ક્વાજો (ગુઇઝો) : વાયવ્ય ચીનના ખૂણામાં આવેલો પ્રાંત. ક્ષેત્રફળ : 1,74,000 ચોકિમી. તેની દક્ષિણે ગુંઆગક્ષી ઝુઆંગઝુ, પશ્ચિમે યુનાન, ઉત્તરે ઝેકવાન અને પૂર્વ તરફ હુનાન પ્રાંત આવેલા છે. સમગ્ર પ્રાંત ખાડાટેકરાવાળો અને યુનાન ગુઇઝોના ઉચ્ચપ્રદેશનો અંતર્ગત ભાગ છે. ચૂનાના ખડકોવાળો આ ઉચ્ચપ્રદેશ 710થી 1830 મી. ઊંચો છે. અહીં વહેતી નદીઓનાં તળ ઊંડાં અને ખીણો સાંકડી છે. બિનફળદ્રૂપ ડુંગરધારો (ridges) વચ્ચે થઈને ભૂગર્ભ ઝરણાં વહે છે.
ગુઇયાંગનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે 3° સે. અને 24° સે. રહે છે. પર્વતો સાઇબીરિયાના ઠંડા પવનો સામે રક્ષણ આપે છે. કુલ 1100 મિમી. વાર્ષિક વરસાદ પડે છે. હવામાન ભેજવાળું રહે છે. જંગલમાંથી પુષ્કળ લાકડું મળે છે. આ પ્રદેશ લાખના ઉત્પાદનમાં પ્રથમ છે.
કુલ જમીન પૈકી 10 % જમીન સપાટ છે અને ખેતીલાયક જમીનનું પ્રમાણ ફક્ત 4 % છે. ડાંગર, ઘઉં, જવ, મકાઈ, શકરિયાં, મગફળી, કપાસ, શેરડી, તમાકુ, સરસવ, કેળાં, પપૈયાં જેવાં ફળો થાય છે. સિંચાઈ અને સોપાનપદ્ધતિ(terracing)ને કારણે એકરદીઠ પાકનું ઉત્પાદન વધ્યું છે.
આ ઉચ્ચ પ્રદેશમાંથી મૅંગેનીઝ, લોખંડ, તાંબું, બૉક્સાઇટ, પારો, ઍન્ટિમની, ફ્લોરાઇટ, ચિરોડી, ફૉસ્ફેટ વગેરે ધાતુઓ અને કોલસો, પેટ્રોલિયમ, ઑઇલ, શેલ વગેરે ખનિજ મળે છે.
કોલસા અને લોખંડને કારણે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ વિકસ્યો છે. ઝુનથીમાં રેશમી કાપડ અને રસાયણોનો અને ગુઇયાંગમાં સિમેન્ટ, ઍલ્યુમિનિયમ અને રબરનાં ટાયરોનો તથા અન્યત્ર ખાતરનો ઉદ્યોગ વિકસ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી રેલવે અને ધોરી માર્ગોનું પ્રમાણ વધ્યું છે. જાપાનના કબજા નીચે રેલવેની શરૂઆત થઈ હતી. ધોધ અને જળપ્રપાતને કારણે નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી, પણ જળવિદ્યુતનું ઉત્પાદન થાય છે.
વસ્તી : 3,52,50,000 (2000), તેમાં અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન આવેલા હાન ચીનાઓનું પ્રમાણ 70 %થી વધુ હતું. સ્થાનિક મિઆઓ તથા અન્ય ત્રીસેક લઘુમતીઓનો વિસ્તાર જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વાયત્ત છે. મિંગ વંશના શાસન દરમિયાન (1368-1644) આ પ્રદેશ ચીનનો અંતર્ગત ભાગ બન્યો હતો. મધ્ય ચીનમાં પ્રચલિત મૅન્ડરિન ભાષા અહીં બોલાય છે.
ગ્વેજો યુનિવર્સિટી રાજધાનીમાં આવેલી છે. મુખ્ય શહેર ગુઇયાંગ. ટૅકનિકલ, ખેતીવાડી અને મેડિકલ કૉલેજો ને સંસ્થાઓ ગુઇયાંગમાં છે.
શિવપ્રસાદ રાજગોર