ઘોષ, રાસબિહારી (જ. 23 ડિસેમ્બર 1845, ટોરકોના, જિ. બર્દવાન; અ. 28 ફેબ્રુઆરી 1921) : ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા, તેના સૂરત અધિવેશનના પ્રમુખ, બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી. સ્થાનિક પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં. 1862માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક. 1867માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાથે અનુસ્નાતક થઈ 1871માં ઑનર્સ-ઇન-લૉની પદવી પ્રાપ્ત કરી. અત્યંત પ્રતિભાસંપન્ન હોવાથી દરેક પરીક્ષામાં પ્રથમ વર્ગ સાથે પ્રથમ અથવા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા. એમ.એ.ની પરીક્ષામાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. 1879માં કૉલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા. 1887–99 દરમિયાન યુનિવર્સિટી સિન્ડિકેટના સભ્ય રહ્યા. 1893–95ના ગાળામાં યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના પ્રેસિડેન્ટ પણ હતા.
1905માં રાજકારણમાં પ્રવેશ કર્યો. 1906માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના કૉલકાતા અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. 1907માં સૂરત ખાતે તથા 1908માં ચેન્નાઈ ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયેલા. 1891–96 તથા 1906–07 દરમિયાન ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના તેઓ સભ્ય હતા.
1884માં કૉલકાતા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની પદવીથી સન્માન્યા હતા. એક પ્રખર ધારાશાસ્ત્રી હોવાને નાતે 1908માં તૈયાર કરવામાં આવેલો સિવિલ પ્રોસિજર કોડ ખરડો તૈયાર કરવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો.
કાયદાના વ્યવસાયમાં તેમણે અઢળક સંપત્તિ મેળવી હતી, જેના દાનમાંથી બંગાળમાં અનેક શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. તેમણે આપેલા રૂ. 21.43 લાખના દાનમાંથી કૉલકાતા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજ તથા રૂ. 17 લાખના દાનમાંથી જાદવપુર ટૅકનિકલ કૉલેજનો પ્રારંભ થયો હતો. 1906–21 દરમિયાન તે નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ હતા.
હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રીય કેળવણી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ અને સ્વદેશી જેવા આદર્શોના તેઓ સક્રિય હિમાયતી હતા.
તેમણે લખેલ ‘લૉ ઑવ્ મૉટર્ગેજિઝ ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ જાણીતો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે