ક્લૉડ, આલ્બર્ટ (જ. 24 ઑગસ્ટ 1898, લેન્જિયર, બેલ્જિયમ; અ. 22 મે 1983, બ્રસેલ્સ) : સી. આર. ડેડુવે તથા જ્યૉર્જ એમિલ પેલેડે સાથે 1974ના શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે કોષની રચના અને કાર્યલક્ષી બંધારણ સંબંધિત સંશોધનો કર્યાં હતાં. આલ્બર્ટ ક્લૉડ કોષવિદ

આલ્બર્ટ ક્લૉડ

(cytologist) હતા અને તેમણે બેલ્જિયમની લેઇગી યુનિવર્સિટીમાં તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. બે દાયકા સુધી ન્યૂયૉર્કની રૉકફેલર યુનિવર્સિટીમાં તેમણે કામ કર્યું. તેમણે કોષની રચના અંગે ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શક વડે મૂળભૂત અભ્યાસ કર્યો અને કોષના ઘટકો અને અંગિકાઓને અલગ પાડવાના પ્રયોગો કર્યા તેના આધારે ડેડુવે અને પેલેડેએ વધુ સંશોધનો કર્યાં છે.

શિલીન નં. શુક્લ