ક્લેડોઝાયલેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. આ ગોત્રના મળેલા અવશેષો પેલિયોઝોઇક યુગના ઉપરના (upper) ડેવોનિયન કાળથી મધ્ય (middle) કાર્બોનિફેરસ કાળ પૂરતા સીમિત છે.
દ્વિશાખિત, બહુમધ્યરંભી પ્રકાંડ; વંધ્ય અને ફળાઉ; વિભાજિત પર્ણો; દરેક પર્ણની ટોચ ઉપર એક બીજાણુધાની ધરાવે છે. તેનું કાષ્ઠ મૃદુતકોથી ભરપૂર હોય છે.
તેની ચાર પ્રજાતિઓ (species) છે. cladoxylales scoparium-ની અક્ષ 1.5 સેમી. વ્યાસ, 30 સેમી. ઊંચાઈ અને અનિયમિત શાખાવિન્યાસ ધરાવે છે. પંખાકાર પર્ણો દ્વિશાખિત અને તેનું પ્રત્યેક બીજાણુપર્ણ બીજાણુધાનીમાં પૂરું થાય. તેના પ્રકાંડમાં 18 જલવાહક-ખંડો કેન્દ્રમાંથી અરીય રીતે પ્રસરે છે.
C. taeniatum-માં દ્વિતીયક જલવાહક પેશીઓ પણ હતી. તેવું C. radiatum-માં પણ જોવા મળતું.
Pseudosporochnus પ્રજાતિમાં ટટ્ટાર મુખ્ય અક્ષ, તલસ્થ ભાગે ફૂલેલો, યુગ્મશાખી અને શાખાનો દરેક ભાગ બીજાણુધાનીમાં પરિણમતો. તેમાં પર્ણો હતાં જ નહિ.
આ ઉપસમૂહ આધુનિક હંસરાજ વનસ્પતિઓના પૂર્વજો હતા તેવું અનુમાન છે. આ ગોત્ર ત્રિઅંગી વર્ગીકરણ-પદ્ધતિઓમાં અત્યંત વિવાદાસ્પદ સ્થાન ધરાવે છે. પરંતુ Splitters વર્ગીકરણવિદો તેનું સ્થાન ટેરોપ્સિડાના પ્રાઇમોફિલિસિસમાં જ રાખવા સહમત છે.
બળદેવભાઈ પટેલ