ક્લિન્ટન, હિલારી રોધામ (જ. 26 ઑક્ટોબર 1947, શિકાગો, ઇલિનૉઇસ) : અમેરિકાના 42મા પ્રમુખનાં પત્ની (પ્રથમ મહિલા), 2008ના પ્રમુખપદનાં પ્રારંભિક મહિલા-ઉમેદવાર, ન્યૂયૉર્કનાં પ્રથમ મહિલા-સેનેટર (2001 અને 2006), એટર્ની.
પિતા એલ્સવર્થ રોધામ મધ્યમ સ્તરના વ્યાપારી અને માતા ડોરોથી એમા હોવેલ રોધામ ગૃહિણી હતાં. તેઓ માતા-પિતાનું પ્રથમ સંતાન હતાં, હ્યુમ અને ટોની તેમના બે નાના ભાઈઓ છે.
શાલેય વિદ્યાર્થી તરીકે રમતગમત, સ્કાઉટ તેમજ ચર્ચને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લેતાં; અવાર-નવાર ઇનામ, પારિતોષિક મેળવતાં. કૉલેજકાળ દરમિયાન અમેરિકાના પ્રમુખીય ઉમેદવાર બેરી ગોલ્ડવૉટર માટે તેમણે 1964માં કામ કર્યું હતું. 1969માં રાજ્યશાસ્ત્રના સ્નાતક બન્યા પછી યેલ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. આ ગાળા દરમિયાનની ક્લિન્ટન સાથેની મૈત્રી 1971માં જીવનસાથી તરીકેની પસંદગીમાં પરિણમી. 1975માં ક્લિન્ટન સાથેનાં લગ્નથી તેઓ હિલારી રોધામ બન્યાં અને 1980માં એક માત્ર પુત્રી ચેલ્સિયાને જન્મ આપ્યો.
કાયદાશાખાના અભ્યાસ દરમિયાન તેમણે અનેક પ્રવૃત્તિઓ આદરી. યુનિવર્સિટીના કાયદા શાખાના સામયિકનાં તેઓ સંપાદિકા, હતાં. તેમણે બાળવિકાસની પ્રવૃત્તિઓ, ચિલ્ડ્રન ડિફેન્સ ફંડ અને કાર્નેગી કાઉન્સિલ ઑવ્ ચિલ્ડ્રનની પ્રવૃત્તિઓ તેમજ યુનિવર્સિટીમાં કાયદા શાખાનાં મહિલા-ફૅકલ્ટી મેમ્બર તરીકે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી.
1976માં કારકિર્દીના પ્રારંભે બૌદ્ધિક સંપત્તિ (intellectual property)નાં તજજ્ઞ બનવા સાથે જાણીતી ‘રોઝ લૉ ફર્મ’માં જોડાયાં. ત્યાં તેમણે બાળકોના જન્મજાત અધિકારો અંગે કામ કર્યું. આ પેઢીના સૌપ્રથમ મહિલા-ભાગીદાર તરીકે તેમને કામ સોંપાયું. 1978માં પ્રમુખ જેમી કાર્ટરે કાનૂની સેવાઓ માટેના કૉર્પોરેશનના બોર્ડમાં તેમની નિમણૂક કરી.
1978માં તેઓ આર્કેન્સાસનાં પ્રથમ મહિલા બન્યાં. આર્કેન્સાસમાં બાળહૉસ્પિટલની તેમજ અન્ય બાળપ્રવૃત્તિઓમાં, ડિફેન્સ ફંડની પ્રવૃત્તિઓ વગેરેમાં જોડાઈ નોંધપાત્ર કામગીરી બજાવવા સાથે બિલ ક્લિન્ટનને રાજકીય જીવનની અગ્રિમ હરોળમાં સ્થાન અપાવી 42મા પ્રમુખ માટેની મજબૂત ભૂમિકા ઊભી કરી.
જાન્યુઆરી, 1993માં પતિ-પત્ની, બંને અમેરિકાના પ્રમુખ અને પ્રથમ મહિલા તરીકે સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં આવ્યાં. પ્રથમ મહિલાઓમાં હિલારી એકમાત્ર એવાં મહિલા હતાં જેઓ અનુસ્નાતક પદવી ધરાવતાં હતાં. અમેરિકાના પ્રથમ મહિલા તરીકે જાહેર આરોગ્ય, મહિલા-અધિકારો, બાળ-આરોગ્ય વગેરે અંગે કામ કરવા ઉપરાંત ‘વાયૉલન્સ અગેન્સ્ટ વીમન’નો ખાસ વિભાગ ઊભો કરાવવામાં તથા ‘ઍડૉપ્શન ઍન્ડ સેફ ફેમિલિઝ ઍક્ટ’ લાવવામાં તેમનું ખાસ પ્રદાન રહ્યું છે.
2001માં અને 2006માં તેઓ ન્યૂયૉર્કનાં મહિલા-સેનેટર તરીકે ચૂંટાયાં. ન્યૂયૉર્કના બેરોજગારોના પ્રશ્ને તથા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના 2001ના આતંકવાદી હુમલા સમયે તેમની કામગીરી નોંધપાત્ર હતી. 2002થી સૌથી મહત્વની વ્યક્તિ તરીકે અમેરિકાના પ્રમુખપદની ઉમેદવારી માટે તેમનું નામ ગુંજતું થવા લાગ્યું અને તેઓ આ પદના દાવેદારની હોડમાં રહ્યાં. બિલ ક્લિન્ટન પરના લગ્નેતર સંબંધોના આક્ષેપો છતાં તેમણે તે ઘટનાઓને સહજ રીતે વિસારે પાડી. ઑક્ટોબર, 2004માં ક્લિન્ટનની હૃદય પરની શસ્ત્રક્રિયાના સમયે તેમણે તમામ જાહેર રોકાણો રદ કરી કૌટુંબિક બંધનોને પ્રાથમિકતા આપી હતી.
2008માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ પ્રારંભે ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર હતાં. અલબત્ત, પ્રમુખીય ચૂંટણીના અંતિમ તબક્કામાં તેમને સ્થાને બરાક હુસેન ઓબામાની ઉમેદવારી ડેમૉક્રૅટિક પક્ષે માન્ય રાખી. ત્યારબાદ બરાક હુસેન ઓબામા અમેરિકાના પ્રમુખ ચૂંટાતા તેમણે હિલારી ક્લિન્ટનને મંત્રીમંડળમાં વિદેશમંત્રીનો હોદ્દો એનાયત કર્યો. તેઓ હવે અમેરિકાના વિદેશીમંત્રી તરીકે વિદેશ સંબંધોનું સંચાલન કરે છે. ‘ઇટ ટૅક્સ અ વિલેજ’ (1996) તેમનું તે વર્ષનું ઉત્તમ વેચાણ ધરાવતું પુસ્તક હતું. તેમનાં જીવનસંસ્મરણોને વ્યક્ત કરતો ‘લિવિંગ હિસ્ટરી’ (2003) ગ્રંથ પહેલે મહિને જ 1 મિલિયન નકલોનું વેચાણ ધરાવતો અને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થયેલો ગ્રંથ છે. ‘લિવિંગ લેગસી ઍવૉર્ડ’ (1994), ‘જર્મન મિડિયા પ્રાઇઝ 2004’ જેવાં ઘણાં માન-સન્માન-પુરસ્કારો તેમણે મેળવ્યાં છે.
રક્ષા મ. વ્યાસ