ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન : સાઠના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મશહૂર બનેલું બહુચર્ચિત અને પુરસ્કૃત ચલચિત્ર. મૂળ ચિત્રાંકન ચેક ભાષામાં. અંગ્રેજીમાં 1965માં લોડેનિસ રેલવેમથક પર તે ઉતારવામાં આવ્યું. દિગ્દર્શક જિરી મૅન્ઝલ. અવધિ 89 મિનિટ.
1963માં ચેક સાહિત્યમાં ‘પર્લ્સ ઑવ્ ધ ડીપ’ નામના લઘુકથાઓના સંગ્રહમાંની પ્રથમ કૃતિ ‘ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન’ના સર્જક બોહુમિલ હ્રાબલનું ગદ્ય એટલું સુંદર હતું કે વાચકોને અને વિવેચકોને એકદમ સ્પર્શી ગયું અને તેની આ કૃતિ ચેક સાહિત્યની ઉત્તમ કૃતિ પુરવાર થઈ. એકાએક ખ્યાતનામ બનેલી આ કૃતિથી ફિલ્મસર્જકો પણ આકર્ષાયા. 1965માં નવોદિત ફિલ્મસર્જકોની એક ટુકડીએ હ્રાબલની આ કૃતિ ઉપર ફિલ્મ બનાવવાનો પ્રથમ પ્રયાસ કર્યો. આ યુવાન ફિલ્મસર્જકોમાં જિરી મૅન્ઝલ પણ સામેલ હતા; તે હ્રાબલનાં પાત્રોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મૅન્ઝલ ઉપર આ પ્રભાવ એટલી હદ સુધી હતો કે તેમની ફિલ્મસર્જનની સંપૂર્ણ કારકિર્દી દરમિયાન હ્રાબલનાં આ પાત્રોને રૂપેરી દેહ આપતા રહ્યા. 1966માં હ્રાબલના પુસ્તક ‘ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન’ ઉપરની ફિલ્મ તેમણે પૂરી કરી. 1980માં ‘પર્લ્સ ઑવ્ ધ ડીપ’ ઉપર પણ તેમણે ફિલ્મ બનાવી અને તે પછી ‘ફિસ્ટ ઑવ્ ધ સ્નો ડ્રૉપ્સ’નું સર્જન કર્યું.
નિર્દયતા, કારુણ્ય, દર્દ અને ઋજુતા ફિલ્મમાં સમાંતર રીતે વહે છે. પ્રેક્ષકો ઉપર આ ભાવોનો અતિરેક ન થાય તે માટે વ્યંગ અને હાસ્યના મુખ્ય પ્રવાહમાં તેને વણી લેવામાં આવ્યાં છે. મૂળ ગદ્યને યથાતથ રાખવાની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
ચિત્રના કથાનકનો સમય છે બીજા વિશ્વયુદ્ધનો અંતિમ તબક્કો. એક નાના ગામના ઉજ્જડ રેલવેસ્ટેશન ઉપર કથાની મુખ્ય ઘટનાઓ ચાલ્યાં કરે છે. ત્યાં યુદ્ધનાં કોઈ એંધાણ નથી; કોઈ ભય નથી. શાંતિના સમયમાં માનવસહજ દર્દ, ભીતિ અને હર્ષનું જે સ્થાન છે તે સ્થાનને હિંસક યુદ્ધ પણ વિચલિત કરી શકતું નથી તે ધ્વનિ કથાનકમાં સતત વહેતો રહે છે. કથાનો મુખ્ય નાયક નવલોહિયો યુવાન છે. સ્ટેશન ઉપર કારકુનની તાજી નોકરી મળી છે; પરંતુ પ્રણયના પ્રશ્નોમાં તે મૂંઝાઈ ગયો છે. તેના ઉકેલ માટે તે સતત પ્રયાસ કરી રહ્યો છે. સલાહ માટે તે મોટાઓનો સંપર્ક સાધવા પ્રયત્ન કરે છે; પરંતુ તે બધા પોતપોતાની સમસ્યાઓમાં ડૂબેલા છે. આમ દરેક પાત્રને પોતાની એક કથા છે. વ્યંગ સાથે આ કથાનક ફિલ્મમાં સતત ચાલ્યાં કરે છે. અંતે એક જર્મન ટ્રેન ઉડાવી દેવાના કાવતરામાં ટ્રેનની સાથે યુવાન નાયકનો પણ અંત આવે છે. પ્રેમમાંથી મુક્તિ શોધવાનો પ્રયત્ન કરનાર નાયકને અંતે મૃત્યુમાં જ મુક્તિ મળે છે.
આ ચલચિત્રને દેશવિદેશમાં ગ્રાન્ડ પ્રિઝ (1966), ઑસ્કાર ઍવૉર્ડ (1967) તથા ગ્રાંડ પ્રી (1967) જેવાં અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. આજે પણ આ ફિલ્મ પ્રેક્ષકોને મુગ્ધ કરે છે.
પીયૂષ વ્યાસ