ઘુવડ (owl) : Strigiformes શ્રેણીનું નિશાચર શિકારી પક્ષી. દુનિયાભરમાં તે અપશકુનિયાળ ગણાય છે; પરંતુ વાસ્તવિક રીતે તે એક માનવોપયોગી પક્ષી છે; કારણ કે તે માનવસ્વાસ્થ્યને જોખમી ઉંદર, ઘૂસ અને કીટકનું ભક્ષણ કરી માનવને હાનિ થતી અટકાવે છે. નાનાં ઘુવડ, કીટક અને ઉંદર જેવાં અને મોટાં ઘુવડ સસલાં, ઘૂસ અને સાપ જેવાં પ્રાણીઓને આરોગે છે.

ઍન્ટાર્ક્ટિકા પ્રદેશ અને મહાસાગરોમાં આવેલા કેટલાક ટાપુ બાદ કરતાં તે દુનિયાભરમાં સર્વત્ર જોવા મળે છે. ઘુવડનાં Strigidae અને Tytonidae એમ બે કુળ છે. સ્ટ્રિજિડે કુળના ઘુવડનો ચહેરો ગોળાકાર તથા આંખ મોટી અને સહેજ આગળ પડતી હોય છે. કાન પર પીછાંનો ગુચ્છ જોવા મળે છે અને પૂંછડીનો આકાર ગોળ હોય છે. મોટા ભાગનાં ઘુવડ સ્ટ્રિજિડે કુળનાં હોય છે અને તેની 120 જેટલી જાતો છે. Tytonidae કુળના ઘુવડનો ચહેરો હૃદયના આકાર જેવો, આંખ નાની, પગ લાંબા અને પૂંછડી ચીપિયા જેવી હોય છે. આ ઘુવડના કાન પર પીછાંનો ગુચ્છ હોતો નથી. આ કુળનાં ઘુવડ કોઠરિયા ઘુવડ તરીકે જાણીતાં છે અને તેની 10 જાત છે.

નિશાચર તરીકે જાણીતું હોવા છતાં ઘુવડ દિવસ દરમિયાન પણ જોવા મળે છે. દાખલા તરીકે, મત્સ્યજીવી ઘુવડ દિવસ દરમિયાન પોતાના ભક્ષ્યને પકડે છે અને વામન (pygmy) ઘુવડ સવારે કે સાંજે સક્રિય રહે છે. કદમાં સૌથી નાનું આ વામન ઘુવડ, 12 સેમી. લાંબું હોય છે જ્યારે ભારતના શૃંગી ઘુવડની લંબાઈ 70 સેમી. જેટલી હોય છે.

ઘુવડ

પહોળો પરંતુ સહેજ ત્રિકોણાકાર ચહેરો, દ્વિનેત્રી દર્શન (binocular vision) અને આંખો વચ્ચે સહેજ નાની ચાંચ એ ઘુવડની વિશિષ્ટતા છે. પહોળા ચહેરાને લીધે ધ્વનિના તરંગોને કાન તરફ વાળી શકાય છે. તેના કાન પાસેનાં પીછાં મોટાં અને અવાજના તરંગોને ઝીલી શકે તેવાં હોય છે. વળી, કર્ણદ્વાર સપ્રમાણ હોતાં નથી તેથી તે કર્ણને અવાજની દિશા તરફ કેન્દ્રિત કરી શકે છે. પરિણામે તેને માટે ભક્ષ્યને શોધી કાઢવાનું સરળ બને છે.

ઘુવડ એકલું કે જોડમાં રહે છે. શિયાળો ઘુવડ માટે સંવનનકાળ છે. સંવનનકાળ દરમિયાન ચોક્કસ પ્રકારના અવાજ કરી સાથીને આકર્ષે છે. માદા ઘુવડ 4થી 7 જેટલાં ઈંડાં મૂકે છે અને તેમનું સેવન કરે છે. દરમિયાન માદાને ખોરાક પૂરો પાડવાની જવાબદારી નર ઉપાડે છે. નરઘુવડે આણેલા ખોરાકનો મોટો ઢગલો માળા પાસે ઘણી વાર જોવા મળે છે. ઘુવડ આગવો માળો બાંધતું નથી. ઘણી વાર ખુલ્લામાં અથવા સહેજ ખાડો ખોદીને ત્યાં ઈંડાં મૂકે છે. ઘુવડે કાગડાના માળામાં ઈંડાં મૂક્યાના દાખલા છે. ઉંદરના દરમાં પણ ઈંડાં મૂકતાં તે અચકાતાં નથી.

ચીબરી (spotted owl) નામે ઓળખાતું ઘુવડ ગુજરાતમાં સામાન્ય છે. તેનું શાસ્ત્રીય નામ છે Athenebrama indica. તે આંબા, વડ અને અન્ય જીર્ણ વૃક્ષોની બખોલમાં વાસ કરે છે. અવાવરા ઘરની ભીંતની બખોલોમાં પણ તે જોવા મળે છે. દિવસ દરમિયાન તે બખોલમાં ભરાઈ રહે છે. કદમાં તે નાનું છે. તેનાં પીછાં પર સફેદ રંગનાં ટપકાં જોવા મળે છે. આંખ છેડેથી ગોળ ફરતા ચકરડા જેવી દેખાય છે.

સમડીના કદનું સફેદ ઘુવડ (white owl – Tyto alba) દુનિયાભરમાં વસેલું છે. સફેદ રંગની તેની પીઠ પર કાળાં ટપકાં જોવા મળે છે. નીચલી બાજુએથી તે રંગે પીળાં હોય છે જ્યારે તેના પર સફેદ અને કાળાં ટપકાં આવેલાં હોય છે. માનવવસ્તીની આસપાસ; પરંતુ ઉજ્જડ ગામનાં અવાવરાં મકાનો અને નિર્જન કિલ્લામાં તે વાસ કરતાં હોય છે. ઉંદર અને ઘૂસ આ ઘુવડનો મુખ્ય ખોરાક હોય છે.

સામાન્ય રીતે શૃંગી ઘુવડ (horned owl – Bubo bubo bengalens) ભારતમાં જોવા મળે છે. કદમાં તે સમડી જેટલું હોય છે. રાત્રે સંભળાતો ઘૂ ઘૂ જેવો પડઘાતો અવાજ શૃંગી ઘુવડનો હોય છે. તેની આંખની ઉપરની બાજુએ માથા પર શીંગડાં જેવાં પીછાંનાં ઝૂમખાં આવેલાં હોવાથી તે શૃંગી ઘુવડ તરીકે ઓળખાય છે.

ઉપેન્દ્ર  રાવળ