અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ
પૂર્વભૂમિકા : પંદરમી સદીમાં કોલંબસ અને તે પછીના યુરોપિયનો ભારતની શોધમાં નવા જગતને કિનારે લાંગર્યા ત્યારે તેમણે એ પ્રદેશને ભારત માન્યો હતો, ત્યાંના રહેવાસીઓને ભારતીય માન્યા હતા અને તેમની ભાષાને ભારતીય એટલે કે ઇન્ડિયન ભાષાઓ માની હતી. પાછળથી એ આખો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો અને ત્યાંના મૂળ રહેવાસીઓની ભાષાઓ અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ તરીકે ઓળખાવા માંડી. પંદરમી – સોળમી સદીમાં તો એ પ્રદેશમાં અસંખ્ય અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ બોલાતી હશે, પણ પાછળથી મોટા ભાગના મૂળ વતનીઓએ અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ જેવી પરદેશી ભાષાઓને માતૃભાષા તરીકે સ્વીકારી લીધી. ઘણી ભાષાઓનાં આ પરદેશી ભાષાઓ સાથે અનેક પ્રકારનાં મિશ્રણો થઈને નવી જ મિશ્રભાષાઓ અસ્તિત્વમાં આવી અને છતાં કેટલીક મૂળ વતનીઓનાં સંસ્કૃતિ, રીત-રિવાજ, રહેણી-કરણીની સાથે જેમની તેમ ટકી પણ રહી અને આજેય બોલાય છે.
વર્ગીકરણ : પરંપરાગત આનુવંશિક ભાષાકુળોના વર્ગીકરણની પદ્ધતિએ આ ભાષાઓનું વર્ગીકરણ કરવાનું કામ ગૂંચવાડાભર્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે આ ભાષાઓ અન્ય ભાષાકુળોની ભાષાઓ સાથે એટલી તો મિશ્રિત થઈ ચૂકી છે અથવા તો આ ભાષાઓ અન્ય ભાષાકુળોની ભાષાઓથી એટલી તો પ્રભાવિત થયેલી છે કે એમને ઐતિહાસિક રીતે કોઈ કુળની ભાષાઓ તરીકે ઓળખાવવાનું ઘણું મુશ્કેલ અને જટિલ છે. આ કારણે ભૌગોલિક દૃષ્ટિકોણથી આ ભાષાઓનું વ્યાપક વિભાજન કરીને, વ્યાકરણ અને ભાષાસંરચનાની સમાનતાને આધારે વિગતપૂર્ણ વર્ગીકરણ કરવાના પ્રયત્નો થયા છે.
જ્યારે યુરોપિયનોનાં શરૂઆતનાં જૂથો આ નવા જગતના પશ્ચિમ કિનારે પ્રવેશ્યાં ત્યારે લગભગ ચાર કરોડ મૂળ વતનીઓ લગભગ અઢાર સો જેટલી વિવિધ બોલીઓ બોલતા હતા એવું મંતવ્ય કેટલાક વિદ્વાનો ધરાવે છે તો કેટલાક વિદ્વાનોનું માનવું છે કે કોલંબસ જ્યારે આ પ્રદેશના પશ્ચિમ કિનારે ઊતર્યો હશે ત્યારે લગભગ દોઢ કરોડ મૂળ વતનીઓ લગભગ બે હજાર જેટલી ભાષાઓ આ પ્રદેશમાં બોલતા હતા.
દેખીતી રીતે આ અટકળો છે અને એને પુરવાર કરવા માટેનાં કોઈ સાધનો ઉપલબ્ધ નથી.
આજે જે ભાષાઓ બોલાય છે તેને વિશે પણ વિદ્વાનોમાં એકમતી નથી. જુદાં જુદાં જૂથો આ ભાષાઓના ભાષકોની સંખ્યા વિશે જુદાં જુદાં અનુમાનો અને અંદાજો મૂકે છે. એક અંદાજ પ્રમાણે ઉત્તર અમેરિકામાં લગભગ દોઢ કરોડ ભાષકો આ જૂથની લગભગ ત્રણ સો ભાષાઓ બોલે છે, તો મેક્સિકો અને મધ્ય અમેરિકામાં લગભગ પચાસ લાખ ભાષકો આ જૂથની લગભગ એટલી જ ભાષાઓ બોલે છે અને વેસ્ટઇન્ડિઝ ટાપુઓ અને દક્ષિણ અમેરિકા ખંડમાં લગભગ નેવું લાખ ભાષકો લગભગ ચૌદ સો જેટલી બોલીઓ બોલે છે. આ અંદાજો પાછળ ચોક્કસ અભ્યાસના પુરાવાઓ નથી, છતાં આમાંના ઘણાખરા ભાષકોને દ્વિભાષકો માનીએ તો પણ અમેરિકન-ઇન્ડિયન ભાષાઓની સંખ્યા નાનીસૂની નથી. એ સાથે એના ભાષકોની સંખ્યા પણ ઓછી નથી.
જેનો અભ્યાસ થઈ શક્યો છે તેવી બસો જેટલી અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ વિશે એકમતી છે. જોકે વીસમી સદીના મધ્ય સુધીમાં જ યુરોપિયનોના પ્રભાવ નીચે ઉત્તર અને મધ્ય અમેરિકામાં ઘણા ભાષકો દ્વિભાષકો બની ગયા અને અડધા ઉપરાંત ભાષકોએ યુરોપિયન ભાષા સ્વીકારી લીધી; છતાં યુનાઇટેડ સ્ટેટ્સમાં જ આજે લગભગ અઢી લાખ ભાષકો જુદી જુદી બસો જેટલી અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ બોલે છે તે ચોક્કસ છે.
આ અભ્યાસીઓએ અમેરિકન-ઇન્ડિયન ભાષાઓનું ત્રણ મુખ્ય જૂથોમાં વર્ગીકરણ કર્યું છે. કૅલિફૉર્નિયામાં, તેનાથી ઉત્તરના પ્રદેશમાં અને રૉકી પર્વતમાળાની પશ્ચિમના પ્રદેશમાં બોલાતી આ ભાષાઓને અભ્યાસીઓ ઉત્તરની અમેરિકન-ઇન્ડિયન ભાષાઓના જૂથ તરીકે ઓળખાવે છે. બીજું જૂથ મધ્ય અમેરિકન-ઇન્ડિયન ભાષાજૂથ તરીકે ઓળખાવાયું છે. કેટલાક એને મેક્સિકન જૂથ તરીકે પણ ઓળખાવે છે. ત્રીજું જૂથ છે દક્ષિણ અમેરિકન-ઇન્ડિયન ભાષાઓનું. આમાં અમેરિકાના દક્ષિણ ભાગમાં અને વેસ્ટઇંડિઝ ટાપુઓમાં બોલાતી ભાષાઓનો સમાવેશ થાય છે.
અભ્યાસીઓ : આ ભાષાઓના અભ્યાસીઓમાં જાણીતા ભાષાવિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે. જૉન વેસ્લી પૉવેલ, એડવર્ડ સપીર અને મેરી હાસ જેવાં ભાષાવિજ્ઞાનીઓએ આ ભાષાઓના વર્ગીકરણમાં, વ્યાકરણી સંરચનાના અભ્યાસમાં અને તેની અસંખ્ય બોલીઓના તુલનાત્મક અભ્યાસમાં રસ લીધો હતો.
ઈ. સ. 1891માં સૌથી પ્રથમ વ્યાપક વર્ગીકરણની રૂપરેખા જૉન વેસ્લી પૉવેલે આપી. અનેક ભાષાઓમાં મળતા એકસરખા શબ્દોના ભંડોળનો અભ્યાસ કરીને તેણે કેટલાંક મૂળભૂત જૂથો વિશે વાત કરી. આજે પણ આ વર્ગીકરણનો પાયો અભ્યાસીઓ સ્વીકારે છે.
ઈ. સ. 1929માં એડ્વર્ડ સપીરે કેટલુંક વિગતપૂર્ણ વર્ગીકરણ કરવાનો સમર્થ પ્રયાસ કર્યો. એણે આ ભાષાઓને વ્યાકરણી સમાનતાના સિદ્ધાંત ઉપર વર્ગીકૃત કરવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો. આ પાયા પર તેણે કુલ છ જૂથોનું વર્ગીકરણ સૂચવ્યું : (1) એસ્કિમો-અલેઉત, (2) આલ્ગોન્કિયન વાકાશન, (3) ના-દેનેં, (4) પેનુશ્યન, (5) હોકન-સીઓઉઅન અને (6) આઝતેક-તાનોઅન. આ દરેક જૂથને તેણે ફાઇલા (phyla) તરીકે ઓળખાવ્યું છે.
ઈ. સ. 1958માં મેરી આર. હાસે આલ્ગોન્કિયન જૂથની ભાષાઓ અને દક્ષિણપૂર્વની ગલ્ફ જૂથની મનાતી ભાષાઓ વચ્ચે કેટલાક ચોક્કસ સ્વરોનું મળતાપણું છે એમ દર્શાવ્યું. આ મળતાપણાને કારણે સપીરે સૂચવેલા વર્ગીકરણમાં કેટલીક ફેરવિચારણા માટે અવકાશ ઊભો થયો.
ઈ. સ. 1966માં ચાર્લ્સ એફ. અને ફ્લૉરેન્સ એમ. વોગેલીને આ ભાષાઓનાં જુદાં જુદાં વર્ગીકરણોનો સમન્વય સાધતો એક ભૌગોલિક નકશો પ્રગટ કર્યો. કેટલાક સમય સુધી આ નકશો એક માન્ય સંદર્ભ તરીકે વપરાતો રહ્યો. એ પછી કેટલાક વિદ્વાનોએ સપીરના વર્ગીકરણનો પુન: અભ્યાસ હાથ ધરી આ નકશાની મદદથી આ ભાષાઓને નવ ભિન્ન ભિન્ન જૂથોમાં પુન: વર્ગીકૃત કરી.
ઉત્તરની અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ : આ ભાષાજૂથની ભાષાઓનું મૂળ નક્કી થઈ શક્યું નથી, છતાં કેટલાંક અનુમાનો નોંધી શકાય એમ છે. નૃવંશવિદોનું માનવું છે કે એશિયાનાં કેટલાંક જૂથો ઉત્તર અમેરિકામાં સ્થળાંતર કરીને આવેલાં અને તેમની ભાષાઓ આ ભાષાઓના મૂળમાં હોય. જોકે એસ્કિમો-અલેઉત ભાષાજૂથ અને કેટલીક સાઇબેરિયન ભાષાઓના સંબંધો જોડવાનો પ્રયત્ન આના મૂળમાં છે એમ જોઈ શકાય. પણ આ દૂરાકૃષ્ટ અનુમાનો છે.
ઐતિહાસિક રીતે આવા સંબંધો જોડવા અને પુરાવાઓને આધારે એમને પ્રસ્થાપિત કરવા એ ઘણું મુશ્કેલ કામ છે. એટલે અત્યારે અમેરિકાના ઉત્તર ખંડમાં, કૅનેડામાં અને અલાસ્કામાં આ ભાષાઓની શી સ્થિતિ છે તે નોંધવાનું વધુ સરળ અને વાજબી ગણાય છે.
એસ્કિમોનાં મોટાભાગનાં ઇગ્લુઓમાં આજે પણ જે એસ્કિમો-ભાષા વ્યવહારમાં છે તે એસ્કિમોઅલેઉત જૂથની ભાષા છે. અહીં યુરોપિયન ભાષાઓનો પ્રભાવ બહુ જૂજ પ્રમાણમાં ફેલાયો છે અને દ્વિભાષકો અને બહુભાષકોની સંખ્યા પણ એટલી બધી નથી.
આ સિવાયના પ્રદેશમાં, ખાસ કરીને અલાસ્કા અને કૅનેડામાં સ્પૅનિશ, ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાઓનો પ્રભાવ ઘણો વિસ્તરેલો છે અને મોટાભાગના અમેરિકન-ઇન્ડિયન ભાષકો દ્વિભાષકો છે અથવા કેટલાક બહુભાષા બોલનારા છે. કૅનેડામાં અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ બોલનાર ભાષકોની સંખ્યા લગભગ એંશી હજારની નોંધાઈ છે. કૅનેડામાં આલ્ગોન્કિયનવાકાશન જૂથની ભાષાઓ બોલાય છે. પ્રાચીન સમયમાં આ જૂથની ભાષાઓ દરિયાકિનારે ફેલાયેલી હતી એમ માનવામાં આવે છે, પરંતુ આજે તો ગ્રેટ લેઇક્સ પ્રદેશમાં, મૉન્ટાના, વાયોમિંગ, ઓક્લાહોમા અને યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તરપૂર્વ વિભાગના મોટા વિસ્તારોમાં આ ભાષાઓ વપરાશમાં છે. આલ્ગોન્કિયન શાખાની જ નહિ નહિ તોય પચાસ ઉપરાંત વિવિધ બોલીઓ હતી; જેમાંની ઓલ્ગોક્વિન, આરાપાહો, બ્લૅક ફૂટ, ચેયેન્ને, ચ્રી, દેલવારે, કિકાપુ, મિક્મેક, ઓજિબ્વા, પેનોબ્સ્કોટ, સેક, શાવની, યોઉરોક જેવી ભાષાઓ આજે પણ વપરાશમાં છે. આ જૂથની વાકાશન મૂળની અને સાલીશન મૂળની એમ બે અગત્યની શાખાઓ પણ અસ્તિત્વ ધરાવતી હતી. એમાંની સાલીશન મૂળની કેટલીક ભાષાઓ – બેલ્લા કુલા, કલેલ્લમ, કોલવીલે, ફલથેડ, નિસ્કવાલ, ઓકાનોગાં, પુયાલ્લુપ, શુસ્વાપ, તિલ્લામુક જેવી આજે પણ બ્રિટિશ કોલમ્બિયા, વૉશિંગ્ટન, ઑરેગૉન, આઇડાહો અને મૉન્ટાનામાં બોલાય છે. વાકાશન મૂળની કેટલીક ભાષાઓ ઉત્તર–પશ્ચિમના પૅસિફિક દરિયાકિનારે બોલાય છે. આ ભાષાઓમાં નુટકા, નિતિનાત, મકાહ, બેલ્લા બેલ્લા અને કિતામાત જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આ જૂથની અન્ય ભાષાઓની સરખામણીમાં આ ભાષાઓ પ્રત્યયોનો પ્રમાણમાં વધુ વપરાશ કરે છે.
ના-દેનેં ભાષાજૂથની ભાષાઓ કૅનેડા તથા અલાસ્કાના પ્રદેશોમાં બોલાય છે. એમાંની આઇહાબાસ્કન, એયાક, હાઇદા અને ટલીન્ગીત ભાષાઓ કૅનેડામાં અને અલાસ્કામાં વપરાય છે. આ ભાષાઓમાં શબ્દોના અર્થોના જુદા જુદા સ્તર ધ્વનિ (tone) દ્વારા વ્યક્ત થાય છે.
પેનુશ્યન મૂળની ભાષાઓમાં માઇદુ, વિન્તુન અને યોકુત્સ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓ કૅલિફૉર્નિયામાં વપરાય છે. વળી આ જ મૂળની ચિનુક અને ત્સીમ્શિયન ભાષાઓ પૅસિફિકના ઉત્તર પશ્ચિમ કિનારે વપરાશમાં છે. આ મૂળની અન્ય કેટલીક ભાષાઓ મધ્ય અમેરિકા અને મેક્સિકોમાં પણ વપરાય છે. આ ભાષાઓ ભારત-યુરોપીય કુળની ભાષાઓની કેટલીક લાક્ષણિકતાઓ સાથે સામ્ય ધરાવે છે, જે નામની વિભક્તિઓની બાબતમાં નોંધપાત્ર છે.
હોકન-સીઓઉયન મૂળની જે ભાષાઓ વિશે વિચારણા થઈ છે તેમાંની ઘણીના વર્ગીકરણ વિશે વિવાદ છે. એમાંની એક મુખ્ય શાખા મુસ્કોજિયન તરીકે ઓળખાવાઈ છે. આ શાખાની ચોકતાવ, ચિકાસાવ, ક્રીક અને સેમિનોલ જેવી ભાષાઓ ઓક્લાહોમા અને ફ્લૉરિડામાં બોલાય છે. આમાંની કાડ્ડોયન મૂળની મનાતી કાડ્ડો, વિચિતા, પાવની અને આરીકારા ભાષાઓ ઓક્લાહોમા અને ઉત્તર ડાકોટામાં વપરાય છે.
યુમાન નામની એક શાખાનો અભ્યાસ પણ થયો છે. તેની કોકોપા, હવાસુપાઈ, કામિયા, મારીકોપા, મોહાવે, યુમા જેવી ભાષાઓ ઍરિઝોના અને કૅલિફૉર્નિયામાં બોલાય છે.
ઇરૉક્વૉઇયન ભાષાજૂથની કેટલીક ભાષાઓ આજે વપરાશમાં છે. એમાંની સેનેકા, ચાયુગા, ઓનાન્ડાગા, મોહવાક, ઓનેઇડા, વ્યાન્દોત અને તુસ્કારોરા ભાષાઓ ન્યૂયૉર્ક, વિસ્કૉન્સિન અને ઓક્લાહોમામાં બોલાય છે.
ચેરોકી મૂળની કેટલીક ભાષાઓ ઉત્તર કૅલિફૉર્નિયા અને ઓક્લાહોમામાં વપરાશમાં છે, તો સીઓનુન મૂળની કટાવ્બા દક્ષિણ કૅલિફૉર્નિયામાં, વિન્નેબાગો વિસ્કૉન્સિન અને નેબ્રાસ્કામાં, ઓસાગે નેબ્રાસ્કા અને ઓક્લાહોમામાં, એસ્સીની બૉઇન મિનેસોટા, ઉત્તર ડાકોટા, મૉન્ટાના અને નેબ્રાસ્કામાં તથા ક્રો ભાષા મૉન્ટાનામાં બોલાય છે.
આ જૂથના છેલ્લા મહત્વના ઉપજૂથ આઝતેક-તાનોઅનની મુખ્ય બે શાખાઓ છે. પહેલી છે ઉતો-આઝતેકન અને બીજી છે તાનોઅન. આ ભાષાજૂથની ભાષાઓ ઉત્તરપશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સથી માંડી મેક્સિકો અને મધ્ય અમેરિકામાં પણ બોલાય છે.
ઉતો-આઝતેકન શાખાનાં બે મુખ્ય વિભાજન કરવામાં આવે છે. નાહુઆત્લન વિભાગની ભાષાઓ મેક્સિકો અને મધ્ય અમેરિકાના કેટલાક ભાગમાં બોલાય છે. બીજા વિભાગની ભાષાઓ શોશોનિયન જૂથની ભાષાઓ તરીકે ઓળખાય છે તેમાં કોમાન્ચે, હોપી અને શોશોને જેવી જાણીતી ભાષાઓનો સમાવેશ થાય છે. આમાંની કોમાન્ચે અને શોશોને ભાષાઓ કૅલિફૉર્નિયા, ઓક્લાહોમા, વાયોમિંગ વગેરે જગ્યાએ વપરાશમાં છે, તો હોપી ભાષા ઍરિઝોનામાં બોલાય છે.
તાનોઅન ભાષાઓ સાથે ઝૂની ભાષા પણ સંકળાયેલી છે એવી માન્યતા છે. આ ઝૂની ન્યૂ-મેક્સિકોમાં બોલાય છે તો તાનોઅન જૂથની ભાષાઓ ન્યૂ-મેક્સિકો ઉપરાંત ઍરિઝોનામાં પણ વપરાશમાં છે.
મધ્ય અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ : મધ્ય અમેરિકામાં અને મેક્સિકોમાં બોલાતી આ ભાષાઓનાં લગભગ પચીસ જૂથોનું વિભાગીકરણ કરવામાં આવ્યું છે. આમાંનું એક જૂથ યુમાન ભાષાઓનું જૂથ છે. આ યુમાન ભાષાઓમાંની એક બાની નામની ભાષા કૅલિફૉર્નિયામાં બોલાય છે, પરંતુ એની અન્ય ભાષાઓ મેક્સિકો અને મધ્ય અમેરિકામાં બોલાય છે. આ ભાષાઓમાં કોહાઇલ્તેકન, ગ્યાકુરન, જીકાક જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.
મેક્સિકોમાં ઑટોમિયન જૂથની કોટોમી ભાષા મળે છે. આની એક બીજી મોટી શાખા મૅક્રો-ઑટોમાન્ગ્વિયન મનાય છે, જેમાં મેક્સિકોમાં જ વપરાતી મીકસ્ટેકન અને ઝાપોટેકન ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે.
ઉતો-આઝતેકન જૂથમાં જેનો સમાવેશ કરવામાં આવે છે તે નાહુઆત્લન જૂથની ભાષાઓ પણ મેક્સિકો અને મધ્ય અમેરિકામાં મળે છે. આમ જોવા જઈએ તો ઉત્તરી જૂથના આઝતેકનતાનોઅન જૂથની ઉતો-આઝતેકન ભાષાઓ એક વિશાળ ઉપજૂથ તરીકે સમાવી શકાય.
મધ્ય અમેરિકાની સૌથી મહત્વની ભાષાઓ તે માયન અથવા માયા ભાષાઓ છે. આમ તો આ ભાષાઓને પણ પેનુશ્યન જૂથની વિશાળ ઉપજૂથની ભાષાઓ તરીકે ઓળખાવવામાં આવે છે. આ પેનુશ્યન જૂથની હુઆવે, મીકે, ઝોક, ટોટોનાકન જેવી કેટલીક ભાષાઓ મેક્સિકો અને ગ્વાટેમાલામાં બોલાય છે; પણ વધુ મહત્વની માયા ભાષાઓ છે. એ પ્રાચીન માયા સામ્રાજ્ય અને સંસ્કૃતિની કાયદેસરની મુખ્ય ભાષા હતી અને આજે પણ તેની અનેક આધુનિક બોલીઓના લગભગ એક કરોડ જેટલા ભાષકો છે એમ અંદાજવામાં આવે છે.
આમ તો દક્ષિણ અમેરિકન-ઇન્ડિયન જૂથની ગણાય એવી કેરીબાન અને ચીબચાન ભાષાઓ પણ મધ્ય અમેરિકામાં અસ્તિત્વ ધરાવે છે. છતાં મધ્ય અમેરિકન-ઇન્ડિયન ભાષાજૂથ એવું પ્રમાણમાં નાનકડું ભાષાજૂથ વર્ગીકૃત કરવાનું મોટાભાગના વિદ્વાનો પસંદ કરે છે.
દક્ષિણ અમેરિકા અને વેસ્ટઇન્ડિઝમાં બોલાતી દક્ષિણ અમેરિકન-ઇન્ડિયન જૂથની ભાષાઓ : ન કલ્પી શકાય એટલી મોટી સંખ્યામાં અનેક ભાષાઓ આ જૂથમાં સમાવિષ્ટ થાય છે. દક્ષિણ અમેરિકાની આ ભાષાઓને લગભગ સો ઉપરાંત ઉપજૂથોમાં વર્ગીકૃત કરવાના પ્રયત્નો થયા છે. વેસ્ટઇન્ડિઝમાં પણ આ જૂથની લગભગ હજાર કરતાંય વધુ ભાષાઓ શોધાઈ છે.
અભ્યાસીઓએ આ બધી ભાષાઓને મુખ્ય બે જૂથોમાં વર્ગીકૃત કરી છે : 1. આરાવાકન અને 2. કેરીબાન. ભાષાકીય સંબંધોનાં મૂળ તપાસીને દક્ષિણ વિભાગની આ ભાષાઓને સામાન્ય રીતે આઠ વિભાગોમાં વર્ગીકૃત કરવાનું પણ પસંદ કરવામાં આવે છે. આ આઠ જૂથો તે, (1) ચીબચાન, (2) કેરીબાન, (3) ગે, (4) ક્વેચુઆ, (5) આયમારા, (6) આરાઉકાનિયન, (7) આરાવાકન અને (8) તુપીગૌરાની.
આ ભાષાજૂથોમાંની ચીબચાન કોલમ્બિયાના પ્રદેશમાં, ઇક્વેડૉર, પનામા, કૉસ્ટારિકા અને નિકારાગુઆમાં વિસ્તરી. કેરીબાન અને ગે ભાષાઓ એક જ મૂળની ભાષાઓ રૂપે આલેખાય છે. પ્રાચીન સમયમાં કેરીબાન ભાષાઓનું મહત્વ ઘણું હતું. તે વેસ્ટઇન્ડિઝ, બ્રાઝિલ, પેરુ, વેનેઝુએલા, ગિયાના અને કોલમ્બિયામાં વિસ્તરી હતી અને આજે ઉત્તરદક્ષિણ અમેરિકા તથા વેસ્ટઇન્ડિઝના કેટલાક ભાગોમાં મળે છે. યુદ્ધ પહેલાંના સમયમાં તે ભાષાઓ પૂર્વ બ્રાઝિલમાં બોલાતી હતી. એમાંથી અંદાજે પચાસ જેટલી ભાષાઓ આજે પણ તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવે છે.
ક્વેચુઆ મૂળની મુખ્ય બે ભાષાઓ હતી : ક્વેચુઆ અને ક્વીચુઆ. એ બે ઉપરથી આ જૂથની ભાષાઓ ક્વેચુઆ જૂથ તરીકે ઓળખાય છે. કેટલાક તેને આન્ડિયનની શાખા તરીકે ઓળખાવે છે. આ શાખાનું મૂળ કુળ આન્ડિયન ઇક્વેટૉરિયલ છે. આ મૂળની એક આયમારા આજે લગભગ ચૌદ ભિન્ન ભિન્ન ભાષાઓ રૂપે પેરુમાં અને બોલિવિયાના કેટલાક ભાગોમાં બોલાય છે અને એક અંદાજ પ્રમાણે દસ લાખથી વધુ ભાષકો આ ભાષાઓ બોલે છે.
આરાઉકાનિયન કુળ માપુચે ભાષાઓનું બનેલું છે. તેના ભાષકો આર્જેન્ટીના અને ચિલીમાં મળે છે. દક્ષિણ અમેરિકામાં બોલાતી અમેરિકન-ઇન્ડિયન ભાષાઓમાં સૌથી વધુ પથરાયેલી ભાષાઓ આરાવાકન કુળની છે. મૂળ તો આ ભાષાઓ વેસ્ટઇન્ડિઝ, દક્ષિણ બ્રાઝિલ અને ઍન્ડીઝના પૂર્વ ભાગમાં બોલાતી હતી, પણ એમાંની કેટલીક વેસ્ટઇન્ડિઝમાંથી અદૃશ્ય થઈ છતાં આજે વેનેઝુએલા, કોલમ્બિયા, બ્રાઝિલ, ગિયાના, પેરુ, પરાગ્વે અને બોલિવિયામાં સચવાયેલી છે. વિસ્તારની દૃષ્ટિએ આરાવાકન પછીના ક્રમે તુપીગૌરાની ભાષાજૂથની ભાષાઓ ગણાય છે. આ ભાષાઓ તુપિયન ભાષાઓ રૂપે પણ ઓળખાય છે અને પૂર્વ બ્રાઝિલના એક છેડેથી ઍમેઝોન નદી અને ઍન્ડીઝ સુધી તે બોલાય છે. પરાગ્વે, બ્રાઝિલ, આર્જેન્ટીના અને બોલિવિયામાં પણ આ જૂથની ભાષાઓ વપરાય છે. તેની એક સો વીસ જેટલી ભાષાઓ સચવાઈ છે. આ કુળની મહત્વની બે શાખાઓ તે તુપી અને ગૌરાની. આમાંની તુપી બ્રાઝિલમાં ઇન્ડિયનો માટે મિશ્ર ભાષા (lingua franca) તરીકે ઉપયોગમાં આવે છે. પરાગ્વેમાં એક કરોડથી વધુ ભાષકો બોલે છે એ ગૌરાની ભાષા ત્યાં સ્પૅનિશની સાથે સહ-સરકારી ભાષા તરીકે સ્વીકારાયેલી છે. આ ભાષાના ભાષકો બ્રાઝિલમાં પણ છે.
દક્ષિણ અમેરિકન-ઇન્ડિયન ભાષાજૂથની હજુ અનેક ભાષાઓનું વ્યવસ્થિત વર્ગીકરણ થયું નથી. કેટલીક ભાષાઓનાં સંશોધનો અને વર્ગીકરણનું કામ ચાલુ છે અને આ બધાં ગોઠવવામાં આવેલાં વર્ગીકરણોમાં પણ પુનર્રચનાને ઘણો અવકાશ છે.
અમેરિકન-ઇન્ડિયન ભાષાઓનું સાહિત્ય : પ્રાચીન લખાણો પ્રાપ્ત નથી. પરંતુ મૌખિક પરંપરાએ જાળવેલું ઘણું લોકસાહિત્ય આ બધી ભાષાઓમાં વિવિધ રૂપે ઉપલબ્ધ છે. માયા અને આઝતેક ભાષાઓમાં લખાયેલું મનાતું કેટલુંક પ્રાચીન લખાણ જોકે ઉપલબ્ધ છે, છતાં એને હજુ યોગ્ય રૂપે ઉકેલી શકાયું નથી. અને તેથી એને વિશે ચોક્કસપણે કશું કહી શકાયું નથી. માયા ભાષામાં કોઈ પુસ્તકો મળ્યાં નથી, પણ એ લખાણ પ્રાચીન મકાનો ઉપરના શિલાલેખોમાં જોવા મળે છે. માયા અને આઝતેક બંને ભાષાઓ ચિત્રલિપિમાં લખાયેલી માલૂમ પડે છે અને લગભગ 800 જેટલા ચિત્રસંકેતોના અર્થોને બેસાડવાના કામચલાઉ પ્રયત્નો થયા છે. આ કામગીરીમાં કમ્પ્યૂટરના ઉપયોગને પણ આશાસ્પદ લેખવામાં આવ્યો છે. પેરુના ઇન્કા લોકો ગાંઠોવાળાં દોરડાં, રસ્સી કે નાની દોરીઓનો ઉપયોગ લખાણના સાધન તરીકે કરે છે. એને એ લોકો ‘ક્વીપુ’ તરીકે ઓળખાવે છે અને તેની પ્રતિકૃતિઓ લખાણના આકારમાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, લીલું દોરડું અથવા શ્રેણીની પ્રતિકૃતિ દાણાનો અર્થ વ્યક્ત કરે છે. લાલ શ્રેણી સૈનિકનો અર્થ સૂચવે છે. એક ગાંઠ બરાબર દસ નંબર થાય છે. બે ગાંઠ બરાબર વીસ થાય. ઉપરાઉપરી બે ગાંઠ હોય તો સોનો આંકડો સૂચવાય છે. પૂર્વઉત્તરના અમેરિકન-ઇન્ડિયનો એકબીજા સાથે ગૂંથાયેલા પટ્ટાઓ અને તેની પ્રતિકૃતિઓની છાપોના ચિત્રસંકેતોની મદદથી લખાણ-વ્યવહાર કરતા નોંધાયા છે.
અન્ય અવગમન સંકેત-વ્યવસ્થા : અમેરિકન-ઇન્ડિયન ભાષકો ભાષા ઉપરાંત અન્ય સાંકેતિક વ્યવસ્થાથી અવગમનવ્યવહાર કરતા નોંધાયા છે. આમાં હાવભાવ, હાથ અને હથેળીના સંકેતોની એક વ્યવસ્થા નોંધપાત્ર છે. માહિતીના અવગમન માટે ધુમાડાના વિવિધ સંકેતોનો ઉપયોગ પણ તેઓ કરે છે. ‘આ વિસ્તારમાં દુશ્મનો છે’ એવા સાદા સંદેશાઓ આવા સંકેતોથી દૂર સુધી મોકલી શકાય છે.
આ ભાષાઓનું પ્રદાન : આજે તો અમેરિકાના મોટાભાગના પ્રદેશમાં યુરોપિયન ભાષાઓ કાયદેસરની ભાષાઓ તરીકે વપરાય છે, પણ એ ભાષાઓમાં અનેક શબ્દો આ ભાષાઓમાંથી લીધેલા મળેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક પ્રાંતોનાં નામ મૂળ આ ભાષામાંથી લીધેલાં મળી આવે છે. વળી અંગ્રેજી, સ્પૅનિશ, પૉર્ટુગીઝ જેવી ભાષાઓ અમેરિકામાં વપરાય છે ત્યાં એમનું જે અમેરિક્ધા રૂપ અસ્તિત્વમાં આવ્યું છે તેમાં ‘ચૉકોલેટ’, ‘કોવોટે’ કે ‘ટોમેટો’ જેવા શબ્દો મેક્સિકન ઇન્ડિયન ભાષામાંથી; તો ‘મેઇઝ’, ‘પોટેટો’, ‘કૅનિબાલ’, ‘હરિકેન’ જેવા શબ્દો વેસ્ટઇન્ડિઝની ભાષાઓમાંથી તો ‘કોકો’, ‘જાગુઆર’, ‘ક્વિનાઇન’, ‘ટાપિયોકા’ જેવા શબ્દો દક્ષિણની અમેરિકન-ઇન્ડિયન ભાષાઓમાંથી લેવામાં આવ્યા છે.
યુદ્ધ સમયે અમેરિકન સૈન્યમાં છૂપા સંદેશાઓ મોકલવા–મેળવવા અમેરિકન-ઇન્ડિયન ભાષાઓનો વપરાશ થતો. નવાહો, આપાકે અને ચેરોકી જેવી ભાષા સૈન્યમાં કેટલાક ખાસ વ્યવહારો માટે ઉપયોગમાં લેવામાં આવતી. બીજા વિશ્વયુદ્ધમાં આ ભાષાના મૂળ ભાષકોને જ કેટલાક ખાસ ગુપ્ત સંદેશાઓની લેવડદેવડ માટે એમની અત્યંત મુશ્કેલ ભાષામાં કામ કરવાનું સોંપવામાં આવેલું. ગ્રીનલૅન્ડની એસ્કિમો ભાષામાં સત્તર ધ્વનિઓ છે તો નવાહોમાં સુડતાલીસ ધ્વનિઓ કામયાબ છે અને એક સંકુલ ધ્વનિવ્યવસ્થા રચે છે. કેટલાકમાં વ્યંજનો ગ્લૉટલ સ્ટૉપ્સનાં મિશ્રણો સાથે ઉચ્ચારાય છે. ઉચ્ચારણમાં સ્વરભાર અને સૂરનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. જોકે વ્યાકરણની દૃષ્ટિએ એકવચન/બહુવચન એમ બે વચન, નામને વિભક્તિઓ લાગવી, સંજ્ઞાઓના જડ/ચેતન એવા ભેદ — એ બધું એટલું સંકુલ નથી, છતાં પ્રમાણમાં આ ભાષાઓ સંકુલ હોવાથી સૈન્યમાં એનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો.
અમેરિકામાં આ મૂળની ભાષાઓ ઝડપથી ભૂંસાતી જાય છે અને તેમને સ્થાને અંગ્રેજી, ફ્રેન્ચ, ડચ, સ્પૅનિશ, પૉર્ટુગીઝ જેવી ભાષાઓ ફેલાતી જાય છે. આનું એક કારણ આધુનિકીકરણ છે તો બીજું કારણ આ ભાષાઓના મૂળમાં પડેલું છે. આ ભાષાઓમાં એવું કંઈ મહાન સાહિત્ય સર્જાયું નથી. અલબત્ત, આ મૂળની ભાષાઓમાં કેટલીક મૌખિક લોકસાહિત્યની સમૃદ્ધ પરંપરા જીવતી છે, છતાં એનો જોઈએ તેટલો વ્યાપક અને ઊંડો અભ્યાસ થયો નથી. ભાષાનાં વૈશ્વિક તત્ત્વોની તપાસમાં આ ભાષાઓનાં સંશોધનોએ કેટલોક મહત્વનો ફાળો આપ્યો છે. કેટલાક મૂળ અમેરિકન-ઇન્ડિયન વતનીઓ આ ભાષાઓના પુનર્નિર્માણની કામગીરી કરે છે અને આજની જે જાતિગત સભાનતાની સ્થિતિ છે તેમાં પોતાની જાતિ અને કુળના ગૌરવનું પ્રતિસ્થાપન કરવા મથે છે કે જેથી એમના સાંસ્કૃતિક અસ્તિત્વને એક અલગ અસ્મિતા રૂપે ઓળખવામાં આવે.
યોગેન્દ્ર વ્યાસ