ક્લેમેન્તી, ફ્રાન્ચેસ્કો (જ. 23 માર્ચ 1952, નેપલ્સ, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો એન્ઝો કુકી અને સાન્દ્રો કિયા સાથે ક્લેમેન્તીની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ, રોમ, ચીન, ભારતની કલાઓ તેમજ અદ્યતન ફિલ્મો, જાહેરાતો, આધુનિક કલા આદિમાંથી પ્રેરણા મેળવવામાં અને તેમનો સ્વીકાર કરવામાં ક્લેમેન્તીએ ખુલ્લું મન રાખ્યું છે. એકસાથે રોમ, ચેન્નાઈ અને ન્યૂયૉર્કમાં તેઓ સ્ટુડિયો રાખે છે અને થોડા થોડા વખતે સહકુટુંબ આમાંથી કોઈ એક સ્ટુડિયોમાં રહેવા જાય છે. 1981માં ભારતનિવાસ દરમિયાન ક્લેમેન્તીએ ભારતીય પ્રણાલીગત શૈલીમાં લઘુચિત્રો ચીતર્યાં પણ તેમનો વિષય આધુનિક માનવી હતો. એ પછી ન્યૂયૉર્ક જઈ તેમણે ‘ફોર્ટીન સ્ટેશન’ શ્રેણી ચિત્રિત કરી. આ ચિત્રશ્રેણીનો નાયક ખુદ ક્લેમેન્તી છે એ જોતાં આ એક પ્રકારની ર્દશ્યમાન (visual) આત્મકથા છે; જેમાં દેખાવડો નાયક દુનિયાના અલગ અલગ ચૌદ પ્રદેશોમાં જુદી જુદી પરિસ્થિતિઓ અને માહોલમાં જુદી જુદી રીતે વર્તન કરતો નજરે ચઢે છે.
રોમમાં ક્લેમેન્તીએ ભીંતચિત્રો ચીતર્યાં છે. ગ્રીક પુરાકથાઓ, ખ્રિસ્તી ધર્મકથાઓ અને મેલી વિદ્યાના મિશ્રણ જેવા વિષયો ધરાવતાં આ ચિત્રો રહસ્યમય ભાવ પ્રગટાવે છે. એપુલિયસના પુસ્તક ‘ધ ગોલ્ડન એઝ’ અને પેટ્રોનિયસના પુસ્તક ‘સેટિરિકૉન’નો પ્રભાવ ક્લેમેન્તી પર છે. બંને પુસ્તકોમાં મધ્યયુગની બિહામણી વાર્તાઓ છે. 1983 પછી તૈયાર જણસો ચિત્રોમાં ચોંટાડી કૉલાજ-પ્રયોગો પણ તેમણે કર્યા છે; જેમાં 1984નું ‘અન્ટાઇટલ્ડ’ ચિત્ર નોંધપાત્ર છે. 2.75 મી. પહોળા અને 4.87 મી. લાંબા આ ચિત્રમાં તેમણે સાઇકલનાં ચાર પૈડાં ચોંટાડ્યાં છે. તેમાં બાકીનું આલેખન તૈલરંગોથી કર્યું છે. નદીકિનારાના પથ્થરોના આલેખન ઉપર સાઇકલનાં ચાર પૈડાં પ્રકૃતિના સંદર્ભમાં માનવીની કેવી વિકૃતિ છે તેનો વિચાર જગાવે છે.
અમિતાભ મડિયા