ગ્લિરિસિડિયા (Gliricidia maculata) : દ્વિદળીના કુળ Leguminosaeના ઉપકુળ Papilionaceae(Fabaceae)નો આશરે 5–7 મીટર ઊંચો પતનશીલ છોડ. અં. Madre tree. The spotted Glirid. ગુ. સુંદરી. તે મૂળ દક્ષિણ અમેરિકાનો વતની હોવા છતાં ભારત અને ગુજરાતની વનસ્પતિઓ સાથે ભળી જતો હોવાથી સહેલાઈથી ઉગાડી શકાય છે. ડિસેમ્બરથી એપ્રિલ સુધી આછા ગુલાબી રંગનાં ફૂલોથી તેની ડાળીઓ લચી પડે છે ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે. તેની પાપડી જેવી શિંગો ફેબ્રુઆરીથી મે સુધી લટકતી હોય છે.

તેનું હાલનું શાસ્ત્રીય નામ Gliricidia sepium (Jacq) Walp છે; પરંતુ તેનું જૂનું નામ Lanchocarpus maculata L હતું. તેના 15–30 સેમી. લાંબાં સંયુક્ત પર્ણોની પર્ણિકાઓ નીચેની બાજુએ કાળાં ટપકાં અને સફેદ રુવાંટી ધરાવે છે. તેની વંશવૃદ્ધિ બી અથવા કટકારોપણથી તાત્કાલિક થાય છે. ફૂલની શોભા ઉપરાંત પાન અને કુમળી ડાળીઓ લીલા પડવાસ (green manure) તરીકે ઉપયોગી છે. તેને નવી ફૂટ તરત જ ઝડપથી બાઝે છે અને પાન-ડાળીઓ સત્વરે જમીનમાં ચોંટી જાય છે.

મ. ઝ. શાહ