ઘુંમટ (ભૂસ્તરશાસ્ત્ર) : ગેડનો એક પ્રકાર. સ્તર કે સ્તરોનો સમૂહ નીચેથી ઉપર તરફ કાર્ય કરતાં દાબનાં વિરૂપક બળોની અસરને કારણે જ્યારે ગોળાઈમાં ઊંચકાય ત્યારે સ્તરો બધી બાજુએ કેન્દ્રત્યાગી નમનદિશાવાળા બને છે. આવા આકારમાં રચાતા ગેડપ્રકારને ઘુંમટ કે ઘુંમટ-ગેડ (domical fold) કહે છે. કચ્છમાં જુરા અને હબઈ ગામો નજીક જોવા મળતા જુરા ઘુંમટ અને હબો ઘુંમટ આ પ્રકારની રચનાઓ છે.
ગેડરચનાવિહીન ખડકોથી બનેલા કે ખડક-આચ્છાદિત ડુંગર કે પર્વતના ઘુંમટ જેવા આકારવાળા શિખરભાગો હોય છે. આવા ઘુંમટ રચાવા માટેનું બળ બાજુઓમાંથી ન મળતાં માત્ર નીચે તરફથી જ કાર્યરત હોય છે. લૅકોલિથ પ્રકારનું સંવાદી અંતર્ભેદક આવાં લક્ષણોવાળું હોય છે, જેમાં મૅગ્માનો જથ્થો ઉપર તરફ ધકેલાય છે, તેની ઉપરનાં પ્રાદેશિક ખડકઆવરણો પણ ઊંચકાઈને ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. ભૂસંચલનની ક્રિયાથી ભૂપૃષ્ઠ ઉપર ઊંચકાઈ આવ્યા બાદ ઘસારાનાં પરિબળોને કારણે આવરણ જતું રહેતાં ગોળાકાર લૅકોલિથ ખુલ્લો થાય છે. ગિરનાર પર્વત આવાં લક્ષણવાળું લૅકોલિથ અંતર્ભેદન છે. ઈડરની ટેકરીઓમાં પણ એકબે સ્થાનોમાં આવા જ ગોળાકાર, ઘુંમટ આકારના ડુંગરો જોવા મળે છે.
ભૂપૃષ્ઠ સપાટીથી 200 મીટરની ઊંડાઈએથી ઊંચકાઈ આવેલા ઉગ્ર ઢોળાવવાળા નાના વિસ્તારો ક્યારેક ઘુંમટ આકારના હોય છે.
કોઈ પણ પ્રકારની રચનાત્મક વિરૂપતાથી મર્યાદિત પ્રમાણમાં સ્થાનિક ઉત્થાન પામેલો, ગોળાકાર રૂપરેખાવાળો ભૂપૃષ્ઠનો વિભાગ પણ ઘુંમટ આકારનો હોઈ શકે.
ગિરીશભાઈ પંડ્યા