ક્લુગ, આરોન (જ. 11 ઑગસ્ટ 1926, લિથુઆનિયા; અ. 20 નવેમ્બર 2018 કૅમ્બ્રિજ, યુ. કે.) : રસાયણશાસ્ત્રના 1982ના નોબેલ પુરસ્કારના વિજેતા બ્રિટિશ વૈજ્ઞાનિક. તેમના પિતા દક્ષિણ આફ્રિકામાં રહેવા ગયા ત્યારે તેમની ઉંમર ત્રણ વર્ષની હતી. તેઓ જોહાનિસબર્ગમાં વિટવૉટર્સરૅન્ડ યુનિવર્સિટીમાં આયુર્વિજ્ઞાનના અભ્યાસ માટે દાખલ થયા. પણ વિજ્ઞાનમાં સ્નાતક પદવી મેળવી. કેપટાઉન યુનિવર્સિટીમાં સ્ફટિક-સંરચના (crystallography) વિષય ઉપર ડૉક્ટરેટની પદવી માટે કાર્ય શરૂ કર્યું,
પણ માસ્ટર્સ પદવી પછી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં વધુ અભ્યાસ માટે ફેલોશિપ મળતાં ત્યાં ગયા અને 1953માં પિગળેલા સ્ટીલ ઉપર સંશોધન કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. પણ તે પછી તેમને જીવિત પ્રણાલીઓ ખાસ કરીને વિષાણુઓ અને હીમોગ્લોબિનના અભ્યાસમાં રસ પડ્યો. દરમિયાન લંડન યુનિવર્સિટીની બર્કબૅક (Birkbeck) કૉલેજમાં સંશોધન માટેની ફેલોશિપ મળતાં ત્યાં તમાકુના ચિત્રવર્ણ (mosaic) વિષાણુ (virus) અને વિષાણુઓની સંરચના ઉપર સંશોધન શરૂ કર્યું. તેમની શોધો તેમણે વિકસાવેલી ક્રિસ્ટોલોગ્રાફિક ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી તકનીક સાથે-સંકળાયેલી છે. જુદા જુદા ખૂણેથી દ્વિપરિમાણીય સ્ફટિકોના ઇલેક્ટ્રૉન માઇક્રોગ્રાફ મેળવી તેમનું સંયોજન કરવાથી કણોના ત્રિપરિમાણી ચિત્રો મેળવી શકાય છે. વિષાણુઓ અને પ્રોટીનોના અભ્યાસમાં આ પદ્ધતિ બહોળા ઉપયોગમાં લેવાય છે.
1958માં કલુગ બર્કબૅક ખાતે વાઇરસ સ્ટ્રક્ચર રિસર્ચ ગ્રૂપના નિયામક બન્યા. 1962માં તેઓ (તે વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાન્સિસ ક્રિકના નિમંત્રણથી) કેમ્બ્રિજ ખાતે મેડિકલ રિસર્ચ કાઉન્સિલના સ્ટાફના સભ્ય તરીકે પાછા આવ્યા. 1978માં તેઓ સંરચનાકીય અભ્યાસ માટેના વિભાગના સંયુક્ત અધ્યક્ષ નિમાયા. 1988માં તેઓને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો. વિષાણુઓ તથા ન્યૂક્લિક (nuclear) ઍસિડો અને પ્રોટીનોના સંયોજનથી મળતા અન્ય કણોની ત્રિપરિમાણી સંરચના અંગોના સંશોધન તેમજ ક્રિસ્ટલોગ્રાફિક ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી વિકસાવવા બદલ 1982નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પ્રવીણસાગર સત્યપંથી