કવાંગ્સી (Guangxi Zhuang) : દક્ષિણ ચીનમાં આવેલો સ્વાયત્ત પ્રદેશ. ભૌ. સ્થાન : 24° 00´ ઉ. અ. અને 109°.00´ પૂ.રે. તેની પશ્ચિમે ચીનનો યુનાન પ્રાંત, ઉત્તરે ક્વેઇચાઉ, ઈશાનમાં હુનાન, અગ્નિ દિશામાં ક્વાંગસીયુઆંગ તથા નૈર્ઋત્યમાં વિયેટનામ અને ટોંકિનનો અખાત આવેલો છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે. તેનો કુલ વિસ્તાર 2,20,400 ચોકિમી. તથા વસ્તી 4,48,90,000 (2000) છે. તેનું પાટનગર નાનિંગ (nanning) સિયાંગ ચિઆંગ નદીના કાંઠા પર વસેલું છે. અન્ય મુખ્ય શહેરોમાં ગ્યુલિન, લ્યુઝોઉ અને વુઝોઉનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વરસાદ ખૂબ થાય છે તથા સિંચાઈની સગવડ વિકાસ પામેલી હોવાથી ચોખાનું મબલક ઉત્પાદન થાય છે, ઉપરાંત, ઘઉં, શક્કરિયાં મકાઈ, બાજરી, જવ તથા અનયવૃત્તીય ફળો અને ચા તથા ખાંડનું ઉત્પાદન નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. પશુપાલન તથા મરઘાંબતકાં-ઉછેરનો સારો વિકાસ થયેલો છે. મત્સ્ય-ઉદ્યોગ અને જંગલપેદાશો તથા ખાસ કરીને ઇમારતી લાકડાના ઉદ્યોગનો પણ વિકાસ થયેલો છે. રેલમાર્ગ તથા નવા ધોરી માર્ગોનો વિકાસ તથા કોલસા અને લોખંડની ઉપલબ્ધતાને લીધે ઔદ્યોગિક વિકાસ થયો છે. નાનિંગ અને વુઝોઉમાં યંત્રો તથા લિઉ-ચાઉમાં સિમેન્ટ-ઉત્પાદનના એકમો છે. અહીંના અર્થતંત્રમાં પ્રવાસન-ઉદ્યોગ મુખ્ય છે.
ઇતિહાસ : ઈ. પૂ. 45થી 1279 દરમિયાન તે પ્રદેશ પર ઘણા વંશોનું રાજ્ય હતું. 1368થી 1644 દરમિયાન મિંગ વંશે ત્યાં રાજ્ય કર્યું હતું. તે પછી 1911 સુધી ચિંગ વંશજોનું રાજ્યશાસન રહ્યું. 1911માં ચીની પ્રજાસત્તાકની સ્થાપના થઈ. સુન-યાત-સેનના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી ક્રાન્તિનું તે મહત્વનું મથક રહ્યું છે. માર્શલ ચાંગ કાઇશેકના વિરોધીઓએ આ પ્રદેશમાં ઘણા આધુનિક સુધારા દાખલ કર્યા, પરંતુ 1929માં તેમનો પરાજય થયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. 1949માં સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળ ચીની પ્રજાસત્તાકની સ્થાપના થતાં આ પ્રદેશ તેમાં સમાવી લેવામાં આવ્યો. 1958માં તેને સ્વાયત્તતા બક્ષવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે