અમે બધાં (1936) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. તેના લેખક ધનસુખલાલ કૃ. મહેતા અને જ્યોતીન્દ્ર દવે છે. આ વિનોદપ્રધાન નવલકથાના સર્જન પાછળ સૂરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણને શબ્દમાં ઝીલી લેવાં એવો આશય છે. એ રીતે અહીં સૂરત અને એના સમાજજીવનનું એ કાળનું તાશ ચિત્ર ઊપસ્યું છે. સત્તાવીસ જેટલાં પ્રકરણોમાં વિસ્તરેલી આ કથાનું કથનકેન્દ્ર પ્રથમ પુરુષનું છે. પોતાના જન્મથી આરંભીને પત્ની તનમન સાથેની પ્રથમ રાત્રિ સુધીની કથા નાયક બિપિનના મુખે અહીં કહેવાય છે. બંને લેખકોએ કુટુમ્બકથાને નિમિત્તે રોજબરોજના સર્વસામાન્ય પ્રસંગો ગૂંથીને લાક્ષણિક હાસ્ય નિપજાવ્યું છે, જેનો અનુભવ પ્રથમ પ્રકરણથી જ થઈ રહે છે. બિપિનના જન્મ વખતે બંને પક્ષના પરિવારજનોની મન:સ્થિતિના ચિત્રણમાં હાસ્યની ક્ષણો લેખકોએ અત્યંત સ્વાભાવિક રીતે ઝડપી લીધી છે. ‘મારા પૂર્વજો  મારા જન્મના કેટલાક જવાબદારો’માં પૂર્વજો વિશે માંડીને કહેવાયેલી રસપ્રદ કથામાં આવતાં પાત્રો વિસંગતિ કે અતિશયોક્તિના આધાર વડે વિલક્ષણ રીતે રેખાંકિત થયેલાં છે. ‘વિવાહની વાતચીત’ અને ‘સંવનન’ જેવાં પ્રકરણોમાં આવતાં કાકા, નાના, નાની કે મામી જેવાં પાત્રો તે કાળના હિન્દુ સમાજનું ચિત્ર ઊભું કરે છે. મનુષ્યસ્વભાવની ન્યૂનતાઓનું અહીં હાસ્યની રગમાં હૃદ્ય આલેખન થયું છે. મર્યાદાઓ સાથે પણ આ બધાં પાત્રો વાચકને સ્પર્શી રહે એવી જીવંતતા દાખવે છે.

બિપિનની માતા મંગળાનું પાત્ર વિશેષ રૂપે ઉલ્લેખ માગી લે છે. ‘મા’ શબ્દને ચરિતાર્થ કરી બતાવે એવું કોમળ, પવિત્ર, પતિપરાયણ અને સંતાનસમર્પિત એનું વ્યક્તિત્વ છે. ‘હોળી : દાદાનું અવસાન’માં દાદાનું એક વત્સલ ચિત્ર મળે છે. ‘શાળાનાં સંસ્મરણો : મારા કેટલાક શિક્ષકો’ પ્રકરણમાં ગંગુ મહેતા, કિશનલાલ કે ચૂનીલાલ વગેરે શિક્ષકોનાં હાસ્યોત્પાદક ચિત્રો આપવામાં આવ્યાં છે. રેખાચિત્રો  ઠઠ્ઠાચિત્રોનું એમાં રોચક મિશ્રણ થયેલું જોવાય છે. પછીના પ્રકરણ ‘રમતગમતો’માં ક્રિકેટનું આખું વર્ણન રમૂજપ્રેરક બન્યું છે.

‘સૂરતની ગીતા’ તરીકે ઓળખાયેલી ‘અમે બધાં’ એમાંના નિર્દોષ ને નિર્દંશ હાસ્યને લઈને ગુજરાતી હાસ્યકથાઓની ધારામાં મહત્વનું સ્થાન પામતી નવલકથા બની છે. ‘ભદ્રંભદ્ર’ પછી આવી સળંગ હાસ્યપ્રધાન નવલકથા લખવાના સફળ પ્રયત્ન તરીકે, તેમજ ગુજરાતમાં પ્રથમ સંયુક્ત લેખન તરીકે પણ, તેનું ઐતિહાસિક મૂલ્ય રહ્યું છે. પાછળથી આ હાસ્યકથા ઉપરથી ‘સરી જતું સૂરત’ એવું નાટક પણ લખાયું છે.

પ્રવીણ દરજી