અમૃતમંથન (1934) : મરાઠી અને હિન્દી ફિલ્મ. કથા : એન. એચ. આપટે; દિગ્દર્શક : વી. શાન્તારામ; નિર્માતા : પ્રભાત ફિલ્મ કંપની; મુખ્ય અદાકારો : નલિની તરખડ, શાન્તા આપટે, સુરેશબાબુ, ચન્દ્રમોહન.
અવન્તીનો રાજા કાન્તિવર્મન સુધારાવાદી હતો. એણે દેવદેવીઓને રાજી કરવા અપાતા મનુષ્ય કે પશુના બલિ પર પ્રતિબંધ મૂક્યો, જેનો રાજગુરુ વિરોધ કરે છે. એ લોકોને રાજાની વિરુદ્ધ ઉશ્કેરે છે અને યશોધર્મા નામના એક મારાને રોકે છે. યશોધર્મા રાજાને મારવા જતાં પૂર્વે પોતાના દીકરા માધવગુપ્ત તથા દીકરી સુમિત્રાને ચિઠ્ઠી લખીને પોતાના કાર્યની જાણ કરે છે. રાજાના ખૂનીનું રાજગુરુ રક્ષણ કરવાને બદલે પકડાવી દે છે. યશોધર્માને ફાંસી થાય છે. માધવગુપ્ત અને સુમિત્રા પિતાના અગ્નિસંસ્કાર કરે છે, ત્યારે એના શબ આગળ એક ચિઠ્ઠી મળે છે, જેમાં રાજગુરુનાં કરતૂતો વર્ણવ્યાં હોય છે. રાજગુરુને એની ખબર પડતાં એ માધવગુપ્તને પકડે છે, પણ સુમિત્રા ભાગી જાય છે. કાન્તિવર્મનની ગાદીએ એની દીકરી મોહિનીને બેસાડાય છે. રાજગુરુ માધવગુપ્તનો દેવીને બલિ આપવા એની પાસે હુકમ કઢાવે છે. મોહિની માધવગુપ્તને લઈને ભાગે છે. મોહિની પકડાય છે, પણ માધવગુપ્ત બુદ્ધવિહારમાં આશરો લે છે. બહેનને શોધવા આવેલો માધવ પકડાય છે. રાજગુરુ એનો બલિ આપવાની તૈયારી કરે છે, ત્યારે લોકોને રાજગુરુનાં કરતૂતની ખબર પડતાં લોકો હલ્લો કરે છે. રાજગુરુ કફોડી પરિસ્થિતિમાં મુકાતાં, દેવીને પોતાનું જ બલિદાન આપે છે. મોહિની અંતે કહે છે કે એના રાજ્યમાં ધર્મને નામે અપાયેલું આ છેલ્લું બલિદાન છે.
ધર્મને નામે કરાતી માનવહત્યાની વાત ઐતિહાસિક સંદર્ભમાં આલેખી તત્કાલીન સમસ્યા પણ શાંતારામે કુશળતાથી પરોક્ષ રીતે નિરૂપી છે. આ ચલચિત્રની અનેક લાક્ષણિકતાઓ હતી; જેવી કે, ધ્વનિનિરોધક (soundproof) સ્ટુડિયોમાં આ પ્રથમ ચલચિત્ર ઉતારાયું હતું, કથાપ્રવાહ દ્રુત ગતિએ વહેતો હતો, ચરિત્ર અદાકાર ચંદ્રમોહનની મોટી આંખોથી વિશિષ્ટ અસર ઊપજતી હતી. આ ફિલ્મનો વિશાળ ચાહક વર્ગ હતો.
કેતન મહેતા