાશ) રાજ્યના અડધોઅડધ વિસ્તારમાં હવામાન ઉષ્ણ હોય છે. જાન્યુઆરીમાં 25° સે., જુલાઈમાં 14.4° સે. તાપમાન રહે છે.
રાજ્યના અર્થતંત્રમાં કૃષિ, ખાણો તથા ઉદ્યોગો ત્રણેયનું મહત્વ છે. ખેતીમાં શેરડી, કપાસ તથા ઘઉંનું ઉત્પાદન થાય છે. બૉક્સાઇટ, સીસું, તાંબું, ચાંદી, અબરખ અને કોલસા મુખ્ય ખનિજો છે. ઐતિહાસિક દૃષ્ટિએ ઘેટાં-ઉછેરનો વ્યવસાય મહત્ત્વનો ગણાય, પરંતુ તાજેતરના ગાળામાં ગોમાંસના ઉદ્યોગનો ઝડપી વિકાસ થયો છે. દેશના ગોમાંસના કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન આ રાજ્યમાં થાય છે. પ્રવાસન-ઉદ્યોગ પણ ઝડપભેર વિકાસ પામી રહ્યો છે.
બ્રિસ્બેન ઉપરાંત રાજ્યનાં અન્ય નગરોમાં ટાઉન્સવિલ, ટવુમ્બા, સાઉથપોર્ટ ગોલ્ડ કોસ્ટ, રૉકહૅમ્પટન તથા કૅર્નસનો સમાવેશ થાય છે.
6થી 15 વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. રાજ્યમાં ત્રણ વિશ્વવિદ્યાલયો છે : યુનિવર્સિટી ઑવ્ ક્વીન્સલૅન્ડ, જેમ્સ કૂક યુનિવર્સિટી તથા ગ્રિફિથ યુનિવર્સિટી.
ડચ વહાણવટીઓ 1606થી આ પ્રદેશથી માહિતગાર હતા. 1770માં કૅપ્ટન જેમ્સ કૂકે તેના પૂર્વ તરફના કાંઠાનું અન્વેષણ કર્યું હતું. શરૂઆતમાં મોરેટન બે નામથી ઓળખાતો આ પ્રદેશ ન્યૂ સાઉથ વેલ્સ સાથે સંલગ્ન હતો. 1859માં ત્યાં અલાયદી વસાહત ઊભી કરવામાં આવી હતી. 1901માં તે ઑસ્ટ્રેલિયાનું ઘટક રાજ્ય બન્યું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે