અમીરખાં (જ. ?, રામપુર; અ. 1870, રામપુર, ઉત્તરપ્રદેશ) : તાનસેન વંશની પરંપરાના ભારતીય સંગીતકાર. આ વંશની વિશિષ્ટ પરંપરા મુજબ સંગીતકારને કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત બંનેની એક સાથે તાલીમ આપવામાં આવતી. ઓગણીસમી સદીના આવા અગ્રણી સંગીતકારોમાં અમીરખાં (રામપુર) નામથી જાણીતા બનેલા સંગીતકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમનો કંઠ મીઠો હોવાથી તેમણે વીણાવાદનની તાલીમ ઉપરાંત કંઠ્ય સંગીતની તાલીમ પણ પ્રાપ્ત કરી હતી. તેઓ ધ્રુપદ અને હોરી ગાયનમાં વિશેષ ખ્યાતિ ધરાવતા હતા. પ્રસિદ્ધ બીનકારોમાં પણ તેમની ગણના થતી હતી. તેમણે વીણાના બાર અંગ-સમુદાયોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
રામપુરના નવાબ શાસ્ત્રીય સંગીતમાં વિશેષ રુચિ ધરાવતા હોવાથી તેઓ સંગીતકારોને આશ્રય આપતા. ઓગણીસમી સદીના મધ્યમાં તેમના દરબારમાં બહાદુર હુસેનખાં નામક એક અગ્રણી સંગીતકાર દરબારી ગાયક હતા. તેમની ભલામણથી અમીરખાંને પણ રામપુરના દરબારમાં સંગીતકાર તરીકેનું સ્થાન મળ્યું અને ત્યારથી અમીરખાં (રામપુર) નામથી તેઓ જાણીતા બન્યા. તેમના નાના ભાઈ રહીમખાં અને પુત્ર વજીરખાં પણ સારા ગાયક હતા. વજીરખાં પિતાની જેમ વીણા-વાદનમાં માહેર હતા. તેમણે ગાયન અને વાદન બંનેની તાલીમ પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી.
અમીરખાં(રામપુર)ના શિષ્યોમાં પ્રસિદ્ધ સરોદવાદક ફિદાહુસેન વિશેષ ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે