અમેરિકન રેડ ઇન્ડિયન : અમેરિકાના આદિવાસીઓ. આટલાન્ટિક મહાસાગર ઓળંગી ભારત આવવા નીકળેલો કોલંબસ 1493માં અમેરિકા પહોંચ્યો ત્યારે આદિવાસીઓને તેણે ‘ઇન્ડિયન’ નામ આપ્યું હતું. આજથી 200 વર્ષ પહેલાં યુરોપથી ગયેલા ગોરા લોકો અમેરિકાના આદિવાસીઓની તામ્રવર્ણી ત્વચા જોઈ તેમને ‘રેડ ઇન્ડિયન’ તરીકે ઓળખવા લાગ્યા. હાલમાં તેઓ ‘અમેરિન્ડ’, ‘અમેરિન્ડિયન’ અથવા ‘અમેરિકન ઇન્ડિયન’ તરીકે ઓળખાય છે. આમ તો ‘રેડ ઇન્ડિયન’ને અમેરિકાના આદિવાસીઓ તરીકે સમગ્ર જગત ઓળખે છે.
1980ની વસ્તીગણના પ્રમાણે રેડ ઇન્ડિયનોની વસ્તી દસ લાખ જેટલી અંદાજવામાં આવી છે. ઓગણીસમી સદીના આરંભે તેમની વસ્તી પાંચ લાખ હતી તે લગાતાર લડાઈઓ અને વ્યાપક રોગચાળાને કારણે થયેલી જાનહાનિના પરિણામે સદીના અંતે ઘટીને અઢી લાખ થવા પામી હતી. વીસમી સદીના આરંભથી તેમાં હવે એકધારો વધારો થઈ રહ્યો છે. હાલમાં અમેરિકન રેડ ઇન્ડિયનો સંખ્યાની દૃષ્ટિએ ‘ફૂલતી-ફાલતી લઘુમતી’ તરીકે ગણાય છે. 2020માં રેડ ઇન્ડિયનોની વસ્તી 52 થી 55 લાખ હોવાનો અંદાજ છે.
દસથી ચાલીસ હજાર વર્ષો અગાઉ પૂર્વ ગોળાર્ધના મધ્ય એશિયામાંથી મોટા શિકારની શોધમાં ફરતા મૉંગલૉઇડ માનવવંશના લોકો ઉત્તર અમેરિકામાં અલાસ્કાને એશિયાના સાઇબીરિયા સાથે જોડતા અને હાલમાં ‘બેરિંગ સ્ટ્રેઇટ’ તરીકે ઓળખાતા તે વખતના જમીનમાર્ગે આવ્યા હતા. આજે તો તેમની વસ્તી અમેરિકાનાં તમામ રાજ્યોમાં પથરાયેલી જોવા મળે છે.
લગભગ 125 જેટલી નાનીમોટી જાતિઓમાં વહેંચાયેલા રેડ ઇન્ડિયનો ઉત્તર અમેરિકામાં 8 ભાષાકુળની 24 જેટલી બોલીઓ અને દક્ષિણ અમેરિકામાં 3 ભાષાકુળની 15 જેટલી બોલીઓનો ઉપયોગ કરે છે. તેઓ મુખ્યત્વે શિકાર, માછીમારી તથા ખોરાક-સંકલન અને ખેતી તથા પશુપાલન દ્વારા જીવનનિર્વાહ કરે છે. ઉત્તરના હિમપ્રદેશમાં વસતા એસ્કિમો અને વાયવ્ય કાંઠે આલાસ્કા વિસ્તારમાં રહેતા ઓજીબ્વા, ચિપેવા અને નાસ્કાપી જાતિઓના લોકો કરીબુ(રેન્ડિયરનો પ્રકાર)નો શિકાર કરવા માટે જાણીતા છે. મધ્ય અમેરિકાના મેદાની વિસ્તારમાં બાઇસન(અમેરિકન ભેંસ)નો શિકાર કરવા માટે ક્રો જાતિના લોકો વિખ્યાત છે. મકાઈની ખેતી કરવા માટે દક્ષિણે મેક્સિકોની ઍઝટેક, માયા, ટોલ્ટેક જાતિઓની સ્ત્રીઓ નિષ્ણાત ગણાય છે. નૈર્ઋત્યે કૅલિફૉર્નિયા વિસ્તારના હૈડા, સ્પોકેન, શોશોન મૈદુ અને વાશો જાતિના લોકો બી કે ઠળિયા એકઠા કરીને તેમજ નાનાં પશુપંખીનો શિકાર કરીને જીવનગુજારો કરે છે. મધ્ય અમેરિકાના અપેચી, કોમાન્ચે, નવાજો, હોપી, ઝુની તથા મ્વાકીઉલ જાતિઓના લોકો ખેતી સાથે પશુપાલન માટે જાણીતા છે. દક્ષિણ અમેરિકામાં ઍઝટેક, માયા, ટોલ્ટેક જાતિઓના લોકો કંદ અને બટેટાંની ખેતી કરે છે અને યુકાતાનના સમૃદ્ધ ખનિજ વિસ્તારના ઇન્કા, અરૌકા અને આયમારા જાતિઓના લોકો ખાણકામ દ્વારા ગુજારો કરે છે.
અમેરિકાના ઇન્ડિયનોનાં મૂળ રહેઠાણો ‘રિઝર્વેશન’ તરીકે ઓળખાય છે અને હજી પણ તેઓ પરંપરાગત સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન જીવી રહ્યા છે. તેમનામાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. પરંતુ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા અને આધુનિક શિક્ષણ પામનારા ઘણા લોકો મોટાં શહેરોમાં વસવા લાગ્યા છે. તેમજ પોતાની ‘ઇન્ડિયન’ તરીકેની ઓળખ પણ વીસરવા લાગ્યા છે. હાલમાં અમેરિકાના રેડ ઇન્ડિયનોની સંસ્કૃતિ પરંપરાગત અને આધુનિક એમ બે જગત વચ્ચે ઝોલા ખાતી જણાય છે.
રમેશ શ્રોફ